You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખાનુન ટાઇફૂન : ત્રણ દેશો પર અસર કરનાર એ વાવાઝોડું જેની ઝડપ 200 કિમી થવાની આગાહી , ક્યાં ત્રાટકશે આ વાવાઝોડું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગત અઠવાડિયે જ બે વાવાઝોડાંને કારણે ચીનની રાજધાની બેઇજિંગ તથા તેના પાડોશી પ્રાંત એવા તિએનજીન અને હેબેઇ પ્રાંતમાં ભયંકર નુકસાન થયું હતું.
ચીનના સ્થાનિક મીડિયા અનુસાર ગત અઠવાડિયે વાવાઝોડાને કારણે નવ લાખથી વધુ લોકોને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મીડિયામાં પ્રગટ થયેલી તસવીરોમાં ત્યાંના રહેવાસીઓ કાદવથી ભરેલાં તેમનાં ઘરોને સાફ કરતાં જોવા મળ્યા હતા. જ્યારે ઘણા વિસ્તારોમાં વાવાઝોડાને કારણે રસ્તાઓ અને વૃક્ષોને ભયંકર નુકસાન થયું છે.
આ પરિસ્થિતિમાંથી હજી ચીન ઊભું થાય તે પહેલાં જ પૂર્વીય ચીની સમુદ્રમાં આગળ વધી રહેલા ‘ખાનુન’ વાવાઝોડાને કારણે તાઇવાન, જાપાન અને ચીનના તટીય વિસ્તારોમાં ભારે તારાજી સર્જાવાની શક્યતા ઊભી થઈ છે.
ધીમેધીમે આગળ વધી રહેલું ખાનુન પૂર્વ એશિયા પર ત્રાટકનાર ત્રીજું વાવાઝોડું છે જેનાથી ચીનની રાજધાનીમાં સદીના સૌથી ભયંકર વરસાદને કરાણે ઊભી થયેલી મુશ્કેલીઓ વધી શકે છે.
હાલમાં જ તાલિમ અને ડોકસુરીને કારણે ફિલિપાઇન્સ અને તાઇવાનમાં ભારે વરસાદ પડ્યો હતો જેમાં 30થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
નિષ્ણાતોનું કહેવું છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે હવામાનની ભીષણ પરિસ્થિતિઓ ઊભી થાય તેવી ઘટનાઓમાં વધારો થશે.
‘ખાનુન’ વાવાઝોડું શું છે?
‘ખાનુન’ શબ્દનો મતલબ થાઈ ભાષામાં ‘ફણસ’ થાય છે.
જાપાનના હવામાન વિભાગ અનુસાર ‘ખાનુન’ વાવાઝોડાના પવનની ઝડપ અત્યારે 126 કિમી પ્રતિ કલાક છે જે 180થી 200 કિમી સુધી જવાનો અંદાજ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાવાઝોડું શુક્રવારે દરિયામાં લગભગ 12 કલાક માટે સ્થિર થઈ ગયું હતું.
ઉત્તરી અને ઉત્તરી-પશ્ચિમ ઑકિનાવાના મિયાકો આઇલૅન્ડથી 270 કિમી દૂર આ વાવાઝોડું સવારે સાત વાગ્યે (22:00 જીએમટી) સ્થિત હતું. આગાહી પ્રમાણે શુક્રવારે રાત્રિ સુધીમાં આ વાવાઝોડું પૂર્વ દિશા તરફ વળાંક લેશે અને પછી જાપાન તરફ ઉત્તર દિશામાં પ્રયાણ કરશે.
જાપાનના હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં આ વાવાઝોડાને કારણે બે લોકોનાં મૃત્યુ થયાં છે.
જાણકારો કહે છે સામાન્ય રીતે પશ્ચિમથી પૂર્વ દિશામાં જતા વાવાઝોડા અસામાન્ય હોતા નથી. પરંતુ આ વાવાઝોડું અલગ છે.
શું કહે છે આગાહીકારો?
સમાચાર ઍજન્સી રૉઇટર્સનાં એક અહેવાલ મુજબ જાપાન વેધર ઍસોસિએશનના હવામાન નિષ્ણાંત મિહો ઑડા જણાવે છે કે હું કાયમ વાવાઝોડાંની મૂવમેન્ટ પર નજર રાખું છું. પરંતુ આ વાવાઝોડાની દિશામાં જે રીતે બદલાવ આવી રહ્યો છે એ ખરેખર આશ્ચર્યમાં મૂકી દે તેવો છે.
