અમદાવાદ : 'હું વિશ્વમાં સૌથી નસીબદાર વ્યક્તિ છું, પણ...'- ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસકુમાર હાલમાં કેવી સ્થિતિમાં છે?

ઇમેજ સ્રોત, PA
- લેેખક, નવતેજ જોહલ
- પદ, બીબીસી ન્યૂઝ મિડલૅન્ડ્સ સંવાદદાતા
- લેેખક, કેટી થોમ્પસન અને સોફી વૂડકોક
અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં માત્ર એક પ્રવાસીને બાદ કરતા વિમાનમાં હાજર તમામ 241 લોકો માર્યા ગયા હતા.
દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા વિશ્વાસકુમાર રમેશ કહે છે કે તેઓ પોતાને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ ગણે છે, પરંતુ સાથે સાથે તેઓ શારીરિક અને માનસિક મુશ્કેલીઓ પણ સહન કરી રહ્યા છે.
અમદાવાદથી લંડન જતું ઍર ઇન્ડિયાનું વિમાન 12 જૂને ઉડાન ભરતાની સાથે ક્રૅશ થઈ ગયું, ત્યારે વિશ્વાસકુમાર તેના સળગતા કાટમાળમાંથી સહીસલામત બહાર નીકળી ગયા હતા. તેઓ કહે છે કે તેઓ જે રીતે બચી ગયા તે એક 'ચમત્કાર' હતો. પરંતુ તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે.
આ જ વિમાનમાં તેમના ભાઈ અજય પણ બેઠા હતા, જેમનું મૃત્યુ થયું હતું. વિશ્વાસકુમાર રમેશ યુકેમાં લિસેસ્ટર ખાતે પરત આવી ગયા છે. પરંતુ ત્યારથી તેઓ પોસ્ટ ટ્રોમૅટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (PTSD)નો સામનો કરે છે તે તેમના સલાહકારોએ જણાવ્યું હતું. તેઓ પોતાનાં પત્ની અને ચાર વર્ષના પુત્ર સાથે પણ વાત કરી શકવાની સ્થિતિમાં નથી.
આઘાતમાંથી બહાર નથી આવી શક્યા

અમદાવાદથી ઍર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ટેક-ઑફ કર્યા પછી થોડી જ સેકન્ડોમાં ક્રૅશ થઈ ગયું હતું.
તે વખતે એક વીડિયો શૅર થયો હતો જેમાં વિશ્વાસકુમાર રમેશને ક્રૅશના સ્થળેથી નીકળતા જોઈ શકાય છે. તેમને ઉપરછલ્લી ઈજાઓ થઈ હતી.
બીબીસી સાથે વાત કરતા વિશ્વાસકુમાર રમેશ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે "હું એકમાત્ર બચી જનાર વ્યક્તિ છું, છતાં મને માનવામાં નથી આવતું. આ ચમત્કાર છે."
"મેં મારા ભાઈને ગુમાવ્યા છે. મારો ભાઈ મારો આધાર હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ હંમેશાં મારી પડખે હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Hindustan Times
તેમણે આ દુર્ઘટનાથી તેમના પારિવારિક જીવન પર કેવી અસર પડી તેનું પણ વર્ણન કર્યું હતું.
તેમણે કહ્યું, "હવે હું એકલો છું. હું માત્ર મારા રૂમમાં બેસી રહું છું, મારી પત્ની કે પુત્ર સાથે વાત કરતો નથી. મને માત્ર ઘરમાં એકલા રહેવું ગમે છે."
તે સમયે તેમણે ભારતમાં હૉસ્પિટલના બિછાનેથી વાત કરી હતી. તેમણે કઈ રીતે સીટ બેલ્ટ ખોલ્યું તથા કાટમાળમાંથી ચાર પગે ચાલીને બહાર નીકળ્યા હતા તેનું વર્ણન કર્યું હતું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.
વિમાનમાં જે પ્રવાસીઓ અને ચાલકદળના સભ્યો માર્યા ગયા તેમાંથી 169 ભારતીયો હતા, જ્યારે 52 લોકો બ્રિટિશ હતા. જમીન પર બીજા 19 લોકોનાં પણ મોત નીપજ્યાં હતાં.
વાત કરી શકવાની સ્થિતિમાં નથી

જુલાઈ મહિનામાં આ ઍર ક્રૅશની તપાસનો ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોનો પ્રાથમિક રિપોર્ટ છપાયો હતો. તેમાં જણાવાયું હતું કે ટેક-ઑફ પછી સેકન્ડોની અંદર ઍન્જિનનો ફ્યુઅલનો સપ્લાય બંધ કરી દેવાયો હતો. દરમિયાન આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે. ઍરલાઇને કહ્યું કે વિશ્વાસકુમાર રમેશ અને બાકીના તમામ અસરગ્રસ્ત પરિવારો તેમની 'મુખ્ય પ્રાથમિકતા' છે.
39 વર્ષીય વિશ્વાસકુમાર ભારતથી યુકે ગયા ત્યાર પછી પહેલી વખત મીડિયા સાથે વાત કરી છે. એક ડૉક્યુમેન્ટરીના સભ્યો પણ રૂમમાં તેમનું ફિલ્માંકન કરતા હતા.
ઇન્ટરવ્યૂ આપતા પહેલાં બીબીસીએ તેમના સલાહકારો સાથે ચર્ચા કરી હતી.
અકસ્માતના દિવસે શું થયું તે પૂછવામાં આવતા વિશ્વાસકુમારે કહ્યું કે, "હાલમાં હું તેના વિશે કંઈ કહી શકું તેમ નથી."
'હું પીડાઈ રહ્યો છું'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશ્વાસકુમારની પડખે કૉમ્યુનિટી લીડર સંજીવ પટેલ અને પ્રવક્તા રેડ સિગર હાજર છે.
વિશ્વાસકુમારે કહ્યું કે ક્રૅશની ઘટનાઓ યાદ કરવી બહુ પીડાદાયક છે. સંજીવ પટેલના લેસ્ટર સ્થિત ઘરે ઇન્ટરવ્યૂ લેવાયો ત્યારે વિશ્વાસકુમાર કેટલીક વખત રડી પડ્યા હતા.
તેમણે પોતાની તકલીફો તથા તેમનો પરિવાર કેવી સ્થિતિમાંથી પસાર થાય છે તેની વાત કરી હતી.
તેમણે કહ્યું કે "મારા માટે, ઍક્સિડન્ટ પછી... બહુ મુશ્કેલ રહ્યું."
"શારીરિક રીતે, માનસિક રીતે, મારા પરિવારને પણ.. છેલ્લા ચાર મહિનાથી મારાં માતા દરરોજ દરવાજા બહાર બેસે છે, કોઈ વાત નથી કરતાં. કશું જ નહીં."
"હું કોઈની સાથે વાત નથી કરતો. મને કોઈની સાથે વાત કરવાનું ગમતું નથી."
"હું તેના વિશે બહુ વાત કરી શકતો નથી. મને આખી રાત વિચારો આવે છે. હું માનસિક રીતે પીડાઉં છું."
"આખા પરિવાર માટે દરેક દિવસ પીડાદાયક છે."
રમેશે પ્લૅન ક્રેશ દરમિયાન થયેલી શારીરિક ઈજાઓ વિશે પણ વાત કરી હતી. વિમાનમાં તેઓ 11-એ નંબરની સીટ પર બેઠા હતા અને ક્રૅશ પછી ફ્યુઝલેઝ મારફત બહાર નીકળી ગયા હતા.
તેઓ કહે છે કે તેમને પગ, ખભા, ઘૂંટણ અને પીઠમાં દુખાવો થાય છે. અકસ્માત થયો ત્યારથી તેઓ કામ કરી શકવા કે વાહન હંકારવા સક્ષમ નથી.
તેઓ કહે છે, "હું સરખી રીતે નથી ચાલી શકતો. ધીમે ધીમે મારી પત્નીની મદદથી ચાલું છું."
વિશ્વાસકુમારને ભારતમાં હૉસ્પિટલમાં સારવાર અપાતી હતી ત્યારે જ તેમને પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (પીટીએસડી) હોવાનું નિદાન થયું હતું. પરંતુ યુકે આવ્યા પછી તેમણે કોઈ તબીબી સારવાર નથી મેળવી તેમ તેમના સલાહકારનું કહેવું છે.
તેઓ કહે છે કે "વિશ્વાસકુમાર ભાંગી પડ્યા છે. તેમને રિકવર થવામાં ઘણો સમય લાગશે." તેઓ ઍર ઇન્ડિયાના ઍક્ઝિક્યુટિવ્સ સાથે મુલાકાતની માગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વિશ્વાસકુમારને ઍરલાઇન દ્વારા યોગ્ય સારવાર નથી અપાવાઈ.
સંજીવ પટેલે કહ્યું કે "તેઓ માનસિક, શારીરિક અને નાણાકીય મુસીબતમાં છે."
"પરિવાર માટે આ ભયંકર સ્થિતિ છે."
તેઓ કહે છે, "સર્વોચ્ચ સ્તરે જે કોઈ જવાબદાર હોય, તેમણે આ દુર્ઘટનાના પીડિતોને મળવું જોઈએ અને તેમની જરૂરિયાતો સમજવી જોઈએ."
ઍર ઇન્ડિયા પર ઉપેક્ષા કરવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
ઍર ઇન્ડિયાએ રમેશને 21,500 પાઉન્ડ (25 લાખ રૂપિયા)નું વચગાળાનું વળતર આપ્યું છે જે સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ તેમના સલાહકારોનું કહેવું છે કે તેમની તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવા માટે આટલું વળતર પૂરતું નથી.
વિશ્વાસકુમારનો પરિવાર દીવમાં માછીમારીનો વ્યવસાય ધરાવે છે. તેઓ તેમના ભાઈ સાથે આ બિઝનેસ ચલાવતા હતા, પરંતુ ઍર ક્રૅશમાં ભાઈના મૃત્યુ પછી બિઝનેસ પડી ભાંગ્યો છે.
પરિવારના પ્રવક્તા સિગરે જણાવ્યું કે તેમણે ત્રણ વખત ઍર ઇન્ડિયાના અધિકારીઓને મિટિંગ માટે બોલાવ્યા હતા, પરંતુ દરેક વખતે "તેમની ઉપેક્ષા કરવામાં આવી અને માગણી ફગાવી દેવાઈ" હતી.
આ મીડિયા ઇન્ટરવ્યૂ આપીને તેમની ટીમ ચોથી વખત અપીલનો પ્રયાસ કરી રહી છે.
સિગરે ઉમેર્યું કે "અમારે આ રીતે અહીં બેસવું પડે અને તેમને (વિશ્વાસકુમારને) આ સ્થિતિમાં મૂકવા પડે તે બહુ ભયંકર છે."
"હકીકતમાં અહીં ઍર ઇન્ડિયાના ઍક્ઝિક્યુટિવ્સે હાજર હોવું જોઈએ, બધું ઠીક કરવાની જવાબદારી તેમની છે."
"મહેરબાની કરીને અહીં આવો અને અમારી પાસે બેસો, જેથી આપણે અમુક પીડા દૂર કરવા માટે પ્રયાસ કરી શકીએ."
ટાટા ગ્રૂપની માલિકીની ઍરલાઇન ઍર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે પેરન્ટ કંપનીના ટોચના અધિકારીઓ પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરવા પરિવારોને મળી રહ્યા છે.
નિવેદનમાં જણાવાયું હતું કે "આવી મીટિંગ ગોઠવવા માટે વિશ્વાસકુમાર રમેશના પ્રતિનિધિઓને એક ઑફર કરવામાં આવી છે, અમે તેમના સુધી પહોંચવાનું ચાલુ રાખીશું અને હકારાત્મક પ્રતિસાદ મેળવવાની આશા રાખીએ છીએ."
ઍરલાઇને બીબીસીને જણાવ્યું કે વિશ્વાસકુમાર રમેશે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યા તે અગાઉ આ ઑફર કરવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













