You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનથી વહુ બનીને ભારત આવેલાં સલમા 38 વર્ષે પણ 'ભારતીય' કેમ નથી બની શક્યાં?
- લેેખક, શહબાઝ અનવર
- પદ, બીબીસી માટે
પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારત આવેલાં સીમા હૈદરની કહાણી આજકાલ ચર્ચામાં છે. આ એકલી મહિલા પોતાનાં ચાર નાનાં-નાનાં બાળકોની સાથે કથિત રીતે એક ભારતીય યુવાનના પ્રેમમાં બધું જ છોડીને ભારત આવ્યાં છે.
યુપીમાં ગ્રેટર નોઇડાના સચીન મીણા પાસે રહેતાં સીમા હૈદરથી અંદાજે 100 કિલો મીટર દૂર પશ્ચિમી ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં સલમા રહે છે.
63 વર્ષનાં સલમા દેખાવે ઘણાં નબળાં છે. તેમને ડાયાબિટીસ છે. અને તેમની એક આંખે મોતિયો આવ્યો હોવાના કારણે તેમને દેખાતું પણ નથી.
સલમાની આંખોની ઓછી થતી દૃષ્ટી છતાં કાગળિયા પર ભારતની વહુ બનતાં જોવાની તેમની આશા ધૂંધળી નથી થઈ.
આ અંગે ગઢી પુખ્તા પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક રાધેશ્યામ કહે છે, "ગઢી પુખ્તાની જૈનપુરી શેરીમાં અનીસ અહમદ રહે છે. તેમનાં પત્ની સલમા છે જે પાકિસ્તાનનાં છે. તેઓ અહીં લૉન્ગટર્મ વિઝા પર રહે છે. મારી જાણકારીમાં માત્ર એટલું જ છે. પણ તેઓ સતત અમારી દેખરેખમાં છે."
શું છે સમગ્ર મામલો?
અંદાજે 65 વર્ષના અનીસ અહમદનું ઘર શામલીના ગઢી પુખ્તામાં છે. તેઓ શાકના હોલસેલ વેપારી છે. તેમનાં પત્ની સલમા પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં ઝંગનાં છે.
અનીસ અહમદે બીબીસીને કહ્યું કે, "સલમા સાથે મારાં લગ્ન પાકિસ્તાનમાં 23 સપ્ટેમ્બર 1983માં થયાં હતાં. તે મારાં ફોઈનાં દીકરી છે. ભારત-પાકિસ્તાનના ભાગલાં પહેલાં મારાં ફોઈ પાનીપતમાં રહેતાં હતાં."
"પરંતુ ભાગલા બાદ તેઓ પાકિસ્તાનના ઝંગમાં જતાં રહ્યાં. જ્યારે મારા પિતા અબ્દુલ અઝીઝ ભારતમાં ગઢી પુખ્તામાં જ રહી ગયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "ત્યાર બાદ પણ મારાં ફોઈ અને ફુઆ સલામતુલ્લા અહીં આવતાં જતાં રહ્યાં. ઝંગમાં જ સલમાનો જન્મ થયો. સંબંધો કાયમ રહે તે માટે ફોઈએ સલમાનો સંબંધ મારી સાથે કરી નાખ્યો અને અમારાં લગ્ન થઈ ગયાં."
"તે સમયે હું 24 વર્ષનો હતો. અને સલમા 22 વર્ષનાં હતાં. મારાં પત્નીને ભારતીય નાગરિકતા મળે તે માટે હું 1985થી કોશિશ કરી રહ્યો છું."
પાકિસ્તાન ગઈ હતી અનીસની જાન
અનીસના પરિવારમાં ત્રણ ભાઈ અને એક બહેન છે. આ બધાં જ ગઢી પુખ્તામાં જ રહે છે. તેમના એક મોટા ભાઈ અને નાના બહેનનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જોકે એક મોટાભાઈ હજી પણ અહીં જ રહે છે.
અનીસ પોતાના લગ્નને યાદ કરતા કહે છે, "મારી જાન પાકિસ્તાન ગઈ હતી. ત્યાં અમે ટ્રેનમાં ગયા હતા. જાનમાં અમારા બધાં જ સંબંધીઓ સહિત 22 લોકો સામેલ હતા. ત્યાં અમે ભાડા પર એક રૂમ લીધો હતો."
"અને સલમાને ત્યાં લઈ આવ્યાં હતાં. ત્યાં અમે અંદાજે ત્રણ મહિના રોકાયા. અને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કર્યાં બાદ સલમાની સાથે પાછાં ભારત આવી ગયાં હતાં."
પોતાના લગ્ન અંગે સલમા કહે છે, "અમારાં લગ્ન મને બરાબર યાદ છે. લગ્નના દિવસે મેં લાલ ડ્રેસ પહેર્યો હતો. ઘરમાં બધા જ ખૂબ ખુશ હતા. હું એ વાતને લઈને પણ ઘણી ખુશ હતી કે હવે હું ભારત જઈશ અને જોઈશ કે મારો થનારો આ દેશ કેવો છે."
સલમા ઝંગની શેરી ભબરાનામાં રહેતા સલમાનતુલ્લાનાં દીકરી છે જેમનું પહેલાં જ મૃત્યુ થઈ ચૂક્યું હતું.
જોકે, હાલ સલમાનાં પાકિસ્તાનમાં આવેલા પિયરમાં હવે સલમાતુલ્લાનાં માત્ર ભત્રીજા-ભત્રીજી રહી ગયાં છે.
1985થી શરૂ થઈ નાગરિકતા માટે દોડાદોડી
અનીસ અહમદ લગ્ન કરીને પોતાની પત્નીને ભારત તો લઈ આવ્યા પણ સલમાના વિઝા પૂરા થયા તો તેમણે 1985માં જ તેમની નાગરિકતા માટે અરજી કરી હતી.
અનીસે કહ્યું, "મેં તે સમયે જિલ્લા પ્રશાસનને મારાં પત્નીને ભારતીય નાગરિકતા આપવા માટે અરજી કરી હતી. ત્યારે શામલી જિલ્લો અસ્તિત્વમાં ન હતો. તે સમયે મુજફ્ફરનગર જ અમારો જિલ્લો લાગતો હતો. પ્રશાસને અમારી મદદ માટે વિશ્વાસ અપાવ્યો હતો."
"બાદમાં મેં મારાં પત્નીના વિઝાનો સમય પાંચ વર્ષ વધારાવ્યો. પણ તમને નાગરિકતા આજ સુધી નથી મળી શકી. એવામાં અમે દર વખતે વિઝાનો સમયગાળો વધારાવીએ છીએ અને પાસપોર્ટ રિન્યૂઅલ કરાવીએ છીએ."
"રાજ્ય નિષ્ઠાના શપથે આશા જગાડી"
સલમા અને તેમના પતિ અનીસ અહમદ આમ તો 38 વર્ષથી સલમાને નાગરિકતા અપાવવા માટે અધિકારીઓને અરજી આપતાં આવ્યાં છે. પણ તેમણે દાવો કર્યો કે 10 ઑગસ્ટ 2015ના દિવસે તેમણે જ્યારે શામલી પ્રશાસને રાજ્ય નિષ્ઠાના શપથ લેવાનું આમંત્રણ આપ્યું તો તેમને નાગરિતા મળવાની આશા જાગી.
અનીસ અહમદે કહ્યું, "10 ઑગસ્ટ 2015ના દિવસે તેમનાં પત્નીએ શામલીના પૂર્વ અપર જિલ્લા મૅજિસ્ટ્રેટ તરફથી એક પત્ર મળ્યો. જેમાં તેમને સવારે 11 વાગ્યે કલેક્ટ્રેટ (તાલુકા પરિસર) આવવાનું જણાવાયું. ત્યાં શપથ થયા પણ આજે પણ અમે નાગરિકત્વ મળવાની રાહ જોઈ રહ્યાં છીએ."
સલમાનાં ભારતીય નાગરિકતાના સવાલ પર શામલીના જિલ્લા અધિકરી રવિન્દ્ર સિંહે બીબીસીને કહ્યું, "અમે આ અંગે તપાસ કરાવી હતી. અહીંથી રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. હવે આગળની કાર્યવાહી ત્યાંથી જ થશે. અમે જાન્યુઆરી 2023માં જ રિપોર્ટ મોકલી દીધો છે."
'મારી દુનિયા ભારતમાં, પાકિસ્તાન જઈને શું કરીશ?'
ભારતીય નાગરિકત્વ માટે લાંબા સમયથી પ્રયત્નો કરી રહેલાં સલમાના પરિવારમાં છ બાળક છે. બે પુત્ર અને ચાર પુત્રી. આ તમામની ઉંમર 37 થી લઈને 19 વર્ષ છે.
ભારતની નાગરિકત્વને લઈને સલમા કહે છે કે "મારાં બાળકો, મારું શહેર બધાં જ ભારતમાં જ છે. આ ઉંમરે હવે વધુ દોડાદોડી નથી થતી. હું ઇચ્છું છું કે સરકાર હવે મને ભારતીય નાગરિકત્વ આપી દે. મારી દુનિયા ભારતમાં જ છે. પાકિસ્તાન જઈને તો હું મરી જઈશ."
આવુ કહેતાં જ સલમા રડવાં લાગ્યાં. તેમની પાસે જ તેમનાં સૌથી નાનાં દીકરી તફસિરા બેઠાં હતાં. તે પણ માતાની સાથે રડવાં લાગ્યાં.