ઇંગ્લૅન્ડ વિ. ભારત : ભારતના ઝંઝાવાત સામે ન ચાલી 'બૅઝબૉલ રણનીતિ', 336 રને ભારતની ભવ્ય જીત

ઇમેજ સ્રોત, ANI
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍજબેસ્ટનના મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટમૅચમાં ભારતીય બૅટરોના વિક્રમી દેખાવ અને કસાયેલી બૉલિંગને બળે ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો છે.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટેસ્ટમૅચોની ટેસ્ટ સિરીઝમાં ઍજબેસ્ટનમાં રમાયેલી બીજી મૅચ ભારતે 336 રને જીતી લીધી છે. 608 રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 271 રનમાં ઑલઆઉટ થઈ ગઈ. ઍજબેસ્ટન ગ્રાઉન્ડમાં ભારતે 58 વર્ષ પછી જીત હાંસલ કરી છે. આ જીત સાથે સિરીઝમાં ભારતે 1-1થી બરાબરી કરી લીધી છે. સિરીઝની ત્રીજી ટેસ્ટમૅચ 10 જુલાઈના રોજ લૉર્ડ્સમાં રમાશે.
ભારતીય ટીમના 608 રનના પહાડસમા ટાર્ગેટને હાંસલ કરવા ઊતરેલી ઇંગ્લિશ ટીમ પાંચમા દિવસે 68.1 ઓવરમાં 271 રનના સ્કોરે જ સમેટાઈ ગઈ. આ સાથે જ ભારતે 336 રનના જંગી માર્જિન સાથે જીત હાંસલ કરી.
આ સાથે જ ભારતીય ટેસ્ટ ટીમના નવનિયુક્ત કૅપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ પાંચ ટેસ્ટમૅચની સિરીઝને એક-એકથી લેવલ કરવામાં સફળ રહી છે.
નોંધનીય છે કે હેડિંગલે કાર્નેગી ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમૅચમાં બૅટરોના પ્રભાવશાળી પ્રદર્શન છતાં ભારતીય ટીમ પાંચ વિકેટે મૅચ હારી ગઈ હતી.
પરંતુ આ મૅચમાં જીતની નિકટ પહોંચી હારનો સ્વાદ ચાખનાર ટીમ ઇન્ડિયા અલગ જ ફૉર્મમાં દેખાઈ હતી.
ટીમ ઇન્ડિયાએ આ મૅચમાં ઘણા નવા રેકૉર્ડ બનાવ્યા અને ટેસ્ટ ફૉર્મેટમાં પણ પોતાની પ્રતિભાનો પરચો આપી દીધો.
ભારતે પહેલી વખત બર્મિંઘમના ઍજબેસ્ટન ગ્રાઉન્ડ પર જીત હાંસલ કરી છે. આ પહેલાં આ મેદાન પર 8 ટેસ્ટમૅચ રમાઈ હતી અને તે પૈકી સાતમાં ભારતે પરાજયનો સામનો કર્યો હતો. એક મૅચ ડ્રૉ રહી હતી. ભારતીય ટીમે આ મેદાન પર પહેલી મૅચ જુલાઈ 1967માં રમી હતી. ત્યાર પછી 58 વર્ષે આ ગ્રાઉન્ડ પર ભારતે જીત હાંસલ કરી છે. અને ભારતે 58 વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુભમન ગિલ અને ભારતીય બૅટરોની દમદાર બેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મૅચમાં સૌથી વધુ ચર્ચા કપ્તાન શુભમન ગિલની થઈ.
તેમણે આ મૅચમાં પ્રથમ ઇનિંગમાં 269 રનની રેકૉર્ડતોડ ઇનિંગ રમ્યા બાદ બીજી ઇનિંગમાં ફરી એક વખત 161 રન ખડકી દઈને ઇંગ્લૅન્ડ સામે એક અશક્ય લાગતો ટાર્ગેટ મૂકવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.
શુભમન ગિલ અને ટીમ ઇન્ડિયાના અન્ય બૅટ્સમૅનોની તાબડતોડ બેટિંગને બળે આ મૅચમાં ભારતીય ટીમે બંને ઇનિંગમાં કુલ 1014 રન બનાવવાનો નવો વિક્રમ સર્જી દીધો.
હવે ગિલ એક ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનારા ભારતીય બૅટર બની ચૂક્યા છે.
પ્રથમ ઇનિંગમાં બેવડી સદીની સાથે તેમણે આ મૅચમાં 430 રન બનાવ્યા છે.
ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કરી હતી.
આ તકનો જાણે પૂરો લાભ લેવા આતુર હોય એમ કપ્તાન શુભમન ગિલે તો બેવડી સદી નોંધાવી દીધી. તેમની બેવડી સદી અને યશસ્વી જાયસવાલે ઓપનિંગમાં આવીને ઝડપથી બનાવેલા 87 રન સહિત રવીન્દ્ર જાડેજાએ પણ પીચ પર ટકીને મોટો સ્કોર સુનિશ્ચિત કર્યો.
ભારત પ્રથમ ઇનિંગમાં દસ વિકેટ ગુમાવીને 587 રન બનાવી ચૂક્યું હતું.
ઇંગ્લૅન્ડની પ્રથમ ઇનિંગમાં હેરી બ્રૂક અને જેમી સ્મિથે અનુક્રમે 158 અને 184 રન ફટકાર્યા. આ બંને બેટરોની જોડીએ પ્રથમ ઇનિંગમાં ઇંગ્લૅન્ડને 407 રનના સન્માનજનક સ્કોરે પહોંચાડી દીધું.
બીજી ઇનિંગમાં પણ ગિલે દેખાડ્યો દમ

ઇમેજ સ્રોત, DARREN STAPLES/AFP via Getty Images
ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગમાં ઓપનર કેએલ રાહુલે ટકીને રમવાનું ચાલુ રાખ્યું અને 84 બૉલમાં 55 રન બનાવ્યા.
જોકે, આ ઇનિંગમાં પણ આકર્ષણનું કેન્દ્ર શુભમન ગિલની બેટિંગ જ રહી.
તેમણે 162 બૉલ પર 99.38ના સ્ટ્રાઇક રેટ સાથે 161 રન ફટકાર્યા. બીજી ઇનિંગમાં પણ રવીન્દ્ર જાડેજાએ 69 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી. સાથે જ ઋષભ પંતે ઝડપી બેટિંગ કરતાં 58 બૉલ પર 65 રન બનાવી દીધા.
આ સંયુક્ત પ્રદર્શનને બળે ભારતીય ટીમ છ વિકેટના નુકસાને 427 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી દીધી. આ સાથે જ ઇંગ્લૅન્ડ સામે અશક્ય લાગતો 608 રનનો ટાર્ગેટ મૂકી દીધો.
પ્રથમ ટેસ્ટમૅચમાં 'બૅઝબૉલ વ્યૂહરચના'ના દમ પર જીત નોંધાવી ચૂકેલી ઇંગ્લૅન્ડની ટીમ ચોથા દિવસે પણ આવું જ કંઈક કરી દેખાડવાના ઇરાદા સાથે મેદાન પર ઊતરી હતી. જોકે, ચોથા દિવસની રમત પૂરી થવા સુધીમાં ઇંગ્લૅન્ડની ટીમ 72 રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી.
ભારતીય બૉલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

ઇમેજ સ્રોત, Stu Forster/Getty Images
પાંચમા દિવસે વરસાદને કારણે રમત લગભગ બે કલાક મોડી શરૂ થઈ.
મૅચ શરૂ થયા બાદ 20મી ઓવરના પ્રથમ બૉલે જ આકાશદીપે ઓલી પોપને ક્લીન બોલ્ડ કર્યા અને ભારતને પાંચમા દિવસે પ્રથમ સફળતા અપાવી.
એ બાદ ફરી એક વાર 22મી ઓવરમાં આકાશદીપને સફળતા લાધી. તેમણે પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર ખડકી દેનાર હેરી બ્રૂકને એલબીડબ્લ્યૂ આઉટ કરી પેવેલિયન પરત મોકલી દીધા.
આ તબક્કા સુધી 83 રનના સ્કોરે ઇંગ્લૅન્ડ પાંચ વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને હાર તેમની વધુ નિકટ આવતી જણાઈ રહી હતી.
જોકે, એ બાદ ઇંગ્લૅન્ડ કપ્તાન બેન સ્ટોક્સ અને જેમી સ્મિથની જોડીએ જાણે બાજી થોડી સંભાળી લીધી હતી.
બંનેએ 70 રનની પાર્ટનરશિપ કરીને ઇંગ્લૅન્ડની ટીમને સંતુલિત સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં જ 41મી ઓવરમાં વૉશિંગટન સુંદરે ક્રીઝ પર જામતા જઈ રહેલા કપ્તાન બેન સ્ટોક્સને 33 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કરી દીધા.
લંચ સુધીમાં ઇંગ્લૅન્ડની ટીમનો સ્કોર છ વિકેટના નુકસાને 153 રન હતો. અને ભારત જીતથી માત્ર ચાર વિકેટ દૂર.

ઇમેજ સ્રોત, DARREN STAPLES/AFP via Getty Images
બેન સ્ટોક્સના આઉટ થયા બાદ સીઆર વૉક્સ બેટિંગ કરવા ઊતર્યા. તેમના અને જેમી સ્મિથ વચ્ચે 46 રનની પાર્ટનરશિપ પણ થઈ હતી.
જોકે, પ્રસિદ્ધ ક્રિષ્નાએ ક્રિશ વૉક્સને મોહમ્મદ સિરાજના હાથે કૅચઆઉટ કરાવી આ પાર્ટનરશિપ તોડી નાખી.
એક તરફ વિકેટો પડતી જતી હતી, પરંતુ જેમી સ્મિથ પ્રથમ ઇનિંગની માફક જ મોટો સ્કોર કરવાના ઇરાદે રમી રહ્યા હોય એમ ક્રીઝ પર ટકીને રમવાની સાથે ફટકાબાજી પણ કરી રહ્યા હતા.
આવી જ રીતે આકાશદીપ જ્યારે મૅચની 56મી ઓવર ફેંકવા ઊતર્યા તો પ્રથમ ત્રણ બૉલમાં જ ક્રીઝ પર જામી ગયેલા સ્મિથે બે છગ્ગાની મદદથી કુલ 15 રન લઈ લીધા.
આકાશદીપની આ ઓવરના બીજા અને ત્રીજા બૉલમાં સ્મિથે ઉપરાઉપરી બે છગ્ગા ફટકાર્યા, પરંતુ આકાશદીપનો ચોથો બૉલ સ્લોઅર ડિલિવરી હોવાની સાથે આઉટસાઇડ ઑફકટર અને શૉર્ટ ડિલિવરી હતી.
આકાશદીપની આ ટ્રિક કામ કરી ગઈ અને ખતરનાક જણાતા જેમી સ્મિથ 88 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પાછા ફર્યા. વૉશિંગટન સુંદરે તેમનો કૅચ ઝડપ્યો.
આ સાથે જ મૅચ ડ્રૉ કરાવવાની ઇંગ્લૅન્ડની છેલ્લી આશા પર પણ પાણી ફરી વળ્યું.
આ બાદ પૂંછડિયા જોશ ટંગના સ્વરૂપમાં 246ના સ્કોરે ઇંગ્લૅન્ડની નવમી વિકેટ પડી ગઈ.
અંતિમ વિકેટ માટે શોએબ બશીર અને ક્રીઝ પર એક છેડેથી ટકી રહેલા બ્રાયડન કાર્સ વચ્ચે 25 રનની ભાગીદારી નોંધાઈ પરંતુ આ ભાગીદારી પણ ભારતીય બૉલરોની કસાયેલી બૉલિંગના દબાણને ઝાઝું ન વેઠી શકી.
68મી ઓવરમાં આકાશદીપે બ્રાયડન કાર્સને 38 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કરીને ભારતને જીત અપાવી.
આ સાથે જ ભારતીય ટીમ વતી બીજી ઇનિંગમાં આકાશદીપ સૌથી સફળ બૉલર સાબિત થયા. તેમણે 99 રન આપીને મહત્ત્વપૂર્ણ એવી છ વિકેટો ખેરવી. પહેલી ઇનિંગમાં આકાશદીપે ચાર વિકેટો ઝડપી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












