Income Tax: લાખો કરદાતાઓ સમયસર આઈટી રિટર્ન કેમ ન ભરી શક્યા, હવે કેટલી પેનલ્ટી લાગશે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર વીતી ગઈ છે અને મોટી સંખ્યામાં કરદાતાઓ આ વર્ષે રિટર્ન ફાઇલ કરી શક્યા નથી એવી ફરિયાદો થઈ છે.

સામાન્ય રીતે આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે, જેની જગ્યાએ આ વખતે 15 સપ્ટેમ્બર સુધી મુદત આપવામાં આવી હતી, જેને પછી એક દિવસ માટે લંબાવાઈ હતી.

આમ છતાં આ વર્ષે ઈફાઇલિંગ કરવામાં ઘણી ટેકનિકલ સમસ્યાઓ નડી હોવાથી રિટર્ન ફાઇલ થઈ શક્યા નથી એવું ટૅક્સ પ્રેક્ટિશનરોનું કહેવું છે.

દરમિયાન, ઇન્કમટૅક્સ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (ITPA) અને કેટલાક બાર એસોસિયેશને એક ઠરાવ પસાર કર્યો છે.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ટૅક્સ બાર અને સીએ એસોસિયેશનો દ્વારા એક જૉઇન્ટ રિટ પિટિશન ફાઇલ કરવામાં આવે તેવી શક્યતા છે.

આઈટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ચૂકી જાવ તો ઇન્કમટૅક્સ ઍક્ટના સેક્શન 234-એફ હેઠળ પેનલ્ટી અથવા લેટ ફી લાગે છે.

ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અવનિશ તલરેજા કહે છે કે, "જે કરદાતાઓની આવક પાંચ લાખ રૂપિયા કરતા વધારે હોય તેમને 5,000 રૂપિયા પેનલ્ટી લાગશે. જ્યારે પાંચ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા કરદાતાએ 1000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે."

તેઓ કહે છે, "રિટર્ન ભરવામાં વિલંબ થાય ત્યારે તમારે ટૅક્સ ભરવાનો ન હોય તો પણ પેનલ્ટી લાગે છે."

આ ઉપરાંત જે ટૅક્સ ચૂકવવાનો બાકી હોય તેના પર માસિક એક ટકાના દરે વ્યાજ ચડવા લાગે છે. રિટર્ન ભરવાની છેલ્લી તારીખથી લઈને રિટર્ન ભરવામાં આવે તે સમયગાળા સુધી આ વ્યાજ ગણવામાં આવે છે.

આઈટી રિટર્ન ભરવામાં મોડું થવાથી બીજા કેટલાંક નુકસાન પણ થાય છે. જેમ કે, કેપિટલ અથવા બિઝનેસ લૉસને કેરી ફૉરવર્ડ કરી શકાતા નથી. અમુક ડિડક્શનનો લાભ લઈ શકાતો નથી. તેમ જ જૂની અને નવી ટૅક્સ સિસ્ટમમાં સ્વિચ કરી શકાતું નથી.

સીએ અવિનાશ તલરેજાએ બીબીસીને જણાવ્યું કે, "31 ડિસેમ્બર 2025 સુધી એક હજાર અથવા પાંચ હજાર રૂપિયાની જે લાગુ પડતી હોય તે લેટ ફી ભરીને રિટર્ન ફાઇલ કરી શકાશે."

ટૅક્સ પ્રેક્ટિશનરોની ફરિયાદ છે કે આ વર્ષે આવકવેરા વિભાગે જરૂરી સૉફ્ટવેર અપલોડ કરવામાં મોડું કર્યું તેનાથી સમયસર રિટર્ન ફાઇલ કરી શકાયા નથી.

ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અવનિશ તલરેજાએ જણાવ્યું કે "આ વખતે આવકવેરા વિભાગ દ્વારા આઈટી રિટર્ન ભરવા માટેનાં જરૂરી ફૉર્મ બહાર પાડવામાં અત્યંત વિલંબ થયો હતો જેના કારણે હજુ સુધી લાખો કરદાતાઓ ટૅક્સ રિટર્ન ભરી શક્યા નથી."

આવકવેરા વિભાગ દર વર્ષે નવા આઈટીઆર ફૉર્મ બહાર પાડે છે. આ વર્ષે આઈટીઆર-1 છેક 30 મેના રોજ રિલીઝ કરાયું હતું. જ્યારે આઈટીઆર-2 ફૉર્મ 11 જુલાઈએ, આઈટીઆર 3 ફૉર્મ 11 જુલાઈએ અને આઈટીઆર-4 ફૉર્મ 30 મેએ રિલીઝ થયું હતું.

તલરેજા કહે છે કે, "આ વખતે ઇન્કમટૅક્સ રિટર્નમાં સૌથી મોટો ઇશ્યૂ યુટિલિટીના કારણે થયો છે. 31 માર્ચે એક નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાર પછી એક અઠવાડિયામાં બધાં સૉફ્ટવેર પોર્ટલ પર મૂકી દેવાનાં હોય છે અને ફાઇલિંગ શરૂ કરી દેવાનું હોય છે. જેથી 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઇલ થઈ જાય."

