You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીને જ્યારે રાજધાની બચાવવા આખેઆખું ગામ પૂરના પાણીમાં ડુબાડી દીધું
- લેેખક, સ્ટીફન મૅકડૉનેલ
- પદ, બીબીસી ન્યૂઝ, હેબેઇ પ્રાંત
આ સપ્તાહની શરૂઆતમાં પશ્ચિમ બીજિંગમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. સંખ્યાબંધ પૂલ તૂટી પડ્યા હતા, ડઝનબંધ મોટરકાર તણાઈ ગઈ હતી અને શહેરમાં વિનાશ વેરાયો હતો ત્યારે ધસમસતા પાણીને અન્યત્ર વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેની અસર લગભગ તત્કાળ જોવા મળી હતી. પાટનગરમાંથી પાણી ઊતરી ગયું હતું, પરંતુ એ બીજા કોઈ ગામમાં ફેલાઈ ગયું હતું.
મંગળવાર સુધીમાં પાણીનો તે ધસમસતો પ્રવાહ પાડોશના હેબેઇ પ્રાંતના ઝુઓઝોઉમાં જોરદાર તાકાત સાથે પ્રવેશ્યો હતો. સ્થાનિકોને તેની કલ્પના ન હતી.
ગામની ઇમારતો ટાપુ બની ગઈ હતી અને ગામ ટૂંક સમયમાં દેશના અન્ય ભાગોથી વિખૂટું પડી ગયું હતું. ટૂંક સમયમાં વીજ તથા પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો.
નગરના લોકો મુશ્કેલીમાં હતા. ઇમરજન્સી ટીમો હોડીઓ મારફત લોકો સુધી પહોંચી હતી, પરંતુ બચાવના તેમના પ્રયાસો મુખ્યત્વે બીજિંગ અને તેની મોટી વસ્તી પર કેન્દ્રિત હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવકાર્ય હાથ ધરવા માટે તેમની પાસે પૂરતા પ્રમાણમાં વોટરક્રાફ્ટ ન હતાં.
બુધવાર સુધીમાં સ્ટેજિંગ પોસ્ટ પર ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી અને નદી બની ગયેલા રસ્તા પર બોટની કતાર ખડકાઈ ગઈ હતી. ઇન્ફ્લૅટેબલ બોટ્સ લૉન્ચ કરવામાં આવી હતી અને આઉટબોર્ડ મૉટર્સનો ઉપયોગ કરીને તેને નગરના ડૂબી ગયેલા મધ્ય ભાગમાં લઈ જવામાં આવી હતી.
ખોદકામ કરતાં યંત્રો પણ શહેરના સલામત વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યાં હતાં, પરંતુ તેનો ઉપયોગ ખડક અને માટી હટાવવા માટે કરવામાં આવતો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ લોકોને બચાવવા માટે ત્યાં પહોંચ્યા હતા. લોકો પોતાની સાથે થોડોઘણો સામાન લઈને શક્તિશાળી ટ્રક્સમાં ખડકાઈ ગયા હતા. આગળના શોવેલ્સ પણ સ્તબ્ધ રહેવાસીઓથી ભરેલા હતા.
કેવી છે પરિસ્થિતિ?
સ્થાનિક લોકો આશ્રયસ્થાનોમાં નોંધણી કરાવવા પહોંચ્યા હતા. વૃદ્ધોને તેમના પરિવારના સભ્યો તથા પાડોશીઓ મદદ કરતા હતા. તેઓ સ્તબ્ધ દેખાતા હતા, પરંતુ બચી ગયા તેથી રાહત અનુભવતા હતા.
પોતાના સંતાનને તેડીને ઊભેલી એક મહિલાએ કહ્યું, “અમે અમારી સાથે કશું લાવ્યા નથી. અમારે બહાર નીકળીને બાળકને સલામત રાખવાનું હતું.”
તેની બાજુમાં ઊભેલાં એક વૃદ્ધ મહિલાએ માથું ધુણાવ્યું અને કહ્યું, “અમારી આસપાસની બધી ઇમારતોમાં પૂરનું પાણી આવી ગયું હતું. કેટલીકમાં તો બીજા માળ સુધી પાણી પહોંચ્યું હતું.”
કેટલાક લોકોએ જણાવ્યું હતું કે તેઓ તેમના ડૂબી ગયેલા ઘરમાંથી બહાર નીકળ્યા એ સાથે બધું જ ગુમાવી દીધું હતું. તેમ છતાં બચી ગયા એટલે તેમને રાહત થઈ હતી.
ચીનનાં અગ્નિશામક દળોના તેઓ આભારી હતા. આ કામ સરળ ન હતું. બીજિંગમાં અન્યોને મદદ કરવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક બચાવકર્મીઓ મૃત્યુ પામ્યા હતા.
રજિસ્ટ્રેશન પૉઇન્ટ પર એક મહિલા નવા આવતા લોકોને ક્યાં મદદ મળી શકે તે મેગાફોન મારફત જણાવતી હતી. તેઓ જે કામ કરી રહ્યા છે તેનો એ મહિલાના ગર્વ હતો, પરંતુ પોતે બહાર નીકળી ત્યાં સુધીમાં તેના પોતાના ઘરમાં છાતી સમાણું પાણી ભરાઈ ગયું હતું એટલે ચિંતિત હતી.
પાણીનું પ્રમાણ અને ઝડપ અનપેક્ષિત હતાં. એ મહિલાએ કહ્યું, “એ આટલું ખરાબ હશે તે અમે ધાર્યું ન હતું. ત્યાં સુધી મોટા પ્રમાણમાં પાણી આવશે એવી અમને અપેક્ષા ન હતી. અમે રાહ જોતા રહ્યા અને પાણી વધતું જ ગયું. અમે ખરેખર ડરી ગયાં હતાં.”
હેબેઈ પ્રાંતમાં રોષનું વાતાવરણ છે, કારણ કે બીજિંગના સંકટને કાબૂમાં લેવા માટે આ પ્રાંતના લોકોએ સંભવતઃ જીવલેણ પૂરનો ભોગ બનવું પડ્યું છે.
જળાશયો, જોડાયેલા ડૅમ અને જળમાર્ગોનો ઉપયોગ કરીને પૂરના રાજધાની બીજિંગથી દૂર અને હેબેઈના એવા વિસ્તારમાં ધકેલવામાં આવ્યું હતું, જ્યાં ઓછા લોકો રહે છે.
ઝૂઓઝોઉના રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે તેમને મુશ્કેલીમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તેમને બચાવ માટે પૂરતી સૂચના આપવામાં આવી ન હતી.
તેમનો પ્રાંત બીજિંગના રક્ષણ માટે કિલ્લા તરીકે કામ કરશે, એવી જાહેરાત હેબેઈના પાર્ટી સેક્રેટરીની યુફેંગે ગર્વભેર કરી ત્યારે લોકોનો ગુસ્સો ભડક્યો હતો.
સોશિયલ મીડિયા પર ભડક્યો રોષ
લોકો સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે.
એક વ્યક્તિએ લખ્યું હતું, “તેઓ હેબેઈ પ્રાંતના પાર્ટી સેક્રેટરી છે કે બીજિંગના? હું મૂંઝાઈ ગયો છું.”
એક અન્ય વ્યક્તિએ લખ્યું હતું, “સત્તામાં છે તેવા લોકો ફક્ત તેમના ઉપરી અધિકારીઓની જ કાળજી રાખે છે. અભિનંદન. તેમને બઢતી આપવામાં આવશે, પરંતુ હેબેઈના આજ્ઞાંકિત સાત કરોડ લોકોનું બલિદાન આપવામાં આવશે.”
થ્રી ગોર્જેસ ડેમના બાંધકામની ટીકા કર્યા પછી હવે વિદેશમાં રહેતા ચીની એન્જિનિયર વાંગ વેઇલુઓના જણાવ્યા મુજબ, સમસ્યા એ છે કે પૂર રાહત પ્રણાલી આ રીતે જ ડિઝાઇન કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું, “ચીનના પૂર નિયંત્રણ નેટવર્કમાં બીજિંગ, તિયાનજિન અને શાંઘાઈ જેવાં મોટા, મહત્ત્વનાં શહેરોને ગ્રામ્ય વિસ્તારો કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ચીનની વ્યવસ્થામાં શહેરના સામાન્ય લોકો સૌથી નીચલા ક્રમે છે. એ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના લોકો છે, જેમના હિતનો આદર કરવામાં આવતો નથી.”
સરકાર પાસે શું વિકલ્પો?
સવાલ એ છે કે પૂરનું પાણી હેબેઈ પ્રાંતમાં વાળવામાં ન આવ્યું હોત તો સરકાર પાસે બીજો ક્યો વિકલ્પ હતો?
વાંગે સૂચવ્યું હતું કે યોંગડિંગ નદીની નીચે, શ્રેણીબદ્ધ ગોલ્ફ કોર્સ આવેલા છે. ત્યાં પૂરનું પાણી વાળી શકાયું હોત.
તેમણે કહ્યું હતું, “એ વિસ્તારમાં પાણી વાળવામાં આવ્યું હોત તો આર્થિક નુકસાન ઓછું થયું હોત અને માનવજીવન પર પણ ઓછી અસર થઈ હોત, પરંતુ એ વિસ્તારમાં તો જે લોકો દેશની પૂર રાહત અગ્રતામાંથી લાભ મેળવે છે એ લોકો ગોલ્ફ રમતા હોય છે.”
જોકે, “વધારે મહત્ત્વના વિસ્તારોને” સલામત રાખવા પાણીને અન્યત્ર વાળવાની ચીની સરકારની વ્યૂહરચનાનો અન્ય નિષ્ણાતોએ બચાવ કર્યો હતો.
ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઑફ વૉટર રિસોર્સિસ એન્ડ હાઇડ્રોપાવર રિસર્ચના ડેપ્યુટી ચીફ એન્જિનિયર ચેંગ ઝિયાઓટાઓએ સરકાર સંચાલિત મીડિયાને જણાવ્યું હતું કે “પાણીની જાળવણી અને વિતરણ ઝોન પૂર નિવારણ પ્રણાલીનો એક મહત્ત્વનો ભાગ હોવાની સાથે અનેક લોકોનું ઘર પણ છે.”
“તેઓ પણ ચીનના નાગરિકો છે. સમૃદ્ધિમાં તેમનો પણ ભાગ છે. કોઈ એવું નથી સૂચવતું કે તેમણે બલિદાન આપવું જોઈએ. વળી કાયદા અનુસાર અસરગ્રસ્તોને વળતર જરૂર આપવામાં આવશે,” એમ તેમણે ઉમેર્યું હતું.
ઝુઓઝોઉથી બીજિંગ પાછા જવાના રસ્તે નદીના પટ પર એક પુલ છે, જે બન્ને બાજુથી કાટમાળના સમુદ્ર વચ્ચે ઘેરાયેલો જોવા મળ્યો હતો. તેમાં ફ્રીઝ, ઔદ્યોગિક ડ્રમ્સ અને કેટલાંક ઘરનું નિર્માણ કરી શકાય તેટલું લાકડું હતું. પરંપરાગત ચીની સાધનો, મોટા ટ્રક્સના ટાયર્સ અને લાઇફ પ્રિઝર્વરનો પણ ગંજ ખડકાયો હતો.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સામગ્રીનો આ જંગી જથ્થો પૂરની સાથે એકને બદલે બીજી જગ્યાએ ઢસડાઈ આવ્યો છે. આ પ્રકૃતિનું કોઈ અપ્રિય, વિચિત્ર કૃત્ય હોય તેમ લોકોની ભીડ તેના ફોટોગ્રાફ્સ ક્લિક કરવા એકઠી થઈ હતી.
આ પૂરે સર્જેલા વિનાશને પગલે ચીનમાં વધુ સારી ચેતવણી પ્રણાલીની માગણી કરવામાં આવી રહી છે.
ઉત્તર ચીનમાં ઉનાળામાં જોરદાર ગરમી પડી છે અને એ પછી પૂરથી અછૂતા રહેલા વિસ્તારમાં વિનાશક પૂર આવ્યું છે.
સરકારના જણાવ્યા અનુસાર, આ સપ્તાહના પૂરને લીધે માત્ર હેબેઈ પ્રાંતમાં જ 21 લોકો મૃત્યુ પામ્યા હતા અને 10 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેના આર્થિક ફટકાનું મૂલ્યાંકન અકલ્પનીય છે.
ચીની વિજ્ઞાનીઓ આ પરિસ્થિતિમાં જળવાયુ પરિવર્તનને ગુનેગાર ગણાવી રહ્યા છે. ભવિષ્યમાં વધુ ખરાબ કટોકટીથી બચવા માટે વધુ પગલાં, વધુ ઝડપથી લેવામાં આવે એવું તેઓ ઇચ્છે છે.