You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ડર્ટી હૅરી’: અમેરિકા-કૅનેડાની સરહદે થીજી ગયેલા ડીંગુચાના પટેલ પરિવારને ઘૂસણખોરી કરાવનાર ‘ગુજરાતી’ કોણ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે કાતિલ ઠંડીમાં થીજી જવાથી મૃત્યુને ભેટેલા ગુજરાતના ડીંગુચાના પટેલ પરિવારના મૃત્યુના કેસમાં ગુજરાતી મૂળના એક શખ્સની અમેરિકાના શિકાગોમાં ધરપકડ કરવામાં આવી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર હર્ષકુમાર રમણલાલ પટેલની શિકાગોના ઑ'હેર ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી ધરપકડ કરાઈ છે અને 28 ફેબ્રુઆરીએ સુનાવણી માટે રજૂ કરાશે. નોંધનીય છે કે જાન્યુઆરી 2022માં કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં ડીંગુચાના જગદીશ પટેલ, એમનાં પત્ની વૈશાલીબહેન પટેલ તથા એમનાં સંતાનો વિહાંગી પટેલ અને ધાર્મિક પટેલના મૃતદેહો મળી આવ્યા હતા. પટેલ પરિવાર અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ઠંડીના કારણે થીજી જવાથી મૃત્યુ પામ્યો હતો.
આ કેસમાં શિકાગોમાંથી જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે એ 'ડર્ટી હૅરી' કે 'પરમસિંહ' તરીકે પણ ઓળખાય છે અને તેના પર 'અમેરિકામાં ગેરકાયે વિદેશીઓના પરિવહનનો પ્રયાસ કરવાનો' આરોપ લગાવાયો છે.
મિનેસોટા જિલ્લા કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અને ફરિયાદમાં પટેલ માનવતસ્કરીમાં સંકળાયેલો હોવાનો આરોપ લગાવાયો છે.
મૃતદેહો મળ્યા એ બાદ અન્ય બે ભારતીયોને અમેરિકામાં ઘુસાડવાના મામલે સ્ટીવ શૅન્ડ નામના શખ્સની અમેરિકાની બૉર્ડર પોલીસે ધરપકડ કરી હતી.
આ મામલે કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં પટેલ પરિવારના મૃત્યુની ઘટનાને 'માનવતસ્કરીનો અસફળ પ્રયાસ' ગણાવાઈ છે અને સાથે જ એ પાછળ માનવતસ્કરોના સંગઠનના સભ્ય હર્ષકુમાર રમણલાલ પટેલનો ખાસ ઉલ્લેખ કરાયો હતો.
રેસ્ટોરાંમાં કામ કરીને તસ્કરોનું દેવું ચૂકવવું પડતું
પીટીઆઈના અહેવાલ અનુસાર ફરિયાદમાં હર્ષકુમાર પટેલ અને સ્ટીવ શૅન્ડ વચ્ચે માનવતસ્કરી બાબતે થયેલી વિસ્તૃત વાતચીતનો પણ ઉલ્લેખ કરાયો છે. શૅન્ડના દાવા અનુસાર પટેલ ફ્લૉરિડાના 'જુગારી સંસ્થાન'નો મૅનેજર હતો.
બન્નેએ ફોન મૅસેજો થકી 'ગાડીઓ ભાડે રાખવી, હોટલ બુક કરાવવી તથા શૅન્ડને ચુકવણી' કરવાનું નક્કી કર્યું હતું. અન્ય એક મૅસેજમાં પટેલે શૅન્ડને કાતિલ હવામાનનો ઉલ્લેખ કરી સૌ અનુકૂળ કપડાં પહેરે એનું ધ્યાન રાખવાનું જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી 'ભારતીય મૂળની વ્યક્તિ છે. એનું સાચું નામ હર્ષકુમાર પટેલ છે અને તે ફ્લૉરિડાનો રહેવાસી છે. ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવામાં મદદ કરનારા માનવતસ્કર સંગઠનનો ભાગ છે'
શૅન્ડે હૉલેન્ડ સિક્યોરિટી સમક્ષ સ્વીકાર્યું હતું કે પટેલે 'ગેરકાયદે વિદેશીઓને અમેરિકા-કૅનેડા સરહદથી મિનેસોટા થઈને શિકાગોમાં ઘુસાડવા માટે એની ભરતી કરી હતી.'
સોગંદનામામાં એવું પણ જણાવાયું છે કે 'શૅન્ડે ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022 સુધી મિનેસોટા સરહદ પર પાંચ ટ્રીપો કરી હતી અને આવી જ એક ટ્રીપ દરમિયાન એની ધરપકડ કરાઈ હતી.'
સોગંદનામામાં ગુજરાતસ્થિત માનવતસ્કરીમાં સંડોવાયેલા સંગઠનને અમેરિકામાં ગેરકાયદે ભારતીયોને મોકલવા માટે જવાબદાર ઠેરવાયું છે અને રાજિંદરસિંહ નામના શખ્સને મુખ્ય સહાયક ગણાવાયો છે.
કૅનેડામાંથી ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડી શકે એવા લોકોને સિંહ શોધતો હતો. સોગંદનામામાં જણાવ્યા અનુસાર સિંહે ફેનિલકુમાર પટેલ નામના એક ઇસમને શોધ્યો હતો અને એણે મૃત્યુ પામેલા પટેલ પરિવારની ટ્રીપ ગોઠવી હતી.
સિંહના જણાવ્યા અનુસાર ગેરકાયદે અમેરિકામાં પ્રવેશેલા ગુજરાતીઓએ ખાસ કરીને શિકાગોમાં કામ કરીને તસ્કરોનું દેવું ચૂકવવું પડતું હતું. આવા ગુજરાતીઓને મોટાભાગે રેસ્ટોરાંમાં કામ કરતા હતા.
ડીંગુચાનો પટેલ પરિવાર મૃત્યુને કઈ રીતે ભેટ્યો હતો?
19 જાન્યુઆરી, 2022ના રોજ અમેરિકા-કૅનેડા સરહદ પરથી ચાર મૃતદેહો મળી આવ્યા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે આ મૃતદેહો ગુજરાતના પટેલ પરિવારના હતા. મૂળે ડીંગુચા ગામનો અને કલોલમાં રહેતો આ પરિવાર ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે કાતિલ ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ પામ્યો હતો.
પટેલ પરિવારે જે રાત્રે સરહદ ઓળંગીને યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તે રાત્રે તાપમાન માઇનસ 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હતું.
કૅનેડાના ભારતના હાઈ કમિશન દ્વારા તેમની ઓળખ જાહેર કરવામાં આવી હતી અને બાદમાં રોયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.
આરસીએમપી સુપરિન્ટેન્ડેન્ટ રોબ હિલે જણાવ્યું હતું કે "પટેલ પરિવાર 12 જાન્યુઆરીએ ટોરોન્ટોની ફ્લાઇટમાં કૅનેડા પહોંચ્યો હતો. ત્યાંથી તેઓ 18 જાન્યુઆરીના રોજ અથવા તેની આસપાસ સરહદી ગામ ઇમર્સન જતાં પહેલાં સરહદ નજીકના શહેર મૅનિટોબા ગયો હતો. જ્યાં બીજા દિવસે સાંજે તેમના મૃતદેહ મળી આવ્યા હતા."
ફ્લોરિડાના રહેવાસી સ્ટિવ શૅન્ડ (ઉં.વ. 47) પર માનવતસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો છે, કારણ કે સત્તાવાળાઓએ તેમને 15 વ્યક્તિ ભરેલી વાનને બૉર્ડર પર ચલાવતા જોયો હતો અને તે જ રાત્રે પટેલ પરિવારના મૃતદેહ મળી આવ્યા હતા.
સ્ટિવ શૅન્ડની કારમાં મુસાફરો તરીકે બે ભારતીય નાગરિકો હતા અને તેના વાહનની ડેક્કીમાં ખોરાક અને પાણીનાં પાઉચ મળી આવ્યાં હતાં.