You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કયા પ્રકારનું ટૂથપેસ્ટ વાપરવાથી દાંત મજબૂત બની શકે, બ્રિટનમાં થયેલા સંશોધનમાં શું બહાર આવ્યું?
- લેેખક, હેરી લૉ
- પદ, બીબીસી ન્યૂઝ
લંડનની કિંગ્સ કૉલેજના સંશોધકોનું કહેવું છે કે તમારા વાળમાંથી બનેલી ટૂથપેસ્ટ તમારા દાંતને થયેલું નુકસાન રિપેર કરવામાં તથા સંરક્ષણ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
કૉલેજના વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે, તમારા વાળ, ચામડી અને ઘેટાંના ઊનમાંથી કેરાટિન નામનું પ્રોટિન મળી આવે છે.
એ તમારા દાંતોના ઉપરના પડને થયેલું નુકસાન રિપેર કરી શકે છે તથા પ્રારંભિક તમબક્કામાં થઈ રહેલો સડો પણ અટકાવી શકે છે.
અભ્યાસના તારણ મુજબ, લાળમાં રહેલાં મિનરલ્સ સાથે સંપર્કમાં આવીને કેરાટિન દાંત ઉપરનાં કુદરતી આવરણનાં માળખાં જેવી કામગીરી કરે છે અને સંરક્ષણાત્મક પડ તૈયાર કરે છે.
સારા ગામિયા કિંગ્સ કૉલેજ ખાતે પીએચ.ડી. સંશોધક છે અને તેઓ આ શોધપત્રનાં મુખ્ય લેખિકા પણ છે.
સારા કહે છે, "હાલમાં જે રીતે દંતચિકિત્સા થઈ રહી છે, તેમાં ધરમૂળથી પરિવર્તન લાવે તેવો વિકલ્પ કેરાટિન રજૂ કરે છે."
સારાએ ઉમેર્યું, "આ ટૅક્નૉલૉજી બાયૉલૉજી તથા દંતચિકિત્સા વચ્ચેની ખાલી જગ્યા ભરે છે અને કુદરતી પ્રક્રિયા જેવા જ ઇકૉ-ફ્રૅન્ડલી બાયૉમટિરિયલનો વિકલ્પ પૂરો પાડે છે."
"એટલું જ નહીં, તેને વાળ અને ચામડી જેવા જૈવ કચરામાંથી મેળવી શકાય છે, જે ટકાઉ પણ છે. દાંતમાં થયેલા નુકસાનને પુનઃસ્થાપિત કરવા માટે આપણે પરંપરાગત રીતે પ્લાસ્ટિકની રાળ ઉપર આધાર રાખીએ છીએ. જે ઝેરી અને ઓછો ટકાઉ વિકલ્પ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍડ્વાન્સ્ડ હેલ્થકૅર મટિરિયલ્સમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, સંશોધકોએ ઊનમાંથી કેરાટિન મેળવ્યું હતું.
સંશોધકોને માલૂમ પડ્યું કે જ્યારે દાંતની સપાટી ઉપર કેરાટિનને લગાડવામાં આવ્યું, ત્યારે તે લાળમાં કુદરતી રહેલાં ખનીજો સાથે સંપર્કમાં આવ્યું હતું. જેના કારણે દાંતમાં કુદરતી પડ જેવું જ માળખું તૈયાર કર્યું અને એવી જ કામગીરી કરી.
સંશોધકોના કહેવા પ્રમાણે, સમયની સાથે કેરાટિને તૈયાર કરેલું માળખું કૅલ્શિયમ અને ફૉસ્ફેટ આયર્ન્સને આકર્ષવાનું ચાલુ રાખે છે, જેના કારણે દાંતની ફરતે સંરક્ષણાત્મક પડ તૈયાર થાય છે.
ઍસિડિક ખોરાક અને ઠંડા પીણાં, દાંતની બરાબર સફાઈ નહીં રાખવા તથા ઉંમરની સાથે દાંતની ઉપરનાં પડનું ધોવાણ થાય છે અને તે સડે છે. જેના કારણે દાંતોમાં ઝણઝણાટ અને દુ:ખવો થાય છે આગળ જતાં દાંત પડી જાય છે કે પાડવો પડે છે.
દાંત અને મોઢામાં કૃત્રિમ ચીજો દ્વારા આકાર તથા ડિઝાઇન બદલવા તથા આ ચીજોના ઉત્પાદન સાથે સંકળાયેલી દંતવિજ્ઞાનની શાખા 'પ્રોસ્ટોડૉન્ટિક્સ' તરીકે ઓળખાય છે. કિંગ્સ કૉલેજ ખાતે પ્રોસ્થોડૉન્ટિક્સ શાખામાં પરામર્શક ડૉ. શેરિફ અલશારવાકી કહે છે :
"વાળ અને હાડકાંની જેમ દાંતની ફરતેનું સંરક્ષણાત્મક કવચ ફરીથી તૈયાર નથી થતું. તે એક વખત ઘસાય જાય કે તેને નુકસાન થાય, એટલે હંમેશા માટે જતું રહે છે."
"આપણે બાયૉટૅક્નૉલૉજીના વિશેષ યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ, તે ન કેવળ લક્ષણોનો ઉપચાર કરે છે, પરંતુ આપણાં શરીરની જ સામગ્રીનો ઉપયોગ કરીને જૈવિક ક્રિયાને પુનઃસ્થાપિત કરે છે."
"યોગ્ય વિકાસ તથા યોગ્ય ઇન્ડસ્ટ્રી સાથે પાર્ટનરશિપ કરીને આપણે આપણાં સ્મિતને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવી શકીશું. એ પણ વાળ કપાવવા જેવી સામાન્ય ક્રિયા દ્વારા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન