'આજે મારા માટે ખરા અર્થમાં નવું વર્ષ છે', સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બિલકીસબાનોએ શું કહ્યું?

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો સાથે બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના 11 દોષિતોને સજામાફી આપીને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાનો આદેશ આપ્યો ત્યારે દેવગઢબારિયામાં આવેલા બિલકીસબાનોનું ઘર એકદમ ખાલીખમ દેખાતું હતું.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં દોષિતોને આવતા બે અઠવાડિયાંની અંદર જેલ અધિકારીઓને રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે.

બિલકીસબાનોએ આ ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “આજે મારા માટે ખરા અર્થમાં નવું વર્ષ છે. હું રાહતના આંસુએ રડી રહી છું. દોઢ વર્ષમાં હું પહેલીવાર હું હસી રહી છું. એવું લાગે છે કે મારા હૃદય પર રાખેલો પહાડ જેવો કોઈ પથ્થર ઉઠાવી લેવામાં આવ્યો હોય અને હું એકવાર ફરી શ્વાસ લઈ શકું છું. આવો હોય છે ન્યાય.”

બિલકીસબાનોના પતિ યાકૂબ રસૂલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે "આ ચુકાદાથી બિલકીસને ન્યાય મળ્યો છે તેથી અમે ખૂબ જ ખુશ છીએ. અમને સુપ્રીમ કોર્ટ પર ભરોસો હતો અને આ ચુકાદાએ અમારો ભરોસો કાયમ રાખ્યો છે. હું સુપ્રીમ કોર્ટનો ખૂબ જ આભારી છું."

તો ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પહેલાં તેઓ ચુકાદાનો અભ્યાસ કરશે પછી જ કોઈ પ્રતિક્રિયા આપી શકશે.

ગુજરાતમાં થયેલા 2002નાં રમખાણો પછી દેવગઢબારિયાના આ વિસ્તારમાં ઢગલાબંધ મકાનો બાંધવામાં આવ્યાં હતાં, અને નજીકનાં ગામડાઓમાંથી મુસ્લિમો અહીં સ્થળાંતર થયા હતા. આ વિસ્તારમાં ઓછાંમાં ઓછાં 74 ઘરો રણધીકપુરના મુસ્લિમ પરિવારોનાં છે અને બિલકીસબાનો પણ 2002 પહેલાં તેમના પરિવાર સાથે અહીં રહેતાં હતાં.

પહેલી નજરે જોતાં જ જણાઈ આવતું હતું કે બાનોનું ઘર ઘણા દિવસોથી બંધ પડ્યું છે. તેમના પાડોશીએ જણાવ્યું કે બાનો તેમનાં પતિ યાકૂબ પટેલ અને બાળકો બે અઠવાડિયાં પહેલાં અહીં જ રહેતાં હતાં પરંતુ મીડિયાની નજરોથી બચવા માટે તેઓ અજ્ઞાત સ્થળે જતાં રહ્યાં.

વીડિયો કૅપ્શન, ‘ગુજરાત સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો’, બિલકીસબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

બિલ્કીસબાનોના ઘરની પાસે કેવો માહોલ છે?

દેવગઢ બારિયા

ઇમેજ સ્રોત, ROXY GAGDEKAR CHHARA/BBC

ઇમેજ કૅપ્શન, દેવગઢબારિયામાં બિલકીસબાનોનું ઘર જ્યાં હવે કપડાની દુકાન છે

સુપ્રીમ કોર્ટના આદેશથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં ખુશી જોઈ શકાતી હતી. વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ તમે જોઈ શકો કે લોકો ભેગા થયા હતા.

બિલકીસબાનોના સંબંધી રઝાક મનસૂરીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે, "તેઓ એ વાત જાણીને ખુશ છે કે ન્યાય માટે કરેલા સંઘર્ષનું સારું પરિણામ આવ્યું. આ કેસમાં આ 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના આદેશ પછી અમે ભાંગી પડ્યા હતા પરંતુ આજે ન્યાયતંત્રમાં અમારો વિશ્વાસ મજબૂત થયો છે."

તેમને ઉમેર્યું કે, "અમારે ન્યાય મેળવવા માટે ખૂબ જ પીડાઓ ભોગવવી પડી છે. અમારે દરેક સુનાવણી વખતે મુંબઈ સુધી મુસાફરી કરવી પડતી. અમને અમારી નોકરી છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા અને ન્યાય મેળવવા માટે અમારે પોતાના ઘણા રૂપિયા પણ ખર્ચવા પડ્યા."

"રાજ્ય સરકારે પોતાના આદેશ દ્વારા આ ન્યાયને પણ છીનવી લીધો. જો કે અમે આ આદેશ વિરુદ્ધ લડવાનો નિર્ણય કર્યો અને અમે (બિલકીસે) અરજી દાખલ કરી."

વીડિયો કૅપ્શન, બિલકીસબાનોના દેવગઢબારીયાના ઘરની બહાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું માહોલ છે?

દોષિતો જ્યાં રહે છે તે રણધીકપુરમાં કેવો માહોલ છે?

 રણધિકપુર

ઇમેજ સ્રોત, ROXY GADGEKAR CHHARA/BBC

ઇમેજ કૅપ્શન, રણધીકપુરમાં પોલીસ બંદોબસ્ત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ જ્યારે રણધીકપુરની મુલાકાત લીધી કે જ્યાં 11 દોષિતો રહે છે ત્યાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં માહોલ સામાન્ય દિવસ જેવો જ હતો. જો કે પોલીસ અધિકારીઓ સતર્ક હતા જેથી આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી શકાય.

આ વિસ્તારને કેસરી ધ્વજોથી શણગારવામાં આવેલો હતો, જો કે આદેશ પછી વિસ્તાર એકદમ શાંત થઈ ગયો હતો. કોઈ પણ દોષિત કે તેમના પરિવારના સભ્યો આ ઘટના પર વાત કરવા તૈયાર ન હતા.

વિસ્તારના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં વધારાના પોલીસ દળને સતર્ક રાખવામાં આવ્યા છે.

એ મુસ્લિમ વિસ્તાર જ્યાં બિલકીસબાનો તેમના પરિવાર સાથે 2002 પહેલાં રહેતાં હતાં તે સ્થાનિક પોલીસ સ્ટેશનથી થોડાક મીટર દૂર હતો. જો કે ઘણા લોકો 2002નાં રમખાણો પછી તે મકાનો છોડીને હવે દેવગઢબારિયામાં વસવાટ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને પલટાવતા પોતાના ચુકાદામા કહ્યું છે કે દોષિતોને માફ કરવાની સત્તા ગુજરાત સરકાર પાસે નથી પરંતુ મહારાષ્ટ્રની સરકાર પાસે છે.

કોર્ટે કહ્યું કે 'કોર્ટને ખોટી માહિતી આપવામાં આવી હોવાથી સુપ્રીમ કોર્ટના મે 2022માં આપવામાં આવેલા આદેશને રદ કરવામાં આવે છે. જે આદેશમાં કહેવામાં આવ્યું હતું કે માફી અંગેનો નિર્ણય ગુજરાત સરકાર લઈ શકે છે'.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મુસ્લિમ સમુદાયના સભ્યો હાલમાં ખુશ છે પરંતુ તેઓ નકારાત્મક પ્રતિક્રિયાઓ વિશે પણ ચિંતિત છે.

બિલકીસબાનોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું કહ્યું?

બિલકીસબાનો

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બિલકીસબાનોએ પોતાના વકીલ થકી આપેલા નિવેદનમાં જણાવ્યું કે, "આજે મારા માટે ખરા અર્થમાં નવું વર્ષ છે. હું રાહતના આંસુએ રડી રહી છું. દોઢ વર્ષમાં હું પહેલીવાર હું હસી રહી છું. એવું લાગે છે કે મારા હૃદય પર રાખેલો પહાડ જેવો કોઈ પથ્થર ઉઠાવી લેવામાં આવ્યો હોય અને હું એકવાર ફરી શ્વાસ લઈ શકું છું."

"આવો હોય છે ન્યાય. હું સર્વોચ્ચ અદાલતનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને, મારાં બાળકો અને બધી મહિલાઓને સમાન ન્યાયની આશા આપી છે."

બિલકીસબાનોએ કહ્યું કે, "15 ઑગસ્ટ, 2022 ના રોજ જ્યારે મારા પરિવારને નષ્ટ કરનાર અને મારા અસ્તિત્વને આતંકિત કરનાર દોષિતોને વહેલી મુક્તિ આપવામાં આવી, ત્યારે હું એકદમ ભાંગી પડી હતી. મને લાગ્યું કે મારી બધી જ હિંમત ખૂટી ગઈ છે."

"મારા આ સંધર્ષમાં લાખો લોકોએ મારો સાથ આપ્યો. તેઓ મારી પડખે ઊભા રહ્યા, મારા માટે અવાજ ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ પણ દાખલ કરી. મારો સાથ અને મને હિંમત આપનાર દરેક વ્યક્તિનો હું ખૂબ-ખૂબ આભાર માનું છું."

શું હતો સમગ્ર મામલો?

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, ANI

સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો સાથે બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના 11 દોષિતોની સજામાફી આપીને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી દીધો છે. ગુજરાત સરકારે વર્ષ 2022માં આ દોષિતોને સજામાંથી મુક્તિ આપીને છોડી મૂક્યા હતા.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકાર પાસે સજામાં મુક્તિ આપવાઓનો અને આ મામલામાં કોઈ નિર્ણય લેવાનો અધિકાર નહોતો. સુપ્રીમ કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકારને યોગ્ય ગણાવી.

જસ્ટિસ બી. વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયને કહ્યું કે મે 2022માં ગુજરાત સરકારે દોષિતોને સજામાં મુક્તિ આપીને તથ્યોની ઉપેક્ષા કરી હતી. તમામ દોષિતોને બે અઠવાડિયાંમાં જ જેલતંત્ર સમક્ષ હાજર થવા કહેવાયું છે.

ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોમાં બિલકીસબાનો સાથે ગૅંગરેપ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિતોની મુક્તિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.

2002નાં ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ નજીકના રણધિકપુર ગામમાં ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી.

બળાત્કાર ગુજારાયા બાદ અધમૂઈ હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.

તેમના પરિવારજનોના મૃતદેહો પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.

બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.

આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.

સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઇને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.

ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.

2017માં બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું, "પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતાં નથી."

આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.

આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે ગૅંગરેપ અને બિલકીસબાનોના સાત પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. બૉમ્બે હાઈકોર્ટે સજાને યથાવત્ રાખી હતી.