આકાશદીપ : પિતા અને ભાઈનાં મૃત્યુ બાદ જીવનના અનેક સંઘર્ષ વચ્ચે ક્રિકેટમાં ટોચ પર કેવી રીતે પહોંચ્યા આ ભારતીય બૉલર?

ઇમેજ સ્રોત, Getty Images
"મેં કોઈને જણાવ્યું નથી, મારાં મોટાં બહેન કૅન્સરથી પીડિત છે."
ઍજબેસ્ટન ટેસ્ટમૅચમાં ભારત સામે ઐતિહાસિક જીત અપાવ્યા બાદ આકાશદીપ આ કહેતા ભાવુક થઈ ગયા હતા.
ભારતે ઇંગ્લૅન્ડને ઍજબેસ્ટન ટેસ્ટમાં હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે જેના કારણે ભારતીય બૉલર આકાશદીપ ચર્ચામાં છે. ભારતની જીતમાં કૅપ્ટન શુભમન ગિલની સાથે સાથે આકાશદીપની પણ મહત્ત્વની ભૂમિકા હતી જેણે બે ઇનિંગમાં કુલ મળીને 10 વિકેટો ઝડપી હતી.
આકાશદીપનું વ્યક્તિગત જીવન સરળ નથી રહ્યું અને તેમણે ભારે સંઘર્ષ કરવો પડ્યો છે. થોડાં વર્ષો અગાઉ આકાશ દીપે પોતાના પિતા અને ભાઈને ગુમાવ્યા હતા અને હાલમાં તેમનાં બહેન પણ કૅન્સરનો સામનો કરી રહ્યાં છે.
તેમણે ગત વર્ષે જ ઇંગ્લૅન્ડની સામે ટેસ્ટમૅચમાં ડૅબ્યૂ કર્યું હતું. હવે તેમણે ઍજબેસ્ટન ટેસ્ટમાં ભારતની જીત માટે મહત્ત્વની દસ વિકેટો ઝડપીને મોટી સફળતા મેળવી છે. પરંતુ તેમની આ સફળતાની સફર આસાન નહોતી.
આ કહાણી નાના ગામમાંથી નીકળીને આંતરાષ્ટ્રીય મંચ પર પોતાને પ્રસ્થાપિત કરવાની છે. તેમનું એ ગામ જ્યાં રમતગમત માટે ન તો મૂળભૂત સુવિધાઓ છે કે ન તો માહોલ છે. છતાં ત્યાંથી નીકળ્યા આકાશદીપ.
બિહારની રાજધાની પટના નજીક લગભગ 180 કિલોમીટર દૂર આવેલા ગામ બડ્ડી આકાશદીપનું વતન છે. આ જ ગામની કાંકરા ધરાવતી પીચ પર આકાશદીપે તેમની ક્રિકેટ કૅરિયરની શરૂઆત કરી હતી.
'બહેનને કૅન્સર છે...', જીત બાદ ભાવુક થયા આકાશદીપ

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડ સામે વિજય પછી આકાશદીપ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે "મેં આ વાત કોઈને નથી કહી કે મારી બહેન કૅન્સર સામે લડી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍજબેસ્ટોન ટેસ્ટના પહેલા દાવમાં આકાશદીપે ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે બીજા દાવમાં છ વિકેટ ખેરવી હતી. તેના કારણે ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની સિરિઝમાં ભારતે 1-1ની બરાબરી હાંસલ કરી છે.
આકાશદીપે કહ્યું હતું કે "ઇંગ્લૅન્ડ સામે બૉલિંગ કરતી વખતે તેના મનમાં એક જ લક્ષ્ય હતું - મોટાં બહેનના ચહેરા પર ખુશી લાવવી."
તેમણે કહ્યું, "મારું આ પ્રદર્શન તમારા માટે છે બહેન, જ્યારે પણ હું બૉલિંગ કરતો હતો, તમારો ચહેરો મારી સામે આવતો હતો. હું તમારા ચહેરા પર ખુશી જોવા માગુ છું, અમે સૌ તમારી સાથે જ છીએ."
તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ આ મૅચ પોતાનાં આ બહેનને સમર્પિત કરવા માટે રમી રહ્યા હતા.
ગયા વર્ષે આકાશદીપે ઇંગ્લૅન્ડ સામે ટીમ ઇન્ડિયામાં ડૅબ્યૂ કર્યું હતું. તેઓ બિહારની રાજધાની પટનાથી 180 કિમી દૂર આપેલા રોહતાસ જિલ્લાના બડ્ડી ગામના રહેવાસી છે. જોકે, તેઓ બિહારના બદલે પશ્ચિમ બંગાળ તરફથી રણજી ટ્રૉફી મૅચ રમે છે.
ટીમ ઇન્ડિયા વતી રમવાનું શરૂ કર્યા પછી આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેમને આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ભારત વતી તેઓ આઠ ટેસ્ટમૅચમાં 25 વિકેટ લઈ ચૂક્યા છે.
2015માં પિતા અને ભાઈને ગુમાવ્યા

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN/BBC
આકાશદીપના પિતા એક શિક્ષક હતા અને તેમની ઇચ્છા હતી કે આકાશદીપ પણ ભણીને કોઈ નોકરી કરે. પરંતુ આકાશદીપને ક્રિકેટમાં રસ હોવાથી તેઓ પશ્ચિમ બંગાળ જતા રહ્યા હતા.
આકાશદીપના પિતાના મોટા ભાઈ રામાશિષસિંહે 2024માં બીબીસીને જણાવ્યું હતું કે, "આકાશ શારીરિક રીતે મજબૂત હતા અને તેમના પિતા રામસિંહ શિક્ષક હતા. તેમની ઈચ્છા હતી કે આકાશ સેનામાં નોકરી કરે. પરંતુ તેના મનમાં ક્રિકેટ માટે ઝનૂન હતું. હવે તેની રમત બધાની નજર સામે છે."
2015માં આકાશદીપના પિતા અને ભાઈનું મૃત્યુ થયું હતું. 2024માં આકાશ દીપે ઇંગ્લૅન્ડ સામે ડૅબ્યૂ કર્યું ત્યારે પહેલા જ દિવસે ત્રણ વિકેટ ખેરવી હતી. તે વખતે તેમણે કહ્યું હતું કે "મારા પિતા આજે જીવીત હોત તો બહુ ખુશ થયા હોત. આ ત્રણેય વિકેટ તેમને સમર્પિત છે."

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN/BBC
આકાશદીપના પિતાનું 2015માં સ્ટ્રોકના કારણે મૃત્યુ થયું હતું અને બે મહિના પછી તેમના ભાઈનું પણ મોત થયું હતું. તે વખતે તેમની આર્થિક હાલત બહુ ખરાબ હતી તેથી ત્રણ વર્ષ માટે તેમણે ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું.
હાલમાં તેઓ પોતાની બહેનની બીમારીના કારણે ચિંતિત છે.
તેમણે ચેતેશ્વર પૂજારાને જણાવ્યું હતું કે બે મહિના અગાઉ જ તેમને ખબર પડી કે તેમના બહેનને કૅન્સર છે.
તેમણે કહ્યું, "મારા આ પ્રદર્શનથી બહેન બહુ ખુશ થશે અને તેમના ચહેરા પર સ્મિત આવી જશે. બિહાર છોડીને પશ્ચિમ બંગાળ ગયા પછી આકાશદીપ 2019માં પહેલી ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












