'વિકસિત રાષ્ટ્ર 2047'ના લક્ષ્ય માટે ગુજરાતમાં નવા એકમની સ્થાપના, પરંતુ વિકાસની પાયાની બાબતોમાં ગુજરાત કેટલે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબી રેખાની બહાર નીકળ્યા છે. ભારતમાં અતિ ગરીબી ખતમ થવાને આરે છે. નીતિ આયોગનો રિપોર્ટ આ વાત કહે છે. આવું આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ કહે છે. છેલ્લાં નવ વર્ષમાં જે નિર્ણયો લેવાયા છે તે દેશને યોગ્ય દિશામાં લઈ જઈ રહ્યા છે."
આ નિવેદન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે જુલાઈ માસમાં દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ્ નું લોકાર્પણ કરતી વખતે આપ્યું હતું. તેમનું કહેવું હતું કે ભારત 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે છે.
ગુજરાત સરકારે હાલમાં જ ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફોર્મેશન – ગ્રિટ’ની રચના કરી છે જે કેન્દ્ર સરકારના નીતિ આયોગની જેમ કામ કરશે.
રાજ્ય સરકારનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી આ ‘ગ્રિટ’ની રચના કરી છે.
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘ગ્રિટ’ના પ્રમુખ હશે જ્યારે નાણામંત્રી તેના ઉપપ્રમુખ હશે. કૃષિ, આરોગ્ય, શિક્ષણ તથા ઉદ્યોગ વિભાગના કૅબિનેટ મંત્રીઓ, મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર, મુખ્ય સચિવ સહિત વિવિધ ક્ષેત્રના 15 જેટલા નિષ્ણાત તેના સભ્યો હશે.
આ સંસ્થા સ્થાપવાનો હેતુ શું છે અને તે કઈ રીતે કામ કરશે? અર્થશાસ્ત્રીઓ તેના વિશે શું કહી રહ્યા છે?
ગ્રિટની રચનાનો હેતુ અને ઉદ્દેશ્ય શું છે?

રાજ્ય સરકારે આ બાબતે રજૂ કરેલી વિગત અનુસાર, ‘ગ્રિટ’ના રોજબરોજના કામકાજ માટે 10 સભ્યોની ઍક્ઝિક્યુટિવ કમિટી કાર્યરત થશે.
‘વિકસિત ભારત ઍટ 2047’ માટે વિકસિત ગુજરાતના ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત એટ 2047’નો ડાયનેમિક વિઝન ડૉક્યુમેન્ટ- રોડમૅપ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તૈયાર કરેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વિઝન ડૉક્યુમેન્ટમાં દર્શાવાયેલાં ટૂંકાગાળાનાં અને લાંબાગાળાનાં લક્ષ્યો ધ્યાને લઈને વ્યૂહાત્મક યોજનાઓની કાર્યાન્વયન માટે ‘ગ્રિટ’ એ થિન્ક-ટૅન્ક તરીકે માર્ગદર્શન અને નેતૃત્ત્વ પૂરું પાડશે.
ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટ ટૅક્સ કમિટીના ચૅરમૅન તેમજ ભાજપના સહપ્રવક્તા જૈનિક વકીલે બીબીસીને જણાવ્યું હતું કે, “આપણે વિકસિત રાષ્ટ્ર નથી એટલે જ ઘણા પ્રશ્નો અને દેખીતી કેટલીક સમસ્યાઓ છે. જો વિકસિત રાષ્ટ્ર હોઈએ તો ઘણાખરા પ્રશ્નો રહેતા નથી. તેથી જ એ દિશામાં કામ કરવાનું છે. ભારતીય અર્થતંત્રની જે કુલ ઘરેલુ પેદાશ એટલે કે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ - જીડીપી છે તેના આધારે જ ટ્રિલિયન ટૅગ લાગવાનો છે. જ્યાં સુધી સર્વસમાવેશક વિકાસ - ઇન્ક્લુઝીવ ગ્રોથ ન થાય ત્યાં સુધી એ લેવલ પર ન પહોંચી શકીએ. ગ્રિટ એ દિશામાં જ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન કરશે.”
ગત વર્ષે યુવાઓ માટેની વર્કશૉપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'વિકસિત ભારત એટ 2047' માટે દેશભરના લોકો પાસેથી સૂચનો માગ્યા હતા. તેમણે વિકસિત ભારત માટેના 2047 સુધીના સમયગાળાને એક પરીક્ષા જેવો ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “દેશના નાગરિક હોવાને નાતે આપણા માટે પણ પરીક્ષાની તારીખ નક્કી થઈ ગઈ છે. આપણી સામે 25 વર્ષનો અમૃતકાળ છે. વિકસિત ભારત માટે આપણે રાતદિવસ કામ કરવાનું છે. એક પરિવારની જેમ કામ કરીને આપણે તે વાતાવરણ સર્જવાનું છે.”
ગ્રિટના કાર્યક્ષેત્રના અસરકારક અમલીકરણ માટે ગવર્નિંગ બોડી તથા રોજબરોજના કામકાજ માટે ઍક્ઝિક્યુટીવ કમિટીની રચના કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.
ગ્રિટના જે અન્ય ઉદ્દેશોમાં રાજ્ય સરકારના વિભાગો, ભારત સરકાર, નીતિ આયોગ, તથા નાગરિક સમાજ અને અન્ય સ્ટેકહોલ્ડર્સ વચ્ચે સંકલનને પ્રોત્સાહિત કરીને વિકાસ માટે નવા પગલાંઓ સૂચવવાં.
તેમાં રાજ્યના બહુઆયામી વિકાસ માટે ભલામણો કરવી તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ નીતિઓ અને પ્રયાસોની સમીક્ષા કરવી. ક્રૉસ સેક્ટરલ પાર્ટનરશીપ, ડૉમેઇન નોલેજ સપોર્ટ અને કૅપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ્સ માટે અગ્રણી સંસ્થાઓનો સહયોગ લેવો વગેરે બાબતો સામેલ છે.
રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા મુજબ ગ્રિટના અન્ય કાર્યો જોઈએ તો ઉદ્યોગ, કૃષિ, રોકાણ, નિકાસ, વગેરે ક્ષેત્રોના વિકાસથી રાજ્યના સંતુલિત આર્થિક વિકાસની વૃદ્ધિ પર દેખરેખ રાખીને ભલામણો કરવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, રોબૉટિક્સ, ડ્રૉન ટૅક્નૉલોજી બ્લૉકચેઇન જેવા ઇનોવેટિવ પ્રોગ્રામ્સ અને ટૅક્નૉલૉજીને પ્રોત્સાહિત કરવા વગેરે પણ સામેલ છે.
સર્વસમાવેશક વિકાસ ન થાય ત્યાં સુધી 2047નું લક્ષ્યાંક ન સધાય

ઇમેજ સ્રોત, Atman Shah/FB
ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવાની વડા પ્રધાનની મહત્ત્વાકાંક્ષા છે. તે ગ્રિટની પ્રાથમિકતામાં છે.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવતાં પ્રોફેસર આત્મન શાહ કહે છે કે, “રાષ્ટ્રની સરેરાશ માથાદીઠ આવક કેટલી છે એના આધારે વિશ્વબૅન્ક તે દેશ વિકસિત છે કે વિકાસશીલ એમાં વ્યાખ્યાયિત કરે છે. એમાં નાણાની વહેંચણી કે અસામનતા કે વિકાસના લાભ કોના સુધી પહોંચ્યા તે તેમની વ્યાખ્યામાં નથી આવતું."
"એમાં ગરીબી, બેરોજગારી જેવા માપદંડનો ઉલ્લેખ નથી. કોઈ એક દેશમાં ગણતરીના ઉદ્યોગપતિઓ ખૂબ પૈસાદાર હોય અને તે દેશમાં મોટી સંખ્યામાં સામાન્ય માણસો ગરીબ કે બેરોજગાર હોય તો તે દેશની માથાદીઠ સરેરાશ આવક સારી પણ હોઈ શકે છે. તેથી ભારત જેવા દેશે વર્લ્ડબૅન્કની આ વ્યાખ્યાને વળગી રહેવાની જરૂર નથી. તેને બદલે ખરા અર્થમાં વંચિત અને શોષિત લોકોને લાભ મળે ત્યાં સુધી પહોંચવાનો માર્ગ કંડારવો જોઈએ. કામ એ દિશામાં થવું જોઇએ."
'સરકારની વાતોમાં ઊજળું ચિત્ર તો છે, પણ એની સ્પષ્ટતા નથી'

ઇમેજ સ્રોત, FB/BHUPENDRA PATEL
રૂરલ ડૅવલપમેન્ટ ઍન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી રહી ચૂકેલાં મંદાબહેન પરીખને લાગે છે કે રાજ્ય સરકારની આ વાતોમાં ઊજળું ચિત્ર તો છે, પણ એની સ્પષ્ટતા નથી. કેન્દ્ર સરકારનું 2047નું વિઝન તેમને અતિશયોક્તિભર્યું લાગે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મંદાબહેન પરીખ કહે છે કે, “કોઈ દેશ વિકસિત રાષ્ટ્ર બનવાનો પ્રયાસ કરતો હોય તો તેણે પાયાગત બાબતોની સ્પષ્ટતા કરવી જોઈએ, પણ આપણે ત્યાં એવું નથી થયું. કોઇપણ ચૂંટાયેલી સરકારની સત્તા પાંચ વર્ષ સુધી રહે છે. એ દરમ્યાન તે શું પગલાં લેશે એ વિશે તે જણાવી શકે.
આ પાંચ વર્ષમાં જે કામ કર્યું તેના 2047 સુધી શું પરિણામ આવશે એ ચોક્કસ કહી શકે. એનો પ્રચાર પણ કહી શકે.”
“પણ લોકશાહી દેશમાં જો 2024માં ચૂંટાયેલી સરકારની સત્તા 2029માં પૂરી થતી હોય તો 2031માં કે 2047માં તેઓ શું કરવાના છે એ તેઓ કેવી રીતે કહી શકે? એ જ મોટો પ્રશ્ન છે. આપણે આંતરરાષ્ટ્રીય સૂચકાંકમાં સૅનિટેશન, માનવવિકાસ સહિત ઘણા સૂચકાંકમાં પાછળ રહી ગયા છીએ. આ સંજોગોમાં પાંચ ટ્રિલિયન ઇકૉનોમીનો લક્ષ્યાંક કેટલો યોગ્ય છે?”
આ સંદર્ભે જૈનિક વકીલનું કહેવું છે કે, “પાંચ ટ્રિલિયન ઇકૉનોમીનું લક્ષ્ય તો આગામી પાંચ વર્ષનું જ છે. તેથી સૌપ્રથમ તો એ જ હાંસલ કરવાનું લક્ષ્ય છે. 2047 તો રોડમૅપ છે અને રોડમૅપ તો દૂરનો જ હોય.”
'આરોગ્ય અને શિક્ષણમાં કામ કરવાની તાતી જરુર'

ઍન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ-2023 એટલે કે ASER પ્રમાણે ગુજરાતમાં આઠમા ધોરણમાં ભણતા 1.1 ટકા વિદ્યાર્થીઓ એક પણ અક્ષર વાંચી શકતા નથી. પહેલા ધોરણનું પુસ્તક પણ વાંચી ન શકતા વિદ્યાર્થીઓની સંખ્યા 37.6 ટકાની છે. પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ કે જેમને વાંચતા નહોતું આવડતું તેમની સંખ્યા 10 ટકા હતી.
પાટણના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટકુમાર પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્યમાં એક જ ઓરડો ધરાવતી હોય તેવી શાળા કેટલી છે?
તેના જવાબમાં શિક્ષણ મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે 341 શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડો ધરાવે છે. સરકાર તરફથી જવાબ મળ્યો કે બાળકોની સંખ્યા ઓછી હોવાના કારણે કે પછી જર્જરિત ઓરડા પાડી દેવાને કારણે કે પછી નવા ઓરડા બાંધવા જમીનની ઉપલબ્ધતા ન હોવાને કારણે આ શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે.
સરકારે આશ્વાસન આપ્યું હતું કે જેમ બને તેમ ઝડપથી આગામી વર્ષોમાં આ સ્કૂલમાં નવા ઓરડા મંજૂર કરવામાં આવશે અને બાંધવામાં આવશે.
આ જ પ્રકારે પૂછાયેલા પ્રશ્નમાં સરકારે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી હોય તેવી 1606 શાળાઓ છે.
પ્રો. આત્મન શાહ કહે છે કે, “માથાદીઠ આવક અને વિકાસદરમાં તો ગુજરાત દેશના ટોચના રાજયોમાં જ છે. માત્ર આવકની દ્રષ્ટિએ હિસ્સો વધારવો હશે તો એમાં તો ગુજરાત વર્ષોથી દેશમાં મોખરાનું રાજ્ય છે જ. કોઈપણ દેશ વિકસિત હોવાના માપદંડ પર ખરો ત્યારે ઉતરે છે જ્યારે તેણે આરોગ્ય અને શિક્ષણ પર બજેટ વધાર્યું હોય અને ભાર મૂક્યો હોય. દેશના વિકસિત ભારતના 2047ના વિઝનને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે આરોગ્ય અને શિક્ષણના ખર્ચમાં વધારો કરવો પડે. અલબત, એમાં ખર્ચનો આંકડો તો દર વર્ષે વધે છે પણ જીડીપીમાં વર્ષાનુવર્ષ એની ટકાવારી કાઢો તો એમાં કોઈ ખાસ ફરક નથી હોતો."
તેઓ કહે છે, “જો સરકાર આરોગ્ય અને શિક્ષણના પાયાના કામો કરશે તો ગુજરાત આપોઆપ વિકસિત થશે અને એની સાથોસાથ દેશ પણ વિકસિત થશે. એના માટે કોઈ ગ્રિટનું ગઠન કરવાની જરૂર નહીં રહે. જો દેશનો નાગરિક શિક્ષિત હશે અને આરોગ્ય સારું હશે તો તેની કામ કરવાની ક્ષમતા વધશે અને સરવાળે ઉત્પાદન વધશે. આ તો સાદો માપદંડ છે.”
આત્મન શાહ નીતિ આયોગના જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ – ટુનો સંદર્ભ ટાંકીને કહે છે કે, "રાજ્યમાં પાંચ વર્ષથી નીચેનાં 39.7 ટકા બાળકો કુપોષિત છે. જે દેશના સરેરાશ દર 32.1 ટકા કરતાં પણ વધારે છે. 2020-21માં આવાં બાળકોની સંખ્યા રાજ્યમાં 34.2 ટકા હતી જે 2023-24માં વધીને 39.7 ટકા થઈ છે. રાજ્ય સરકાર ગ્રિડ બનાવે તો આ એરિયા પર ફૉકસ કરવું જોઈએ."
જૈનિક વકીલે કહ્યું હતું કે, "આરોગ્ય અને શિક્ષણ જે છે એની સ્થિતિ ખોડંગાયેલી છે તેથી જ ભારત વિકસિત રાષ્ટ્રોમાં સામેલ નથી. એ જ દિશામાં જ ફૉકસ્ડ કામ કરવાનું છે અને આ ગ્રિટ એના માટે જ છે. એ વાત ખરી કે જ્યાં સુધી સર્વસમાવેશક વિકાસ – ઇન્ક્લુસિવ ગ્રોથ ન થાય ત્યાં સુધી એ શક્ય નથી કે એ સ્તરે પહોંચી શકીએ."
જૈનિકભાઈ એવું પણ કહે છે કે, “હેલ્થકૅરની વાત કરીએ તો સરકારે એ દીશામાં નોંધપાત્ર કામ કર્યું છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ ગરીબ પરિવારોને પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે. હવે તો 70થી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ એ યોજનામાં સામેલ કર્યા છે.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












