હિઝબુલ્લાહ બાદ હવે ઇઝરાયલે યમનના હૂતી વિદ્રોહીઓનાં ઠેકાણાં પર કર્યો હુમલો

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
ઇઝરાયલે લેબનોનના હિઝબુલ્લાહનાં ઠેકાણાંઓ પર કરેલા હુમલા બાદ હવે યમનના હૂતી વિદ્રોહીઓને નિશાન બનાવ્યા છે.
ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેણે યમન ખાતે આવેલા દરિયાઇ બંદરો રસ ઇસ્સા અને હુદૈદાહ અને અન્ય પાવર પ્લાન્ટ્સ પર હુમલાઓ કર્યા છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઇઝરાયલી સેનાએ લખ્યું, “ઇઝરાયલી યુદ્ધવિમાનોએ હૂતિઓનાં આતંકવાદી ઠેકાણાંઓ પર હુમલાઓ કર્યા છે.”
ઉલ્લેખનીય છે કે હુદૈદાહ બંદર પરથી યમન મોટેપાયે ઑયલ આયાત-નિકાસ કરે છે.
ઇઝરાયલી સેનાએ દાવો કર્યો કે તેણે તેલ આયાત-નિકાસ કરતા બંદર પર અને પાવરપ્લાન્ટ્સ પર હુમલો કર્યો.
શનિવારે ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે યમનથી હૂતી વિદ્રોહીઓએ પણ ઇઝરાયલ તરફ મિસાઇલ છોડી હતી. જોકે તેઓ આ હુમલાને ખાળવામા સફળ થયા હતા.
હૂતી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન છે અને તેઓ ઇઝરાયલને પોતના દુશ્મન માને છે.
આ અગાઉ હૂતીએ પણ નિવેદન જાહેર કરીને તેનાં ઠેકાણાંઓ પર હુમલો થયાની વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેણે ઇઝરાયલની આક્રમકતાનો જવાબ આપતા કહ્યું, “યમનનો મોરચો નહીં ઝૂકે, દુશ્મન સામે અમારા હુમલાઓ ચાલુ રહેશે."
જોકે, ઇઝરાયલના આ હુમલા બાદ યમનને કેટલું નુકસાન થયું છે તેના અહેવાલ મળી શક્યા નથી.
ઇઝરાયલી સેનાએ દાવો કર્યો કે આ બંદરોનો ઉપયોગ ઈરાનનાં હથિયારો લાવવા અને લઈ જવા માટે કરવામાં આવતો હતો.
ઇઝરાયલે હિઝબુલ્લાહના વધુ 20 કમાન્ડરોને મારી નાખ્યા

ઇમેજ સ્રોત, EPA
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ ચાલુ જ છે. ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાહના અનેક વરિષ્ઠ નેતાઓ માર્યા ગયા છે. આ બધા વચ્ચે ઇઝરાયલી સેનાએ હિઝબુલ્લાહનાં ઠેકાણાંઓ પર હુમલાઓ વધારી દીધા છે.
ઇઝરાયલે કહ્યું છે કે હિઝબુલ્લાહના મુખ્યાલય પર આજે ફરી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હસન નસરલ્લાહ ઉપરાંત અલગ-અલગ રૅન્કના હિઝબુલ્લાહના 20 જેટલા કમાન્ડરો માર્યા ગયા છે.
આ હુમલામાં હિઝબુલ્લાહના દક્ષિણ ફ્રન્ટના નેતા અલી કરાકીનું પણ મોત થયું છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે નસરલ્લાહની સુરક્ષા યુનિટના પ્રમુખ એવા ઇબ્રાહિમ હુસૈન જઝીની અને સલાહકાર સમીર તોફિક દિબ પણ માર્યા ગયા છે.

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના ગઢ મનાતા દાહીહમાં ફરી હુમલા શરૂ કરી દીધા છે.
ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે છેલ્લા કેટલાક કલાકોમાં લેબનોનમાં બૈરુતમાં આવેલા દાહીહમાં હિઝબુલ્લાહનાં ઘણાં ઠેકાણાંઓ પર હુમલો કર્યો છે. આ હુમલામાં હિઝબુલ્લાહના રૉકેટ લૉન્ચર્સ અને હથિયારોને નિશાન બનાવાયાં છે.
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે લેબનોનના બૈરુતના દક્ષિણ ભાગમાં ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા હસન નસરલ્લાહનો મૃતદેહ મળી આવ્યો છે. બૈરુતમાં જ્યાં હવાઈ હુમલાઓ થયા હતા ત્યાંથી નસરલ્લાહનો મૃતદેહ મળી આવ્યો છે.
લેબનોનના વડા પ્રધાન નજીબ મિકાતીએ કહ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલાને કારણે લેબનોનમાં લોકોનું અત્યારસુધીનું સૌથી મોટું પલાયન થઈ જવા જઈ રહ્યું છે. તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું, “વિસ્થાપિતોની સંખ્યા દસ લાખ થઈ શકે છે.”
લેબનોનના પીએમ નજીબ મિકાતીએ વધુમાં કહ્યું કે આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે કૂટનીતિ સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે યુદ્ધવિરામનું તેઓ સ્વાગત કરે છે અને જો સંભવ થાય તો સંઘર્ષવિરામ ગાઝા અને લેબનોન એમ બંને જગ્યાએ લાગુ થાય. લેબનોનના સૂચનામંત્રીએ પણ કહ્યું છે કે ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ અંગે વાતચીત ચાલી રહી છે.
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ(આઈઆરજીસી)એ એક નિવેદનમા કહ્યું કે આઈઆરજીસી ઑપરેશનના ડેપ્યુટી કમાન્ડર બ્રિગેડિયર જનરલ અબ્બાસ નિરફોરુશનના ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. નિવેદનમાં ઈરાનના સંરક્ષણમાં નિરફોરુશનની ભૂમિકાના વખાણ પણ કરવામાં આવ્યાં હતાં.
ઇઝરાયલી સેનાએ જણાવ્યું છે કે રેડ સીથી ઇઝરાયલના દક્ષિણ ભાગ તરફ આવતું એક ડ્રૉનને રોકવામાં આવ્યું છે. આઈડીએફે જણાવ્યું કે લેબનોન તરફથી આઠ હુમલાઓને નાકામ કરી દેવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીએ જણાવ્યું છે કે તેણે 10 લાખ લોકોની મદદ માટે ઇમર્જન્સી ઑપરેશન શરૂ કરી દીધું છે.
લેબનોનથી 80 હજાર લોકો સીરિયા ભાગ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષમાં મોટાપાયે લોકો પોતાનું ઘર છોડીને ભાગવા મજબૂર થયા છે.
નવા આંકડા મુજબ 23 સપ્ટેમ્બરથી અત્યારસુધી લગભગ 23 હજારથી વધુ સીરિયાઈ અને 41,300 જેટલા લેબનીઝ લોકો સીમા પાર કરીને સીરિયા ગયા છે.
લેબનોનની સરકારી સમાચાર એજન્સી એનએનએએ જણાવ્યું કે આ આંકડા લેબનોનના મંત્રીના એક રિપોર્ટમાં આપવામાં આવ્યા છે.
આ બધા વચ્ચે શૅલ્ટરમાં વિસ્થાપિત લોકોની સંખ્યા એક લાખ 16 હજારથી વધારે થઈ ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્રની રૅફ્યૂજી એજન્સીના કમિશનરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે લેબનોનથી સીરિયા ખાતે ભાગનારા લોકોની હાલત કફોડી છે.
સરકારી રિપોર્ટ પ્રમાણે લેબનોનમાં હાલ વિસ્થાપિત લોકો માટે 777 શૅલ્ટર બનાવવામાં આવ્યાં છે. જેમાં લોકો સ્કૂલમાં શૅલ્ટર બનાવીને રહે તેનો સમાવેશ પણ થાય છે.
ઇઝરાયલનો હુમલો શરૂ થયા બાદ લેબનોનમાં 1000થી વધુ લોકો માર્યા ગયા છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












