સુરત : લૅબમાં બનતા હીરાના વેપારમાં આવેલી ક્રાંતિથી સુરતને કેટલો ફાયદો થશે?

હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, CHINTAN SUHAGIYA

    • લેેખક, પ્રીતિ ગુપ્તા (મુંબઈથી) અને બેન મોરિસ (લંડનથી)
    • પદ, બિઝનેસ સંવાદદાતા

ચિંતન સુહાગિયા માત્ર 26 વર્ષના છે, પરંતુ ભારતના હીરાઉદ્યોગમાં કામ કરવાનો સાત વર્ષનો અનુભવ ધરાવે છે.

પ્રારંભે તેઓ, વિશ્વની હીરા પૉલિશિંગની રાજધાની ગણાતા સુરતસ્થિત તેમની કંપનીમાં હીરાની હેરફેર કરતા હતા, પરંતુ સમય જતાં તેઓ હીરાની તપાસ કેવી રીતે કરવી તે શીખ્યા હતા અને હવે તેઓ ખાસ સાધનોની મદદથી હીરાનું ગુણવત્તાના આધારે ગ્રેડિંગ કરે છે.

હીરાઉદ્યોગમાં થયેલા વ્યાપક પરિવર્તનની સાથે તેમની કારકિર્દીમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. બે વર્ષ પહેલાં સુધી તેઓ જે હીરા ચકાસતા હતા એ તમામ નેચરલ, હીરાની ખાણમાંથી કાઢવામાં આવેલા હતા.

હવે તેઓ ખાસ મશીનો દ્વારા બનાવવામાં આવેલા હીરાનું કામકાજ કરે છે. આ પ્રકારના હીરાનું દસ વર્ષ પહેલાં અસ્તિત્વ ન હતું, પરંતુ ટેકનૉલૉજી સુધરવાના કારણે તેમાં વિસ્ફોટક વૃદ્ધિ જોવા મળી રહી છે.

લેબ-ગ્રોન ડાયમંડ એટલે કે પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા હીરા (એલજીડી) કુદરતી હીરાને એટલા મળતા આવે છે કે નિષ્ણાતોએ પણ ઝીણી આંખ કરીને તેને ચકાસવા પડે.

સુહાગિયાએ કહ્યું હતું કે “કુદરતી અને એલજીડી વચ્ચેનો ફરક નરી આંખે પારખવો શક્ય નથી.”

“કુદરતી હીરા અને એલજીડીમાં એટલી સમાનતા હોય છે કે લેબોરેટરી ટેસ્ટ પછી પણ તેના મૂળ વિશે મૂંઝવણ થાય છે. ચોક્કસ હીરો એલજીડી છે તે સુનિશ્ચિત કરવા માટે બે વખત ચકાસણી કરવી પડે છે.”

ગ્રે લાઇન

લૅબમાં કેવી રીતે તૈયાર કરાય છે હીરા?

હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, BANDARI LAB DIAMONDS

કુદરતી હીરાની રચના ભૂગર્ભમાં ભારે ઉષ્ણતા અને દબાણને કારણે થાય છે અને ભૂગર્ભમાં થતી તે પ્રક્રિયા જમીન પર કરવાના પ્રયાસ વિજ્ઞાનીઓ 1950ના દાયકાથી કરી રહ્યા હતા. તેના પરિણામે બે ટૅક્નિક વિકસી શકી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર (એચપીએચટી) સિસ્ટમમાં હીરાનાં બીજ શુદ્ધ ગ્રેફાઈટ (એક પ્રકારનો કાર્બન)થી ઘેરાયેલાં હોય છે અને તેના પર એક ચેમ્બરમાં આશરે 1,500 સેન્ટીગ્રેડ તાપમાન પર પ્રતિ ચોરસ ઈંચ 15 લાખ પાઉન્ડ વજન સુધીનું પ્રેશર આપવામાં આવે છે.

બીજી ટૅક્નિક કેમિકલ વેપર ડિપોઝિશન (સીવીડી) નામે ઓળખાય છે. તેમાં ડાયમંડ સીડ્ઝને કાર્બન સમૃદ્ધ ગેસ ભરેલી સીલબંધ ચેમ્બરમાં મૂકવામાં આવે છે અને આશરે 800 સેન્ટીગ્રેડ ગરમી આપવામાં આવે છે. તેમાં ગેસ સીડને ચોંટી જાય છે અને અણુઓ દ્વારા હીરાનું નિર્માણ થાય છે.

આ ટેકનીકનો પ્રાદુર્ભાવ 20મી સદીના ઉત્તરાર્ધમાં થયો હતો, પરંતુ એલજીડીને ઘરેણાં તરીકે વેચવા યોગ્ય કિંમત અને ગુણવત્તા મુજબના બનાવી શકાય એટલા માટે એ ટેક્નિકમાં છેલ્લા દસ વર્ષમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે.

