જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
દેશના પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર શ્યામ બેનેગલનું નેવું વર્ષની વયે અવસાન થયું છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ મુંબઈની વોકહાર્ટ હૉસ્પિટલનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બેનેગલે સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.
બીબીસીના સહયોગી પત્રકાર મધુ પાલના જણાવ્યા અનુસાર, શ્યામ બેનેગલનાં પુત્રી પિયા બેનેગલે જણાવ્યું કે સોમવારે સાંજે લગભગ 6.30 વાગ્યે તેમના પિતાનું અવસાન થયું હતું.
શ્યામ બેનેગલ છેલ્લાં બે વર્ષથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા.
'મંથન', 'અંકુર', 'નિશાંત', 'ભૂમિકા' અને 'મંડી' જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર બેનેગલને 70-80ના દાયકામાં સમાંતર સિનેમાની ચળવળના અગ્રણી મશાલચી માનવામાં આવે છે.
તેમની ફિલ્મોમાં સ્ત્રીપુરુષ સમાનતા, સામાજિક ન્યાય અને રાજકીય સંઘર્ષ જેવા વિષયોનો સમાવેશ થતો હતો.
શ્યામ બેનેગલને 'ભારત એક ખોજ' અને 'સંવિધાન'ના નિર્માણ માટે પણ યાદ કરવામાં આવશે.
ફિલ્મ નિર્દેશક બેનેગલે થોડા દિવસો પહેલાં જ 14 ડિસેમ્બરે પોતાનો 90મો જન્મદિવસ ઊજવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેનેગલની ફિલ્મ 'અંકુર'થી પોતાની કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી શબાના આઝમીએ તેમના જન્મદિવસની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
પાંચમા અને આઠમા ધોરણના નાપાસ વિદ્યાર્થીઓને હવે ઉપર નહીં ચઢાવાય

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સોમવારે "નો ડિટેન્શન પૉલિસી" પર નિર્ણય લીધો છે. મંત્રાલયના સચિવ સંજયકુમારે આ નિર્ણયની જાણકારી આપી છે.
આ નિર્ણય મુજબ હવે ધોરણ પાંચ અને આઠનાં વિદ્યાર્થીઓ જો નાપાસ થશે તો તેમને આગળના ધોરણમાં પ્રમોટ નહીં કરવામાં આવે, એટલે કે 'કૃપાગુણ' નહીં મળે.
અત્યાર સુધી પાંચ અને આઠમા ધોરણમાં નાપાસ થવા છતાં બાળકોને આગળના ધોરણમાં મોકલી દેવાતાં હતાં, પરંતુ હવે આવું નહીં થાય.
નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે.
જો વિદ્યાર્થીઓ તેમાં પણ સફળ નહીં થાય તો તેમને નાપાસ જ જાહેર કરવામાં આવશે અને ફરીથી તે જ વર્ગમાં અભ્યાસ કરવો પડશે.
નો ડિટેન્શન પૉલિસી પર શિક્ષણ મંત્રાલયના સચિવ સંજયકુમારે કહ્યું કે, "એવું નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ પાંચ અને આઠમાં તમામ પ્રયત્નો કર્યા પછી, જો તે અસફળ રહેશે તો તે નાપાસ રહેશે પણ કોઈ બાળકને શાળામાંથી બહાર કાઢવામાં આવશે નહીં.
અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરાઈ, દલિતોનો ઉગ્ર વિરોધ

ઇમેજ સ્રોત, @HitenPithadiya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે.
ગુજરાત કૉંગ્રેસના એસસી વિભાગના ચૅરમૅન હિતેન્દ્ર પીઠડિયાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું, ગઈ રાત્રે અસામાજિક તત્ત્વો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું હતું, સાથે ચશ્માં પણ તોડી નાખવામાં આવ્યા હતા."
આ ઘટનાનો કેટલાક સ્થાનિકોએ પ્રદર્શન કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો.
હિતેન્દ્ર પીઠડિયાએ માગ કરી હતી, "જો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો તેઓ જલદ આંદોલન કરશે."
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઊમટી પડ્યા હતા અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડ સહિતના આગેવાનો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો અને અસામાજિક તત્ત્વોને પકડવાની માગ કરી હતી.
તો પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એસીપી પીજી જાડેજાએ કહ્યું કે બાબાસાહેબ આંબેડકરની જે પ્રતિમાને નુકસાન કરવામાં આવ્યું છે, તે અંગે અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસની ટીમો સતત કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર મુદ્દે એક નિવેદન આપ્યું હતું, જેનો દેશભરમાં કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. આ દરમિયાન અમદાવાદમાં આવી ઘટના બની છે.
રાજકોટના જસદણમાં લોકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
રાજકોટ જિલ્લાના જસદણ ગામના ગંગા ભવન વિસ્તારમાં પટેલ નગર સોસાયટીમાં લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
બીબીસી સહયોગી બિપીન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે સોસાયટીના રહેવાસીઓનો આરોપ છે કે તેમના વિસ્તારમાં પાણી-રસ્તાના પ્રશ્નો ઉકેલાયા નથી તેથી તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
સોસાયટીમાં 400થી વધુ લોકોએ બૅનરો અને પોસ્ટરો સાથે આજે વિરોધપ્રદર્શન કર્યું.
સ્થાનિક ધર્મેશ ત્રિવેદીએ બીબીસી સહયોગી બિપીન ટંકારિયાને જણાવ્યું, "છેલ્લાં ત્રણ વર્ષથી નગરપાલિકામાં વહિવટદારનું શાસન છે. જેને કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. છેલ્લાં 15 વર્ષથી આ વિસ્તારમાં રોડ-રસ્તા અને પાણીની સમસ્યા છે. વારંવારની રજુઆત છતાં લોકોની તકલીફોનો ઉકેલ આવ્યો નથી તેથી અહીંના રહેવાસીઓએ આ સુવિધા ન મળે ત્યાં સુધી રાજકારણીઓને મત માગવા તેમના વિસ્તારમાં ન આવવાની ચીમકી આપી છે."
પીલીભીતમાં પંજાબ અને યુપી પોલીસના સંયુક્ત ઑપરેશનમાં ત્રણ સંદિગ્ધ ચરમપંથીઓનાં મૃત્યુ

પંજાબ અને ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે પીલીભીતમાં થયેલી એક પોલીસ અથડામણમાં ત્રણ સંદિગ્ધ ચરમપંથીઓનાં મૃત્યુ થયાં છે.
પોલીસનું જણાવવું છે કે મૃતકો પર પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ સ્ટેશન પર ગ્રૅનેડ ફેંકવાનો આરોપ હતો.
પીલીભીતના એસપી અવિશાન પાંડેએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે પંજાબ પોલીસ ગુરુદાસપુરમાં થયેલા હુમલાના સંદર્ભે પીલીભીત પહોંચી હતી. ત્રણ સંદિગ્ધ ચરમપંથીઓના પીલીભીત શહેરમાં આવવાના સમાચાર મળ્યા બાદ પોલીસે તેમનો પીછો કર્યો. પોલીસે ત્રણેયનો પીછો કર્યો ત્યારે ત્રણે ચરમપંથીઓએ પોલીસ સામે ફાયરિંગ કર્યું. સામે પોલીસે પણ ફાયરિંગ કર્યું જેને કારણે ત્રણેય ચરમપંથીઓ ઘાયલ થયા જેમનું સારવાર દરમિયાન હૉસ્પિટલમાં મૃત્યુ થયું.
પંજાબના ડીજીપી ગૌરવ યાદવ તરફથી ઍક્સ પર કરેલી પોસ્ટમાં કહેવાયું, "પાકિસ્તાન પ્રાયોજિત ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ(કેઝેડએફ) આતંકી મૉડ્યૂલ સામે યુપી પોલીસ અને પંજાબ પોલીસના સંયુક્ત ઑપરેશનમાં ત્રણ સભ્યો સાથે અથડામણ થઈ."
પોલીસના જણાવ્યા પ્રમાણે તેમના નામ ગુરવિંદરસિંહ, જસનપ્રીતસિંહ અને વીરેન્દ્રસિંહ છે.
ટ્રમ્પની પનામાને ધમકી, 'ફરી પનામા નહેર પર નિયંત્રણ કરી શકે છે અમેરિકા'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના હાલમાં જ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પનામાને કહ્યું છે કે ક્યાં તો પનામા નહેરમાંથી પસાર થતાં અમેરિકાનાં જહાજોનો કર ઓછો કરે ક્યાં તો તેનું નિયંત્રણ અમેરિકાને સોંપી દે.
તેમણે આરોપ લગાવ્યો છે કે પનામા અમેરિકાનાં જહાજો પાસે વધારે કર વસુલ કરે છે.
ટ્રમ્પના આ નિવેદન બાદ પનામાના રાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી. અને તેમણે કહ્યું કે નહેરની આસપાસનો વિસ્તાર તેમનો છે. રાષ્ટ્રપતિ હોઝે રાઉલ મુલિનોએ કહ્યું કે પનામાની સંપ્રભુતા અને સ્વતંત્રતા સાથે કોઈ સમજૂતિ નહીં થાય.
પનામા નહેર શું છે?
પનામા નહેરને 1900ની શરૂઆતમા બનાવવામાં આવી અને અમેરિકાએ 1977 સુધી તેના પર નિયંત્રણ કર્યું.
સમજૂતિઓ બાદ ધીરે-ધીરે આ ક્ષેત્ર પનામાના નિયંત્રણમાં આવ્યું. સંયુક્ત નિયંત્રણના કેટલાક સમય બાદ સંપૂર્ણ નિયંત્રણ વર્ષ 1999માં પનામા પાસે આવ્યું.
વર્ષમાં લગભગ 14 હજાર માલવાહક જહાજ આ નહેરમાંથી પસાર થાય છે.
બ્રાઝિલમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત, 10 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Reuters
બ્રાઝિલના ગ્રેમાડો શહેરમાં રવિવારે દસ લોકોને લઈ જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ અકસ્માતમાં તમામ યાત્રીઓનાં મૃત્યુ થયાં.
પહાડી વિસ્તારમાં વસેલું ગ્રેમાડો એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ વર્ષની શરૂઆતમાં તે ભીષણ પૂરને કારણે પ્રભાવિત થયું હતું. આ પૂરને કારણે ડઝનબંધી લોકોના જીવ ગયા હતા.
વિમાન કથિત રીતે પહેલા એક ઇમારતની ચિમની સાથે ટકરાયું અને પછી ઘરના બીજા માળ સાથે ટકરાઈને એક ફર્નિચર બનાવતી દુકાનમાં ટકરાયું.
આ પ્લેનને બ્રાઝિલના ઉદ્યોગપતિ લૂઇસ ક્લોડિયો ગેલિયેઝી ચલાવતા હતા. આ પ્લેનમાં તેમનાં પત્ની, ત્રણ પુત્રી અને અન્ય પરિવારજનો પણ હતાં. આ અકસ્માતમાં 17 લોકોને ઇજા પહોંચી છે જેમાં બે લોકોની હાલત ગંભીર માનવામાં આવે છે.
ન્યૂ યૉર્કની સબવે ટ્રેનમાં આગને કારણે એક મહિલાનું મોત, સંદિગ્ધની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ન્યૂ યૉર્કના બ્રૂકલિનમાં એક મહિલાનું મોત થયું છે અને તે મામલે પોલીસે એક સંદિગ્ધની ધરપકડ કરી છે. આ ઘટના એક સબવે ટ્રેનમાં થઈ.