"પરંતુ આ વર્ષે આવકવેરા વિભાગે જરૂરી સૉફ્ટવેર ફેસિલિટી આપીને રિટર્ન ફાઇલ કરવાની સુવિધા છેક જુલાઈ કે ઑગસ્ટમાં આપી હતી, જે ઘણું મોડું ગણાય. આ કામ ચાર મહિના અગાઉ થવું જોઈતું હતું. તેની સામે તેમણે માત્ર દોઢ મહિના એટલે કે 15 સપ્ટેમ્બર સુધી ઍક્સ્ટેન્શન આપ્યું હતું."

તેઓ કહે છે કે, "હવે આગળ ઓડિટમાં મુશ્કેલી નડશે કારણ કે તેના ફોર્મ પણ છેક ઓગસ્ટમાં બહાર પડ્યા છે, જે બે-ત્રણ મહિના પહેલાં બહાર પાડવાની જરૂર હતી."

રિફંડ મળવામાં વિલંબ વિશે તલરેજાએ જણાવ્યું કે, "કોઈનું રિફંડ એક લાખ રૂપિયા કરતા વધુ હોય તો તેવા કેસ એસેસિંગ ઑફિસર પાસે જાય છે. તેમાં સમય લાગી શકે. પરંતુ એક લાખથી ઓછું રિફંડ લેવાનું હોય તો બહુ ઝડપથી પ્રોસેસ થઈ જાય છે. જોકે, તેમાં ઘણાના અલગ-અલગ અનુભવો છે."

દરમિયાન, ગુજરાત ફેડરેશન ઑફ ટૅક્સ કન્સલ્ટન્ટ્સે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરી છે કે ઇન્કમટૅક્સ રિટર્ન (નૉન-ઑડિટ) ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ 15 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવે. આ ઉપરાંત ટૅક્સ ઑડિટ રિપોર્ટ, આઈટી રિટર્ન (ઑડિટ કેસ) ફાઇલ કરવાની તારીખ પણ બે મહિના સુધી વધારવાની માંગણી કરવામાં આવી છે.

સૉફ્ટવેરની ખામીના કારણે કરદાતાઓ કોર્ટમાં પણ ગયા છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે ટેકનૉલૉજીની સમસ્યાઓના કારણે કોઈને હેરાન કરી ન શકાય. કોર્ટે સીબીડીટીને ટેકનિકલ સમસ્યાઓનો અંત લાવવા જણાવ્યું હતું.

આ વખતે આઈટી રિટર્ન ભરવામાં જે મુશ્કેલીઓ નડી તેના કારણે સોશિયલ મીડિયા પર વિરોધ થયો છે.

ટૅક્સ પ્રેક્ટિશનરોનાં સંગઠનોએ ઈફાઇલિંગનું પોર્ટલ વારંવાર ક્રૅશ થઈ જવું, ઍક્સેલ યુટિલિટી રિલીઝમાં વિલંબ અને બીજી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે. આ મામલો કદાચ કોર્ટમાં પણ જઈ શકે છે.

ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ એ કે મિત્તલે લખ્યું છે કે તેમણે ત્રણ મહિના અગાઉ આઈટીઆર ભર્યું હતું છતાં હજુ સુધી પ્રોસેસ નથી થયું. આવી સ્થિતિમાં તમે માત્ર દોઢ મહિનામાં આઈટીઆર ભરવાનો આગ્રહ કેવી રીતે કરી શકો.

અન્ય એક સીએ શુભમ કોઠારીએ ઍક્સ પર લખ્યું છે કે "કલાકોથી પોર્ટલ ડાઉન છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આઈટીઆરની વાત તો જવા દો ઍડવાન્સ ટૅક્સ પેમેન્ટ પણ કામ કરતું નથી. છતાં તેઓ લેટ ફાઇલિંગ પર વ્યાજ અને પેનલ્ટી વસૂલે છે."

ઘણા લોકોની ફરિયાદ છે કે છેલ્લા દિવસ સુધી તેઓ રિટર્ન ફાઇલ ન કરી શક્યા કારણ કે ઈપોર્ટલ પર This Page isn't Working નો મેસેજ આવતો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશૉટ પણ શૅર કર્યા છે.

અગાઉ ઇન્કમટૅક્સ વિભાગે 15 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "સાત કરોડથી વધારે આઈટીઆર ફાઇલ થયા છે અને હજુ ચાલુ છે. જેમણે આઈટીઆર ભરવાનું બાકી હોય તેમને રિટર્ન ભરવા અનુરોધ કરીએ છીએ. ટૅક્સ પેમેન્ટ અને બીજી સંબંધિત સેવાઓ માટે હૅલ્પડેસ્ક 24x7 ધોરણે ચાલુ છે. અમે કૉલ, લાઇવ ચેટ, વેબઍક્સ સેશન અને ટ્વિટર દ્વારા સપોર્ટ આપી રહ્યા છીએ."

ત્યાર પછી 16 સપ્ટેમ્બરે ઍક્સ પર એક પોસ્ટ કરી કે, "15 સપ્ટેમ્બર સુધીમાં 7.3 કરોડથી વધારે આઈટીઆર ફાઇલ થયા છે અને ગયા વર્ષનો 7.28 કરોડનો આંકડો વટાવી દીધો છે. અમે કરદાતાનો આભાર માનીએ છીએ અને ટૅક્સ ફાઇલની છેલ્લી તારીખ એક દિવસ માટે લંબાવવામાં આવી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન