'હું મારા પોતાના દેશમાં મારા પતિ સાથે રહી શકતી નથી', યુકેમાં જીવનસાથી વિઝા માટે સંઘર્ષ કરતા લોકોની વ્યથા

ઇમેજ સ્રોત, Submitted
- લેેખક, અના દા સિલ્વા
- પદ, બીબીસી ન્યૂઝ
યુકેની સરકાર સામે વિદેશી વ્યક્તિનો સહવાસ કે તેની સાથે લગ્ન કરવાનું પસંદ કરતા બ્રિટિશ નાગરિકોની ચિંતામાં વધારો કરતી ઇમિગ્રેશન નીતિ રદ કરવાની માંગણી થઈ રહી છે.
પોતાના જીવનસાથીની વિઝા અરજીને સ્પૉન્સર કરવા ઇચ્છતા બ્રિટિશ નાગરિકો અને સ્થાયી રહેવાસીઓ ઓછામાં ઓછી 29,000 પાઉન્ડની આવક ધરાવતા હોવા જોઈએ અથવા તેમની પાસે 88,500 પાઉન્ડની બચત હોવી જોઈએ.
બ્રિસ્ટોલ અને સ્ટ્રોડના સાંસદો સરકારને વિનંતી કરી રહ્યા છે કે કન્ઝર્વેટિવ્ઝ દ્વારા સ્થળાંતર પર અંકુશ લાદવા માટે લાવવામાં આવેલી નીતિને રદ કરે.
રિયુનાઇટ ફેમિલીઝ યુકે નામના અભિયાન જૂથનાં કેરોલિન કૂમ્બ્સે કહ્યુ હતું, "સરકારનું આગામી પગલું માત્ર સાથે રહેવા ઇચ્છતા પરિવારોને વિખેરી નાખશે."
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લઘુતમ આવક નીતિ "યુકેની આર્થિક સ્થિરતા જાળવી રાખવાની સાથે કૌટુંબિક જીવન પ્રત્યેના આદરને સંતુલિત કરવાની જરૂરિયાત છે." અને માઇગ્રેશન ઍડવાઇઝરી કમિટીની સમીક્ષાનાં તારણો બાબતે વિચાર કરી રહી છે.
ગ્લોસ્ટરશાયરના સ્ટ્રોઉડનાં 32 વર્ષીય રેબેકા ગ્રે માટે આ નીતિ રદ કરવાનો અર્થ એ થશે કે તેઓ તેમના તુર્કીશ પતિ સાથે બ્રિટન પાછા ફરી શકશે.
રેબેકાએ કહ્યું હતું, "વિઝા નિયમોથી કેટલું નુકસાન થતું હોય છે તેનો ખ્યાલ આ લોકોને હોય એવું મને લાગતું નથી."
રેબેકા એક બ્રિટિશ બિઝનેસમાં સ્વ-રોજગાર વ્યક્તિ તરીકે કાર્યરત છે, પરંતુ તેમની કમાણી લઘુતમ આવકના માપદંડ અનુરૂપ નથી. તેઓ છેલ્લા ચાર વર્ષથી તુર્કીમાં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના 31 વર્ષીય પતિ બરન સાથે બચત યોજના મારફત અરજી કરવા માટે રેબેકા બચત કરી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું, "અમે સંતાનને જન્મ આપવાનું મોકુફ રાખ્યું છે, કારણ કે અમારું ધ્યાન મારા પતિના વિઝા માટે બચત કરવા પર કેન્દ્રીત છે."
રેબેકા ગ્રેના કહેવા મુજબ, તેમના પતિનાં માતા-પિતા બન્ને અવસાન પામ્યાં છે. તેમના તથા તેમના પરિવારને બ્રિટન સાથે ગાઢ સંબંધ છે.
"અમે પરિવારની નજીક રહેવા ઇચ્છીએ છીએ. અમારી વચ્ચે માતા-પિતા તરીકે એક જ વ્યક્તિ બચી છે અને તે મારાં મમ્મી છે."
"મારે મારા પતિ સાથે રહેવું હશે તો મારા પરિવારથી હજારો માઇલ દૂર રહેવું પડશે."
યુનાઇટેડ કિંગ્ડમ જેવા કેટલાક દેશોમાં જીવનસાથી વિઝા માટે લઘુતમ આવકની શરત છે, પરંતુ ફ્રાન્સ અને નેધરલૅન્ડ જેવા દેશો એ વિઝાને તેમના રાષ્ટ્રીય લઘુતમ વેતન સાથે જોડે છે ત્યારે બ્રિટને ઊંચી મર્યાદા નક્કી કરી છે.
માઇગ્રેશન ઑબ્ઝર્વેટરીનો અંદાજ છે કે બ્રિટનમાં કામ કરતા લોકો પૈકીના લગભગ 50 ટકાની આવક 29,000 પાઉન્ડથી ઓછી છે.
'મારાં બાળકો માને છે કે હું ફોનમાં રહેલો માણસ છું'

ઇમેજ સ્રોત, Submitted
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અનેક અરજદારો માટે લઘુતમ આવક નીતિ એકમાત્ર નાણાકીય અવરોધ નથી.
વિઝા ફી અને એનએચએસ સરચાર્જ સહિતનાં પાંચ વર્ષના સેટલમેન્ટ માટે તેમણે 7,000થી વધારે પાઉન્ડ ખર્ચવા પડે તેમ છે અને તેમાં કાનૂની ફીનો સમાવેશ થતો નથી.
વૉર્સેસ્ટરના લેઇટન એલને કહ્યું હતું, "તે અન્યાયી છે. માત્ર શ્રીમંત લોકો જ તેમના જીવનસાથીને બ્રિટનમાં લાવી શકે તેમ છે."
30 વર્ષીય લેઇટન એલન રિટેલમાં કામ કરે છે. તેમના કહેવા મુજબ, તેમની આવક પગાર મર્યાદાની શરત સંતોષી શકે તેટલી નથી. તેથી તેઓ તાન્ઝાનિયામાં રહેતી તેમની પ્રેયસી અને તેમનાં બે બાળકોને બ્રિટન લાવી શકે તેમ નથી.
તેમના જણાવ્યા અનુસાર, તેઓ પરિવાર સાથે શક્ય તેટલો વધુ સમય રહેવાના પ્રયાસ કરે છે. તેમને વર્ષમાં ત્રણ સપ્તાહ પરિવાર સાથે રહેવા મળે છે.
તેમણે કહ્યું હતું, "હું મારાં સંતાનો માટે પિતાની ફરજ બજાવવા ઇચ્છું છું, પરંતુ મને લાગે છે કે મારી પાસેથી હવે આ વિકલ્પ છીનવાઈ ગયો છે. હું તેમને આર્થિક રીતે ટેકો આપી રહ્યો છું, પણ તેમની સાથે રહી શકતો નથી."
તેમણે ઉમેર્યું હતું, "મારાં સંતાનો માને છે કે હું ફોનમાં રહેતો માણસ છું."
બ્રિટિશ જીવનસાથી અથવા સ્થાયી નિવાસીએ સરકારી ભંડોળનો આશરો લીધા વિના યુકેમાં તેમના વિદેશી જીવનસાથીને આર્થિક ટેકો આપી શકે તેટલા પૈસા કમાવા જોઈએ એવા હેતુસર લઘુતમ આવકની શરત સૌપ્રથમ 2012માં રજૂ કરવામાં આવી હતી.
ગયા વર્ષે પગાર મર્યાદામાં પહેલીવાર વધારો થયો હતો. તે 18,600 પાઉન્ડથી વધીને 29,000 પાઉન્ડ કરવામાં આવી હતી.
'હું મારાં માતા-પિતાની સંભાળ રાખવા ઘરે જઈ શકતી નથી'
બ્રેક્ઝિટ અને યુકે તથા યુરોપિયન યુનિયનના દેશો વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા પર પૂર્ણવિરામ મૂકાયું પછી સારાહ ડગ્લાસ જેવા કેટલાક બ્રિટિશ નાગરિકો માટે પણ તેમના પરિવારો પાસે યુકે પાછા ફરવાનું મુશ્કેલ બની રહ્યું છે.
42 વર્ષનાં સારાહ ડગ્લાસ તેમના પતિ માટ્ટેઓ અને ત્રણ સંતાનો સાથે ઇટાલીમાં રહે છે.
સારાહ વૃદ્ધ માતા-પિતાની નજીક રહેવા અને તેમની સારસંભાળમાં મદદ માટે પોતાના પરિવાર સાથે સ્કૉટલૅન્ડ પાછા ફરવાં ઇચ્છે છે.
અલબત, તેઓ લઘુતમ આવકનો વિકલ્પ અપનાવે તો તેમણે તેમના ઇટાલિયન પતિ વિના યુકે પાછા ફરવું પડશે અને જીવનસાથી વિઝાની અરજી કરવા માટે છ મહિના બ્રિટનમાં નોકરી કરવી પડશે.

ઇમેજ સ્રોત, Submitted
"હું યુકેમાં શિક્ષિકા તરીકે કામ કરી શકું છું અને મારા સૉફ્ટવેર એન્જિનિયર પતિને પણ સરળતાથી કામ મળી જશે."
"અમે આર્થિક રીતે સ્થિર છીએ. અમે કોઈના ટેકા પર આધારિત નથી, પરંતુ અમે સાથે રહ્યા એટલે આમ કરી શક્યા છીએ."
અલગ ન થવું પડે એટલે તેઓ સેવિંગ્ઝ રૂટ દ્વારા અરજી કરવા માટે 88,500 પાઉન્ડ બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે.
"આટલી મોટી બચત કરવાની હોવાથી અમારા માટે નાણાકીય તાણ સર્જાય છે અને તેમાં લાંબો સમય જઈ રહ્યો છે, પરંતુ અમને લાગે છે કે આ એકમાત્ર વિકલ્પ છે."
તેમણે ઉમેર્યું હતું, "અમને અલગ થવાની ફરજ પાડવામાં આવશે તો અમારા પરિવાર પર તેની માઠી અસર થશે. બાળકો પર કેટલી માઠી અસર થાય છે તેની મને ખબર છે. મારાં બાળકોએ તે પરિસ્થિતિનો સામનો કરવો પડે એવું હું ઇચ્છતી નથી."
ચિલ્ડ્રન્સ ચેરિટી કોરમના એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે અલગ થયેલા પરિવારોનાં બાળકોમાં તણાવ અને ચિંતા જોવા મળે છે તેમજ તેઓ શાળામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોવાના સંકેતો મળે છે.
અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન લઘુતમ આવકની જરૂરિયાતથી પ્રભાવિત પરિવારોમાં રહેતાં બાળકોએ વધુ પડતા પડકારોનો સામનો કરવો પડે અને તેમની માનસિક સુખાકારી નબળી હોય તે શક્ય છે.
યુકે ફેમિલી વિઝા યોજનાથી પ્રભાવિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી બિન-લાભકારી સંસ્થા રિયુનાઇટ ફેમિલીઝ યુકે દ્વારા ઉપરોક્ત અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

સંસ્થાનાં સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેરોલિન કૂમ્બ્સે કહ્યું હતું, "રોજેરોજ પીડાતા હોય એવા આશરે 6,000 યુગલો અને પરિવારો છે."
તેમણે ઉમેર્યું હતું, "લોકોને એવું લાગે છે કે તેમની જ સરકાર તેમની હાલતથી અજાણ છે. પોતે પોતાના પ્રિયજનો સાથે અહીં કેમ રહી ન શકે, એ વાત તેઓ સમજી શકતા નથી."
ગૃહ મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે તેઓ માઇગ્રેશન ઍડવાઇઝરી કમિટીની સમીક્ષાનાં તારણોની તપાસ કરશે અને યોગ્ય સમયે તેનો પ્રતિભાવ આપશે.
માઇગ્રેશન નિષ્ણાતોએ વર્તમાન મર્યાદામાં ઘટાડો કરવાનું સૂચન કર્યું છે અને બીજા અનેક શક્ય વિકલ્પો આપ્યા છે.
દાખલા તરીકે, તેમણે જણાવ્યું છે કે મર્યાદા ઘટાડીને 24,000 પાઉન્ડ કરવાથી પરિવારનું પુનઃમિલન સરળ બનાવવામાં મદદ મળશે અને નેટ માઇગ્રેશનમાં આશરે 1-3 ટકા વધારો થશે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું, "કૌટુંબિક વિઝા માટે લઘુત્તમ આવકની આવશ્યકતામાં યુકેની આર્થિક સ્થિરતા જાળવવાની સાથે કૌટુંબિક જીવન માટેના આદરને સંતુલિત કરવાની જરૂર છે એ અમે સમજીએ છીએ. તેથી જ હોમ સેક્રેટરીએ સ્વતંત્ર માઇગ્રેશન ઍડવાઇઝરી કમિટીને સમીક્ષા હાથ ધરવાનું કામ સોંપ્યું છે."
"હવે અમે સમિતિનાં તારણો બાબતે વિચાર કરી રહ્યા છીએ અને યોગ્ય સમયે પ્રતિભાવ આપીશું."
માઇગ્રેશન 'ખૂબ વધારે' છે
કેન્ટના કોન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્ય અને વિપક્ષના સહાયક વ્હિપ કેટી લેમે વઘુતમ આવકની શરતની મર્યાદામાં વધારાનો બચાવ કર્યો છે.
તેમણે કહ્યું હતું, "છેલ્લા બે દાયકામાં માઇગ્રેશનનું પ્રમાણ ખૂબ જ વધારે રહ્યું છે અને હજુ પણ છે."
"માઇગ્રેશનના પ્રમાણમાં ઘટાડો કરવા નાગરિકો એક પછી એક સરકારોને કહેતા રહ્યા છે."
"છેલ્લી (કોન્ઝર્વેટિવ) સરકારે એમ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ અગાઉની સરકારોની માફક તેણે પણ એ વચન પાળ્યું ન હતું."
ફેમિલી વિઝા માટે આવકની શરત વિશેની જાન્યુઆરીમાં સંસદમાં થયેલી ચર્ચામાં કેટી લેમે કહ્યું હતું, "બ્રિટિશ નાગરિકો તેમના વિદેશી જીવનસાથીઓને યુકે લાવી શકે કે કેમ તે સવાલ નથી."
"સવાલ એ છે કે ઓછો પગાર ધરાવતા બ્રિટિશ નાગરિકો, અન્ય કોઈ રીતે વિઝા મેળવી ન શકતા તેમના વિદેશી જીવનસાથીને અહીં લાવશે તો તેનાથી સમગ્ર દેશને ફાયદો થશે કે નહીં."
જોકે, ગ્રીન પાર્ટીના સહ-નેતા અને બ્રિસ્ટોલ સેન્ટ્રલનાં સંસદસભ્ય કાર્લા ડેનિયર લઘુતમ આવકની શરતને રદ કરવામાં આવે તેવું ઇચ્છે છે. તેમણે આ શરતને "પ્રેમ પરનો કર" ગણાવી છે.
તેમણે કહ્યું હતું, "ગૃહ મંત્રાલય યુકેમાં સ્થળાંતર કરનારાઓને જ નહીં, પરંતુ અહીં પહેલાથી જ રહેતા તથા પારિવારિક જીવનનો આનંદ શાંતિથી માણવા ઇચ્છતા બ્રિટિશ લોકોને પણ નિરાશ કરી રહ્યું છે."
"લઘુત્તમ આવકની શરતથી યુગલો તથા પરિવારો માટે અકથ્ય તાણ લાવે છે. એ શરતને સંપૂર્ણપણે રદ કરવી જોઈએ."
ફેમિલી ડૉક્ટર અને સ્ટ્રોડના લેબર પાર્ટીના સંસદસભ્ય સિમોન ઓફેરે ગયા અઠવાડિયે સંસદમાં એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ફેમિલી વિઝાના નિયમોના લોકો પર પડતા પ્રભાવનું પ્રદર્શન તેમાં કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું, "આપણે એવા લોકોને છૂટા પાડી રહ્યા છીએ, જેઓ એકમેકને પ્રેમ કરે છે. એવા પરિવારોને વિભાજીત કરી રહ્યા છીએ, જેઓ આપણા સમાજનો પાયો છે. મને લાગે છે કે આ ખોટી નીતિ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












