You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'તારક મહેતા કાઉલ્ટા ચશ્મા' : એ પાંચ વિવાદો જેણે સિરિયલને ચર્ચાસ્પદ બનાવી દીધી
- લેેખક, સુપ્રિયા સોગલે
- પદ, મુંબઈથી, બીબીસી માટે
ભારતીય ટેલિવિઝન પર ચાલનારી સિરિયલોમાં જો લોકપ્રિયતાની વાત કરીએ તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું નામ ટોચમાં આવે. વર્ષ 2008થી સતત ચાલી રહેલી આ સિરિયલને વર્ષો સુધી લોકોને પ્રેમ મળ્યો છે.
આ સિરિયલનાં પાત્રો એક સમયે એટલાં લોકપ્રિય હતાં કે તેઓ કોઈ ફિલ્મસ્ટાર્સથી ઓછાં નહોતાં અંકાતા.
જેઠાલાલ ગડા, દયાબહેન, તારક મહેતા, બબિતાજી, ટપુ, ચંપકલાલ, અય્યરભાઈ, રોશનસિંહ સોઢી, ડૉ. હાથી, નટુકાકા, બાઘા, અબ્દુલ, પત્રકાર પોપટલાલ જેવાં પાત્રો અને તેને ભજવનારા કલાકારોએ પ્રેક્ષકોનાં દિલ અને દિમાગમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી લીધું હતું.
આ સિરિયલ હાલ પણ ચાલી રહી છે, પરંતુ તેના ઘણા પ્રખ્યાત કલાકારો તેને છોડીને ચાલ્યા ગયા છે, તો કેટલાકનું નિધન થઈ ગયું છે.
કેટલાક સાથે નિર્માતા-નિર્દેશકનું ન બન્યું, તો એક મામલો પૂર્વ કલાકારની જાતીય સતામણીના આરોપ સુધી પહોંચી ગયો છે.
ક્યારે શરૂ થઈ હતી સિરિયલ?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ જુલાઈ 2008માં 'સબ ટીવી' પર શરૂ થઈ હતી. આ હાસ્ય ધારાવાહિક પ્રખ્યાત ગુજરાતી લેખક તારક મહેતાની ગુજરાતી મૅગેઝીન માટેની સાપ્તાહિક કૉલમ 'દુનિયાને ઊંધા ચશ્મા'થી પ્રેરિત કૉમેડી શો છે.
નિર્માતાઓએ 2001માં મૅગેઝિન પાસેથી તેના રાઇટ્સ ખરીદ્યા, પરંતુ મોટી ચૅનલોએ આ શો ચલાવવાની ના પાડી દીધી કારણ કે તે સમયે સાસુ-વહૂની સિરિયલોનો દબદબો હતો.
નિર્માતાઓએ અંદાજે આઠ વર્ષ રાહ જોવી પડી, પણ તેમને રાહ જોવાનું ઘણું સારું ફળ મળ્યું. સિરિયલના કેન્દ્રમાં એક સોસાયટી અને તેમાં રહેનારા વિવિધ પૃષ્ઠભૂમિના લોકોનું જીવન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોકુલધામ સોસાયટીમાં રહેતા લોકોએ ધીરેધીરે ભારતભરનાં ઘરોમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. લોકોને આ સિરિયલ ખૂબ જ પસંદ આવી.
સામાન્ય લોકો અને તેમનું સામાન્ય જીવન. રોજ નવી ઘટના અને ઘટનાની આસપાસ ગૂંથાયેલી ઘણી કહાણીઓ લોકોનાં હૃદયને સ્પર્શી ગઈ.
સિરિયલના મુખ્ય પાત્ર જેઠાલાલ ગડા અને તેમનાં પત્ની દયાબહેનનાં ચરિત્રોને લોકોએ એટલાં પસંદ કર્યાં કે ઘણી વખત આ પાત્ર ભજવતા કલાકારોને સાર્વજનિક જગ્યાઓ પર તેમના અસલી નામની જગ્યાએ તેમનાં પાત્રના નામથી બોલાવવામાં આવતા હતા.
આવી જ કંઈક હાલત સિરિયલના બાકી કલાકારોની હતી.
15 વર્ષમાં 3600 ઍપિસોડ
શરૂઆતમાં આ સિરિયલ માત્ર બે વર્ષ માટે બની હતી, પરંતુ તેની લોકપ્રિયતા જોઈને નિર્માતાઓનો જુસ્સો વધ્યો અને હાલ 15 વર્ષ બાદ તેના 3600થી વધુ ઍપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે.
આ સિરિયલની લોકપ્રિયતા એટલી બધી હતી કે તેને તેલુગુ અને મરાઠી ભાષામાં પણ ડબ કરવામાં આવી હતી. 2021માં સિરિયલનાં પાત્રોથી પ્રેરણા મેળવીને ઍનિમેશન સિરિઝ 'તારક મહેતા કા છોટા ચશ્મા' પણ શરૂ કરવામાં આવી હતી.
એક સમયે આ સિરિયલની લોકપ્રિયતાનો એવો માહોલ હતો કે મોટા-મોટા ફિલ્મસ્ટાર્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે અહીં આવતા હતા. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન. ઋષિ કપૂર, ઋતિક રોશન, કરીના કપૂર અને દીપિકા પદુકોણ સામેલ છે.
જાતીય સતામણીના આરોપ
જ્યાં એક બાજુ સિરિયલ અને તેના કલાકારોને લોકપ્રિયતા મળી, ત્યાં બીજી બાજુ સિરિયલ ધીરેધીરે વિવાદોમાં ઘેરાતી રહી. ઘણી વખત સિરિયલના કારણે તો ઘણી વખત સિરિયલના કલાકારોને લીધે વિવાદ સર્જાતા રહ્યા.
સૌથી તાજેતરનો વિવાદ સિરિયલમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા જૅનિફર મિસ્ત્રી બંસીવાલ સાથે જોડાયેલો છે.
જૅનિફરે નિર્માતાઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જોકે, નિર્માતાઓએ તેને રદિયો આપ્યો છે.
જૅનિફરે તાજેતરમાં જ પોલીસફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે નિર્માતા અસિત મોદી, સોહિલ રામાણી અને જતીન બજાજ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
આ વર્ષે જ માર્ચ મહિનામાં જૅનિફરે સિરિયલ છોડી હતી. જોકે, સિરિયલના નિર્માતાઓએ નિવેદન જાહેર કરીને જૅનિફરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
નિર્માતાઓનું કહેવું છે કે જૅનિફરના વ્યવહારના કારણે તેમનો કૉન્ટ્રેક્ટ પૂરો કરવામાં આવ્યો હતો અને તેથી જ તેઓ બદલો લેવા માટે આ આરોપો લગાવી રહ્યાં છે.
શૈલેષ લોઢાને લઈને વિવાદ
શૈલેષએ 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં 14 વર્ષ સુધી તારક મહેતાનું પાત્ર ભજવ્યું હતું.
જોકે, ગયા વર્ષે ઍપ્રિલમાં તેઓ અચાનક સિરિયલ છોડીને ચાલ્યા ગયા.
સિરિયલના ચાહકોને તેના પર ભરોસો ન થયો અને સોશિયલ મીડિયા પર લોકો તેમને પાછા લાવવાની માગ કરવા લાગ્યા.
સિરિયલના મુખ્ય પાત્ર જેઠાલાલના મિત્ર અને લેખક તારક મહેતાના પાત્ર તરીકે શૈલેષ ઘણા લોકપ્રિય થયા.
દરેક સમસ્યાના સમાધાન માટે જેઠાલાલનું તારક મહેતા પાસે પહોંચવું અને તારક મહેતા દ્વારા એ સમસ્યાઓનું સમાધાન સૂચવવું , દર્શકોને ઘણું પસંદ આવતું હતું.
બાદમાં એ વાત સામે આવી કે શૈલેષે નિર્માતાઓ સાથે મતભેદના કારણે સિરિયલ છોડી દીધી હતી.
મતભેદ બાકીના પૈસાની ચૂકવણીને લગતો હતો. શૈલેષે આ વર્ષે ઍપ્રિલમાં નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.
કેસ હાલ કોર્ટમાં વિચારાધીન છે, પરંતુ નિર્માતા સોહેલ રામાણીનું કહેવું છે કે શૈલેષને કહેવામાં આવ્યું છે કે ડૉક્યુમેન્ટ્સ પર સહીં કરીને પૈસા લઈ જાય.
એ કંઈ પહેલી વખત નહોતું કે સિરિયલના નિર્માતાઓ પર કલાકારોએ પેમૅન્ટ ન આપવાનો આરોપ લગાવ્યો હોય.
શૈલેષ પહેલાં સિરિયલમાં તેમનાં પત્ની અંજલી મહેતાનું પાત્ર ભજવતાં નેહા મહેતાએ પણ આવા જ કંઈક આરોપ લગાવ્યા હતા.
નેહા પણ 2020માં સિરિયલ છોડીને ચાલ્યાં ગયાં હતાં. એ કિસ્સામાં પણ નિર્માતાઓએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે સિરિયલની પૉલિસી અનુસાર કૉન્ટ્રેક્ટ સાઇન કર્યા બાદ જ ફાઇનલ સૅટલમેન્ટ થાય છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ધમકી
માર્ચ 2020માં તારક મહેતાના એક ઍપિસોડમાં મુંબઈની ભાષા હિંદી હોવાની ટિપ્પણી બદલ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ધમકી આપી હતી.
હકીકતમાં આ સિરિયલના એક ઍપિસોડમાં ચંપકલાલનું પાત્ર ભજવનારા અમિત ભટ્ટના એક ડાયલૉગથી આ વિવાદ ઊભો થયો હતો.
તેમાં અમિત ભટ્ટે હિંદીને મુંબઈની મુખ્ય ભાષા કહી દીધી હતી. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ વાતનો વિરોધ કર્યો હતો.
એમએનએસના નિર્માતાઓને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ આ મામલે તરત માફી માગે. બાદમાં શોના નિર્માતાઓ અને કલાકારોએ માફી માગી અને ત્યારે જઈને મામલો શાંત થયો હતો.
જેઠાલાલનો 'એ પાગલ ઔરત' વિવાદ
સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા દિલીપ જોષી પણ આ સિરિયલના કારણે એક વખત વિવાદમાં સપડાયા હતા.
સિરિયલમાં જેઠાલાલનો એક ડાયલૉગ 'એ પાગલ ઔરત' ઘણો ચર્ચિત હતો. પરંતુ આ ડાયલૉગ પર મહિલા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ ડાયલૉગ મહિલાઓ માટે અપમાનજનક છે.
આ વિરોધ બાદ નિર્માતાઓએ નક્કી કર્યું કે જેઠાલાલ આ ડાયલૉગ ક્યારેય નહીં બોલે.
મુનમુન દત્તાનો વિવાદ અને ટપુ સાથે અફૅરની અફવા
સિરિયલમાં બબીતાજીનું પાત્ર ભજવનારાં મુનમુન દત્તાએ મે 2021માં એક મેકઅપ વીડિયોમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને લઈને સોશિયલ મીડિયા પર બબાલ થઈ હતી.
તેમને શોમાંથી બહાર કાઢવાની માગ કરવામાં આવી હતી. તેમના પર એસ.સી./ એસ.ટી ઍક્ટ અંતર્ગત ઘણી પોલીસફરિયાદ દાખલ થઈ.
વીડિયો પોસ્ટ કર્યાને બીજા જ દિવસે તેમણે સોશિયલ મીડિયા પર માફી પણ માગી.
આ વિવાદ બાદ મુનમુન થોડાક દિવસ માટે સિરિયલમાં જોવા ન મળ્યા, જેથી અફવા ફેલાવા લાગી કે તેમને કાઢી મૂકવામાં આવ્યાં છે.
જોકે, નિર્માતાઓએ આ અફવાઓને ખોટી ગણાવી અને થોડા સમયમાં જ બબીતાજી સિરિયલમાં પાછાં ફર્યાં.
આ વિવાદ બાદ નિર્માતાઓએ સિરિયલના તમામ કલાકારો પાસેથી એક કૉન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કરાવ્યા, જેમાં તેમને અભદ્ર ભાષાના પ્રયોગની સાથેસાથે જાતિ કે ધર્મ અંગેની ટિપ્પણી કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં મુનમુન દત્તાની ટપુનું પાત્ર ભજવનારા રાજ અનડકટ સાથેની એક તસવીરના કારણે પણ વિવાદ સર્જાયો હતો.
સોશિયલ મીડિયા પર બંનેના પ્રેમ સંબંધની અફવા ઊડવા લાગી. મનુમનને ઘણા ટ્રોલ કરવામાં આવ્યાં હતાં.
જોકે, મુનમુને તેનો વિરોધ કર્યો, અફવાઓને નકારી અને લોકોનો ઊધડો પણ લીધો. તેમણે તેને રૂઢિચુસ્ત વિચારધારા ગણાવી અને મીડિયાને પણ જવાબદાર ઠેરવ્યું.
કેટલાક કલાકારોનું સિરિયલ છોડવું અને કેટલાક કલાકારોનું નિધન
તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા સિરિયલની સૌથી મોટી ખાસિયત તેના કલાકારો રહ્યા, જેમણે પાત્રોને પડદા પર જીવંત બનાવ્યા અને પ્રેક્ષકો સાથે સંબંધ બનાવ્યા.
બદલાતા સમય અને નિર્માતાઓ સાથેના અણબનાવને કારણે ઘણા કલાકારો સિરિયલથી જુદા પડ્યા.
જોકે, ઘણા કલાકારોના નિધનના કારણે પણ સિરિયલની લોકપ્રિયતાને ઝાટકો લાગ્યો.
દિશા વાકાણી એટલે કે દયાબહેન
સૌથી પહેલાં ચર્ચા કરીએ સિરિયલનું સૌથી ચર્ચિત પાત્ર દયાબહેન ભજવનારાં દિશા વાકાણીની.
તેઓ વર્ષ 2017થી સિરિયલનો ભાગ નથી. સિરિયલના નિર્માતાઓએ લાંબા સમય સુધી દર્શકોને વારંવાર એ ભ્રમમાં રાખ્યા કે દિશા વાકાણી પાછા આવશે.
જોકે, એવું થયું નહીં. સિરિયલના એક મહત્ત્વપૂર્ણ પાત્રનું આ રીતે એકાએક ચાલ્યું જવું અને નિર્માતાઓ દ્વારા તેમને રિપ્લેસ ન કરી શકવું પ્રેક્ષકોની નિરાશાનું કારણ રહ્યું.
દિશા વાકાણીએ 2017માં મૅટરનિટી લીવ લીધી હતી અને તેઓ પાછાં આવ્યાં ન હતાં. એવા પણ અહેવાલો આવ્યા હતા કે દિશા વાકાણીએ પેમૅન્ટ વધારવાની માગ મૂકી હતી, પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નહોતી.
કવિકુમાર આઝાદ ઉર્ફે ડૉ. હાથી
સિરિયલમાં ડૉ. હાથીનું પાત્ર ભજવનારા કવિકુમાર આઝાદ પણ ઘણા લોકપ્રિય હતા.
પોતાના ભારે ભરખમ શરીર સાથે શોમાં કૉમેડી કરનારા કવિકુમાર આઝાદનું વર્ષ 2018માં નિધન થયું હતું.
સિરિયલના એક લોકપ્રિય પાત્રનું આ રીતે ચાલ્યું જવું દર્શકો માટે ગમગીન બાબત હતી. તેમના પછી નિર્મલ સોનીએ ડૉ. હાથીનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ તેઓ એ લોકપ્રિયતા ન મેળવી શક્યા જે કવિકુમાર આઝાદને મળી હતી.
ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકા
સિરિયલમાં જેઠાલાલની દુકાન પર કામ કરનારા નટુકાકાનું પાત્ર પ્રેક્ષકોમાં ઘણું લોકપ્રિય હતું. નિર્માતાઓએ સિરિયલની ઘણી કહાણીઓ જેઠાલાલની દુકાનની આસપાસ તૈયાર કરી હતી.કારણ હતું જેઠાલાલ અને નટુકાકા વચ્ચેના સંવાદ. આ સંવાદે લોકોને ખડખડાટ હસાવ્યા.
નટુકાકાની સાથેસાથે તેમના સહયોગી બાઘાએ પણ લોકોને ખૂબ હસાવ્યા.
નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક હકીકતમાં રંગમંચના કલાકાર હતા. જે તેમના અભિનયમાં સ્પષ્ટપણે દેખાતું હતું. પરંતુ 2021માં તેઓ કૅન્સર સામે જંગ હારી ગયા. નટુકાકાના નિધનથી સિરિયલને પણ મોટો ઝાટકો પડ્યો હતો.
એક પછી એક જૂના કલાકારોનું સિરિયલમાંથી જવું અને કેટલાકનાં મૃત્યુથી સિરિયલને ઘણુ નુકસાન પહોંચ્યું હતું.
ટપુએ સિરિયલ છોડી
સિરિયલમાં જેઠાલાલ અને દયાબહેનના પુત્ર ટપુ તરીકે ભવ્ય ગાંધીને પ્રેક્ષકો પાસેથી ઘણો પ્રેમ મળ્યો.
સિરિયલમાં ટપુસેના ઘણી પ્રખ્યાત થઈ. આશરે નવ વર્ષ સુધી સિરિયલમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા બાદ ભવ્ય ગાંધીએ 2017માં સિરિયલ છોડી હતી.
તેઓ બાળ કલાકાર તરીકે આગળ વધવા માગતા હતા, જે સિરિયલમાં રહીને શક્ય બનતું નહોતું. એટલે તેમણે સિરિયલ છોડીને પોતાના કરિયરની બીજી ઇનિંગ શરૂ કરી.
તેમને ટપુ તરીકે રિપ્લેસ કર્યા રાજ અનડકટે. દર્શકોએ રાજ અનડકટને ટપુ તરીકે સ્વીકારી લીધા, પરંતુ છ વર્ષ બાદ 2022માં તેમણે પણ સિરિયલ છોડી દીધી.
એક પછી એક મુશ્કેલીઓ
તારક મહેતાના ઉલ્ટા ચશ્માએ આશરે નવ વર્ષ સુધી કોઈ મોટા વિવાદ વગર પ્રેક્ષકો વચ્ચે પોતાનો દબદબો કાયમ રાખ્યો. પાત્રોમાં જેઠાલાલ અને દયાબહેનનાં પાત્રો સૌથી વધારે લોકપ્રિય રહ્યાં. પરંતુ 2017માં આ સિરિયિલના ખરાબ દિવસો ચાલુ થયા, જ્યારે દિશા વાકાણીએ સિરિયલ છોડી.
તેમના પછી ન માત્ર ઘણા કલાકારોએ સિરિયલ છોડી, પરંતુ વિવાદ પણ શરૂ થયા.
આશરે એક દાયકા સુધી લોકોના દિલોમાં રાજ કરનારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં લોકપ્રિય પાત્રો હવે બદલાઈ ગયાં છે.
પ્રેક્ષકો પોતાના મનપસંદ કલાકારો દ્વારા ભજવવામાં આવેલાં પાત્રોને ભૂલી શક્યા નથી. નવા કલાકારો તેમની જગ્યા ભરી શકતા નથી.
એક સમયે મોટા-મોટા ફિલ્મ કલાકારો પોતાની ફિલ્મના પ્રમોશન માટે આ સિરિયલમાં આવતા હતા, પણ હવે એવું નથી.
હવે એ જોવું રહ્યું કે વિવાદો અને કલાકારોમાં મતભેદથી આ સિરિયલ બહાર આવી શકે છે કે નહીં.