પોલીસ કમિશનર જેસિકા ટિસ્કે જણાવ્યું કે જ્યારે આ મહિલા ટ્રેનમાં ઊંઘી રહી હતી ત્યારે સંદિગ્ઘએ તેનાં કપડાંને લાઇટર વડે આગ લગાવી. મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું.
પોલીસ કમિશનરે જણાવ્યું કે સંદિગ્ઘ બીજી સબવે ટ્રેનમાંથી પકડાયો.
પોલીસે એમ પણ જણાવ્યું કે સંદિગ્ઘ અગાઉ આ મહિલાને ક્યારેય નહોતો મળ્યો. પોલીસ પીડિતાની ઓળખ અને આ ઘટના પાછળના ઉદ્દેશની તપાસ કરી રહી છે.
અલ્લુ અર્જુનના ઘરે થયેલા હુમલાની સીએમ રેવંત રેડ્ડીએ કરી આલોચના

ઇમેજ સ્રોત, ANI
તેલુગુ ફિલ્મોના અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે થયેલા હુમલાની તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ આલોચના કરી છે.
સીએમ રેડ્ડીએ પોતાની પોસ્ટમાં લખ્યું, "હું ફિલ્મ સેલિબ્રિટીઝના ઘરે થયેલા હુમલાની આલોચના કરું છું."
તેમણે લખ્યું, "મેં રાજ્યના ડીજીપી અને શહેરના પોલીસ કમિશનરને કાયદો અને વ્યવસ્થા મામલે કડકાઈથી કામ લેવાનો આદેશ આપ્યો છે. આ મામલે કોઈ બેદરકારી નહીં ચલાવવામાં આવે."
તેમણે એમ પણ લખ્યું કે જે પોલીસ અધિકારીઓનો સંધ્યા થિયેટરની ઘટના સાથે કોઈ સંબંધ નથી તેઓ નિવેદન આપવાથી બચે.
અલ્લુ અર્જુન પોતાની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલની સ્ક્રીનિંગ બાદ સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગથી ચર્ચામાં છે.
અગાઉ તેલુગુ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. સંધ્યા થિયેટરમાં નાસભાગની ઘટનામાં એક મહિલાનાં મોત બાદ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' રિલીઝ થવાના એક દિવસ પહેલાં હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.
લોકો અગાઉથી ટિકિટ ખરીદીને ફિલ્મ જોવા અહીં આવ્યા હતા. અલ્લુ અર્જુનની ટીમે અચાનક જ અલ્લુ અર્જુનની ત્યાં મુલાકાતનું આયોજન કર્યું અને તેઓ થિયેટરમાં પહોંચતા જ તેમને જોવા માટે ચાહકોમાં નાસભાગ મચી ગઈ.
આ નાસભાગ દરમિયાન ત્યાં એક મહિલાનું મોત થયું હતું. તેના કારણે અલ્લુ અર્જુન સહિત અનેક લોકોના નામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તેલુગુ ફિલ્મોના જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનના ઘર પર રવિવારે કેટલાક લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.
આ હુમલામાં અલ્લુ અર્જુનના ઘરની સામે કુંડા અને કેટલોક સામાન તોડવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા અમુક વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તેમના ઘરની સામે નારા લગાવી રહ્યા છે. વીડિયોમાં કેટલાક તૂટેલા કુંડા પણ જોઈ શકાય છે. આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી.
બીબીસી તેલુગુ સર્વિસ અનુસાર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો કરનારાઓએ દાવો કર્યો હતો કે તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટીની જૉઇન્ટ ઍક્શન કમિટીના સભ્ય હતા.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2: ધ રૂલ'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડમાં એક મહિલાના મોતના મામલે લોકો ન્યાયની માગણી કરી રહ્યા હતા.
તાજેતરમાં થિયેટરમાં થયેલી ભાગદોડ દરમિયાન એક મહિલાના મોત પછી અલ્લુ અર્જુન સામે કેસ પણ દાખલ થયો છે અને તેમણે થોડી વાર માટે જેલ પણ જવું પડ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












