'લાગ્યું કે સુનામી આવી છે, હજુ દરિયો લાશો ફંગોળી રહ્યો છે', લિબિયાના પૂરમાં મૃત્યુઆંક 20 હજારથી વધુ હોવાની આશંકા

લિબિયા

ઇમેજ સ્રોત, Reuters

"હું એ જોઈને ચોંકી ગયો, એ સુનામી જેવું હતું. બાજુનો વિસ્તાર આખો નષ્ટ થઈ ગયો. મૃતકોની સંખ્યા દર કલાકે વધી રહી છે."

"દરિયો સતત લાશો ફંગોળી રહ્યો છે. આ શહેરને ફરી ઊભું કરવામાં અબજો રૂપિયા લાગશે."

લિબિયામાં આવેલા ભયંકર પૂરથી સર્જાયેલી તારાજી વર્ણવતી વખતે લિબિયાના પૂર્વિય ભાગની સરકારના હિશામ શિકોતે આ વાત કહી રહ્યા છે.

લિબિયામાં વાવાઝોડા બાદ ડૅમ તૂટી ગયા અને તેને લઈને નદીમાં ભારે પૂર આવ્યા. જેમાં હજારો લોકોનાં મોત થયાં છે. અને હજુ પણ મોત વધવાની શક્યતા છે. પીડિતોની દર્દનાક કહાણીઓ ત્યાંથી સામે આવી રહી છે. તાજા અહેવાલ અનુસાર 5300થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

અમેરિકા, જર્મની, ઈરાન, ઇટાલી, કતાર અને તુર્કીએ કહ્યું છે કે ક્યાં તો તેમણે મદદ મોકલી છે અથવા તેઓ મોકલવા માટે તૈયાર છે.

લિબિયાના દેરના શહેરને સૌથી વધુ નુકસાન થયું છે. શહેરના મોટાભાગના રસ્તા ધોવાઈ ગયા છે. તે ઉપયોગમાં લેવાય એવા નથી રહ્યાં.

લિબિયાના સૌસા, અલ-મર્જ અને મિસ્રતા શહેરોને પણ અસર થઈ છે. વાવાઝોડા બાદ વરસાદ આવ્યો હતો.

વૉટર ઍન્જિનયરિંગના નિષ્ણાતોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, એવું બન્યું હશે કે પહેલાં ઉપરનો ડૅમ તૂટી ગયો અને પછી તેનું પાણી નદી મારફતે આગળ વધ્યું અને બીજા ડૅમને તોડી નાખ્યો જે દેરના શહેર પાસે હતો. જેથી દેરના શહેરમાં જળબંબાકાર થઈ ગયું.

અસરગ્રસ્ત પરિવારો પોતાના સ્વજનોની શોધમાં છે. દરમિયાન, રાજા સસ્સીએ રૉયટર્સ ન્યૂઝ સંસ્થાને જણાવ્યું કે, “પહેલાં અમને લાગ્યું કે એ માત્ર વરસાદ છે પરંતુ મધરાતે એક ધડાકાનો અવાજ આવ્યો અને એ અવાજ ડૅમ તૂટવાનો હતો.”

બીબીસીના લિબિયન જર્નાલિસ્ટ નૌરા અલજેબ્રી જેઓ ટ્યુનિશિયામાં છે. તેમણે કહ્યું કે દેરનામાં ઇમારતમાં તેમના 35 સગાસંબંધી રહેતા હતા. રાહતબચાવ ટીમનો સંપર્ક કર્યાં બાદ તેમને માલૂમ પડ્યું કે તેમના તમામ સગા સુરક્ષિત છે.

તેમણે કહ્યું, “ઘર પડી ગયા પરંતુ અમારો પરિવાર બહાર નીકળવામાં સફળ રહ્યો.” અહીં બાદ્યા નગરમાં રાહત કાર્યકર્તા તરીકે કામ કરી રહેલા કાસીમ-અલ-કતાનીએ જણાવ્યું કે, દેરના શહેરમાં પીવાનું શુદ્ધ પાણી અને દવાઓની ભારે અછત વર્તાઈ રહી છે.

બીબીસી ગુજરાતી

મૃત્યુઆંક 20 હજારથી વધુ હોવાની શક્યતા

બીબીસી ગુજરાતી

બીબીસી માટે લિબિયાના બૈરુતથી રિપોર્ટિંગ કરી રહેલા લિના સિનજાબ ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કરે છે.

"મદદ માટે સતત ફોન રણકી રહ્યા છે. મોટેભાગે ખોરાક, પાણી અને મૃત શરીરને લઈ જવાની બૉડી બૅગ્સની માગણી થઈ રહી છે."

બચાવ કાર્યકરોએ હવે ડેરનામાં આવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેમાંથી કોઈને પણ શંકા નથી કે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધશે જ.

દેરનાના બીચ અનેક ઘરોના કપડાં, ફર્નિચરના ટુકડાઓ અને બાળકોનાં રમકડાંઓથી ઢંકાયેલો છે.

"અમે રિપોર્ટિંગમાં કહ્યું છે તેમ એવી આશંકા છે કે 20,000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે."

પરંતુ ઇમારતોની નીચે દબાયેલા અથવા પાણીમાં તરી રહેલા ઘણા મૃતદેહોને કારણે હવે રોગચાળાનો પણ ગંભીર ખતરો છે.

જો કોઈ આશા બાકી બચી છે તો એ છે કે આ વિભાજિત દેશની બંને સરકારોએ રાહત પ્રયત્નોનું સંકલન કરવા માટે તેમના મતભેદોને બાજુ પર મૂકી દીધા છે અને તેઓ કામ કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

‘આખો પરિવાર તણાઈ ગયો’

લાશોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સાથેની વાતચીતમાં જોહર અલીએ કહ્યું કે લિબિયાના દેરનાથી ભયંકર તારાજીના અહેવાલ મળી રહ્યા છે. અને ત્યાં તબાહીના દૃશ્યો અને કરુણાતિંકા સર્જાઈ છે.

તેઓ કહે છે, “પાણીના પ્રવાહમાં આખો ય પરિવાર તણાઈ ગયો. એક વ્યક્તિએ તેના ભત્રીજાને રસ્તા પર મૃત જોયો. પાણીના લીધે તે ઘરની છત પરથી નીચે પટકાયો હતો.”

અલી જે જણાવી રહ્યા છે એ વ્યક્તિ તેમની મિત્ર છે. તેમના બીજા એક મિત્ર વિશે જણાવતા તેઓ કહે છે, "હું તેની બાજુમાં હતો જ્યારે તેના આખા ય પરિવારના મોતના એને સમાચાર મળ્યા."

અત્રે ઉલ્લેખનીય છે કે, અલી ઇસ્તંબુલમાં રહી રહ્યા છે. કેમ કે લિબિયામાં પત્રકારોના હુમલાના કારણે તેઓ ઇસ્તંબુલમાં શરણું લઈને લઈ રહ્યા છે.

પૂરની તારાજી વિશે તેઓ ઉમેરે છે, "મારા મિત્રનાં માતા, પિતા, તેના બે ભાઈ, તેમનાં બહેન મરયમ અને પત્નીનાં મોત થયાં છે. તેમનાં તાજેતરમાં જ લગ્ન થયાં હતાં. તેમને તેમણે લિબિયામાં પરિવારને મળવા માટે મોકલ્યા હતા. તેમને એક 8 મહિનાનું બાળક છે."

"આખો ય પરિવાર મરી ગયો છે. તે મને પૂછતો કે હવે હું શું કરું?"

એક બીજી દુર્ઘટના વિશે વધુમાં જણાવતા તેઓ કહે છે, "એક મહિલા સ્ટ્રીટલાઇટ પર લટકી ગઈ અને તેનું મોત થઈ ગયું. પૂરના પાણીના લીધે આવું થયું. તેઓ ત્યાં સંઘર્ષ કરી રહ્યા હતા પણ આખરે પાણીના પ્રવાહના લીધે મોત થઈ ગયું."

ગ્રે લાઇન

90 હજારની વસ્તીમાં 10 હજાર લાપતા

વીડિયો કૅપ્શન, વાવાઝોડા બાદ આવેલા પૂરથી તબાહી, અનેક ગામ તણાયાં, હજારો લોકોનાં મૃત્યુની આશંકા I Libya

લિબિયામાં સર્જાયેલી તારાજીની પરાકાષ્ઠા એ વાતથી સમજી શકાય છે કે, દેરના શહેર જે દરિયાકાંઠે આવેલું છે તેમાં લગભગ 90 હજારની વસ્તી છે. પરંતુ હવે સરકારને ભીતિ છે કે લગભગ 10 હજાર લોકો લાપતા છે. જેમાં મોટાભાગના લોકો શક્તિશાળી પૂરના પાણીમાં તણાઈને ભૂમધ્ય સાગરમાં ખેંચાઈ ગયા છે.

દેરના શહેરમાં કાદવ અને પથ્થરોનો ઢગલો થઈ ગયો છે. વાહનો તણાઈ જવાથી રસ્તા જામ થઈ ગયા છે. શહેરના 10 જિલ્લામાંથી માત્ર ત્રણ જિલ્લા પૂરમાં બચી શક્યા છે.

શહેરમાં બાળકોનો આક્રંદ અને પરિવારના સભ્યનો શોધતી વ્યક્તિનો વિલાપ ગુંજી રહ્યો છે.

રાહતકામગીરી કરી રહેલી ટીમ કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવાની કોશિશ કરી રહ્યા છે.

"કાટમાળ નીચેથી બાળકોનો આક્રંદ સંભળાય છે પરંતુ તેમના સુધી ક્યાં કેવી રીતે પહોંચવું એ મુશ્કેલી છે. કાટમાળ નીચેથી મૃતદેહો કાઢવા માટે લોકો ખોદકામ કરી રહ્યા છે. પોતે જ ખોદીને સ્વજનનો મૃતદેહ બહાર કાઢી રહ્યા છે. ખુલ્લા હાથે શબને બહાર ખેંચી રહેલા લોકોની તસવીરો પણ સામે આવી રહી છે."

લિબિયામાં બે સરકારો છે. વચગાળાની સરકાર જેને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મળેલી છે તે સરકાર ત્રિપોલીથી કામ કરી રહી છે અને બીજી તેની કટ્ટર હરીફ સરકાર પૂર્વમાં સ્થાયી છે.

પરંતુ આ તારાજીમાં બંને સરકારો એકબીજા સાથે સહકાર કરીને કામ કરી રહી છે. ટ્રાઇપોલીથી મંગળવારે બેનગાઝી માટે રાહત સામગ્રી અને દવાઓની સપ્લાય વિમાન મારફતે મોકલવામાં આવી હતી.

જોકે પત્રકાર અલી અનુસાર બંને સરકારો ત્વરિત કામગીરી કરવામાં નિષ્ફળ રહી. સંયુક્ત રાષ્ટ્રસંઘે મદદ માટે વચન આપ્યું છે. પરંતુ હજુ સુધી માત્ર મર્યાદિત સહાય પહોંચી શકી છે.

અહીં મોટી સંખ્યામાં લોકો ઘરવિહોણા છે. તેમની પાસે ફૂડ, પાણી નથી. લોકો એકબીજાને શક્ય તેટલી મદદ કરી રહ્યા છે. અહીં મોટાપાયે આંતરરાષ્ટ્રીય મદદની જરૂર છે.

ગ્રે લાઇન

હૉસ્પિટલોમાં ધસારો

લિબિયામાં રવિવારે ડેનિયલ વાવાઝોડું આવ્યું હતું અને ત્યારથી એક પછી એક ઘટના શરૂ થઈ. જેથી ખૂબ જ મોટી કુદરતી હોનારત સર્જાઈ છે.

સ્થિતિ એવી છે કે દેરના શહેરમાં હૉસ્પિટમાં ખૂબ જ દબાણ છે. અહીં 700 શબ છે અને હૉસ્પિટલની જગ્યા પણ એટલી પૂરતી નથી. હૉસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયાં છે.

ત્રીજા ભાગનું દેરના શહેર નષ્ટ થઈ ગયું છે. જાનમાલને ભયંકર નુકસાન થયું છે.

વર્ષ 2011માં લિબિયાના શાસક કર્નલ મુઅમ્મદ ગદ્દાફીની હત્યા બાદ રાજકીય અસ્થિરતા છે. ક્રૂડ ઑઇલથી સંપન્ન આ દેશમાં ભાગલા પડી ગયા અને બે સરકારો અસ્તિત્વમાં આવી.

લિબિયાના પત્રકાર અબ્દુલકાદીર અસ્સદ અનુસાર મદદ પહોંચી નથી રહી. હજુ પણ મદદની રાહ જોવાઈ રહી છે.

ગ્રે લાઇન

લાપતા સ્વજનોને શોધી રહેલા પરિવારો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રૉયટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર ઉસ્માન અલી નામના 52 વર્ષની વ્યક્તિ જેઓ એક ડ્રાઇવર છે, તેઓ પત્ની અને પાંચ બાળકોને શોધી રહ્યા છે.

તેઓ કહે છે, "હું પગપાળા તેમને શોધી રહ્યો છું. હું તમામ હૉસ્પિટલમાં જઈ આવ્યો પણ તેઓ નથી મળ્યા."

હુસેદી તેમનાં પત્નીએ સતત ફોન લગાવી રહ્યા છે પરંતુ ફોન સ્વિચ ઑફ આવી રહ્યો છે તેઓ કહે છે, "અમારા પિતાના પરિવારના લગભગ 50 લોકો લાપતા છે અથવા તો મોત થઈ ગયાં છે."

41 વર્ષીય મહમદ મોહસીન કહે છે, "હું અને મારાં પત્ની બચી ગયાં છે પણ મારી બહેન ન બચી શકી. એ જ્યાં રહેતી હતી ત્યાં ખૂબ જ નુકસાન થયું છે. તેમના પતિ અને બાળકોની લાશ અમને મળી જેમને અમે દફનાવ્યા છે."

રેડ લાઇન
રેડ લાઇન