અમદાવાદના ઑડિયન્સની ટીકા ઑસ્ટ્રેલિયન મીડિયા કેમ કરી રહ્યું છે?

વર્લ્ડકપ ફાઇનલમાં ભારતને છ વિકેટે હરાવીને છઠ્ઠી વખત વિશ્વ ચૅમ્પિયન બનેલ ઑસ્ટ્રેલિયન ટીમની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે.

આ મૅચના હીરો ટ્રેવિસ હેડ રહ્યા, જેમની સદીના બળે ઑસ્ટ્રેલિયાએ 42 બૉલ બાકી રાખીને ભારતનું ત્રીજી વખત વર્લ્ડકપ ચૅમ્પિયન બનાવાનું સ્વપ્ન તોડી નાખ્યું.

ઑસ્ટ્રેલિયન મીડિયામાં કપ્તાન પૅટ કમિન્સની સૌથી વધુ સરાહના થઈ રહી છે, જેમણે મૅચ પહેલાં કહેલું કે તેઓ સ્ટેડિયમમાં હાજર એક લાખ 30 હજાર ભારતીય પ્રશંસકોને ખામોશ કરવા માગશે.

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હજારો દર્શક ખામોશ પણ થઈ ગયા. ધ ડેઇલી ટેલિગ્રાફ લખે છે ‘કેવી રીતે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓએ 140 કરોડ ભારતીયોને ખામોશ કરાવીને વર્લ્ડકપ પર કબજો કર્યો.’

ભારતીય ખેલાડીઓના વ્યવહારની ટીકા

ધ ક્રૉનિકલે શીર્ષક છાપ્યું છે – ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલમાં ખેલદિલી ન દાખવતા ભારતની ટીકા.

અખબાર લખે છે, “આઘાત અત્યંત ગંભીર હતો. જે સમયે ઑસ્ટ્રેલિયન ટીમ ટ્રૉફી સાથે ઉજવણી કરી રહી હતી, ત્યારે ભારતીય ખેલાડીઓ પર રુક્ષ વર્તનનો આરોપ લાગી રહ્યો છે.”

અખબાર લખે છે કે આ જીત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે જીત એ મેજબાન ભારતીય ટીમ સામે મળી, જે અત્યાર સુધી કોઈ મૅચ નહોતી હારી.

“આ મોટી ઉપલબ્ધિના સ્તરનો ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ અને તેમની ટીમને અહેસાસ નહીં થયો હોય, કારણ કે તેમને એક લાખ 30 હજારની ક્ષમતાવાળા, પરંતુ ખાલી સ્ટેડિયમમાં ટ્રૉફી સોંપાઈ.”

“તેના કરતાં પણ ખાસ વાત એ છે કે જે સમયે મેદાન પર ટ્રૉફી સોંપાઈ, ત્યારે ભારતીય ટીમ ક્યાંય નહોતી દેખાઈ રહી.”

“રમતના બીજા દિવસે ભારતીય ખેલાડીઓના રૂક્ષ વલણને નજરઅંદાજ પણ કરી શકાય, કારણ કે સમજી શકાય છે કે કદાચ તેમના પર ભાવનાઓ હાવી થઈ ગઈ હશે. પરંતુ તેનો અર્થ એ નથી કે આ વ્યવહાર ખેલદિલી વિરુદ્ધનો નહોતો.”

ક્રૉનિકલ લખે છે કે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ કપ્તાન માઇકલ વૉને પણ આ વર્તનની ટીકા કરી છે. તેમણે એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરેલું, “એ જોઈને સારું ન લાગ્યું કે ભારતીય પક્ષ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને ટ્રૉફી ઉઠાવતા જોવા માટે મેદાન પર નહોતો.”

જોકે, બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દેવાઈ.

‘ભારત પર પીચ બૅકફાયર કરી ગઈ’

હેરલ્ડ સને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કપ્તાન રિકી પૉન્ટિંગની એ ટિપ્પણી છાપી છે, જેમાં તેમણે પીચ અંગે ભારતની વ્યૂહરચના પર સવાલ ઉઠાવ્યા છે.

પૉન્ટિંગે કહેલું કે જે પીચ તૈયાર કરાઈ હતી, એ ભારત માટે બૅકફાયર કરી ગઈ.

અખબાર લખે છે કે, “વર્લ્ડકપ ફાઇનલ એ પીચ પર રમાઈ, જેના પર ગત મહિને રમાયેલ લીગ મૅચમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતે સાત વિકેટથી જીત હાંસલ કરી હતી.”

“પૅટ કમિન્સે પણ એક દિવસ અગાઉ પીચ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આખરે ઘાસની પટ્ટીથી ઑસ્ટ્રેલિયાને યોગ્ય રીતે લક્ષ્યનો પીછો કરવામાં મદદ મળી.”

રિકી પૉન્ટિંગે મૅચ બાદ કહ્યું, “આ પીચ મારા અનુમાન કરતાં વધુ ધીમી હતી. એ અંદાજ કરતાં ખૂબ ઓછી સ્પિન થઈ, પરંતુ તમામે પીચ પ્રમાણે ગોઠવાઈને ખૂબ સારી બૉલિંગ કરી.”

મૅચ બાદ ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટીમની હાર માટે પીચ પર દોષારોપણ ન કર્યું. તેમણે કહ્યું, “અમને ખબર હતી કે પ્રકાશ વચ્ચે આ થોડી બહેતર હશે, પરંતુ હવે હું કોઈ બહાનું નથી કાઢવા માગતો.”

કૉમેન્ટરી દરમિયાન પૉન્ટિંગે કહ્યું, “આ ખૂબ જ વધુ ભારતીય ઉપમહાદ્વીપની પરિસ્થિતિઓવાળી પીચ હતી. પ્રામાણિકપણે કહીએ તો આવી પીચ તૈયાર કરાઈ હતી, જે કદાચ ભારત માટે બૅકફાયર કરી ગઈ.”

તેમજ, ભતૂપર્વ ઇંગ્લિશ ક્રિકેટર માઇકલ વૉને કહ્યું કે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારત કરતાં પીચનો સારો અભ્યાસ કર્યો. તેમણે કહ્યું, “વ્યૂહરચનાની રીતે એ ખૂબ ચતુર ટીમ છે.”

‘સ્ટેડિયમમાં ગુંજ્યા માત્ર ઑસ્ટ્રેલિયન ખેલાડીઓના અવાજો’

ધ એજ લખે છે – ઘોંઘાટ કરતા 90 હજાર કરતાં વધુ ભારતીયોથી ભરાયેલા સ્ટેડિયમમાં વિરાટ કોહલીના વિકેટ પકડ્યા બાદ માત્ર 11 ઑસ્ટ્રેલિયન ખેલાડીઓના ઉત્સાહભર્યા અવાજો જ સંભળાઈ રહ્યા હતા.

અખબાર લખે છે, “કોહલીની વિકેટ હાંસલ કરીને કમિન્સે પોતાની ટીમને જીત રાહ પર મૂકી દીધેલી અ પછી બાકીની કસર ટ્રેવિસ હેડ અને મારનસ લાબુશેન વચ્ચે 192 રનોની ભાગીદારીએ પૂરી કરી દીધી.”

“ભલે પીચ પરથી કોહલીની વિદાય હોય, હેડની સદી હોય કે પછી જીતની ઘડી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છવાયેલી ખામોશી કમિન્સ અને તેમની ટીમના સભ્યો માટે સોનેરી હતી.”

“અહીં સુધી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ કમિન્સે ટ્રૉફી સોંપવામાં મોડું થયું.”

‘બહાદુર લીડર સાબિત થયા કમિન્સ’

ધ સન્ડે મૉર્નિંગ હેરાલ્ડ લખે છે કે, “કમિન્સે ભારત સામે વર્લ્ડકપ જીત અગે કહ્યું – આ ક્રિકેટનું શિખર છે.”

અખબાર પ્રમાણે કપ્તાન પૅટ કમિન્સને લાગે છે કે ઑસ્ટ્રેલિયા દ્વારા ભારતને હરાવી વર્લ્ડકપમાં જીત મેળવવી એ સૌથી મહાન ઉપલબ્ધિ છે.

કમિન્સ કહે છે કે, “મને લાગે છે કે આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શિખર છે, ખાસ કરીને ભારતમાં આટલા બધા દર્શકો વચ્ચે જીત મેળવવી. આપણા બધા માટે આ ખૂબ જ ખાસ વર્ષ રહ્યું. અમારી ટીમે એશિઝ અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પણ જીતી છે. આ ખૂબ મોટી વાત છે અને આજીવન યાદ રહેશે.”

કમિન્સનાં વખાણ કરતાં અખબારે કહ્યું, “કમિન્સ એક બહાદુર અને નિર્ણાયક લીડર સાબિત થયા છે, જેમણે પોતાની પ્રથમ બે મૅચ હારીને ટુર્નામેન્ટની બહાર થવાના ખતરામાં પડેલી ઑસ્ટ્રેલિયાની ટીમને આગામી સતત નવ મૅચોમાં જીત અપાવી.”

“કમિન્સની બહાદૂરી રવિવારે પણ જોવા મળી, જ્યારે તેમણે ટૉસ જીતીને એ ટીમને બેટિંગનું આમંત્રણ આપ્યું, જે આખી ટુર્નામેન્ટમાં પ્રથમ બેટિંગ કરીને હાવી રહી હતી. એ નિર્ણય ત્યારે વધુ બહાદૂરીભર્યો લાગવા માંડ્યો, જ્યારે રોહિત શર્માએ પોતાની ટીમને ધારદાર શરૂઆત અપાવી. પરંતુ કમિન્સે બે મહત્ત્વપૂર્ણ વિકેટો ખેરવી એ પણ દસ ઓવરમાં માત્ર 34 રન આપીને.”

વનડેનો એક નિયમ બદલાવાની માગ

કેર્ન્સ પોસ્ટે મિચેલ સ્ટાર્કના એ નિવેદનને જગ્યા આપી, જેમાં તેમણે વનડે ક્રિકેટના એક નિયમને બદલવાની માગ કરી છે.

મિચેલ સ્ટાર્કને લાગે છે કે વનડે મૅચોમાં બે નવા બૉલના ઉપયોગના નિયમને બદલવો જોઈએ, કારણ કે આનાથી આ રમત બૅટ્સમૅનોના પક્ષમાં જતી રહી છે.

ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર સ્ટાર્કે આ વર્લ્ડકપમાં આઠ મૅચોમાં 43.40ની સરેરાશ અને 6.55ના ઇકૉનૉમી રેટથી દસ વિકેટ હાંસલ કરી છે. આ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નથી અને વર્ષ 2015 અને 2019ના વર્લ્ડકપ કરતાં પણ ખરાબ છે.

સ્ટાર્કે કહ્યું કે તેઓ માને છે કે તેમણે પોતાની ક્ષમતાને અનુરૂપ પ્રદર્શન ન કર્યું, પરંતુ તેમણે કહ્યું કે 25 ઓવર બાદ નવા બૉલનો ઉપયોગ કરવાથી રિવર્સ સ્વિંગ હાંસલ કરવું, ખાસ કરીને દિવસે, ખૂબ મુશ્કેલ બની ગયું છે.

સ્ટાર્કને આ વર્લ્ડકપમાં દિવસે બૉલિંગ કરતી વખતે પાવરપ્લેમાં એકેય વિકેટ ન મળી, પરંતુ ભારત અને નેધરલૅન્ડ્સ વિરુદ્ધ રાત્રે બૉલિંગ કરતી વખતે સફળતા મળી હતી.

તેમણે કહ્યું, “મને હજુ પણ લાગે છે કે એક બૉલનો ઉપયોગ થવો જોઈએ, ના કે બે.”