જાપાનમાં શક્તિશાળી ભૂકંપે વિનાશ વેર્યો, ઠેર ઠેર નુકસાનનાં દૃશ્યો

ઇમેજ સ્રોત, Kyodo / Reuters
જાપાનમાં નવા વર્ષે જ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મધ્ય જાપાનમાં આવેલા આ ભૂકંપ પછી દેશના દરિયાકિનારે સુનામીનાં મોજાં અથડાયાં છે.
કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે લગભગ 1.2 મીટર એટલે કે ચાર ફૂટ ઊંચાં મોજાં વાજિમા બંદર પર અથડાયાં છે. જાપાનના નૅશનલ બ્રૉડકાસ્ટર એનએચકે દ્વારા અપાયેલી જાણકારી અનુસાર ટોયામા શહેરમાં સુનામીનાં લગભગ 0.8 મીટર ઊંચાં મોજાં અથડાયાં છે. આ વિસ્તારમાં રહેતા લોકોને બીજી જગ્યાએ જતા રહેવા જણાવાયું છે.
સ્થાનિક મીડિયામાં એવું પણ જણાવાયું છે કે ઇશિકાવા પ્રાંતના સૂઝુ સિટીમાં કેટલાંય ઘર અને વીજળીના થાંભલા પડી ગયા છે.
ભૂકંપના કેન્દ્ર એવા આ ઇશિકાવા અને રાજધાની ટૉક્યો વચ્ચેની બુલેટ ટ્રેનની સેવા પણ હાલ પૂરતી અટકાવી દેવાઈ છે.
અધિકારીઓએ એવું જણાવ્યું છે કે નોતોમાં પાંચ મીટર ઊંચી સમુદ્રી લહેરો ઊઠી શકે છે.
ભૂકંપથી ભારે નુકસાન

ઇમેજ સ્રોત, Reuters
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ઇશાકાવા પ્રાંતમાં 32 હજાર 500 ધરોની વીજળી કપાઈ ગઈ છે. ક્યોટો સમાચાર ઍજન્સીએ આ જાણકારી આપી છે.
જાપાનની સૌથી મોટી ન્યુક્લિયર પાવર ઓપરેટર કંસાઈ ઈલેક્ટ્રિકે કહ્યું છે કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં આવેલા પરમાણુ પ્લાન્ટમાં બધું એકંદરે સામાન્ય છે.
NHKના ફૂટેજમાં, ઇશાકાવા પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારો ભયાનક રીતે ધ્રૂજતા જોવા મળે છે. 7.6ની તીવ્રતાને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રાંત સિવાય જાપાને દેશભરના અન્ય ઘણા પ્રાંતમાં પણ ભૂકંપની ચેતવણી આપી છે. તંત્ર હજુ એ વાતની તપાસ કરી રહ્યું છે કે ભૂકંપથી કેટલી ક્ષતિ થઈ છે અને કેટલા લોકો કાટમાળમાં ફસાયેલા છે.
જોકે, તેમણે કહ્યું છે કે અત્યાર સુધી ઘરના કાટમાળમાં લોકો ફસાયા હોય તેવા છ મામલા જોવા મળ્યા છે.
ઈશાકાવા, નિગાતા, નાગાનો અને તોયામામાં પણ ભૂકંપની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ વર્ષો દરમિયાન, મધ્ય જાપાનમાં 3.6 થી 7.6 ની તીવ્રતાના અનેક ભૂકંપો આવ્યા છે.
આજે જાપાનમાં 60 નાના-મોટા ભૂકંપ આવ્યા

ઇમેજ સ્રોત, Reuters
છેલ્લા કેટલાક કલાકોથી મધ્ય જાપાનમાં ભૂકંપના આંચકા સતત શરૂ છે.
નોટોમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપ બાદ સ્થાનિક સમય અનુસાર ચાર વાગ્યાથી જાપાનમાં ઓછામાં ઓછા 60 ભૂકંપના આંચકા આવ્યા છે.
આ તમામ ભૂકંપના આંચકાની તીવ્રતા 3 થી 6.1 ની વચ્ચે રહી છે.
જાપાનની હવામાન એજન્સીએ આગામી સપ્તાહમાં, ખાસ કરીને આગામી બેથી ત્રણ દિવસમાં સંભવિત મોટા ભૂકંપની ચેતવણી આપી છે.
જોકે, "મોટી સુનામી"ની ચેતવણીને હવે માત્ર"સુનામી ચેતવણી"માં ઘટાડી દેવામાં આવી છે. તેમ છતાં પણ એ વિસ્તારોમાં વસતા રહેવાસીઓને જગ્યા ખાલી કરી દેવાની સલાહ આપવામાં આવી છે.
છેલ્લા સમાચાર અનુસાર, નોટોમાં ફરીથી 4.6ની તીવ્રતાનો મોટો આંચકો આવ્યો છે.
જાપાનના જાહેર પ્રસારણકર્તા એનએચકે અનુસાર, વાજિઆમા શહેરના અગ્નિશામક વિભાગને ઇમારતો પડી જવાના 30થી વધુ અહેવાલો મળ્યા છે.
પહેલા પણ આવ્યો હતો ભૂકંપ

ઇમેજ સ્રોત, Reuters
નોંધનીય છે કે જાપાનમાં વર્ષ 2011માં ભારે ભૂકંપ આવ્યા બાદ સુનામીનાં મોજા ઊઠ્યાં હતાં અને ભારે નુકસાન થયું હતું. એ વખતે હજારો લોકોનો જીવ ગયો હતો.
એ હોનારતમાં જાપાનનાં કેટલાંય શહેરો નકશામાંથી ભૂંસાઈ ગયાં હતાં.
એ ભૂકંપના લીધે ફુકુશિમા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાંથી જે ગળતર શરૂ થયું એની અસર આજે પણ અનુભવી શકાય છે.
જાપાનના ભારતીય દૂતાવાસે પણ મદદ માટે પાંચ નંબર અને બે ઇ-મેઇલ આઇ-ડી જાહેર કર્યા છે.
સંપર્ક માટેના ફોન નંબર નીચે મુજબ છે.
+81-80-3930-1715 (યાકુબ ટોપનો), +81-70-1492-0049 (અજય સેઠી), +81-80-3214-4734 (ડીએન બર્નવાલ), +81-806229-5382 (એસ ભટ્ટાચાર્ય), +81-80-3214-4722 (વિવેક રાઠી)
આ સિવાય [email protected] અને [email protected] ઈમેલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યા છે.














