You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્લાઇટમાં દાઢી-ટોપીવાળા વ્યક્તિને થપ્પડ મારવાની શું છે ઘટના, ઇન્ડિગો ઍરલાઇન્સે આ મામલે શું કહ્યું?
મુંબઈથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગો ઍરલાઇન્સની એક ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલી એક વ્યક્તિની તેમના સહયાત્રીને થપ્પડ મારવાના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં આ મુસાફર ટોપી પહેરેલા દાઢીવાળા સહમુસાફરને થપ્પડ મારતા જોવા મળે છે.
આ ઘટના ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E138માં બની હતી. આ મામલે સોશિયલ મીડિયા યુઝર્સની તીવ્ર પ્રતિક્રિયાઓ અને ટીકા જોવા મળી રહી છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જેને થપ્પડ મારવામાં આવી, તેની તબિયત નાજુક લાગી રહી હતી અને કૅબિન ક્રૂના સભ્યો તેની મદદ કરી રહ્યા હતા, ત્યારે એક બીજા મુસાફરે અચાનક તેને થપ્પડ મારી હતી.
થપ્પડ પડ્યા બાદ દાઢી અને ટોપીવાળી વ્યક્તિ ગભરાઈ ગયેલા નજરે પડતા હતા. ત્યાર પછી ફ્લાઇટ ઍટેન્ડન્ટે તેમને પાણી પીવડાવ્યું હતું.
આ આખી ઘટનાનો વીડિયો વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો વ્યક્ત થતો જોવા મળ્યો હતો.
વીડિયોમાં શું દેખાય છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે વ્યક્તિ થપ્પડ લાગ્યા પછી પરેશાન દેખાઈ રહી છે અને રડી રહી છે. જ્યારે અન્ય એક મુસાફરને આ કહેતા સાંભળી શકાય છે: "તમે તેને કેમ માર્યું? તમને કોઈને મારવાનો કોઈ હક નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયોમાં બે કૅબિન ક્રૂ સભ્યો પીડિતની મદદ કરતાં અને તેને વિમાનમાંથી બહાર નીકળવામાં સહાય કરતાં જોવા મળે છે.
આ જ સમયે, બાજુની સીટ પર બેઠેલા એક મુસાફરે અચાનક તેને જોરથી થપ્પડ મારી. આ પરિસ્થિતિમાં ફ્લાઇટ ઍટેન્ડન્ટે કહ્યું, "સર, કૃપા કરીને આવું ન કરો."
વીડિયો રેકૉર્ડ કરી રહેલી વ્યક્તિને આ કહેતા સાંભળવામાં આવે છે: "તમે તેને કેમ માર્યું?"
આ પર થપ્પડ મારનાર વ્યક્તિએ જવાબ આપ્યો: "એના કારણે અમને સમસ્યા થઈ રહી હતી."
વિમાનમાં બેઠેલા એક અન્ય મુસાફરે કહ્યું, "હા, સમસ્યા થઈ રહી હતી, પણ એનો અર્થ એ નથી કે તમે તેને મારશો."
પછી તે વ્યક્તિએ ક્રૂને કહ્યું કે 'પીડિત માટે પાણી લાવો.' વીડિયો બનાવી રહેલા મુસાફરે કહ્યું, "તેને પૅનિક ઍટેક આવ્યો છે. કૃપા કરીને તેના માટે પાણી લાવો."
આરોપી 'ઉપદ્રવી' જાહેર
અખબારના રિપોર્ટ મુજબ, કોલકતા ખાતે વિમાન ઉતર્યા પછી આરોપીને ઍરપૉર્ટ પર સુરક્ષા કર્મચારીઓના હવાલે કરવામાં આવ્યો.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે આગળની તપાસ માટે તે વ્યક્તિને હિરાસતમાં લઈ લીધી.
ઇન્ડિગો ઍરલાઇન્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે થપ્પડ મારનાર વ્યક્તિને કોલકાતા ખાતે વિમાન લૅન્ડ થયા પછી તરત જ અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો.
ઍરલાઇન્સે થપ્પડ મારતા દેખાતી વ્યક્તિને 'ઉપદ્રવી' જાહેર કરી છે અને જણાવ્યું છે કે નિર્ધારિત પ્રોટોકૉલ મુજબ સંબંધિત વિમાની સુરક્ષા એજન્સીઓને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.
પરંતુ 'ઇન્ડિયન ઍક્સપ્રેસ'એ બિધાનનગર પોલીસના એક વરિષ્ઠ અધિકારીના હવાલેથી સમાચાર આપ્યા છે કે જેમને હિરાસતમાં લેવામાં આવ્યા હતા, તેને બાદમાં મુક્ત કરી દેવામાં આવ્યા.
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
જાણીતા વકીલ સંજય હેગડેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ઇન્ડિગોએ નબળી અને ઢીલી પ્રતિક્રિયા આપી છે. શું તે વ્યક્તિને, જેણે સહમુસાફર સાથે હિંસા કરી, નૉ-ફ્લાઈ લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે?"
"શું ઇન્ડિગોએ વિમાન લૅન્ડ થયા પછી પોલીસ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ પોતાની ફરિયાદ આગળ વધારી? જો મુસાફરને CISFને સોંપવામાં આવ્યો હતો, તો તેના પર કાયદા હેઠળ શું આરોપ મૂકવામાં આવ્યા?"
સોશિયલ મીડિયા યુઝર્સે શું કહ્યું?
ઍક્સ પર જ એક યુઝરે લખ્યું, "આવી સ્થિતિમાં તમે કેટલાં સમય સુધી માર સહન કરશો? ઇન્ડિગો ફ્લાઇટની આ ઘટના અત્યંત શરમજનક છે. જો આવી માનસિકતા સામે સમયસર પગલાં નહીં લેવામાં આવે તો તે સમાજ માટે ગંભીર ખતરો બની શકે છે. સમગ્ર દેશમાં ઇસ્લામોફોબિયાની વધતી પ્રવૃત્તિ ચિંતાજનક છે."
શિવરાજ યાદવ નામના એક યુઝરે લખ્યું, "ઇન્ડિગો ફ્લાઇટનો વીડિયો જોઈને હું આશ્ચર્યચકિત છું! એક બીમાર મુસ્લિમ મુસાફરને ઍર હૉસ્ટેસ સહારો આપી રહી હતી, ત્યારે એક વ્યક્તિએ તેને થપ્પડ મારી! હવે સમજાતું નથી કે થપ્પડ દાઢી અને ટોપી જોઈને મારી કે કોઈ વિવાદ થયો હતો? સત્ય બહાર આવવાનું રાહ જોવાશે, પણ આ ખોટું છે."
ડૉ. શીતલ યાદવ નામનાં એક યુઝરે લખ્યું, "ઇન્ડિગો ફ્લાઇટમાં જે થયું તે અત્યંત શરમજનક છે. ધર્મના આધારે ભેદભાવ ખોટો છે. ઇસ્લામોફોબિયા હવે ખરેખર ચિંતાનો વિષય છે."
એક યુઝરે લખ્યું, "આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક પાસું નથી, કારણ કે પીડિત અને હુમલાખોર બંને એક જ સમુદાયના છે. કૉંગ્રેસની આઈટી સેલ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા પ્રયત્ન કરી રહી છે, જેથી હિંદુ સમુદાયને બદનામ કરી શકાય."
અન્ય એક યુઝરે લખ્યું, "અલ્હમ્દુલિલ્લાહ! હુસૈન અહમદ મજુમદાર, જેમણે મુંબઈથી સિલચર જતા સમયે ઇન્ડિગો ફ્લાઇટમાં હુમલો સહન કર્યો હતો અને ત્યારબાદ ગુમ થઈ ગયા હતા, હવે કોલકાતામાં સુરક્ષિત મળી ગયા છે. તેઓ સ્થિર છે અને તેમના પરિવાર સાથે સંપર્કમાં છે. આ સંદેશો રાહત અને સંતોષ આપે છે કે પીડિત હવે સુરક્ષિત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન