અમદાવાદ : ‘પત્નીના પ્રેમી મિત્ર’ની કથિત હત્યા કરી મૃતદેહના આઠ ટુકડા કર્યા, એક ભૂલથી કેવી રીતે પકડાયો?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માઇકલની હત્યાના આરોપમાં સુલતાન અને તેમનાં પત્ની રિઝવાનાની ધરપકડ કરી હતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માઇકલની હત્યાના આરોપમાં સુલતાન અને તેમનાં પત્ની રિઝવાનાની ધરપકડ કરી હતી
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી
  • ગત 30 માર્ચે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના આરોપમાં એક દંપતીની ધરપકડ કરી હતી
  • પોલીસના દાવા અનુસાર તપાસમાં બહાર આવ્યું હતું કે પત્ની સાથે આડા સંબંધ રાખનાર મૃતકની સુલતાન નામના વ્યક્તિએ પત્ની સાથે મળીને હત્યા કરી હતી
  • હત્યા કર્યા બાદ કથિતપણે દંપતીએ મૃતદેહના ટુકડા કરીને સગેવગે કરી દીધા હતા
  • પરંતુ હત્યાના બે માસ બાદ કથિત હત્યાનો ‘માસ્ટર પ્લાન’ પોલીસે કઈ રીતે પકડી પાડ્યો?
બીબીસી ગુજરાતી

“ઘરના એક ખૂણામાં બેસી દીકરીને જમાડતાં જમાડતાં ભરતગૂંથણ કરતી બાઈ અને બીજા ખૂણામાં પડેલો ખાંસી ખાતો સૂકલકડી માણસ જોઈ પ્રથમ દૃષ્ટિએ અમને બિલકુલ નહોતું લાગ્યું કે આ બંને એ એમના જ દોસ્તની હત્યા કરીને તેની મૃતદેહના આઠ ટુકડા કરી સગેવગે કરી દીધા છે.”

“અમે આમના ઘરની તલાશી લીધી તો લોહીના ડાઘવાળી એક તલવાર મળી અને ઘરની દીવાલના નાના ખૂણામાં લોહીના સુકાયેલા ડાઘ મળી આવ્યા. ત્યારે અમારી શંકા પાકી બની અને આ નાનકડી ઓરડીમાં ખૂન થયું હોવાની વાતની ખબર પડી.”

આ શબ્દો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. પરમારના છે. 30 માર્ચના રોજ અમદાવાદના બાપુનગરથી મહમદ મિરાજ ઉર્ફે માઇકલ નામના જામીન પર છૂટેલા હત્યાના આરોપીની કથિતપણે ઠંડા કલેજે હત્યા કરવાના ગુનાના આરોપમાં ઇમરાન ઉર્ફે સુલતાન અને તેમનાં પત્ની રિઝવાનાની ધરપકડ કરાયા બાદ તેમણે આવું જણાવ્યું હતું.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અમદાવાદના બાપુનગરના રહેવાસી માઇકલ બે મહિનાથી ગુમ હોવાની ફરિયાદ તેમના પરિવારજનોએ નોંધાવી હતી. પરંતુ આગળ જણાવ્યું એમ માઇકલ પર ખૂનનો આરોપ હતો. તેઓ જામીન પર હતા. રમજાન અને રામનવમીને કારણે શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તાર એવા બાપુનગરમાં હત્યાના આરોપીની ભાળ ન મળી રહી હોવાને કારણે પોલીસ તેને શોધી રહી હતી.

જોકે, બે મહિના સુધી તેનો પત્તો ન મળતાં શરૂઆત થઈ ક્રાઇમ બ્રાન્ચના એ અભિયાનની જેની કહાણી કોઈ થ્રિલર ફિલ્મ કરતાં કમ નથી.

ગ્રે લાઇન

માઇકલની શોધ

અમદાવાદ હત્યા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

પોલીસે આપેલી માહિતી અનુસાર માઇકલની કોઈ ભાળ ન મળતાં ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ કર્યો.

પોલીસના દાવા પ્રમાણે તપાસ બાદ માલૂમ પડ્યું કે 35 વર્ષીય માઇકલ અને 21 વર્ષીય સુલતાન બંને મિત્રો હતા.

માઇકલ તેમનાં 22 વર્ષીય પત્ની રિઝવાના અને ચાર વર્ષની દીકરી સાથે બાપુનગર વિસ્તારમાં જ આઠ બાય દસ ફૂટના એક ઓરડામાં રહેતા. પોલીસના દાવા પ્રમાણે સુલતાન અને માઇકલ દારૂ પીવા ના શોખીન હતા અને ગાંજો પિતા હતા.

સુલતાન એક દુકાનમાં વેલ્ડિંગના કારીગર તરીકે કામ કરતા હોઈ તેમની આવક ઝાઝી ન હતી, તેના તમામ ખર્ચ પણ માઇકલ ભોગવતા. સાથે જ તેઓ સુલતાનનાં પત્ની રિઝવાના અને દીકરીની પણ તમામ જરૂરિયાતો સંતોષતા હતા.

રિઝવાના પણ ઘરે જ ભરતગૂંથણનું કામ કરતાં. દાવા પ્રમાણે રિઝવાનાને ફિલ્મો જોવાનો અને હરવાફરવાનો ખૂબ શોખ હતો અને આ બધા શોખ માઇકલ પૂરા કરતા.

બીજી તરફ તે રિઝવાના અને સુલતાનની દીકરી માટે પણ અવારનવાર ગિફ્ટ લાવતા.

આ જ ઘટનાક્રમ ચાલતો રહ્યો અને સાથોસાથ માઇકલ અને રિઝવાના વચ્ચે કથિતપણે પ્રેમસંબંધ બંધાઈ ગયો.

પોલીસના દાવા અનુસાર સુલતાન નશો કરીને બેભાન થઈ જાય ત્યારે માઇકલ અને રિઝવાના બંને આ તકનો લાભ પણ ઉઠાવતાં. પરંતુ આ વાતની એક વખત સુલતાનને ખબર પડી ગઈ.

આ દરમિયાન જ માઇકલ હત્યાના આરોપમાં જેલમાં ગયા અને બહાર આવ્યા પછી કથિતપણે તેમની હત્યા કરવાનું કાવતરું ઘડાઈ ગયું.

ગ્રે લાઇન

‘ગુમ મિત્રને શોધવા પોલીસની મદદ કરનાર જ નીકળ્યો હત્યારો’

મૃતક મહમદ મિરાજ ઉર્ફે માઇકલ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, મૃતક મહમદ મિરાજ ઉર્ફે માઇકલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એચ. જાડેજા આ કેસ અંગે વાત કરતાં કહે છે કે આ તેમની માટે એક સાવ જ ‘બ્લાઇન્ડ કેસ’ હતો. પોલીસ પાસે શરૂઆતમાં ‘કોઈ કડી નહોતી.’

પી. એસ. આઇ. પી. એચ. જાડેજા કહે છે કે, “માઇકલના ગુમ થયા બાદ સુલતાન જાતે અમને તેને શોધવામાં મદદ કરતો હતો. તેથી તેના પર શંકા જાય તે શક્ય નહોતું.”

પોલીસની મદદ કરનાર સુલતાને જ કથિતપણે માઇકલની હત્યા કરી છે એ અંગે શંકાનાં બીજ ક્યારે રોપાયાં?

આ પ્રશ્નના જવાબમાં જાડેજા કહે છે કે, “અમને પ્રાથમિક જાણકારી મળી હતી કે માઇકલનો મિત્ર સુલતાન પોતે તેને માર્યો હોઈ માઇકલ ભાગી ગયો હોવાની વાતો કરીને રોફ જમાવવાનો પ્રયાસ કરતો હતો. પહેલાં અમને વિશ્વાસ ન આવ્યો. પરંતુ અંતે માઇકલ સુલતાનને મળ્યો હોવાની વાત પાકી થતાં અમને સુલતાનની સંડોવણી અંગે શંકા ગઈ.”

ઘટનાના દિવસ અંગે અને એ દરમિયાન શું બન્યું હતું એ અંગે પોલીસને પ્રાપ્ત થયેલ માહિતી વિશે વાત કરતાં પી. એસ. આઈ. પી. એચ. જાડેજા કહે છે કે, “સુલતાનનું ઘર સાંકડી ગલીમાં હોઈ ત્યાંથી કોઈ સીસીટીવી ફૂટેજ મળે તેવું શક્ય નહોતું. તેથી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડ્યું. જેના પરથી ખબર પડી કે ઘટનાના દિવસે તેની પત્ની તેની પુત્રીને લઈને પાંચ કલાક સુધી બહાર ઊભી હતી. એ દરમિયાન તેણે છોકરી માટે દૂધ અને બિસ્કિટ પણ લીધાં હતાં.”

પોલીસ શંકા વધુ પ્રબળ કરતાં પુરાવાઓ અંગે તેઓ કહે છે કે આસપાસની દુકાનેથી પૂછપરછ કરતાં રિઝવાનાએ એક જ દિવસમાં ફિનાઇલની પાંચ બૉટલ લીધી હતી.

પી. એસ. આઇ. જાડેજા કહે છે કે, “એક રિક્ષાવાળાએ પણ સુલતાન દ્વારા કચરો ફેંકવા માટે પોતાની રિક્ષા ભાડે લઈ જવાનો પ્રસ્તાવ મુકાયો હોવાની વાત કરી હતી. પરંતુ રિક્ષાવાળાને કચરાની થેલીમાં લોહીના ડાઘ દેખાતાં તેણે આ કામ કરવાની ના પાડી દીધી હતી. જોકે, તેણે આ બનાવની વાત કરતાં અમારી શંકા પાકી બની ગઈ હતી.”

બીબીસી ગુજરાતી

‘સરપ્રાઇઝના નામે ખૂન’

પી. એસ. આઇ. પી. એચ. જાડેજા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પી. એસ. આઇ. પી. એચ. જાડેજા

ઉપર જણાવ્યું એમ પોલીસે ઘણા સમય સુધી પુરાવા એકત્રિત કર્યા અને પોતાની શંકા પાકી થયા બાદ પોલીસની ટીમે રિઝવાના અને સુલતાનના ઘરે દરોડો પાડ્યો હતો.

માઇકલની કથિત હત્યા કરવાના દંપતીના કથિત આયોજન અંગે પોલીસ અધિકારી જાડેજાએ બીબીસી ગુજરાતીને વિગતવાર માહિતી આપી હતી.

પોલીસ અધિકારીએ આપેલ માહિતી અનુસાર રિઝવાના માઇકલ સાથેના પોતાના પ્રેમસંબંધને કારણે કંટાળી ગયાં હતાં. તેઓ પણ છૂટવા માગતાં હતાં. બીજી બાજુ પોતાનાં પત્ની સાથે કથિતપણે અનૈતિક સંબંધો રાખવાના કારણે સુલતાન પણ માઇકલને પાઠ ભણાવવા માગતા હતા. આમ દંપતીએ કથિતપણે માઇકલની હત્યાના ઇરાદો કરી લીધો હતો.

માઇકલની હત્યા અંગે વધુ વિગતો આપતાં પી. એસ. આઇ. જાડેજાએ કહ્યું હતું કે, “માઇકલની હત્યાના ઇરાદે રિઝવાનાએ તેને ગત 21 જાન્યુઆરીના રોજ સરપ્રાઇઝ કરવાના બહાને ફોન કરીને ઘરે બોલાવ્યો. લાઉડ મ્યુઝિક ચાલુ કરી, સરપ્રાઇઝના નામે માઇકલના આંખે પાટા બાંધી દીધા અને રિઝવાનાએ પ્રેમનું નાટક કર્યું. આ દરમિયાન જ સુલતાને તક જોઈને માઇકલના પેટમાં તલવારથી ઘા કરી દીધો.”

“પેટમાં તલવાર વાગ્યા છતાં માઇકલ તાકતવર હોઈ તેણે સુલતાન પર છરી વડે હુમલો કર્યો, પરંતુ સુલતાને તક જોઈ ફરીથી ચપ્પુ પડાવી લઈ, માઇકલના ગળાના ભાગ પર ચપ્પાનો ઘા કરીને તેનું મૃત્યુ નિપજાવી દીધું.”

પોલીસના દાવા અનુસાર કથિત હત્યા બાદ દંપતીએ માઇકલ મૃતદેહના આઠ ટુકડા કર્યા. આ ટુકડા જુદી જુદી જગ્યાએ નાખી દીધા.

પોલીસે આપેલી માહિતી અનુસાર મૃતકના શરીરના ટુકડા કબજે કરીને ફૉરેન્સિક રિપોર્ટ માટે મોકલાતાં માલૂમ પડ્યું કે અવશેષો એક પુરુષના છે. હાલ તેનો ડી. એન. એ. ટેસ્ટ થઈ રહ્યો છે.

પી. આઇ. એ. ડી. પરમાર

ઇમેજ સ્રોત, Bhargav Parikh

અમદાવાદની સેશન્સ કોર્ટે બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસના દાવા પ્રમાણે બંનેએ આ દરમિયાન પોતાના ગુના કબૂલ કર્યા હતા.

પોલીસના જણાવ્યાનુસાર રિઝવાનાએ પોતાનો ગુનો કબૂલ કરતાં કહ્યું હતું કે, “મિરાજ ઉર્ફે માઇકલ તેના શોખ પૂરા કરતો તેથી તે ક્યારે તેના પ્રેમમાં પડી ગઈ એ વાતની તેને ખબર જ ન પડી. પરંતુ માઇકલ અવારનવાર તેની દીકરી જાગતી હોય ત્યારે, આડોશપાડોશમાં કોઈ જોતું હોય તેમ છતાં સંબંધ રાખવાની માગ કરતો, જેથી તે કંટાળી ગઈ હતી.”

રિઝવાનાના જણાવ્યાનુસાર માઇકલ નશો કરે ત્યારે બેકાબૂ બની જતો. તેથી તેનાથી છૂટવા માટે રિઝવાનાએ પોતાના પતિને વાત કરી હતી. રિઝવાનાએ જણાવ્યું હતું કે તેનો પતિ સુલતાન પણ આ બધું જાણતો હતો.

પોલીસને આપેલ કબૂલાતમાં સુલતાને પણ કથિત હત્યાની વાત કબૂલતાં કહ્યું હતું કે, “પોલીસની તપાસમાં શું ચાલી રહ્યું છે એ વાત અંગે માહિતી મળતી રહે એ હેતુથી હું પણ માઇકલને શોધવામાં મદદ કરવાનો ડોળ કરતો. બે મહિના સુધી અમે પકડાયાં નહીં તેથી નિશ્ચિત હતાં. પરંતુ અંતે પકડાઈ જ ગયાં.”

રેડ લાઇન
રેડ લાઇન