ગૂગલ-એમેઝોન તમારી પાસેથી કોઈ પણ ચાર્જ વસૂલ્યા વગર અબજોની કમાણી કેવી રીતે કરે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સેન્ટિયાગો વેનેગાસ માલ્ડોનાડો
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

આપણે જાણીએ છીએ કે એમેઝોન અને ગૂગલ જેવાં ડિજિટલ પ્લૅટફૉર્મ અબજો ડૉલરનો બિઝનેસ કરે છે. આ પ્લૅટફૉર્મો જાણે આધુનિક મૂડીવાદની કરોડરજ્જુનો ભાગ છે.

પરંતુ તેઓ કેવી રીતે આ કમાણી કરે છે? આ પ્લૅટફૉર્મોને તમારા જેવા કરોડો લોકો(યૂઝર)થી કેવી રીતે ફાયદો થાય છે? તેમના પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવા માટે તમે કોઈ રકમ ચૂકવતા નથી, છતાં તેઓ કઈ રીતે આટલી બધી કમાણી કરે છે?

આ સવાલો વિશે ત્રણ શિક્ષણવિદો (સંશોધકો) - ટિમ ઓ'રેલી, ઇલાન સ્ટ્રોસ અને મારિયાના મઝુકાટોએ ડિજિટલ માર્કેટમાં આ પ્લૅટફૉર્મોની શક્તિ વિશેની થિયરી રજૂ કરી છે.

તેમાં તેઓ દલીલ કરે છે કે ગૂગલ અને એમેઝોન આજના સમયમાં ખૂબ મોટું નામ બની ગયાં છે. તેઓ તમારું ધ્યાન આકર્ષિત અને નિયંત્રિત કરીને તમારી અને જાહેરાત આપનારા પાસેથી એક રીતે ભાડું(આવક) મેળવવામાં વધુને વધુ પારંગત બની ગયા છે.

તેમની થિયરી એ હકીકત પર આધારિત છે કે ગૂગલ અને એમેઝોન જેવાં પ્લૅટફૉર્મનાં સર્ચ એન્જિનો સૌપ્રથમ યૂઝરને પ્રાયોજિત સામગ્રી એટલે કે સ્પોન્સર કરાયેલી સામગ્રી અથવા જાહેરાતો બતાવે છે.

એટલે કે એવી જાહેરાતો જેની પાછળ જાહેરાતકર્તાએ પ્રોડક્ટ વેચવા માટે નાણાં ખર્ચ્યાં છે. તેઓ એવી ઑર્ગેનિક જાહેરાતો નથી બતાવતા, જે આપોઆપ જ યૂઝર દ્વારા ક્લિક કરાઈ કે જોવાઈ હોય છે.

લેખકોના જણાવ્યા મુજબ આ રીતે તેઓ જાહેરાતકર્તાઓને તેમની જાહેરાતો અસરકારક રીતે બતાવવા માટે ચુકવણી કરવા દબાણ કરે છે અને એને લીધે તેમનાં પ્લૅટફૉર્મ યૂઝરને વધુને વધુ ખરાબ સર્ચ રિઝલ્ટ બતાવે છે.

જોકે, સંશોધકોની દલીલ અને થિયરી સામેના બચાવમાં ગૂગલ અને એમેઝોનના પ્રવક્તાઓએ બીબીસી મુંડોને જણાવ્યું હતું કે તેઓ યૂઝરને જે જાહેરાત બતાવે છે તે તેમની શોધ સાથે સુસંગત છે એ વાતની ખાતરી કરવા માટે તેઓ અત્યાધુનિક અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.

ગૂગલના પ્રવક્તા ઉદાહરણ આપીને જણાવે છે કે તેમનું સર્ચ એન્જિન 80 ટકા સર્ચ રિઝલ્ટમાં જાહેરાતો બતાવતું નથી. તે માત્ર ત્યારે જ જાહેરાત બતાવે છે, જ્યારે યૂઝરની માગ કે જરૂરિયાત અમુક વસ્તુ માટે હોય. ઉદાહરણ તરીકે યૂઝરના પ્રશ્નો "ડોગ ફૂડ" અથવા "દુલ્હન માટેનાં પગરખાં" વગેરે જેવા હોય.

પરંતુ બીજી તરફ લેખકો આ વ્યૂહરચનાને બજારમાં આ પ્લૅટફૉર્મ પાસે રહેલી શક્તિના દુરુપયોગ ગણાવે છે.

તમારું ધ્યાન ટકાવી રાખવાની યુક્તિ

ટિમ ઓ'રેલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટિમ ઓ'રેલી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટિમ ઓ'રેલી કમ્પ્યૂટર ઉદ્યોગના નિષ્ણાત અને થિયરીના લેખકોમાંથી એક છે. તેઓ બીબીસી મુંડોને સમજાવે છે કે તમારું ધ્યાન આકર્ષીને અને એને ટકાવી રાખીને કરવામાં આવતી અલ્ગોરિધમિક આવક શું છે?

લેખક સમજાવતાં કહે છે કે, "જ્યારે આપણે આ કંપનીઓની આવક વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એવી આવકનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જે કોઈ કમાણી નથી અને એક પ્રકારની આવક છે. જેમ કે, જ્યારે કોઈ ખેડૂત ખેતી કરીને ખેતપેદાશ ઉપજાવે છે, ત્યારે જમીનના માલિકને કંઈ પણ કર્યા વિના એ તેમાંથી થનારી આવકનો લાભ કરાવે છે."

“આવક અને મૂડી વચ્ચેનો તફાવત એ છે કે મૂડી નવું મૂલ્ય સર્જવા માટે કામ કરે છે. આવક ખાલી મૂલ્ય કાઢી આપે છે. મૂળભૂત રીતે ભાડું એ મૂલ્યમાં વધારો કર્યા વિના મેળવાયેલું મૂલ્યમાત્ર છે."

"જો અલ્ગોરિધમ વિશે વાત કરીએ તો અલ્ગોરિધમ એ એક મિકૅનિઝમ હોવાને કારણે આ પ્લૅટફૉર્મ તેનો ઉપયોગ બજારને નિયંત્રિત કરવા માટે કરે છે."

ગૂગલ અને એમેઝોનમાં અલ્ગોરિધમ સર્ચનાં તમામ સંભવિત પરિણામો પ્રોસેસ કરે છે અને પ્લૅટફૉર્મ દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર તેને ક્રમબદ્ધ રીતે યૂઝરની સ્ક્રીન સમક્ષ ડિસ્પ્લે કરે છે.

ટિમ ઓ'રેલી, ઇલાન સ્ટ્રોસ અને મારિયાના મઝુકાટોના નિષ્કર્ષ અનુસાર આ રીત ડિજિટલ માર્કેટ માટે એક ચાવીરૂપ સંશાધન છે અને એ છે યૂઝરનું ધ્યાન.

ઓ'રેલી કહે છે,“માહિતી તેના યૂઝરનું ધ્યાન ખેંચે છે. યૂઝર તેને જોવામાં-વાંચવામાં સમય પસાર કરે છે. પરંતુ એ એટલા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે કે હાલમાં લોકોના ધ્યાનની અછત ઊભી કરે છે.”

“મૂળભૂત રીતે આ તમામ મોટાં ઇન્ટરનેટ પ્લૅટફૉર્મ માનવીય ધ્યાનનું સંચાલન કરવા માટે અલ્ગોરિધમિક મિકૅનિઝમ છે. તેઓ આપણને તેની પાસે રહેલી સામગ્રીઓમાંથી કેટલીક ખાસ પસંદ કરવામાં મદદ કરે છે, પરંતુ યૂઝરને બિનજરૂરી સામગ્રીનો જથ્થો પણ પીરસી દેવામાં આવે છે."

તમારા ડેટા અને માહિતીનો દુરુપયોગ

સર્ચ રિઝલ્ટ

ઇમેજ સ્રોત, X @ILANSTRAUSS

"અલ્ગોરિધમિક રેન્ટ્સ ઑફ એટેન્શન" નો સિદ્ધાંત એક નવો વિચાર છે, કેમ કે અત્યાર સુધીના નિયમનમાં વપરાશકર્તાના ડેટા અને ગોપનીયતાના રક્ષણ પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

એક એવી ધારણા છે કે પ્લૅટફૉર્મ તેમની શક્તિનો દુરુપયોગ કરીને તમારી પરવાનગી વિના તમારો ડેટા લઈને તેનો ઉપયોગ કરીને તમારી વર્તણૂકને ચાલાકીથી નિયંત્રિત કરવા લાગે છે અને તમને તેની ખબર પણ નથી હોતી.

ટિમ ઓ'રેલી, ઇલાન સ્ટ્રોસ અને મારિયાના મઝુકાટો તે વાતને નકારતા નથી. પરંતુ તેઓ માને છે કે પ્લૅટફૉર્મ ડેટાનો દુરુપયોગ ખરેખર તેમના અલ્ગોરિધમ દ્વારા તમારા ધ્યાનને નિયંત્રિત કરીને એમાંથી નાણાં કમાવવા કરે છે.

ટિમ ઓ'રેલી કહે છે, "તમે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરો છો તે ખરેખર મહત્ત્વપૂર્ણ છે."

સૈદ્ધાંતિક રીતે જ્યારે તમે એમેઝોન પર કોઈ વસ્તુ કે સામગ્રી સર્ચ કરો છો, ત્યારે પ્લૅટફૉર્મે લાખો યૂઝરના ડેટાનો ઉપયોગ કરીને લાખો ઉત્પાદનોમાંથી શ્રેષ્ઠ અને સસ્તી વસ્તુઓ શોધીને તમારી સમક્ષ રજૂ કરવાની હોય છે અને આ રીત ડેટાનો યોગ્ય ઉપયોગ છે.

ઓ'રેલી ઉમેરે છે કે, "પરંતુ ખરેખર થાય છે એવું કે તેઓ તમને એ બતાવવાનું બંધ કરે છે કે તમારા માટે શું શ્રેષ્ઠ છે અને તેમના માટે શું શ્રેષ્ઠ એ બતાવે છે. એટલે કે કંપનીનો લાભ રહેલો હોય એવી વસ્તુ તમને બતાવવામાં આવે છે. આ રીત ડેટાનો દુરુપયોગ થયો ગણાય.”

શું તમને સૌથી ખરાબ ‘સર્ચ રિઝલ્ટ’ બતાવાય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

લેખકોમાંના એકના જણાવ્યા મુજબ યૂઝરને શ્રેષ્ઠ સંભવિત પરિણામો આપવા માટે તેમનાં સર્ચ એન્જિનને એકદમ સક્ષમ બનાવવા માટે વર્ષો સુધી એના પર કામ કરનારાં પ્લૅટફૉર્મ હવે વપરાશકર્તાને વધુ ખરાબ પરિણામો આપવાનું પસંદ કરી રહ્યાં છે. કેમ કે કંપની માટે એ વધુ નફાકારક છે.

જોકે, એમેઝોન અને ગૂગલના પ્રવક્તાઓ આ વિચારને નકારે છે.

ગૂગલના પ્રવક્તાએ બીબીસી મુંડોને જણાવ્યું હતું કે, "લોકો માટે અત્યંત સુસંગત અને તેમની શોધને અનુરૂપ જાહેરાતો બતાવવાની અમારી ક્ષમતાને સતત સુધારવા માટે અમે અમારી ‘જાહેરાત ગુણવત્તા પ્રણાલી’માં નોંધપાત્ર રોકાણ કરીએ છીએ."

એમેઝોને કહ્યું કે,"પ્રાયોજિત પરિણામો અત્યંત સુસંગત ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે ખૂબ જ અત્યાધુનિક અલ્ગોરિધમ અને મશીન લર્નિંગની મદદ લે છે. સર્ચ રિઝલ્ટ ગ્રાહકો માટે થતી ઉપયોગી જાહેરાત છે અને એના પરિણામે એ બ્રાન્ડ માટે વધુ નફાકારક છે."

ગૂગલના પ્રવક્તા ઉમેરે છે કે, "(ઓ'રેલી, સ્ટ્રોસ અને માઝુકાટો દ્વારા કરવામાં આવેલ સંશોધન) ગૂગલ સર્ચ પરની જાહેરાતો લોકોને અને જાહેરાતકર્તાઓને જે ફાયદો કરાવે છે તેનાં તમામ પાસાંને ધ્યાનમાં લેતું નથી."

જોકે, સંશોધકો દલીલ કરે છે કે જો કોઈ પણ પ્લૅટફૉર્મ સર્ચ એન્જિનના સૌથી શ્રેષ્ઠ પરિણામો બતાવવા માટે શોધ પરિણામોને વર્ગીકૃત કરીને અલગ કરવામાં સક્ષમ હોય તો તેણે આપોઆપ વધુ પસંદ કરાયેલી જાહેરાતો અને પ્રોડક્ટ કે સર્ચ રિઝલ્ટને ક્રમની દૃષ્ટિએ પહેલા દર્શાવવા જરૂરી છે.

એમેઝોનના કિસ્સામાં ઉદાહરણ સાથે વાત કરીએ તો, "જ્યારે તમે કોઈ પ્રોડક્ટ શોધો છો, ત્યારે પ્લૅટફૉર્મ આજે તમને શ્રેષ્ઠ રિવ્યૂવાળી અને શ્રેષ્ઠ કિંમતો સાથેના વિકલ્પો બતાવતું નથી. ખરેખર તમારા સર્ચ માટે એ સુસંગત અને અનુરૂપ હોય છે. પરંતુ તે તમને પ્રથમ એવી જાહેરાત કે પ્રોડક્ટ બતાવશે જેની માટે જાહેરાતકર્તાએ ચુકવણી કરેલી હોય છે.”

આનું પરિણામ એ છે કે એમેઝોન આજે એક મોટો ઍડ્વર્ટાઇઝિંગ બિઝનેસ ધરાવે છે, જે દર વર્ષે લગભગ 38 બિલિયન અમેરિકન ડૉલરની આવક પેદા કરે છે.

ઓ'રેલી સમજાવે છે કે, "જ્યારે તેઓ આપણને સર્ચ રિઝલ્ટમાં શ્રેષ્ઠ સામગ્રી બતાવતા નથી ત્યારે તેઓ ખરેખર તમને એ શ્રેષ્ઠ વસ્તુઓ બતાવવા માટે સક્ષમ હોય છે. પણ એ વસ્તુ કે સામગ્રી આ કંપનીઓ માટે ઓછી નફાકારક હોવાથી તેઓ તમને એ બતાવતા નથી અને એટલે જ અમે કહીએ છીએ કે તેમની આવક તમારું ધ્યાન એમણે જેટલી વાર આકર્ષ્યું એ માટેનું અલ્ગોરિધમિક ભાડું છે."

ગૂગલમાં જાહેરાતો કેવી રીતે અપાય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આની પ્રથમ અસર જાહેરાતકર્તાઓ પર પડે છે.

ઓ'રેલી કહે છે, "પહેલાં એમેઝોનને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં જાહેરાતકર્તાઓને મદદ કરવામાં ખૂબ જ રસ હતો."

"પરંતુ હવે તેમણે આને વિશાળ બિઝનેસ બનાવી દીધો છે. જ્યાં મૂળભૂત રીતે પ્લૅટફૉર્મ પર પોતાની જાહેરાત યૂઝરને બતાવવા માટે એમણે ચુકવણી કરવી પડે છે."

એમેઝોન પણ ધીમે ધીમે જાહેરાતકર્તાઓ માટે જાહેરાતની કિંમતોમાં વધારો કરી રહ્યું છે.

પ્લૅટફૉર્મ દરેક ક્લિક માટે જાહેરાતકર્તાઓ પાસેથી જે વસૂલાતા દર વર્ષ 2018માં સરેરાશ 0.56 અમેરિકન ડૉલર હતા, જે વધીને 2021માં 2.1 અમેરિકન ડૉલર થઈ ગયો હતો.

એમેઝોનના પ્રવક્તા કહે છે કે, "જાહેરાત એ દાયકાઓથી રિટેલ બિઝનેસનો એક ભાગ રહી છે."

જ્યારે ગૂગલ તેનો પક્ષ મૂકતા સમજાવે છે અને દાવો કરે છે કે તેની જાહેરાતોની કિંમત રિયલ-ટાઇમ હરાજી પર આધાર રાખે છે. જેમ કે, રસ ધરાવતા જાહેરાતકર્તાઓ વચ્ચે દર વખતે જ્યારે કોઈ યૂઝર કૉમર્શિયલ પ્રશ્ન કરે છે (જેમ કે ‘ડોગ ફૂડ’) ત્યારે આ હરાજી થાય છે.

તેથી કિંમત ગૂગલ દ્વારા અગાઉથી નિર્ધારિત કરવામાં આવતી નથી, પરંતુ જાહેરાતકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ઑફર પર આધાર રાખે છે.

આ વ્યૂહરચનાની યૂઝર પર કેવી રીતે અસર થાય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આથી હવે એ પણ સવાલ છે કે આ બાબત યૂઝરને કેવી રીતે અસર કરે છે?

"અમારી એક પ્રાયોગિક તપાસમાં અમે એમેઝોન પર વારંવાર સર્ચ કરવામાં ચોક્કસ શબ્દો માટે સંશોધન કર્યું અને યૂઝર જેના પર સૌથી વધુ વખત ક્લિક કરે છે, તેવાં પરિણામો (પ્રોડક્ટ્સ)ની યાદી મેળવી છે."

ટીમ ઓ’રેલી કહે છે કે, “અમને જાણવા મળ્યું કે જે ઉત્પાદનોની જાહેરાત માટે ચુકવણી કરી હોય એ એમેઝોનના ઑર્ગેનિક સર્ચ એન્જિને નક્કી કરેલા સ્થાન કરતાં પાંચથી 50 ક્રમ આગળ હતી.”

ઉપરાંત જે ઉત્પાદનોની જાહેરાત માટે ચુકવણી કરાઈ હોય એ અન્યની સરખામણીએ સરેરાશ 17 ટકા જેટલાં મોંઘાં હતાં.

શિક્ષણવિદ ટીકા કરતાં કહે છે કે, “એટલે કે જે એમેઝોન પોતાના ગ્રાહકોને ઓછી સૌથી ઓછી કિંમતે વસ્તુ આપવાના દાવા કરે છે, એ ખરેખર તો તેમને મોંઘી વસ્તુઓ વેચી રહ્યું છે. "

આ એક સ્પષ્ટ ઉદાહરણ છે કે તે તેની અલ્ગોરિધમિક શક્તિનો ઉપયોગ કરીને માનવીય ધ્યાન અમુક ઉત્પાદનો તરફ દોરે છે. આ એવાં ઉત્પાદનો છે, જેનું વેચાણ એમેઝોન માટે વધુ નફાકારક છે.

ઓ'રેલી એવું પણ કહે છે કે,"આપણને વર્ષોથી અને ખાસ કરીને ગૂગલ દ્વારા એવું માનવા માટે તૈયાર કરી લેવાયા હતા કે ગૂગલ પહેલા ક્રમે જે સર્ચ રિઝલ્ટ બતાવે છે એ જ શ્રેષ્ઠ છે."

આને એક પ્રકારના પૂર્વગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ પૂર્વગ્રહ તમારામાં બેસાડી દેવાયેલો છે. પ્લૅટફૉર્મ આ વાત જાણે છે અને તેથી જ તેઓ બરાબર જાણે છે કે તમારી સમક્ષ ચોક્કસ પરિણામો કયાં સ્થાને મૂકવાનાં છે. જેથી તમે એના પર ક્લિક કરો છો.

ગૂગલ અને એમેઝોન બંને તેમના સ્પોન્સર કરેલાં સર્ચ રિઝલ્ટને લેબલ કરે છે, જેથી યૂઝર તેમને અન્ય સામાન્ય સર્ચ રિઝલ્ટથી અલગ તારવી શકે.

એમેઝોન કહે છે, "ગ્રાહકો માત્ર એવી જાહેરાતો પર ક્લિક કરે છે, જે તેમને તેમની ખરીદીની જરૂરિયાતો માટે ઉપયોગી લાગે છે."

ટૂંકા ગાળાની મહત્વાકાંક્ષા

ઓ'રેલી, સ્ટ્રોસ અને માઝુકાટો અનુસાર પ્લૅટફૉર્મની આ વ્યૂહરચના ટૂંકા ગાળા દરમિયાન ખૂબ નફાકારક છે, પરંતુ ટકાઉ નથી.

ઓ'રેલી કહે છે, "જ્યારે કંપનીઓ તેમના યૂઝરને બદલે પોતાના માટે કામ કરવા લાગે, જ્યારે તેઓ મૂલ્યસર્જનને બદલે ભાડું વસૂલવા લાગે તો અંતે તેઓ નુકસાનમાં જ રહે છે."

એવું માઇક્રોસોફ્ટ સાથે થઈ ચૂક્યું છે. સંશોધક કહે છે કે જ્યારે માઇક્રોસોફ્ટ પાસે બજારશક્તિ હતી ત્યારે તેણે તેનો ઉપયોગ તેમના સ્પર્ધકોની નકલ કરવા અને તેમનું અસ્તિત્વ ભૂંસી નાખવા માટે કર્યો અને પછી થયું એવું કે બધા સંશોધકો ઇન્ટરનેટ પર જતા રહ્યા.

માઇક્રોસોફ્ટ આ અંત સારાં પરિણામોવાળો નહોતો. કંપનીની પ્રગતિ અટકી ગઈ ગૂગલ-એમેઝોન જેવાનો ઉદય અને વિકાસ થયો.

ઓ'રેલી અનુસાર, "એમેઝોન જાણે છે કે તે તેના યૂઝર્સનો દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે તમને વધુ ખરાબ સર્ચ રિઝલ્ટ આપવાનો એક સભાન નિર્ણય લીધો છે, કારણ કે તેનાથી તેમને ઘણા પૈસા મળશે. મને લાગે છે કે તેનાથી સ્પર્ધા શરૂ થઈ ગઈ છે, કારણ કે તેઓ જે કરે છે તેમાં તેઓ હવે શ્રેષ્ઠ નથી.”

"જ્યારે તમે માર્કેટમાં તમામ લાભોનો વધુ પડતો ઉપયોગ કરો છો, ત્યારે તે તમારા ઇકૉસિસ્ટમ માટે ખરાબ છે. જાહેરાતકર્તાઓ માટે ખરાબ છે, યૂઝર માટે ખરાબ છે અને લાંબા ગાળે ખુદના માટે પણ ખરાબ છે."

તેઓ કહે છે, "સમગ્ર વિશ્વની ટેકનૉલૉજીનો ઉદ્દેશ લોકોને તેમના ધ્યાનને અસરકારક રીતે સંચાલિત કરવા માટે મદદ કરવાનો છે. તે તમારા માટેનો વિજય છે. અને જો આ ટેકનૉલૉજી આ કામ સારી રીતે નહીં કરે, તો લોકો બીજા વિકલ્પો શોધવાનું શરૂ કરશે."

જોકે, એમેઝોનના પ્રવક્તાએ બીબીસી મુંડોને જણાવ્યું હતું કે "અમારા ગ્રાહકોના અનુભવ વિશેની મોટા ભાગની ટિપ્પણીઓ હકારાત્મક રહી છે અને વધુ ને વધુ ગ્રાહકો અમે જે લેખો બતાવીએ છીએ એના પર તેઓ ક્લિક પણ કરી રહ્યા છે. તેમની શોપિંગ કાર્ટમાં વસ્તુઓ ઉમેરી રહ્યા છે અને ઉત્પાદનો ખરીદી રહ્યાં છે."

ટિમ ઓ'રેલીનું માનવું છે કે, એક યૂઝર તરીકે "સૌથી મહત્ત્વની બાબત એ શંકા કરવાની છે."

"ચેટજીપીટી જેવી કૃત્રિમ તકનિક વિશે એક ખૂબ જ સારી બાબત એ છે કે લોકો શીખી રહ્યા છે કે તેમણે તેમના કામની તપાસ અને ચકાસણી કરવી જ પડશે."

તમે ફક્ત આંધળો વિશ્વાસ ન કરી શકો. તમે એ વાત પર વિશ્વાસ ન કરી શકો કે તમે જુઓ છો તે પ્રથમ ઉત્પાદન અથવા તમે વાંચેલી પ્રથમ લિંક (લેખ) જ શ્રેષ્ઠ છે.

રેડ લાઇન
રેડ લાઇન