ઝુરિકસ્થિત બેઈન એન્ડ કંપનીના નેચર રિસોર્સીસ પ્રેક્ટિસ પાર્ટનર ઓલ્યા લિન્ડેએ કહ્યું હતું કે “શરૂઆતમાં આ કામ અઘરું હતું, કારણ કે બહુ ઓછાં મશીન હતાં અને બહુ ઓછા વિજ્ઞાનીઓ આ કામ કરી શકતા હતા. છેલ્લાં સાત વર્ષમાં માર્કેટમાં વધુ કુશળતા આવ્યા પછી ખરેખર મોટી વૃદ્ધિ થઈ છે.”

ગ્રે લાઇન

શું લૅબમાં બનેલા હીરા સસ્તા છે?

હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, DHOLAKIA DIAMONDS

ઓલ્યા લિન્ડેના જણાવ્યા મુજબ, વર્ષ 2000ના દાયકાથી એલજીડીનો ઉત્પાદન ખર્ચ દર ચાર વર્ષે સતત ઘટી રહ્યો છે. હાલ એક કેરેટનો એલજીડી, કુદરતી રીતે બનેલા એટલા જ વજનના હીરાની સરખામણીએ વીસેક ટકા સસ્તો છે.

ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં ઘણા ઉદ્યોગસાહસિકો એલજીડી ભણી આકર્ષાયા છે.

સ્નેહલ ડુંગરણી ભંડેરી લેબ-ગ્રોન ડાયમંડના ચીફ એક્ઝિક્યુટિવ છે. આ કંપની તેમણે 2013માં શરૂ કરી હતી. તેઓ હીરા બનાવવા માટે સીવીડીનો ઉપયોગ કરે છે.

તેમણે કહ્યું હતું કે “અમે હીરાની વૃદ્ધિ પર, ઉચ્ચતમ શુદ્ધતા સાથે નજર રાખી શકીએ છીએ. તુલનાત્મક રીતે એલજીડી સમય તથા ખર્ચની દૃષ્ટિએ અત્યંત પોસાણક્ષમ છે અને તેમાં ખાણકામના તથા એક્સટ્રેક્શનના ખર્ચમાં બચત થાય છે, જે આ હીરાને પર્યાવરણને અનુકૂળ બનાવે છે.”

હીરાઉદ્યોગમાં ભારત લાંબા સમયથી મહત્વની ભૂમિકા ભજવતું રહ્યું છે. એક અંદાજ મુજબ, વિશ્વમાં પોલિશ થતા પ્રત્યેક 10 હીરામાંથી નવ હીરા સુરતમાં પોલિશ થાય છે. હવે ભારત એલજીડીના બિઝનેસમાં પણ મુખ્ય ખેલાડી બને તેવી સરકારની ઇચ્છા છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં હાલ પ્રતિ વર્ષ આશરે 30 લાખ એલજીબીનું ઉત્પાદન કરવાંમાં આવે છે, જે વૈશ્વિક ઉત્પાદનના 15 ટકા જેટલું છે. સમાન બજાર હિસ્સા સાથે ચીન બીજું મોટું ઉત્પાદક છે.

આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે ભારત સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં આયાતી ડાયમંડ સીડ્ઝ પરનો પાંચ ટકા ટેક્સ નાબૂદ કર્યો હતો અને દેશ પોતાના ડાયમંડ સીડ્ઝનું ઉત્પાદન કરતો થાય એ માટે મદદની જાહેરાત કરી હતી.

બીબીસી ગુુજરાતી

ભારતમાં કેટલું મોટું બજાર છે?

હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, BANDARI LAB DIAMONDS

વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ વિપુલ બંસલે કહ્યું હતું કે “વૈશ્વિક સ્તરે સમૃદ્ધિ વધશે તેમ-તેમ હીરાની માગ પણ વધશે.”

પરંપરાગત હીરાઉદ્યોગમાં 30 વર્ષથી કાર્યરત હરિ ક્રિષ્ના એક્સપોર્ટ્સ કટ અને પોલિશ્ડ ડાયમંડની ભારતની અગ્રણી ઉત્પાદક કંપની છે, પરંતુ કંપનીના ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકિયાએ આ વર્ષથી એલજીડીના બિઝનેસમાં ઝંપલાવ્યું છે.

તેમણે કહ્યું હતું કે “આગામી ત્રણથી ચાર વર્ષમાં એલજીડીની માગમાં જબરી વૃદ્ધિ જોવા મળશે.”

બીબીસી ગુજરાતી

ભારતને તૈયાર થવામાં કેટલો સમય લાગશે?

હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

શું આ વૃદ્ધિથી તમારા પરંપરાગત ડાયમંડ બિઝનેસના બજાર હિસ્સામાં ઘટાડો થશે, એવા સવાલના જવાબમાં ધોળકિયાએ કહ્યું હતું કે “કુદરતી તથા એલજીડી બંને પ્રકારના હીરાનો ગ્રાહક વર્ગ અલગ-અલગ છે અને બન્ને સેગમેન્ટ્સમાં માંગ છે.”

“એલજીડીએ નવું કન્ઝ્યુમર માર્કેટ બનાવ્યું છે. ભારતીય મધ્યમ વર્ગના જે લોકો પાસે પૈસા છે અને તેમને એલજીડી ખરીદવાનું પરવડશે.”

જોકે, ભારતમાં આ માટેનું માર્કેટ બનવામાં થોડો સમય લાગશે. હાલ તો ભારતમાં બનતા મોટાભાગના એલજીડીની અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે.

લેબ-ગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના અઘ્યક્ષ શશિકાંત દલીચંદ શાહે કહ્યું હતું કે “ભારતીય માર્કેટ હજુ તૈયાર નથી. તેથી અમારી કાઉન્સિલ પ્રદર્શનો અને કાર્યક્રમો વડે પ્રોત્સાહન આપી રહી છે. ભારતીય માર્કેટ ત્રણથી ચાર વર્ષમાં તૈયાર થઈ જશે.”

સંજય શાહ તેમના પરદાદા દ્વારા સ્થાપવામાં આવેલી ડાયમંડ ટ્રેડિંગ કંપની નાઈન ડાયમના ચેરમેન પણ છે.

માર્કેટમાં એલજીડી અને કુદરતી હીરાના સ્થાન અલગ-અલગ હશે એ વાત સાથે તેઓ સહમત છે. તેમણે કહ્યું હતું કે “લેબોરેટરી કે ફેક્ટરીમાં બનાવવામાં આવેલા ડાયમંડ કૃત્રિમ હીરા છે. તેથી જે ગ્રાહક હીરાને જાણે છે અને ચાહે છે તે અસલી ડાયમંડ જ ખરીદશે.”

કુદરતી હીરાની સાપેક્ષ અછતનો અર્થ એ થાય કે તેનું મૂલ્ય જળવાઈ રહેશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે “વેચાણ પછી એલજીડીનું મૂલ્ય રહેતું નથી, જ્યારે કુદરતી હીરાનું મૂલ્ય ખરીદી બાદ પણ 50 ટકા જળવાઈ રહે છે.”

બીબીસી ગુજરાતી

રોજગારસર્જન કરશે ઇન્ડસ્ટ્રી

હીરાઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

એ શક્ય છે, પણ એલજીડી, જ્વેલરી ડિઝાઇનર્સને વધારે સુગમતા આપે છે. ઓલ્યા લિન્ડેએ કહ્યું હતું કે “કુદરતી હીરા બહુ મોંઘા હોય છે. નેચરલ સ્ટોનમાંથી શક્ય તેટલા વધુ હીરા મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે લેબ-ગ્રોન ડાયમંડ તમે ઇચ્છો તે પ્રમાણે ડિઝાઇન કરી શકો છો. હીરા લટકાવી શકાય અને તે વધારે ચમકે એટલા માટે તેમાં છિદ્રો પાડવામાં આવ્યાં હોય તેવું ઝવેરાત આપણે જોયું છે.”

વિશ્વની સૌથી મોટી ઝવેરાત કંપની, ડેન્માર્કની પેન્ડોરા, પણ હવે એલજીડી ક્ષેત્રે ઝંપવાલી રહી છે. આમ કરવાનું કારણ સમજાવતાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવે 2021માં જણાવ્યું હતું કે તેનાથી ડાયમંડ માર્કેટ વિસ્તરશે અને અમારો બિઝનેસ પર્યાવરણને વધુ અનુકૂળ બનશે.

બીજી તરફ સુરતમાં ચિંતન સુહાગિયા એલજીડી ઉદ્યોગમાં પગરણ કરવાના પોતાના નિર્ણયથી ખુશ છે અને માને છે કે ઘણા અન્યોને પણ આ ક્ષેત્રમાં કામ મળી રહેશે.

તેમણે કહ્યું હતું કે “લેબ-ગ્રોન ડાયમંડ ઉદ્યોગ લાખો લોકોને રોજગાર પૂરો પાડશે. આ ઉદ્યોગ અણનમ રહેશે.”

રેડ લાઇન
રેડ લાઇન