ભારત રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરે તો શું દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે?

અમેરિકા, ભારત, ટેરિફ, રશિયા, ચીન, નિકી હેલી, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાત, ઑઇલ, પેટ્રોલ, ડિઝલ ગૅસ, ટ્રેડ, ટેરિફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે.

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે.
    • લેેખક, અભયકુમારસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને માહિતી મળી છે કે ભારત હવે રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરી શકે છે.

ટ્રમ્પે શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "મારી જાણકારી મુજબ હવે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. મેં એવું સાંભળ્યું છે, ખાતરીપૂર્વક કહી શકતો નથી. આ એક સારું પગલું છે. આગળ શું થાય છે, તે જોઈશું…"

આના બે દિવસ પહેલાં જ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે 1 ઑગસ્ટથી અમેરિકા જતાં દરેક ભારતીય માલ પર 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે.

તેમણે આ પણ કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી સૈન્ય સાધનો અને તેલ ખરીદતું રહેશે તો આ ટેરિફ સિવાય વધારાની પૅનલ્ટીની રકમ પણ ચૂકવવી પડશે. તેમનો આરોપ છે કે ભારતની આ ખરીદી રશિયાને યુક્રેન યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરે છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રશિયા પાસેથી તેલ ખરીદીના પ્રશ્ન પર શુક્રવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું, "તમે જાણો છો કે અમારી ઊર્જાની જરૂરિયાતો અંગે અમે તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈએ છીએ. બજારમાં શું ઉપલબ્ધ છે અને વિશ્વમાં શું સ્થિતિ છે, તેના આધારે જ અમે નિર્ણય લઈએ છીએ."

હવે ચર્ચા એ બાબતની છે કે જો ભારત રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરે અથવા તેમાં ઘટાડો કરે, તો તેનો દેશની અર્થવ્યવસ્થા, ઑઇલની કિંમતો અને રાજનૈતિક સંબંધો પર કેવી અસર પડશે?

આ પ્રશ્નોના જવાબ જાણવા માટે બીબીસી દ્વારા વિવિધ નિષ્ણાતો સાથે વાતચીત કરવામાં આવી.

ભારત રશિયા પાસે કેમ ઑઇલ લે છે?

અમેરિકા, ભારત, ટેરિફ, રશિયા, ચીન, નિકી હેલી, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાત, ઑઇલ, પેટ્રોલ, ડિઝલ ગૅસ, ટ્રેડ, ટેરિફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં ભારતના કુલ ઑઇલની આયાતમાં લગભગ 35 ટકા હિસ્સો રશિયા પાસેથી આવ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2018માં આ માત્ર 1.3 ટકા હતો.

ભારત અને ચીન રશિયાનાં કાચાં તેલના સૌથી મોટા ખરીદદારો છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછીથી ભારત દ્વારા રશિયા પાસેથી ઑઇલની આયાત ઝડપથી વધી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં ભારતના કુલ ઑઇલની આયાતમાં લગભગ 35 ટકા હિસ્સો રશિયા પાસેથી આવ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2018માં આ માત્ર 1.3 ટકા હતો.

આવા સંજોગોમાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે જો આ પુરવઠો અટકી જાય તો શું સ્થિતિ સર્જાઈ શકે.

સર્ચ ગ્રૂપ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના સ્થાપક અજય શ્રીવાસ્તવ માને છે કે વૈશ્વિક સ્તરે ઑઇલની ઉપલબ્ધતા હજુ પણ પૂરતી છે અને પુરવઠા પર કોઈ સંકટ નહીં આવે.

તેમણે કહ્યું, "ઑઇલ એ એક કૉમોડિટી છે. ભારત વિશ્વની કુલ ખપતનો માત્ર આશરે 2 ટકા ઉપયોગ કરે છે. ઑઇલમાં હંમેશાથી ઓવર પ્રોડક્શનની સમસ્યા રહી છે. આ જ કારણ છે કે OPEC બનાવવામાં આવ્યું હતું જેથી દેશો વધુ ઉત્પાદન ન કરે. પરંતુ હવે સ્થિતિ એવી છે કે તેલ ઉત્પાદક દેશો જ્યારે ઇચ્છે ત્યારે વધુ ઉત્પાદન કરી શકે છે. તેથી આજના સમયમાં પુરવઠો કોઈ સમસ્યા નથી."

જોકે, નિકોર ઍસોસિએટ્સનાં અર્થશાસ્ત્રી મિતાલી નિકોર કહે છે કે આ માર્ગ એટલો સરળ નહીં હોય.

તેમના અનુસાર, "આ ભારત માટે ખૂબ જ મુશ્કેલ સ્થિતિ છે. હાલમાં આપણે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર ઑઇલ ખરીદી શકી રહ્યા છીએ. ઘણા દેશો માટે રશિયા પાસેથી ઑઇલ લેવું મુશ્કેલ છે, પરંતુ ભારતને છૂટ મળી રહી હતી. યુરોપ પણ રશિયા પાસેથી થોડું ઑઇલ ખરીદે છે. અને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને પણ કહ્યું કે અમેરિકા રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યું છે, પરંતુ પોતે પણ રશિયા પાસેથી થોડો સામાન ખરીદે છે, ભલે તે ઑઇલ ન હોય. તો જ્યારે અમેરિકા પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યું છે, ત્યારે તે અન્ય દેશોને રશિયા સાથે વેપાર કરવાની મનાઈ કેમ ફરમાવે છે? ચીને પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો."

EY ઇન્ડિયાના ટ્રેડ પૉલિસી લીડર અગ્નેશ્વર સેન બીબીસી સાથેની વાતચીતમાં આગળની રણનીતિ પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે ભારતે ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે અનેક સ્ત્રોતો તરફ જોવું પડશે.

તેમણે કહ્યું, "જો ભારત રશિયા પાસેથી ઑઇલ આયાત ઘટાડવાનો નિર્ણય કરે છે, તો તેને પોતાના પરંપરાગત મધ્ય-પૂર્વના ભાગીદારો – સાઉદી અરબ, ઇરાક અને યુએઈ તરફ જોવું પડશે. સાથે સાથે આફ્રિકા અને અમેરિકા જેવા નવાં સ્ત્રોતો પણ શોધવાં પડશે. પરંતુ દરેક વિકલ્પ સાથે પડકારો હશે, જેમ કે ઊંચી કિંમતો અને પુરવઠાની અનિશ્ચિતતા."

"ઘરેલું ઉત્પાદન હાલમાં કુલ જરૂરિયાતનો આશરે 15 ટકા હિસ્સો જ પૂરું પાડે છે, જેને ઝડપથી વધારવું સરળ નથી. તેથી ટૂંકા ગાળામાં ભારતે પોતાની ઊર્જા સુરક્ષા, ખર્ચ અને ભૂ-રાજકીય સંતુલન જાળવી રાખવા માટે તેલનાં સ્ત્રોતોમાં સાવધાનીપૂર્વક વિવિધતા લાવવી પડશે."

અંતે વિકલ્પો શું છે?

અમેરિકા, ભારત, ટેરિફ, રશિયા, ચીન, નિકી હેલી, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાત, ઑઇલ, પેટ્રોલ, ડિઝલ ગૅસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને માહિતી મળી છે કે ભારત હવે રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરી શકે છે.

ભારત પાસે તેલ માટે ઘણાં સંભવિત સ્ત્રોતો છે, પરંતુ દરેકના પોતાના ફાયદા પણ છે અને તેની મર્યાદાઓ પણ.

મિતાલી નિકોર જણાવે છે, "સૌથી મોટો વિકલ્પ હંમેશા મધ્ય પૂર્વ (UAE) હોય છે. ત્યાંથી ઑઇલ મોંઘું પડે છે, પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમેરિકા પાસેથી પણ ઑઇલ લઈ શકાય છે. અમેરિકામાં નવી રિફાઇનરીઓ ખુલી રહી છે. અમેરિકા એ પ્રયાસ કરી રહ્યો છે કે તેની ઑઇલ કંપનીઓ આગળ વધે, કારણ કે આવનારાં 40-50 વર્ષ જ ઑઇલ વેચી શકાશે, એટલે કે આટલો જ સમય બચ્યો છે."

તેમણે આગળ કહ્યું કે દરેક વિકલ્પ સરળ નથી. "હા, આ વધુ મોંઘું હશે. આફ્રિકા માં પણ કેટલાક દેશો છે જ્યાં ઑઇલ ઉપલબ્ધ છે, પણ છેલ્લાં 20 વર્ષમાં ચીને ત્યાં ભારે રોકાણ કર્યું છે અને ત્યાંનાં સંસાધનો પર તેનું ઘું નિયંત્રણ છે. તેથી ત્યાંથી ઑઇલ લેવું પણ સરળ નથી."

અર્થાત્, ઑઇલ ખરીદવાના વિકલ્પો હાજર છે, પણ એ ન તો સસ્તા છે અને ન જ તરત ઉપલબ્ધ થાય છે.

આ પડકારોનો ઉલ્લેખ કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી પણ ફેબ્રુઆરી 2025માં બીબીસીના કાર્યક્રમ "Hard Talk"માં કર્યો હતો. તેમણે કહ્યું હતું, "અમારા પુરવઠાનાં સ્ત્રોતોમાં ઘણી વિવિધતા છે. હવે અમે 39 દેશો પાસેથી ઑઇલ આયાત કરી રહ્યા છીએ."

કાર્યક્રમમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત અમેરિકા ને નારાજ કરીને રશિયા પાસેથી ઑઇલ ખરીદી રહ્યું છે, તો તેમણે કહ્યું હતું, "હું અહીં તમને આ જણાવી દઉં કે આ કોઈની ઇચ્છા વિરુદ્ધ નહોતું."

"અમેરિકા એ અમને કહ્યું હતું કે અમે રશિયા પાસેથી જેટલું ઇચ્છીએ તેટલું ઑઇલ ખરીદી શકીએ છીએ, શરત એ છે કે યોગ્ય કિંમતે ખરીદાય. અને આ અમારા માટે તે સારું હતું."

શું પેટ્રોલ-ડિઝલ મોંઘાં થશે?

અમેરિકા, ભારત, ટેરિફ, રશિયા, ચીન, નિકી હેલી, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાત, ઑઇલ, પેટ્રોલ, ડિઝલ ગૅસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણકારો કહે છે કે રશિયા પાસેથી મળતું સસ્તું ઑઇલ ભારતીય અર્થવ્યવસ્થા માટે રાહત તો લાવ્યું, પણ તેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચ્યો નહીં.

જો ભારત રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરે અથવા ઘણું ઓછું કરે, તો તેનું ઘરેલું બજાર અને અર્થવ્યવસ્થા પર કેવી અસર પડશે?

અજય શ્રીવાસ્તવ કહે છે કે રશિયા પાસેથી મળતું સસ્તું ઑઇલ ભારતીય અર્થવ્યવસ્થા માટે રાહત તો લાવ્યું, પણ તેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચ્યો નહીં.

તેમણે કહ્યું, "રશિયા પાસેથી ઑઇલ અમને થોડું ઓછા ભાવે મળે છે. પણ જે બચત થઈ, તેનો લાભ સામાન્ય જનતાને મળ્યો નહીં. જે પણ બચત થઈ, તે સરકાર કે રિફાઇનિંગ કંપનીઓ પાસે રહી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ અચાનક ઘટાડો આવ્યો નહીં."

બીજી તરફ મિતાલી નિકોર માને છે કે જો રશિયા પાસેથી ઑઇલ ન લેવાય તો તેની અસર દરેક રીતે દેખાશે.

તેમનું કહેવું છે, "100 ટકા અસર પડશે. આ સ્થિતિ કોઈ માટે લાભદાયક નહીં હોય. આ સંપૂર્ણ રીતે નુકસાનવાળી સ્થિતિ છે. અમારે એ વિચારવું પડશે કે કેવી રીતે ઓછામાં ઓછું નુકસાન થાય. અથવા તો અમારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા પડશે, અથવા તો અમારે અમેરિકાના ટેરિફનો ખતરો ઉઠાવવો પડશે, અથવા સર્વિસ સેક્ટર પર નવા ટૅક્સ કે ટેરિફ લગાવી શકાય છે. દરેક તરફ નુકસાન જ નુકસાન છે. આ સ્થિતિને યોગ્ય રીતે સંભાળવા માટે અમારે અમારી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે, ઘરેલું ખપત વધારવી પડશે અને યુદ્ધથી દૂર રહેવું પડશે."

અગ્નેશ્વર સેન પણ માને છે કે આ નિર્ણયનો અસર સામાન્ય ગ્રાહકો પર દેખાઈ શકે છે.

સેન કહે છે, "જો ભારત રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું સંપૂર્ણ રીતે બંધ કરે છે, તો પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ લગભગ 5 થી 6 રૂપિયા પ્રતિ લિટર સુધી વધી શકે છે. જોકે, વાસ્તવિક વધારો બજારની સ્થિતિ અને સરકારના ટૅક્સ કે સબસિડીના નિર્ણય પર આધાર રાખશે."

હવે આગળ શું?

અમેરિકા, ભારત, ટેરિફ, રશિયા, ચીન, નિકી હેલી, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાત, ઑઇલ, પેટ્રોલ, ડિઝલ ગૅસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત હાલ 39 દેશો પાસેથી ઑઇલ આયાત કરી રહ્યું છે.

આગામી સમયમાં ઑઇલના પુરવઠાને લઈને ભારતની રણનીતિ શું હોઈ શકે, તેના પર નિષ્ણાતો વિવિધ પાસાઓ તરફ ધ્યાન દોરે છે.

મિતાલી નિકોર કહે છે, "મને લાગે છે કે સરકારનું હાલનું નિવેદન યોગ્ય છે કે જ્યાંથી પણ ઓછી કિંમત હશે, ત્યાંથી ઑઇલ ખરીદશું. હવે અમારી રણનીતિ એવી હોવી જોઈએ કે અમે ઝડપથી અક્ષય ઊર્જામાં રોકાણ કરીએ જેથી ઑઇલ પર નિર્ભરતા ઘટાડી શકાય."

અજય શ્રીવાસ્તવ આ ચર્ચામાં ઘરેલું ઉત્પાદનની મહત્ત્વતાને ઉલ્લેખે છે. તેમનું કહેવું છે કે ભારતે ફરીથી પોતાની ઊર્જાની જરૂરિયાત માટે શોધ અને રોકાણ પર ધ્યાન આપવું પડશે.

તેમણે કહ્યું, "જો આપણે લાંબા ગાળાના માટે ઊર્જામાં આત્મનિર્ભર બનવું હોય, તો ઘરેલું ઑઇલ શોધ પર ધ્યાન આપવું જરૂરી છે. જ્યાં સુધી આ નથી થતું, ત્યાં સુધી અમારે ખુલ્લાં બજારમાંથી ખરીદી કરવી પડશે."

તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા પાસેથી ઑઇલ ખરીદવું એ એક આર્થિક નિર્ણય હતો, કોઈ રાજકીય વલણ નહીં.

તેમનો તર્ક છે, "યુક્રેન યુદ્ધ પહેલાં પણ ભારત રશિયા પાસેથી ખૂબ ઓછું ઑઇલ લેતું હતું. રશિયા પાસેથી અચાનક ખરીદી એટલે વધી કારણ કે ઑઇલ સસ્તું મળી રહ્યું હતું. આ સમજવું જરૂરી છે કે રશિયા પાસેથી ઑઇલ ખરીદવું એ અમારા માટે એક વેપારિક નિર્ણય હતો, કોઈ રાજકીય નિર્ણય નહીં. જો કોઈ બીજું દેશ અમને એ જ રીતે સસ્તું ઑઇલ આપે, તો અમે ત્યાંથી લઈશું. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો જૂના અને મજબૂત છે, પણ ઑઇલ ખરીદવાને લઈને કોઈ સીધો સંબંધ નથી. જ્યાં સુધી રશિયા પાસેથી સસ્તું ઑઇલ મળશે, ભારત લેશે. જો સસ્તું નહીં મળે, તો ભારત અન્ય દેશો પાસેથી ઑઇલ લઈ લેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન