You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નક્સલવાદ વિરુદ્ધ ભારતનું યુદ્ધ તેના જ લોકોને કેવી રીતે અસર કરી રહ્યું છે?
- લેેખક, વિષ્ણુકાંત તિવારી, જુગલ પુરોહિત અને અંતરિક્ષ જૈન
- પદ, બીબીસી ન્યૂઝ
મધ્ય અને પૂર્વ ભારતના સ્થાનિક લોકો અને આદિવાસી સમૂહો લાંબા ગાળાથી નક્સલવાદી વિદ્રોહીઓ અને સરકારી સંરક્ષણ દળો વચ્ચેના ઘર્ષણને કારણે મુશ્કેલીમાં મુકાતા રહ્યા છે.
નક્સલવાદી બળવોએ સામ્યવાદી રાજ્યની સ્થાપના માટેની સશસ્ત્ર ચળવળ છે. જે પાછલા છ દાયકાથી હજુ ચાલુ છે અને જેમાં હજારો લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
આને આધિકારિક રીતે ડાબેરી ઉગ્રવાદ (એલડબ્લ્યૂઇ) કહેવામાં આવે છે. આની શરૂઆત વર્ષ 1967માં પશ્ચિમ બંગાળમાં સશસ્ત્ર ખેડૂત વિદ્રોહ તરીકે થઈ હતી, જે 2000ના દાયકાના મધ્ય ભાગ સુધી ભારતના ત્રીજા ભાગના જિલ્લાઓ સુધી ફેલાઈ ચૂકી હતી. વર્ષ 2009માં તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે તેને "સૌથી ગંભીર આંતરિક જોખમ" ગણાવી હતી.
ગત વર્ષે ભારત સરકારે માર્ચ 2026 સુધી આ વિદ્રોહને ખતમ કરવાની ડેડલાઇન નક્કી કરી હતી. જેના ભાગરૂપે તેની "નિર્મમ" રોકથામ વ્યૂહરચના અંતર્ગત તીવ્ર સંરક્ષણ ઑપરેશન્સ લૉન્ચ કરાયાં હતાં.
સાઉથ એશિય ટેરરિઝમ પૉર્ટલ (એસએટીપી) અનુસાર જાન્યુઆરી 2024થી આ વર્ષે સપ્ટેમ્બર માસ સુધીમાં સંરક્ષણ દળોએ 600 કરતાં વધુ કથિત વિદ્રોહીઓનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં.
જેમાં પ્રતિબંધિત કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માઓવાદી)ના ઘણા વરિષ્ઠ સભ્યો પણ સામેલ છે.
માઓવાદીઓના દબદબાવાળાં ક્ષેત્રોમાં નિયંત્રણ વધુ મજબૂત કરવા માટે સરકારે છત્તીસગઢમાં ઘણાં નવા સંરક્ષણ કૅમ્પ સ્થાપ્યા છે. નોંધનીય છે કે છત્તીસગઢ એ મધ્ય ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં આદિવાસીઓની વસતી 30 ટકા છે, તેમજ આ આદિવાસીઓ ગાઢ જંગલમાં રહે છે.
આ કાર્યવાહી વચ્ચે વિદ્રોહીઓએ આ વર્ષની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે તેઓ સરકાર સાથે શરતી શાંતિ વાર્તા માટે રાજી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, અધિકારીઓએ જ્યાં સુધી માઓવાદીઓ હથિયાર હેઠાં ન મૂકે ત્યાં સુધી સમાધાન માટેની કોઈ પણ વાતચીતની શક્યતા નકારી છે. તેઓ કહે છે કે સરકારની કાર્યવાહી માત્ર જરૂરી છે એટલું જ નહીં, પરંતુ એ કારગત પણ નીવડી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે, 2024ના પ્રારંભિક ભાગમાં સંરક્ષણ દળોએ વર્ષ 2023ના આ જ સમયગાળાની સરખામણીએ લગભગ બમણાં માઓવાદીવિરોધી ઑપરેશન પાર પાડ્યાં હતાં. જેમાં મૃત્યુ પામેલા વિદ્રોહીઓની સંખ્યા પાંચ ગણી વધુ હતી.
પરંતુ અધિકારસંબંધી ઍક્ટિવિસ્ટ આ ઑપરેશનો માટે ચૂકવવી પડી રહેલી માનવકિંમતને કારણે ચિંતિત છે
માઓવાદી અસરવાળાં ક્ષેત્રો ભારતનાં સૌથી ગરીબ અને વિકાસને ઝંખતા વિસ્તારોમાં આવેલાં છે. આ વિસ્તારો કુદરતી સંસાધનોની સમૃદ્ધ છે. અહીંના આદિવાસી સમાજ પર આનો સૌથી મોટો ભાર છે.
સંરક્ષણ દળો અને નક્સલવાદીઓ વચ્ચેના ઘર્ષણમાં પિસાઈ રહ્યા છે સ્થાનિકો?
છત્તીસગઢના બસ્તર જિલ્લામાં પેકારામ મેટ્ટામી તેમના જુવાનજોધ પુત્ર સુરેશના મૃત્યુના શોકમાં છે. માઓવાદી વિદ્રોહીઓએ જાન્યુઆરી માસમાં કથિતપણે પોલીસ સાથે સાઠગાંઠની શંકામાં તેમની હત્યા કરી હતી. જોકે, તેમનો પરિવાર, પોલીસ અને સ્થાનિક લોકો આ દાવાને નકારે છે.
દસમા ધોરણ સુધી ભણેલા સુરેશ તેમના ગામમાં સૌથી વધુ ભણેલા હતા, તેમજ તેઓ સ્થાનિક શાળાઓ અને હૉસ્પિટલોના એક મજબૂત સમર્થક હતા.
તેમના પિતાએ કહ્યું, "એ માત્ર તેના લોકો માટે સારી સુવિધાઓ ઇચ્છતો હતો, આની કિંમત તેણે તેના જીવથી ચૂકવવી પડી."
160 કિમી દૂર બીજાપુરના અર્જુન પોટમ તેમના ભાઈ લચ્છુના મૃત્યુનો શોક મનાવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં ચલાવાયેલા વિદ્રોહીઓ વિરુદ્ધના ઑપરેશનમાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસનો દાવો છે કે આ ઑપરેશનમાં આઠ માઓવાદીઓનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ પોટમ બધા નિર્દોષ હોવાની વાતે વળગેલા રહે છે.
તેઓ કહે છે કે, "જેમનાં મૃત્યુ થયાં તેમની પાસે કોઈ હથિયાર નહોતાં. કેટલાકે તો શરણાગતિ સ્વીકારવાનોય પ્રયાસ કર્યો, પણ પોલીસ તેમની વાત ન સાંભળી."
તેમણે ઉમેર્યું, "તેના (લચ્છુના) પોલીસ અને માઓવાદી બંને સાથે સંબંધ હતા. પણ તેણે ક્યારેય હથિયાર ઉઠાવ્યાં નહોતાં."
બસ્તરમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સુંદરરાજ પી.એ આ તમામ આરોપોને નકાર્યા અને કહ્યું "હાલનાં વર્ષોમાં (નાગરિકો વિરુદ્ધ) ખોટી કાર્યવાહી કર્યાના કોઈ મામલા નથી."
પરંતુ સ્થાનિક લોકોનો આરોપ છે કે જ્યાં સશસ્ત્ર વિદ્રોહીઓ અને સામાન્ય નાગરિકો વચ્ચેની ભેદરેખા ખૂબ આછી છે ત્યાં આવા પ્રકારનાં સંરક્ષણ ઑપરેશન સામાન્ય બાબત છે.
સ્થાનિકોનો દાવો છે કે વર્ષ 2021માં સંરક્ષણ દળોએ સુકમા જિલ્લામાં નવા સંરક્ષણ કૅમ્પનો વિરોધ કરી રહેલા પાંચ પ્રદર્શનકારીઓનું મૃત્યુ નિપજાવ્યું હતું. પોલીસે કહ્યું કે તેઓ વિદ્રોહીઓ દ્વારા ઉશ્કેરાયેલા ટોળાના હુમલાનો ભોગ બન્યા હતા. પરંતુ ગ્રામીણોનું કહેવું છે કે પ્રદર્શનકારીઓએ અધિકારીઓને સાઇટ પર જતા રોકવા માટે રસ્તો બ્લૉક કર્યો હતો.
ઉર્સા નાંદે કહે છે કે, "મારા પતિને ગોળી વાગ્યા બાદ તેમણે મારા પતિને માઓવાદી જાહેર કરી દીધો હતો." તેમના પતિ ઉર્સા ભીમા પણ મૃત્યુ પામેલા આ લોકો પૈકી એક હતા.
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર આ મામલામાં તપાસના આદેશ અપાયા હતા. જોકે, જિલ્લા પોલીસવડા અને બીજા ટોચના અધિકારીઓએ બીબીસીને તપાસના પરિણામ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો.
ભારત સરકારના દાવા સામે સ્થાનિકોની ફરિયાદ
ભારત સરકારે કહ્યું છે કે તેની નક્સલવાદ સામેની "ઝીરો ટોલરન્સ"ની નીતિ સફળ થઈ છે. શરણાગતિ સ્વીકારી ચૂકેલા માઓવાદીઓ અને સ્થાનિક લોકોના મિશ્રણથી બનેલા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) દ્વારા વિદ્રોહીઓનાં ઠેકાણાં અને વ્યૂહરચનાઓ ટ્રેક કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. માઓવાદીઓ સામેની સફળતા માટે એ ખૂબ જ અગત્યનું છે.
અધિકાર કાર્યકર્તાઓ સ્થાનિકોને આવાં યુનિટોમાં સામેલ કરવાની વાતનો વિરોધ કરે છે. અને તેને હવે બંધ કરી દેવાયેલ સ્પેશિયલ પોલીસ ઑફિસર્સ (એસપીઓ) ફોર્સ સાથે સરખાવે છે. નોંધનીય છે કે આ ફોર્સ પણ સ્થાનિકોને સામેલ કરવા પર આધાર રાખતી હતી.
વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે છત્તીસગઢને આ ફોર્સ વિખેરી દેવાનો આદેશ કર્યો હતો અને તેને ગેરબંધારણીય ગણાવી ચેતવણી આપી હતી કે આ ફોર્સમાં ભરતી કરાતા આદિવાસીઓ "યોગ્ય રીતે તાલીમબદ્ધ" નહોતા અને તેમનો "તોપના ચારા" તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો.
આ આદેશથી એસપીઓમાં આદિવાસીઓની ભરતી બંધ થઈ. જોકે, આ આદેશ ડીઆરજી માટે લાગુ ન પડ્યો. જે હજુ સુધી સ્થાનિક યુવાનોને અને પૂર્વ વિદ્રોહીઓને ભરતી કરી રહ્યું છે.
28 વર્ષીય જ્ઞાનેશ (નામ બદલ્યું છે) પણ આવા જ એક યુવાન હતા. ગત વર્ષે તેમણે વિદ્રોહી તરીકે શરણાગતિ સ્વીકારી હતી અને તેનાં અમુક અઠવાડિયાંમાં તો ડીઆરજીમાં જોડાઈ ગયા હતા. પોતાને "કોઈ હજુ સુધી કોઈ તાલીમ ન મળ્યા હોવાની" વાત કહેવા છતાં તેઓ વિદ્રોહીઓ વિરોધી ઑપરેશન્સમાં ભાગ લઈ રહ્યા હતા.
પોલીસ આ વાતથીય ઇન્કાર કરે છે, તેઓ કહે છે કે ઑપરેશન્સ પહેલાં તમામ કર્મીઓને યોગ્ય તાલીમ અપાય છે. જોકે, સામે પક્ષે ઍક્ટિવિસ્ટ્સ ભૂતપૂર્વ વિદ્રોહીઓની પહોંચમાં ફરી હથિયાર ન આવી જાય એ સુનિશ્ચિત કરવા વિનંતી કરે છે.
લેખિકા અને શિક્ષણશાસ્ત્રી નંદિની સુંદરે એસપીઓના ઉપયોગ સામે કોર્ટમાં અરજી કરી હતી. તેઓ કહે છે કે, શરણાગતિ સ્વીકારનાર વિદ્રોહીઓને "રાજ્યનો ગૌરવપૂર્ણ જવાબ" એવો હોવો જોઈએ કે, "આવો અને નાગરિકોની માફક સામાન્ય જીવન પસાર કરો."
માર્ચ, 2026 સુધી નક્સલવાદના સફાયાના લક્ષ્યમાં સફળ થઈ શકશે કેન્દ્ર સરકાર?
સરકારે સ્થાનિકોનો સહકાર હાંસલ કરવા માટે પણ પ્રોત્સાહનો જાહેર કર્યાં છે. જેમ કે, વિદ્રોહીઓની અસરવાળા વિસ્તારોમાં નક્સલવાદીઓની સંપૂર્ણ શરણાગતિ સુનિશ્ચિત કરનારાં ગામોને દસ લાખ રૂપિયાનાં વિકાસ ફંડ, નવી શાળાઓ, રસ્તા અને મોબાઇલ ટાવરનું વચન અપાય છે.
પરંતુ સ્થાનિકો આ તમામ પ્રોજેક્ટોની વિરોધ છે, કારણ કે તેમને ભય છે કે આના કારણે તેમને તેમની જમીન ગુમાવવી પડશે, તેમણે સ્થળાંતર કરવું પડશે અને જેના પર તેઓ નભે છે તેવા જંગલને નુકસાન થતું જોવું પડશે.
બસ્તરના 26 વર્ષીય આદિવાસી રહેવાસી આકાશ કોરસાએ કહ્યું કે આ ડરને કારણે કેટલાક સ્થાનિક લોકો માઓવાદીઓને ટેકો આપવાનું ચાલુ રાખે છે.
નિષ્ણાતો સરકારની માર્ચ 2026 સુધીમાં માઓવાદનો સંપૂર્ણ સફાયો કરવાની વાત સામે શંકા વ્યક્ત કરે છે. છત્તીસગઢના ભૂતપૂર્વ પોલીસવડા આરકે વીજે કહ્યું કે માઓવાદીમુક્ત જાહેર કરી દેવાયેલા જિલ્લાઓમાં પણ હજુ નાનાં વિદ્રોહી જૂથો હજુ હયાત છે.
હાલ તો આ બંને કથાનકો વચ્ચે ફસાયેલા સ્થાનિક લોકો દાયકાઓથી ચાલી રહેલા આ સંઘર્ષની કિંમત ચૂકવી રહ્યા છે.
ઉર્સા નંદે કહે છે કે, "અમારી ખૂબ મુશ્કેલીઓની ઘડીમાંય અમને કોઈ સરકારી મદદ મળી નથી. અને હવે આ નક્સલવાદીઓએ પણ અમે મદદ કરવાનું બંધ કરી દીધું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન