You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીરિયડ્સનું લોહી લઈને 50 હજારમાં વેચવા માટે સાસરિયાએ પરિણીતા પર 'ત્રાસ' ગુજાર્યો
- લેેખક, માનસી દેશપાંડે
- પદ, બીબીસી મરાઠી માટે, પુણેથી
એક મહિલાએ ચોંકાવનારો આરોપ લગાવ્યો છે કે તેમના સસરા તેમને પીરિયડ્સનું લોહી વેચવા માટે દબાણ કરતા હતા.
પુણેના વિશ્રાંતવાડી પોલીસસ્ટેશનમાં 28 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ઑગસ્ટ 2022માં પ્રથમ વખત તેમના સાસરિયાઓએ તેમને પીરિયડ્સનું લોહી વેચવા દબાણ કર્યું હતું.
ત્યારથી સતત તેમના પતિ અને સાસરિયાઓ આ બાબતે તેમના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા.
સાત માર્ચ 2023ના રોજ નોંધાયેલી ફરિયાદના આધારે મહિલાના પતિ અને સાત સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
વિશ્રાંતવાડી પોલીસસ્ટેશનના ઇન્સ્પેક્ટર દત્તાત્રય ભાપકરના જણાવ્યા અનુસાર, "મહિલાના લગ્ન 2019માં થયાં હતાં. મહિલાએ 2021માં કોર્ટમાં ઘરેલુ હિંસા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જોકે સાસુ અને પતિની સમજાવટ બાદ તેમણે કેસ પાછો ખેંચી લીધો હતો."
50 હજાર રૂપિયામાં વેચવા માગતા હતા લોહી
ઑગસ્ટ 2022માં ગણેશ ઉત્સવ દરમિયાન મહિલાના દિયર તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તેમને પીરિયડ્સનું લોહી જોઈએ છીએ. આ સાંભળતાં જ મહિલા ગુસ્સે ભરાયાં હતાં અને કહી દીધું હતું કે "તમારી ખુદની પત્ની પાસેથી જ લઈ લો ને!"
જોકે તેમના દિયરે તેમને કહ્યું હતું કે તેમને નિઃસંતાન મહિલાના પીરિયડ્સનું લોહી જોઈએ છે અને તે કોઈકને આપીને બદલામાં 50 હજાર રૂપિયા મળે છે. જોકે, તેમણે આ મંજૂર ન હોવાથી ના પાડી દીધી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર દત્તાત્રય ભાપકરે જણાવ્યું, "તેમની ના હોવા છતાં સાસરિયાઓએ સાથે મળીને તેમનું પીરિયડ્સનું લોહી લઈ ગયા હતા અને વેચી દીધું હતું. જેથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના કહેવા પ્રમાણે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.
રાજ્યના મહિલા આયોગે આ બાબતની નોંધ લીધી છે. મહિલા આયોગના પ્રમુખ રૂપાલી ચકણકરે જણાવ્યું કે તેઓ મામલા પર નજર રાખી રહ્યા છે અને સતત પોલીસ પાસેથી માહિતી મેળવી રહ્યા છે.
તેમણે કહ્યું, "તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવી ઘટનાઓ જોઈને ચોંકી જવાય છે કે મહિલાઓને થતા અન્યાય અને અત્યાચાર સામે લડવા હજુ કેટલું બાકી છે અને હજુ કેટલું લડવું પડશે."
તેમણે અંતે કહ્યું, "સમાજમાં આવી ઘટનાઓ ન બને તે માટે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને સામાજિક સંસ્થાઓની મદદથી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે."
અંધશ્રદ્ધાવિરોધી કાયદાના અસરકારક અમલની જરૂર
નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા સત્રમાં કહ્યું કે તેમણે આ બાબતની નોંધ લીધી છે.
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ જણાવ્યું હતું કે આવા કિસ્સા રોકવા માટે મેલી વિદ્યાવિરોધી કાયદાનો અસરકારક અમલ થવો જરૂરી છે.
રાજ્યની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનાં કાર્યકારી સભ્ય નંદિની જાધવે જણાવ્યું કે "અંધશ્રદ્ધાવિરોધી કાયદાના અસરકારક અમલની જરૂર છે. આ કાયદા અંતર્ગત હજુ સુધી કોઈ નિયમો ઘડવામાં આવ્યા નથી. પોલીસસ્ટેશનમાં આવા કેસની જાણ કરતી વખતે પીડિતો અને તેમની સાથેની સામાજિક સંસ્થાઓને સંઘર્ષનો સામનો કરવો પડે છે. ત્યારબાદ જ કેસ નોંધાય છે."
તેમણે આગળ કહ્યું, "પોલીસને કાયદો સમજાતો નથી. આવી પીડિત મહિલાઓએ સામાજિક સંસ્થાઓની મદદ લેવી પડે છે. પોલીસ આવી ઘટનાઓ પાછળનો હેતુ સમજી શકતી નથી. પોલીસને પણ આ વિશે તાલીમ આપવી જોઈએ."
નંદિની જણાવે છે, "આ કાયદાને 10 વર્ષ પૂરાં થશે. અમે હંમેશાં જાગૃતિ ફેલાવીએ છીએ. આ માટે વહીવટીતંત્રની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે. હાલ માત્ર એક સમિતિ બનાવી છે. પણ તેના સભ્યોને કામ કરવાનું કહેવામાં આવતું નથી."
"તેને મળતા ભંડોળનું શું થાય છે? જે કાયદા માટે ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા થઈ હતી, તે કાયદા અંતર્ગત નિયમો જ બનાવી શક્યા, તેનાથી વધુ દુર્ભાગ્ય શું હોઈ શકે?"
નંદિની જાધવનું કહેવું છે કે હાલમાં મહિલાઓ તેમના પર થતી કૌટુંબિક અને જાતીય હિંસા સહિત મેલી વિદ્યા કે અંધશ્રદ્ધા બાબતે પણ અવાજ ઉઠાવી રહી છે.