'મારી નોકરી ગઈ, હવે મારે શું કરવું?' - અમેરિકામાં નોકરી ગુમાવનારા ભારતીય લોકોની વ્યથા

સુરભી ગુપ્તા

ઇમેજ સ્રોત, surbhi Gupta

ઇમેજ કૅપ્શન, સુરભી ગુપ્તા

ટ્વિટર, મેટા અને એમેઝોન જેવી મોટી ટૅક કંપનીઓમાં કામ કરતા હજારો લોકો 'નવી નોકરી શોધી રહ્યા છે.'

નોકરીઓ પર નજર રાખતી વેબસાઇટ Layoffs.fyi અનુસાર, 2022માં વિશ્વભરમાં લગભગ 1 લાખ 20 હજાર લોકો નોકરી ગુમાવી શકે છે.

H1B અને અન્ય વિઝા પર અમેરિકામાં કામ કરતા મોટી સંખ્યામાં ભારતીયોએ પણ તેમની નોકરી ગુમાવી છે. તેમની પાસે બે વિકલ્પ છે. કાં તો ત્યાં નવી નોકરી શોધવી અથવા તો ભારત પરત આવવું.

અમેરિકાના કૅલિફોર્નિયામાં રહેતાં પત્રકાર સવિતા પટેલે તેમાંથી કેટલાક લોકો સાથે વાત કરી.

તાજેતરમાં જ નોકરી ગુમાવનારા સૌમ્યા અય્યર અમેરિકામાં ચાર વર્ષથી 'લિફ્ટ' નામની કૅબ કંપનીમાં કામ કરતાં હતાં. તેઓ કહે છે, "હું આને 'ટૅક મહામારી' કહીશ. તમે જોઈ શકો છો એમેઝોનમાંથી દસ હજાર લોકો, ટ્વિટર પરથી અડધોઅડધ લોકોએ નોકરી ગુમાવી. મારા એક મિત્ર અને તેમની પત્ની બંનેએ નોકરી ગુમાવી દીધી છે. આ મહામારીના કારણે ટૅક સૅક્ટરને મોટો ફટકો પડ્યો છે."

ગ્રે લાઇન

'મેં માતા-પિતાને જાણ પણ કરી નથી'

સૌમ્યા અય્યર

ઇમેજ સ્રોત, LINKEDIN

ઇમેજ કૅપ્શન, સૌમ્યા અય્યર

સૌમ્યા અય્યર 'લિફ્ટ' કંપનીમાં મુખ્ય પ્રોજેક્ટ ડિઝાઇનર હતા. નવેમ્બર મહિનામાં અમેરિકન ટૅક કંપનીઓએ મોટા પાયે નોકરીઓમાં કાપ મૂક્યા બાદ ઘણા શિક્ષિત અને કુશળ લોકોએ નોકરી ગુમાવવી પડી. સૌમ્યા તેમાંના એક છે.

સૌમ્યાએ હજુ સુધી તેમના માતા-પિતાને આ વાત કહી નથી. તેમને ખાતરી છે કે તેઓ બીજી નોકરી શોધી લેશે. જોકે, તેમણે અભ્યાસ માટે લીધેલી સ્ટુડન્ટ લોન હજુ ચૂકવાઈ નથી. જેને લઈને તેઓ ચિંતિત છે. સૌમ્યાએ ભારત અને અમેરિકાની પ્રતિષ્ઠિત કૉલેજોમાં અભ્યાસ કર્યો છે.

તેઓ O-1 વિઝા પર અમેરિકા આવ્યા હતા. આ વિઝા 'ઉચ્ચ કૌશલ્ય ક્ષમતા' ધરાવતા લોકોને આપવામાં આવે છે. જોકે, વિઝાની શરતો મુજબ નોકરી છોડ્યા બાદ વ્યક્તિ માત્ર 60 દિવસ માટે અમેરિકામાં રહી શકે છે.

સૌમ્યા જણાવે છે, "મને નવી નોકરી શોધવા માટે વધારાનો એક મહિનો આપવામાં આવ્યો છે. તેથી મારી પાસે હવે ત્રણ મહિનાનો સમય છે."

અમેરિકામાં 'વર્કર ઍડજસ્ટમેન્ટ અને રિટ્રેનિંગ'ની સૂચના અનુસાર, કોઈપણ કંપનીએ કર્મચારીઓને મોટા પાયે છટણી કરતી વખતે 60 દિવસનો નોટિસ પિરિયડ આપવો આવશ્યક છે.

ગ્રે લાઇન

લોન ભરવાનું ટૅન્શન

નમન કપૂર

ઇમેજ સ્રોત, NAMAN KAPOOR

ઇમેજ કૅપ્શન, નમન કપૂર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકામાં નોકરી ગુમાવનારા ભારતીયો ઘણા ચિંતિત છે. તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની તમામ યોજનાઓ ઊંધી પડી ગઈ છે અને તેમનો સમય પૂરો થઈ રહ્યો છે.

કેટલાક લોકોને પરિવારનો ટેકો છે. પરંતુ, એવા ઘણા લોકો છે જેઓ લોન લઈને આવ્યા હતા અને અચાનક નોકરી જવાથી તેમને હજારો ડૉલરની લોન ચૂકવવાની ચિંતા છે.

નમન કપૂર પાસે F-1(OPT) વિઝા છે. નમન ફેસબુકની માતૃસંસ્થા 'મૅટા'માં પ્રોડક્શન ઍન્જિનિયર તરીકે કામ કરતા હતા. ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરવા માટે નમને લોન લીધી હતી પણ હવે તેમની પાસે નોકરી નથી.

તેના કારણે હતાશ થયેલા નમન કહે છે, "અમેરિકામાં શિક્ષણ સાથે કામનો અનુભવ આવે છે. અહીં આવીને અભ્યાસ કરવાનું એ જ કારણ હતું. હું મારા ખર્ચા ચૂકવવા માટે કામ કરતો હતો."

મૅટામાં ઘણા રાઉન્ડના ઇન્ટરવ્યૂ બાદ નમનને નોકરી મળી હતી પણ એ નોકરી માત્ર સાત અઠવાડિયામાં જતી રહી.

નમન જણાવે છે, "9 નવેમ્બરના રોજ સવારે આઠ વાગ્યે મને એક ઇમેઇલ આવ્યો કે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. મૅટાએ મને ચાર મહિનાનો પગાર આપ્યો પણ મારી પાસે નવી નોકરી શોધવા અથવા ભારત પાછા જવા માટે માત્ર ત્રણ મહિના છે."

મૅટાએ વિશ્વભરમાં 11 હજાર લોકોને બરતરફ કર્યા. ક્યા દેશમાંથી કેટલા લોકોને કાઢી મૂકાયા છે, તે વિશે કંપનીએ કોઈ જાહેરાત કરી નથી.

મૅટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી હતી કે જે લોકોએ તેમની નોકરી ગુમાવી છે તેમને 16 અઠવાડિયાનો બેઝિક પગાર આપવામાં આવશે અને દર વર્ષે બે અઠવાડિયાનો પગાર આપવામાં આવશે.

નોકરી ગુમાવનારાઓમાં એવા લોકો પણ સામેલ છે જેઓ થોડા વર્ષો પહેલાં જ અમેરિકા ગયા હતા. પરંતુ, કેટલાક લોકો માટે અમેરિકા બીજું ઘર બની ગયું હતું. તેઓ વર્ષોથી ત્યાં જ રહેતા હતા.

'મિસ ઇન્ડિયા કૅલિફોર્નિયા'ના વિજેતા અને નેટફ્લિક્સની સિરીઝ ઇન્ડિયન મૅચમેકિંગમાં અભિનય કરનારાં સુરભી ગુપ્તા વર્ષ 2009થી અમેરિકામાં રહે છે. તેઓ મૅટામાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતાં હતાં. તેમણે પણ નોકરી ગુમાવવી પડી છે.

તેઓ જણાવે છે, "હવે મારું જીવન વિઝા પર નિર્ભર છે. મેં 15 વર્ષ સુધી ખૂબ મહેનત કરી છે. હું કોઈના પર નિર્ભર રહી નથી. જીવનમાં ઘણી કસોટીઓનો સામનો કર્યા બાદ શું હું ધીરજ ગુમાવી રહી છું? ડિસેમ્બર મહિનામાં ઘણી રજાઓ આવે છે. જેના કારણે ભરતીઓ પણ ઓછી હશે."

જે લોકોએ નોકરી ગુમાવી દીધી છે તેઓ માત્ર નવી નોકરીઓ જ નહીં પરંતુ એવી કંપનીઓ શોધી રહ્યા છે જે તેમના વિઝાની પ્રક્રિયા પણ કરે. આનાથી તેમને વિઝા ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળે.

સૅન હોઝેસ્થિત ઇમિગ્રેશન ઍટર્ની સ્વાતિ ખંડેલવાલ કહે છે કે છેલ્લી ઘડીએ નોકરી શોધવી મુશ્કેલ બની શકે છે.

ગ્રે લાઇન

ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા

મૅટા

ઇમેજ સ્રોત, Getty Images

સુરભીએ કહ્યું કે 60 દિવસમાં વિઝા ટ્રાન્સફર નહીં થાય તો તેમણે અમેરિકા છોડવું પડશે અને વિઝા રિન્યૂ થયા બાદ જ પરત ફરી શકશે. પરંતુ, ભારતીય દૂતાવાસમાં ઍપોઇન્ટમેન્ટ ઘણી ઓછી આપવામાં આવે છે. જેથી તે સંભાવના પણ ઘણી ઓછી છે.

તેઓ કહે છે, "નોકરીઓમાં મૂકાઈ રહેલો કાપ જેમની પાસે નોકરીઓ છે, તેમને પણ ડરાવે છે."

જોકે, સુરભીના કહેવા પ્રમાણે ઘણા સમુદાયો અને લોકો મિત્રો અને સહકર્મીઓની મદદ માટે આગળ આવી રહ્યા છે.

અભિષેક ગુટગુટિયા જેવા લોકોએ કહ્યું કે તેઓ તરત જ લોકો માટે આગળ આવ્યા. તેઓ કહે છે, "જે લોકોએ નોકરી ગુમાવી છે તેમને ઝડપથી નોકરી મળી રહે તે માટે એક વેબસાઇટ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 15 હજાર લોકો વેબસાઇટ પર આવ્યા છે. સાઇટ પર 100થી વધુ ઉમેદવારો, 25 કંપનીઓ અને 30 માર્ગદર્શકોએ સાઇન અપ કર્યું છે. ઘણા ઇમિગ્રેશન ઍટર્ની પણ મદદ માટે આગળ આવ્યા છે."

સુરભીએ કહ્યું, "મારી નોકરી સારી રીતે ચાલી રહી હતી. જ્યારે મને ખબર પડી કે કંપની નોકરીઓ પર કાપ મૂકી રહી છે ત્યારે હું ચિંતિત થઈ ગઈ હતી. મને રાત્રે ઊંઘ ન આવી. બીજા દિવસે સવારે છ વાગ્યે મને એક ઇમેઇલ મળ્યો. હું કંપનીના કૉમ્પ્યુટરમાં લૉગ-ઇન ન કરી શકી. હું ઑફિસના જીમનો ઉપયોગ ન કરી શકી. મને તે એક બ્રેક-અપ જેવું લાગ્યું."

સૌમ્યા અય્યરે કહ્યું, "અમે કંપનીને સારી સ્થિતિમાં રાખવા માટે મહેનત કરી. પરંતુ, મને લાગતું નહોતું કે આ રીતે અમારી નોકરી જશે."

રેડ લાઇન
રેડ લાઇન