'રફાલ તોડી પાડ્યા'ના પાકિસ્તાનના દાવા પર ભારતીય સેનાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Dassault Rafale
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રાત્રે સંઘર્ષવિરામની ઘોષણા થયા બાદ ભારતીય સેનાએ રવિવારે સાંજે પહેલી પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
જેમાં સેના તરફથી ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ઍરફોર્સ તરફથી ડીજીઓ (ઍર ઑપરેશન્સ) ઍર માર્શલ એ.કે. ભારતી અને નેવીના ડીજીએનઓ (નેવલ ઑપરેશન્સ) વાઇસ ઍડમિરલ એ.એન. પ્રમોદ તથા મેજર જનરલ એસ.એસ. શારદાએ ઑપરેશન સિંદૂર મામલે જાણકારી આપી હતી.
આ દરમિયાન ઍર માર્શલ એ.કે. ભારતીએ જે ઠેકાણાં પર છ અને સાત મેની રાત્રે ભારતે હુમલા કર્યા હતા, તે જગ્યાની પહેલાની અને બાદની તસવીરો દેખાડી અને સમજાવ્યું કે સેનાએ કેવી રીતે સેનાથી જોડાયેલાં ઠેકાણાં (ઍર ડિફેન્સ સિસ્ટમ, રડાર અને અન્ય ઉપકરણો) તથા 'આતંકવાદીઓનાં ઠેકાણાં'ઓને નિશાન બનાવ્યાં.
પ્રેસ કૉન્ફરન્સમાં સેનાના અધિકારીઓ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું કે 'સેનાની કાર્યવાહી સીમિત અને સટીક' રહી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે " જો, દેશના માટે જોખમ પેદા થશે તો તેનો જવાબ આપવામાં આવશે."
ઑપરેશન સિંદૂરમાં '100 આતંકવાદી' માર્યા ગયા

ઇમેજ સ્રોત, ANI
પત્રકારપરિષદ દરમિયાન ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું હતું કે 'ઑપરેશન સિંદૂર'માં 100થી વધુ 'આતંકવાદી' માર્યા ગયા છે.
લેફ. જનરલ ઘાઈએ કહ્યું,"નવ ઠેકાણે હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદી માર્યા ગયા છે, જેમાં યુસૂફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદ્દસ્સિર અહમદ જેવા હાઈ વૅલ્યૂ આતંકવાદી પણ સામેલ છે."
લેફ. જનરલ રાજીવ ઘાઈના કહેવા પ્રમાણે, આ ત્રણેય આતંકવાદી ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાન આઈસી 814ના (1999) હાઇજેકિંગ અને પુલવામા હુમલામાં સામેલ હતા.
લેફ. જનરલ ઘાઈના કહેવા પ્રમાણે, ભારતની કાર્યવાહી પછી તરત જ પાકિસ્તાન દ્વારા નિયંત્રણરેખા પર પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એ દુશ્મનની અનિશ્ચિત તથા ગભરાટમાં પ્રતિક્રિયા હતી, જેમાં કમનસીબે મોટી સંખ્યામાં નાગરિકો, ગામ અને ગુરુદ્વારા જેવાં સ્થાનોને નિશાને લેવામાં આવ્યાં. તેમાં કેટલાક નાગરિકોનાં મૃત્યુ થયાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના 'રફાલ તોડી પાડ્યા'ના દાવા પર ભારતીય સેનાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, PIB
પત્રકારપરિષદમાં રફાલ સંબંધિત એક સવાલ પર ઍૅરફોર્સ તરફથી ઍર માર્શલ એ.કે. ભારતીએ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેણે ભારતના હુમલાનો બદલો લેતા ભારતનાં બે રફાલ વિમાન તોડી પાડ્યાં છે.
તેના જવાબમાં ભારતીએ કહ્યું, "આપણે કૉમ્બૅટની સ્થિતિમાં છીએ અને નુકસાન તેનો એક ભાગ છે. તમારે એ સવાલ પૂછવો જોઈએ કે શું અમે અમારો હેતુ હાંસલ કરી લીધો છે? શું અમે આતંકવાદીઓની શિબિરોને નષ્ટ કરવાનો પોતાનો ઉદ્દેશ પાર પાડી લીધો છે? અને તેનો જવાબ છે હા.
ઍર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું, "તેનું પરિણામ આખી દુનિયાએ જોવું જોઈએ. જ્યાં સુધી વિગતોની વાત છે કે શું થઈ શકતું હતું, કેટલી સંખ્યા, અમે કયું પ્લૅટફૉર્મ ગુમાવ્યું. આ સમયે હું તેના પર ટિપ્પણી કરવા માગતો નથી, કેમ કે આપણે હજુ પણ કૉમ્બૅટની સ્થિતિમાં છીએ અને જો કોઈ બાબત પર ટિપ્પણી કરીએ તો આ માત્ર વિરોધીઓ માટે ફાયદાકારક ગણાશે."
તેમણે કહ્યું, "આથી અમે આ સમયે તેને કોઈ ફાયદા આપવા માગતા નથી. હું માત્ર એટલું કહી શકું કે અમે અમારો પસંદ કરેલો ઉદ્દેશ હાંસલ કરી લીધો છે અને અમારા બધા પાઇલટ પાછા ઘરે આવી ગયા છે."
રફાલની વિશેષતા

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
રફાલની વહનક્ષમતા સારી છે અને તેમાં અત્યાધુનિક સિસ્ટમ છે. તે એક જ સમયે હવામાંથી જમીન પર હુમલા કરવાની અને અન્ય યુદ્ધ વિમાનોને આંતરવાની ક્ષમતા ધરાવે છે.
તે ઓછી ઊંચાઈ પરથી પણ ઍર-ટુ-ઍર મિસાઇલ છોડી શકે છે. આ રફાલ વિમાનોનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં થયેલાં યુદ્ધમાં ઉપયોગ થયો છે.
• રફાલ પરમાણુ મિસાઇલનું વહન કરવામાં સક્ષમ
• ખૂબ જ ઠંડા વિસ્તારમાં એન્જિન સ્ટાર્ટ થઈ શકે
• વિશ્વનાં સૌથી આધુનિક હથિયારોથી સજ્જ
• 'હેમર' મિસાઇલ જે 60-70 કિમીના ટાર્ગેટમાં આવતાં નિશાનને ભેદી શકે
• બે મિસાઇલ લગાવેલી હોય છે. એકની રેંજ 150 કિમી અને બીજી મિસાઇલની રેંજ 300 કિમી
• આ વિમાનની હરોળનું વિમાન ચીન અને પાકિસ્તાન પાસે ન હોવાનો દાવો
• ભારતીય વાયુસેનાનાં વિમાન મિરાજ-2000નું અદ્યતન વર્ઝન છે
• ભારતીય વાયુસેના પાસે આવાં 51 મિરાજ છે
• દાસૉ ઍવિએશન અનુસાર રફાલની સ્પીડ મૅક 1.8 એટલે કે 2000 કિમી/પ્રતિ કલાક છે.
• તેની ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર છે.
• રફાલ હવામાં ઊડતું હોય તે દરમિયાન પણ તેમાં ઈંધણ ભરી શકાય છે
પાકિસ્તાની સેનાએ કબૂલ્યું કે તેના એક વિમાનને થયું હતું 'મામૂલી નુકસાન'

ઇમેજ સ્રોત, PTV
પાકિસ્તાની સેનાએ રવિવારે મોડી રાત્રે પ્રેસ કૉન્ફરન્સ કરી. આ પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે સ્વીકાર કર્યો કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન તેમના એક વિમાનને થોડું નુકસાન થયું છે.
જોકે, પાકિસ્તાની સેનાએ આ વિમાન બાબતે કોઈ વધારે જાણકારી નહીં આપી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે પરસ્પર સમજૂતીથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની ફાયરિંગ તથા સૈન્ય કાર્યવાહી તરત રોકવાનો નિર્ણય લીધો હતો.
તેમણે કહ્યું કે પાકિસ્તાનનું એક વિમાન થોડું ક્ષતિગ્રસ્ત થયું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ વધુ જાણકારી નહીં આપી.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનની હિરાસતમાં કોઈ પણ ભારતીય પાઇલટ નથી. આ પ્રકારના અહેવાલો 'ફેક સોશિયલ મીડિયા'ના આધારે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












