ગાઝા યુદ્ધવિરામ : યુદ્ધ તો અટકશે પણ બંને પક્ષ વચ્ચેનો વિવાદ ઉકેલાશે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, જેરેમી બોવેન
- પદ, આંતરરાષ્ટ્રીય એડિટર, બીબીસી ન્યૂઝ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર વાતચીત સુધી પહોંચવું એ એક મોટી ઉપલબ્ધિ છે. આ ઘણા સમય પહેલાં થવું જોઈતું હતું.
ગયા વર્ષના મે મહિનાથી આ સમજૂતીની ચર્ચા અલગ-અલગ સ્વરૂપે થઈ રહી છે. હમાસ અને ઇઝરાયલના કરારમાં વિલંબ માટે એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યો છે.
7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલા પછી ઇઝરાયલના વળતા પ્રહારે ગાઝામાં તબાહી મચાવી હતી.
હમાસના હુમલામાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગના ઇઝરાયલના નાગરિક હતા. તે જ સમયે, ગાઝામાં અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયલના હુમલામાં અંદાજે 50 હજાર લોકો માર્યા ગયા છે. તેમાં હમાસના લડવૈયા અને સામાન્ય લોકો બંનેનો સમાવેશ થાય છે.
લેન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આ સંખ્યા ઘણી વધારે પણ હોઈ શકે છે.
સમાધાનના પડકારો

ઇમેજ સ્રોત, EPA
પરંતુ સમજૂતી પછી પહેલો મોટો પડકાર એ છે કે યુદ્ધવિરામ ટકી રહે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પશ્ચિમી દેશોના ઘણા વરિષ્ઠ રાજદ્વારીઓને ડર છે કે 42 દિવસનો પહેલો તબક્કો પૂરો થતાં જ યુદ્ધ ફરી શરૂ થઈ શકે છે.
ગાઝામાં ફાટી નીકળેલા યુદ્ધના સમગ્ર મધ્ય પૂર્વમાં આકરાં પરિણામો આવ્યાં છે.
ઘણા લોકોને ડર હતો કે આ યુદ્ધ સમગ્ર પ્રદેશમાં ફેલાઈ જશે. પરંતુ આવું ન થયું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્રને એનું શ્રેય જાય છે. પરંતુ ગાઝાના યુદ્ધે સમગ્ર પ્રદેશમાં ઊથલપાથલ મચાવી દીધી હતી.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પૂર્વ સંરક્ષણમંત્રી પર આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા યુદ્ધ અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ પણ દક્ષિણ આફ્રિકા તરફથી ઇઝરાયલ પર લગાવાયેલા નરસંહારના આરોપ સંબંધિત કેસની તપાસ કરી રહી છે.
લેબનોનમાં હિઝબુલ્લાહે આ યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો કે તરત જ તેને ઇઝરાયલના હુમલાથી કચડી નાખવામાં આવ્યું હતું.
આ જ કારણસર સીરિયામાં બશર અલ-અસદના શાસનનું પતન થયું હતું.
ઈરાન અને ઇઝરાયલે એકબીજા પર સીધા હુમલા શરૂ કર્યા, જેનાથી ઈરાન નબળું પડ્યું. તેના સાથી અને પ્રૉક્સીઓનું નેટવર્ક, જેને ઈરાન 'એક્સિસ ઑફ રેઝિસ્ટન્સ' કહે છે, તે પણ પાંગળું થઈ ગયું છે.
યમનમાં હુતીઓએ યુરોપ અને એશિયા વચ્ચેના લાલ સમુદ્રમાંથી પસાર થતા મોટાં ભાગનાં માલવાહક જહાજોને આંતર્યાં હતાં. ગાઝામાં યુદ્ધવિરામ બાદ હુતી બળવાખોરો હુમલા રોકવાનું તેમનું વચન પાળશે કે કેમ તે જોવાનું રહે છે.
જ્યાં સુધી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો સવાલ છે, તો પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ કડવાશભરી છે.
જો નસીબ સાથ આપે તો આ યુદ્ધવિરામથી હત્યાઓ અટકી શકે છે અને ઇઝરાયલના બંધકો, પેલેસ્ટાઇનના કેદીઓ અને અટકાયતીઓને તેમના પરિવારો પાસે પાછા મોકલી શકાય છે.
પરંતુ આ યુદ્ધવિરામથી એક સદી કરતાં વધુ જૂના સંઘર્ષનો અંત આવશે નહીં.
નેતન્યાહૂએ બાઇડન પહેલાં ટ્રમ્પને કહ્યું, આભાર

ઇમેજ સ્રોત, Reuters
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું છે કે આ કરાર અંગેની ઔપચારિક જાહેરાત વડા પ્રધાન દ્વારા કરવામાં આવશે. જોકે, કરારને આખરી ઓપ આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવશે, જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે.
જોકે, આ નિવેદન પહેલાં જ નેતન્યાહૂએ કરાર કરવા માટે નવા ચૂંટાયેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ જો બાઇડન બંનેનો ફોન પર આભાર માન્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, નેતન્યાહૂએ વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો, જેઓ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિપદ સંભાળવાના છે.
નેતન્યાહૂના કાર્યાલયના એક નિવેદન અનુસાર, "પીએમે બંધકોને છોડાવવા માટે દબાણ કરવામાં તેમની મદદ માટે ટ્રમ્પનો આભાર માન્યો."
નેતન્યાહૂએ ટ્રમ્પના તેમના નિવેદન માટે પણ આભાર માન્યો જેમાં તેમણે કહ્યું હતું કે "ગાઝા ક્યારેય આતંકવાદનું સુરક્ષિત આશ્રય ન બને તે સુનિશ્ચિત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયલ સાથે કામ કરશે."
નિવેદન અનુસાર, "ટ્રમ્પ અને નેતન્યાહૂ ટૂંક સમયમાં અમેરિકામાં મળવા માટે સંમત થયા હતા."
નિવેદનમાં છેલ્લે લખ્યું છે, "વડા પ્રધાન નેતન્યાહૂએ ત્યાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વાત કરી અને બંધકોની મુક્તિ માટેના કરાર બદલ તેમનો પણ આભાર માન્યો."
આ યુદ્ધવિરામ સંધિ આવતા રવિવારથી અમલમાં આવશે, જે બાઇડનનો રાષ્ટ્રપતિ તરીકે ઑફિસમાં છેલ્લો દિવસ હશે. બીજા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
વ્હાઇટ હાઉસ દ્વારા બ્રીફિંગમાં કહેવામાં આવ્યું છે કે હમાસ પર સૈન્યનું દબાણ હતું, જેના કારણે તે વાતચીત કરવા માટે રાજી થયું છે.
અમેરિકી પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના મિડલ ઇસ્ટ ઍમ્બૅસૅડર સ્ટીવ વિટકોફે પણ આ કરારમાં ભૂમિકા ભજવી હતી.
તેમણે કહ્યું કે વિટકોફ વાટાઘાટ દરમિયાન સક્રિય હતા અને મધ્ય પૂર્વ પર જો બાઇડનના ટોચના સલાહકાર બ્રેટ મેકગર્ક સાથે નજીકથી કામ કરતા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