તેઓ જણાવે છે કે, "ઊનાળામાં આવતા વાવાઝોડાં ખૂબ જ આશ્ચર્યજનક રીતે આગળ વધે છે, પરંતુ તેમ છતાં પણ આ વાવાઝોડાની પૅટર્ન વિચિત્ર છે. જે રીતે આ વાવાઝોડું પાછું આવ્યું તે ખરેખર અસામાન્ય છે."
માયે યુનિવર્સિટીનાં પ્રૉફેસર યૉશિહિરો તાચિબાના પણ આ વાવાઝોડાને અસામાન્ય ગણાવે છે અને કહે છે કે પશ્ચિમી પવનો અને ગરમ થઈ રહેલા દરિયાના પાણીને કારણે આ વાવાઝોડું અતિમજબૂત બની રહ્યું છે. "
શું ક્લાઇમેટ ચૅન્જ છે કારણ?
આ વાવાઝોડા પહેલાં એશિયાના મોટા ભાગના દેશો તીવ્ર ગરમીના મોજાંનો ભોગ બન્યા હતા.
સમગ્ર જાપાનમાં 9,000 થી વધુ લોકોને જુલાઈના મધ્યમાં હીટસ્ટ્રૉકને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ચીનના કેટલાક ભાગોમાં રૅકોર્ડ ઉંચુ તાપમાન નોંધાયું હતું.
ભારતમાં પણ હીટવેવની સાથેસાથે કમોસમી વરસાદનો માહોલ સમગ્ર ઊનાળા દરમિયાન જોવા મળ્યો હતો.
‘ફ્રન્ટિયર્સ ઇન અર્થ સાયન્સ’ દ્વારા 2021 માં પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં 1979 અને 2016 વચ્ચે વાવાઝોડાંને કારણે થયેલી અસર વિશે સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે 21મી સદીના અંત સુધીમાં ધરતી પર આવતાં વાવાઝોડાંની શક્તિ બમણી થઈ શકે છે અને તે વધુ વિનાશક નીવડી શકે છે.
જાણકારો માને છે કે મોસમ અને સમુદ્રમાં થઈ રહેલી ઘટનાઓને જળવાયુ પરિવર્તન સાથે જોડવું મુશ્કેલ છે કારણ કે આ એક જટિલ વિષય છે.
આને લઈને કેટલાંક અધ્યયન ચાલી રહ્યાં છે પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમને ભય છે કે કેટલીક ડરામણી ઘટનાઓ દુનિયામાં બની શકે છે.
સમુદ્રની સપાટીનું વધતું તાપમાન
સમુદ્રનાં સરેરાશ વૈશ્વિક તાપમાને મે, જૂન અને જુલાઈ મહિનામાં બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે વર્ષ 2016માં સમુદ્રી સપાટી પર સૌથી વધારે તાપમાન જોવા મળ્યું હતું, ત્યાર બાદ આ વર્ષે તાપમાન રેકૉર્ડ સ્તરે પહોંચ્યું હતું.
પરંતુ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં વધુ ગરમીને કારણે સમુદ્રનું તાપમાન વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય છે.
બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં અર્થસાયન્સના પ્રૉફેસર ડૅનિલા શ્મિડ કહે છે, "અમે ક્યારેય એટલાન્ટિકના આ ભાગમાં ગરમ લહેરો નથી જોઈ."
જૂનના મહિનામાં આયર્લૅન્ડના પશ્ચિમના તટ પર સરેરાશ તાપમાનથી 4 કે પાંચ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હતું.
જોકે પ્રૉફેસર ડૅનિલા શ્મિડ મુજબ વધતા તાપમાનની આ ઘટનાને જળવાયુ પરિવર્તન સાથે સાંકળવું સરળ નથી પરંતુ તમે એવું તો કહી જ શકો કે આ બધું બની તો રહ્યું જ છે.
તેઓ સમજાવે છે કે, “એ સ્પષ્ટ છે કે ધરતી ગરમ થઈ રહી છે અને વાતાવરણમાં રહેલી ગરમ હવાને સમુદ્ર શોષી રહ્યો છે.”
હાલમાં તો ખાનુન વાવાઝોડું થોડું નબળું પડે તેવી શક્યતા છે પરંતુ એ ત્રણ દેશોમાં વ્યાપક અસર કરી રહ્યું છે.