હજારો લોકો અહીં એકબીજા પર પથ્થરમારો કરે છે, 'લોહિયાળ રમત'માં મોત પણ થાય છતાં કેમ ચાલે છે આ પરંપરા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, મધ્યપ્રદેશમાં પથ્થરમારાનો મેળો
    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

એક વ્યક્તિ નદીની વચ્ચે ખોડેલા પલાશ (ખાખરા)ના ઝાડને કાપવાનો પ્રયત્ન કરી રહી છે. તેની પાછળ કેટલાક લોકો ટીનની ચાદર લઈને ઊભા છે. ઝાડ કાપનાર વ્યક્તિ પર સતત પથ્થરો ફેંકવામાં આવી રહ્યા છે.

થોડીક જ સેકંડમાં તેને ઘણા પથ્થર વાગે છે અને તે ઝાડ કાપવાનું છોડીને પોતાનો જીવ બચાવવા ટીનની ચાદરની પાછળ ભાગે છે.

હજારો લોકો આ દૃશ્યનો આનંદ લેતાં તાળીઓ અને બૂમો પાડે છે.

મધ્યપ્રદેશના પાંઢુર્ણા જિલ્લામાં વર્ષમાં એક વાર એવું દૃશ્ય જોવા મળે છે કે કોઈ પણ સ્તબ્ધ થઈ જાય. જામ નદીના બંને કિનારે ભીડમાંથી "હૂ… હા… મારો" જેવા અવાજો ગુંજે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, આ જોખમી રમતને બંધ કરાવવાના વહીવટી તંત્રના પ્રયાસો સફળ નથી થયા

નજર આમતેમ દોડતી રહે છે કે શું જોઈએ, ક્યાં જોઈએ. એ લોકોને જોઈએ, જેઓ પથ્થરમારો કરે છે કે આકાશ તરફ જોઈએ કે ગમે ત્યાંથી પથ્થર આપણા ઉપર પણ આવી શકે છે અને ગંભીર રીતે ઘાયલ કરી શકે છે.

આ બધા વચ્ચે એક વૃદ્ધ મોબાઇલથી વીડિયો બનાવી રહેલા કેટલાક યુવકોને કહે છે, "જરા દૂર હટી જાઓ, પથ્થરને આંખ નથી હોતી."

અચાનક ભીડનો અવાજ વધી જાય છે. સમગ્ર વિસ્તારમાં અસંબદ્ધ અવાજ થાય છે અને થોડીક જ સેકંડમાં ભીડને ચીરતા બે લોકો ઘાયલ વ્યક્તિને પકડીને ભાગે છે.

નજર પાછી જામ નદી તરફ ફરી, જેના એક છેડે પાંઢુર્ણા અને બીજી બાજુ સાવરગાંવ છે. નદી વચ્ચે ઊભેલું પલાશનું ઝાડ બંને તરફના લોકો માટે જીતની નિશાની છે.

તે માટે સવારના 9 વાગ્યાથી અહીં પથ્થરમારો થઈ રહ્યો છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, લોકો દૂરસુદૂરના વિસ્તારોમાંથી પથ્થરમારાનો મેળો જોવા માટે આવે છે

પથ્થરમારાના આ વાર્ષિક આયોજનને અહીં 'ગોટમાર મેળો' કહેવામાં આવે છે. તેનું નામ તો મેળો છે, પરંતુ, હકીકતમાં આ એક ખતરનાક રમત છે.

દર વર્ષે તેમાં સેંકડો લોકો ઘાયલ થાય છે, ઘણા લોકો કાયમી ધોરણે અપંગ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક મૃત્યુ પણ થાય છે.

સાંજ સુધીમાં લગભગ 1,000 લોકો ઘાયલ થઈ ગયા હતા.

બીબીસી સાથે વાત કરતાં પાંઢુર્ણા જિલ્લાના પોલીસ અધીક્ષક (એસપી) સુંદરસિંહ કનેશ કહે છે, "દર વર્ષે 500-600 લોકો ઘાયલ થાય છે. વહીવટી તંત્રએ આને બંધ કરવાના પ્રયાસો કર્યા, પરંતુ સ્થાનિક લોકોનું આને પરંપરા માનવું અમારા પ્રયાસોને નિષ્ફળ કરતું રહ્યું છે."

વહીવટી અધિકારી વિસ્તારની ઊંચી બિલ્ડિંગ પરથી દેખરેખ રાખતા હતા. નદીની તરફ દૃષ્ટિ કરીએ તો આકાશ પથ્થરો ભરેલું જોવા મળે છે.

હજારો દર્શકો વચ્ચે 'પથ્થરયુદ્ધ'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, આ આયોજનમાં ગામના લોકો જ નહીં, આજુબાજુના જિલ્લામાંથી પણ હજારો લોકો દર્શક બનીને આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખેડૂતોનું પોલા પર્વ ભાદરવા મહિના (હિંદુ કૅલેન્ડરનો એક મહિનો છે, જે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં આવે છે)ની અમાસે આવે છે. તે ખરીફ પાકના બીજા તબક્કા એટલે કે નીંદામણ પૂરું થયા પછી શરૂ થાય છે.

ખેડૂતો માટે આ તહેવાર મહત્ત્વપૂર્ણ છે. પોલાના બીજા દિવસે જામ નદી વચ્ચે પલાશનું ઝાડ ઝંડા તરીકે રોપવામાં આવે છે અને પછી બંને ગામ એકબીજા પર પથ્થરો વરસાવે છે.

આ આયોજનમાં ગામના લોકો જ નહીં, આજુબાજુના જિલ્લામાંથી પણ હજારો લોકો દર્શક બનીને આવે છે. લોકો ઉત્સાહનાં સૂત્રો પોકારે છે, ઘાયલ ખેલાડીઓને જુએ છે અને ઘણી વાર આ દૃશ્ય મનોરંજનની જેમ કૅમેરામાં કેદ કરવામાં આવે છે.

પાંઢુર્ણાના નિવાસી 43 વર્ષીય અરવિંદ થોમરે કહે છે, "હું બાળપણથી તેમાં ભાગ લઈ રહ્યો છું. અમારા માટે આ માત્ર રમત નથી, ગામની શાન છે. ઈજા થવી સામાન્ય વાત છે, પરંતુ જીતની ખુશી તેનાથી મોટી હોય છે."

અરવિંદ જણાવે છે કે આ રમતમાં તેમનું માથું ફૂટી ચૂક્યું છે, ચહેરા પર ઈજા થઈ છે, નાક ફૂટ્યું છે અને જમણો પગ પણ તૂટી ચૂક્યો છે.

તેમની બાજુમાં ઊભેલા ગોપાલ બાલપાંડે કહે છે, "અમારા માટે આ જીવથી વધુ મોટો તહેવાર છે."

ગોપાલ પણ છેલ્લાં 16 વર્ષથી આ રમતમાં ભાગ લઈ રહ્યા છે અને તેમના શરીર પર તેનાં નિશાન છે. અરવિંદ અને ગોપાલની આજુબાજુ ઊભેલા ઘણા યુવક ગોટમારને પોતાની 'મર્દાનગી અને સાહસ' દેખાડવાનો મંચ માને છે.

300 વર્ષ જૂનો ઇતિહાસ, પરંતુ કશાં પ્રમાણ નથી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, ઇંદિરા વઘાલેના પતિ દેવાનંદનું મૃત્યુ પથ્થરમારાની રમતમાં ઘાયલ થવાથી થયું હતું

સ્થાનિક કિંવદંતી કહે છે કે સદીઓ પહેલાં સાવરગાંવની છોકરી અને પાંઢુર્ણા ગામના છોકરા વચ્ચેના પ્રેમના કારણે બંને વચ્ચે ઘર્ષણ થયું. છોકરીને છોડાવવા માટે થયેલી લડાઈ ધીમે ધીમે એક પરંપરા બની ગઈ.

આજે પણ દર વર્ષે એક પલાશના ઝાડને કેન્દ્રમાં રાખીને આ પરંપરાનું પાલન કરાય છે.

સ્થાનિક વૃદ્ધો અનુસાર, ગોટમાર મેળાની પરંપરા લગભગ 300 વર્ષ જૂની છે. પરંતુ તેનાં કોઈ પ્રમાણ મળતાં નથી.

મેળાની શરૂઆત થાય છે સાવરગાંવના કાવલે પરિવારથી. જેઓ દર વર્ષે પલાશનું એક ઝાડ કાપીને જામ નદીની વચ્ચોવચ રોપી દે છે. તેની પૂજા થયા પછી સવારે 8-9 વાગ્યાથી પથ્થરમારો શરૂ થાય છે.

પલાશનું ઝાડ લગાડનાર સુભાષ કાવલે કહે છે, "મારી પાસે તેનું કોઈ પ્રમાણ નથી કે આખરે આ પથ્થરમારો શા માટે થાય છે. અમારા પૂર્વજ પણ ઝાડને ઝંડા તરીકે નદીમાં રોપતા હતા. અમે પણ એ જ પરંપરા નિભાવી રહ્યા છીએ."

પરંપરાની કિંમત: તૂટેલાં હાડકાં, વિખરાયેલાં સપનાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત
ઇમેજ કૅપ્શન, સાક્ષી (બદલેલું નામ) ના પતિ અમિત (બદલેલું નામ) નું મૃત્યુ પથ્થરમારાની રમતમાં ઘાયલ થવાથી થયું હતું

ગોટમાર મેળામાં સામેલ દરેક પરિવારની પોતાની કહાણી છે. કોઈનો પુત્ર પથ્થરમારામાં મરી ગયો છે, તો કોઈ અપંગ થઈ ગયું છે.

સ્થાનિક લોકોનો દાવો છે કે પથ્થરમારાની આ રમતમાં ઈ.સ. 1955થી અત્યાર સુધીમાં લગભગ એક ડઝન લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. લગભગ એક દાયકા પહેલાં ગોટમાર મેળામાં આ જ વિસ્તારના અમિત (સુરક્ષાનાં કારણોસર નામ બદલ્યું છે) નું મૃત્યુ થયું હતું.

અમિત પોતાની પાછળ ચાર બાળકો અને પત્ની મૂકી ગયા હતા.

તેમના પરિવારના એક સભ્ય કહે છે, "મારા પપ્પા ગોટમાર રમવા ગયા હતા. અહીંના લોકો જણાવે છે કે તેઓ ગોટમારના પાકા ખેલાડી હતા, પરંતુ એક વખત ત્યાં જ તેમના માથા પર પથ્થર વાગ્યો. અમે લોકો તે સમયે બહુ નાના હતા. મારા પપ્પાનું મેળામાં જ મૃત્યુ થયું હતું."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, સ્થાનિક લોકોનો દાવો છે કે પથ્થરમારાની આ રમતમાં ઈ.સ. 1955થી અત્યાર સુધીમાં લગભગ એક ડઝન લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે

અમિતના પરિવાર માટે છેલ્લાં દસ વર્ષ ખૂબ મુશ્કેલીભર્યાં પસાર થયાં છે. પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિના મૃત્યુએ તેમનાં બાળકો માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી.

તેમના પરિવારજન પથ્થરમારાની આ રમત માટે ગુસ્સો વ્યક્ત કરતાં કહે છે, "દર વર્ષે આ તહેવાર દરમિયાન જૂની યાદો તાજી થઈ જાય છે… ક્યારેક ક્યારેક લાગે છે કે તેઓ હોત તો આમ હોત, તેમ હોત. હવે આ તહેવારથી ડર લાગે છે. મને તો તેમનો ચહેરો પણ યાદ નથી. બસ એક તસવીર છે તેમની મારી પાસે."

અન્ય એક ગ્રામીણે નામ ન છાપવાની શરતે કહ્યું, "મારા ભાઈનો જીવ જતો રહ્યો. ગામલોકો કહે છે કે આ પરંપરા છે, પરંતુ અમારી માતાની આંખોમાંથી આંસુ ક્યારેય નહીં સુકાય. શું પરંપરા એટલી મોટી છે કે તેના માટે કોઈનો પુત્ર બલિ ચડી જાય?"

સોશિયલ મીડિયાએ મેળાને વધુ પૉપ્યુલર બનાવી દીધો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયાએ આ પરંપરાને 'હીરોઇઝમ' સાથે જોડી દીધી છે

છેલ્લાં થોડાં વર્ષોમાં મેળાના વીડિયો ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ફેસબુક પર વાઇરલ થઈ રહ્યા છે. લોકો તેને એન્ટરટેઇનમેન્ટની જેમ શેર કરે છે.

પાંઢુર્ણા નિવાસી ધર્મેશ હિંમતભાઈ પોપટ કહે છે, "ભીડ વધી છે. યુવાનો તેને હીરોઇઝમ માની રહ્યા છે. જોકે, તે સમાજ માટે શરમજનક છે."

પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયાએ આને વાઇરલ ઇવેન્ટ બનાવી દીધી, પરંતુ હિંસા ઘણી વધી ગઈ.

મહારાષ્ટ્રના અમરાવતીથી પહેલી વખત પોતાના સાસરે આવેલા મયૂર ચૌધરીએ યુટ્યૂબ પર ગોટમાર મેળો જોયો હતો. આ વખતે તેઓ જાતે મેળો જોવા આવ્યા હતા.

મેળા પછી તેમણે કહ્યું, "આ રમત ખૂબ ખતરનાક છે. કોણ જાણે કેટલા લોકો લોહીલુહાણ થઈ જાય છે. જ્યારે મેં મારી આંખે જોયું, ત્યારે મને લાગ્યું કે આ બંધ થવું જોઈએ. આને અંધવિશ્વાસ પણ કહી શકીએ છીએ, પરંતુ અહીંના લોકો તેને પોતાની પરંપરા સાથે જોડે છે."

આટલી હિંસા છતાં આ રમત બંધ કેમ નથી થતી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, મૃત્યુઓ અને ઈજાઓ છતાં ગોટમાર મેળો આજે પણ એ જ જુસ્સાથી યોજાય છે

સ્થાનિક સ્તરે ઘણા લોકો એમ કહે છે કે આ આયોજનના લીધે સેંકડો લોકોનું જીવન બરબાદ થઈ ચૂક્યું છે. કોણ જાણે કેટલા પરિવારોએ પોતાના ઘરની એકમાત્ર કમાનાર વ્યક્તિને વિકલાંગ થતા જોઈ છે.

બધા લોકો આ હિંસક પરંપરાના પક્ષમાં નથી. સાવરગાંવના 73 વર્ષના એક વૃદ્ધ વિઠ્ઠલ ભાંગે હાથ જોડતાં કહે છે, "મારી દૃષ્ટિએ આ બંધ થઈ જવું જોઈએ. આમાં ગરીબ લોકો જ ભાગ લે છે. જ્યારે તેમના હાથ-પગ ભાંગે છે કે મૃત્યુ થાય છે ત્યારે પરિવાર બરબાદ થઈ જાય છે."

એક સ્થાનિક સમાજસેવીએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું, "આ મેળાથી જુગાર અને સટ્ટો રમાડતા લોકોનો વેપાર ચાલે છે. તેમાં લાખો રૂપિયાનો ફાળો એકત્ર કરવામાં આવે છે. ઘણા લોકો તો આની આડમાં પોતાની દુશ્મનીનો બદલો વાળે છે. એ જોતાં આના પર અંકુશ કઈ રીતે આવશે?

સાવરગાંવના ઇસ્માઇલ ખાનનું ઘર નદીકિનારે છે. દર વરસે તેમના ઘર ઉપર ગોટમારના પથ્થરોની છાપ પડી જાય છે. તેઓ જણાવે છે કે પોતાની યુવાવસ્થામાં તેઓ પણ ગોટમાર રમ્યા હતા.

ઇસ્માઇલ કહે છે, "ગામમાં બધા લોકો રમતા હતા, તેથી અમે પણ રમતા હતા. આજે મારી ઉંમર 78 વર્ષ છે. મને એક વખત છાતી પર પથ્થર વાગ્યો હતો. ત્યાર પછી મેં રમવાનું છોડી દીધું. મારાં બાળકો પણ નથી રમતાં. ડર લાગે છે કે ક્યાંક મરી જઈશું તો?"

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મધ્ય પ્રદેશ, પથ્થરબાજી, સંસ્કૃતિ, ભારત

ઇમેજ સ્રોત, Rohit Lohia/BBC

ઇમેજ કૅપ્શન, પાંઢુર્ણા જિલ્લાના પોલીસ અધીક્ષક (એસપી) સુંદરસિંહ કનેશ

આ સવાલ અંગે પોલીસ અધીક્ષક સુંદરસિંહ કનેશ કહે છે, "છેલ્લાં થોડાં વરસોમાં વહીવટી તંત્રએ ગોટમાર મેળાને ઓછો હિંસક બનાવવાની કોશિશ કરી છે. અહીંયાં ભારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવે છે. અમે પ્લાસ્ટિકનાં બૉલથી રમત કરાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો, પરંતુ અમે હજુ સુધી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ નથી લગાવી શક્યા. કેમ કે, લોકોને લાગે છે કે આ તેમની પારંપરિક રમત છે."

જોકે, પાંઢુર્ણાના એક સમાજસેવીએ બીજા થોડા સવાલ ઉઠાવ્યા.

તેમણે આરોપ કરતાં કહ્યું, "વહીવટી તંત્ર દર વખતે કહે છે કે કડક સુરક્ષાવ્યવસ્થા છે. પરંતુ હકીકત એ છે કે લોકો દારૂ પીને આવે છે, પથ્થરમારો અનિયંત્રિત થઈ જાય છે અને પછી એ જ લોહીલુહાણ દૃશ્યો જોવા મળે છે. ખરી વાત તો એ છે કે, વહીવટી તંત્ર પણ કોઈક રીતે આ પરંપરાના દબાણ હેઠળ છે."

આટલાં મૃત્યુ અને ઈજાઓ છતાં ગોટમાર મેળો આજે પણ એ જ જુસ્સાથી યોજાય છે. તેની પાછળ બંને ગામની જૂની હરીફાઈ, હિંસા અને આસ્થાને પરંપરા સાથે જોડવું, વહીવટી તંત્ર અને નેતાઓનું મૂગું સમર્થન અને સોશિયલ મીડિયાનો પ્રભાવ મુખ્ય કારણ છે.

તેથી વિરોધનો અવાજ દબાઈ જાય છે અને પરંપરાની આડમાં દર વર્ષે લોહી વહે છે. અમે જ્યારે પાંઢુર્ણાથી નીકળ્યા ત્યારે સેંકડો યુવાનો આવતા વર્ષે ફરી આવવાની વાત કરી રહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન