ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ : પીડિત પરિવારોની મુલાકાત લેવા ગુજરાત આવેલા અમેરિકાના ઍટર્ની માઇક ઍન્ડ્રુઝ કયા સવાલોના જવાબ શોધે છે?

ઇમેજ સ્રોત, Getty Images/Bipin Bamaniya
અમદાવાદમાં ઍર ઇન્ડિયાના પ્લેન ક્રૅશનો ભોગ બનેલા 65 પીડિત પરિવારોએ બૉઇંગ કંપની સામે કેસ કરવાનો નિર્ણય લીધો છે.
આ પ્રક્રિયાના ભાગરૂપે ઍવિયેશન ક્ષેત્રના લીગલ એક્સ્પર્ટ અને અમેરિકાના ઍટર્ની માઇક ઍન્ડ્રુઝ ગુજરાત આવ્યા છે.
તેઓ ફ્લાઇટ દુર્ઘટનાથી પ્રભાવિત 65થી વધુ પરિવારોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. તેમણે ગુજરાતની મુલાકાતમાં આ કેસની જટિલતાઓનું વર્ણન કર્યું અને જણાવ્યું કે "શરૂઆતનો પડકાર આ અકસ્માતના કોયડાને ઉકેલવાનો છે. શું થયું તે શોધવાનો છે."
ઍન્ડ્રુઝે અમદાવાદમાં જ્યાં વિમાન તૂટી પડ્યું તે સ્થળની રવિવારે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ દીવ પણ ગયા હતા, જ્યાં પ્લેન દુર્ઘટનામાં જીવીત બચી જનાર એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ રમેશને પણ મળ્યા હતા. આ ઉપરાંત ઍન્ડ્રુઝ દીવમાં માછીમાર જેટીની મુલાકાતે પણ ગયા હતા.
ઍર ઇન્ડિયાની અમદાવાદથી લંડનની ફ્લાઇટને 12 જુલાઈએ અકસ્માત નડ્યો હતો અને અમદાવાદ ઍરપૉર્ટ પરથી ઉડાન ભર્યા પછી સેકન્ડોની અંદર વિમાન રહેણાક વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં એક પ્રવાસીને બાદ કરતા બાકીના તમામ મુસાફરો માર્યા ગયા હતા.

આ કેસની તપાસ ચાલુ છે જેમાં સરકારે અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસ અહેવાલ આપ્યો છે. આ દરમિયાન પીડિત પરિવારોએ અમેરિકાની ફેડરલ કોર્ટમાં બૉઇંગ કંપની સામે અરજી કરી છે.
ઍન્ડ્રુઝે સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌથી મોટો પડકાર એ છે કે ક્રૅશનું કારણ નક્કી કરવું. તેમાં કઈ ખામી હતી જેને કારણે આ દુર્ઘટના ઘટી, એ ખામીને ઓળખવી એ અમારી પ્રાથમિકતા છે.
ઍન્ડ્રુઝે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે પણ વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે, "હાલમાં અમે થ્રોટલ કન્ટ્રોલ સિસ્ટમમાં ગરબડ કેવી રીતે થઈ તેના વિશે અલગ અલગ સંભવિત થિયરી પર કામ કરી રહ્યા છીએ. એક સવાલ એ છે કે મોઇશ્ચર (ભેજ)થી સિસ્ટમને કોઈ અસર થઈ શકે કે કેમ? બૉઈંગ તરફથી અગાઉ આવી કોઈ નોટિસ હતી કે કેમ?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્લેન ક્રૅશની દુર્ઘટનાના પ્રારંભિક અહેવાલમાં જણાવાયું હતું કે ઉડાન ભર્યાની થોડી જ સેકંડો પછી 12 વર્ષ જૂના આ બૉઇંગ 787 વિમાનની બંને ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ અચાનક 'કટ ઑફ પૉઝિશ'નમાં જતી રહી હતી. તેના કારણે વિમાનનાં ઍન્જિનોનો ઈંધણનો પુરવઠો અટકી ગયો હતો.
ઈંધણ ન મળવાને કારણે વિમાને સંપૂર્ણ પાવર ગુમાવી દીધો હતો.
ઍન્ડ્રુઝ કઈ માહિતી મેળવવા માગે છે?

ઇમેજ સ્રોત, Bipin Bamaniya
મીડિયા સાથે વાત કરતાં ઍન્ડ્રુઝે કહ્યું કે તેઓ અમેરિકન ઍટર્ની છે અને પ્રોડક્ટ લાયેબિલિટી તથા ઍવિયેશન લિટિગેશનના સ્પેશિયાલિસ્ટ છે.
તેમણે કહ્યું કે "હું ઍર ઇન્ડિયાના અકસ્માતમાં શું થયું તે જાણવા આવ્યો છું. ફ્લાઇટ ડેટા રેકૉર્ડર અને કૉકપિટ વૉઇસ રેકૉર્ડરમાં મળેલો ડેટા બહુ જ ઉપયોગી છે. તેનાથી જાણી શકાય છે કે કમ્પ્યુટર સિસ્ટમમાં શું થયું હતું, તેની ટાઇમલાઇન જાણી શકાય છે. પરિવારો માટે જાણવું જરૂરી છે કે તે વખતે શું થયું હતું? કઈ રીતે થયું અને શા માટે થયું હતું? તેનાથી એક પ્રકારની જવાબદારી નક્કી થઈ શકે અને ભવિષ્યમાં બીજા પરિવારો સાથે આવું ન બને તે માટે આવશ્યક છે."
તેમણે એમ પણ જણાવ્યું, "અમે જે પરિવારોને મળ્યા તે બધાએ આ તપાસ પ્રક્રિયામાં પારદર્શિતાની વાત કરી છે. તેઓ ડેટા વિશે અને સરકાર વિશે પારદર્શિતા ઇચ્છે છે. મીડિયામાં નાની નાની માહિતી આવી છે જેમાં 'તમે આ સ્વિચ કેમ બંધ કરી' અને 'મેં સ્વિચ બંધ નથી કરી' તેવું આવ્યું છે."
આ માહિતી સંદર્ભ વગર લેવામાં આવી છે, આપણને સમગ્ર ડેટાની જરૂર છે તેથી આખી પ્રક્રિયાની સમગ્ર હકીકત બહાર આવે."
'આ ઘટનાએ દરેક વ્યક્તિને અસર કરી'

ઇમેજ સ્રોત, Bipin Bamaniya
ઍવિયેશન એક્સ્પર્ટ ઍન્ડ્રુઝે જણાવ્યું કે "દરેક વ્યક્તિનું જીવન મહત્ત્વનું છે, પછી તે ગમે તે દેશના હોય. આ એક્સિડન્ટમાં કોઈ અમેરિકન નાગરિક ન હતા, તેનાથી તેનું મહત્ત્વ ઘટી નથી જતું. એવિયેશન સેફ્ટી દરેક વ્યક્તિને અસર કરે છે પછી તે વિમાનમાં હોય કે જમીન પર હોય. આપણે જોયું કે આ ઘટનાએ દરેક વ્યક્તિને અસર કરી છે. જે લોકો પાછળથી ઘટના સ્થળે આવ્યા હતા, તેઓ પણ આઘાત પામ્યા હતા."
તેમણે કહ્યું કે "આપણે જાણીએ છીએ કે ડેટા રિલિઝ નથી થયો. એર ઇન્ડિયા અને સરકાર પાસેથી ડેટા મેળવવાનો બાકી છે. તેથી સૌથી પહેલું કામ ડેટા રેકોર્ડરની તમામ માહિતી મેળવવાનો છે. કેટલાક લોકો પાઈલટ પર દોષ નાખે છે, પરંતુ આ બધું અટકળો પર આધારિત અને બધા લોકો માટે અન્યાયી છે. તેની ચકાસણી કર્યા પછી આપણે જવાબદાર કોણ છે તે જાણી શકીશું."
અત્યાર સુધીમાં પ્લૅન ક્રેશની તપાસમાં શું થયું?

12 જુલાઈ 2025ના રોજ અમદાવાદમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રૅશ થયા પછી તેનો પ્રાથમિક તપાસ અહેવાલ બહાર પડ્યો છે પરંતુ તેમાં સવાલોના જવાબ મળવાના બદલે ઘણા સવાલ પેદા થયા છે.
પ્રાથમિક અહેવાલ પ્રમાણે એક પાઇલટ બીજાને પૂછે છે કે "તમે ફ્યુઅલ સ્વિચ બંધ કેમ કરી નાખી?", જ્યારે બીજા પાઇલટ જવાબ આપે છે કે તેમણે "સ્વિચ બંધ નથી કરી".
15 પાનાના પ્રાથમિક અહેવાલે નવી અટકળોને વેગ આપ્યો છે. રિપોર્ટની ભાષા સંયમિત છે, પરંતુ તેમાં એક એવી વાત કહેવામાં આવી જેના કારણે તપાસકર્તાઓ, વિમાનોના નિષ્ણાતો અને સામાન્ય લોકો પણ ચિંતિત છે.
આના કારણે ઘણા સવાલ પેદા થયા છે અને હવે અંતિમ અહેવાલ આવે તેની રાહ જોવાઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












