You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડુક્કરની કિડનીનું પહેલી વખત મનુષ્યમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ થવાથી દર્દીઓને કેવા લાભ થશે?
- લેેખક, નાડીને યુસિફ
- પદ, બીબીસી ન્યૂઝ
ડુક્કરની કિડનીનાં જનીનોમાં ફેરફાર કરીને તૈયાર કરવામાં આવેલી (જિનેટિકલી મોડિફાઇડ) કિડની ટ્રાન્સપ્લાન્ટથી મેળવનારા પ્રથમ દર્દીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મૅસૅચ્યુસેટ્સ જનરલ હૉસ્પિટલ (એમજીએચ) ખાતે આ સીમાચિહ્નરૂપ સર્જરીનાં બે અઠવાડિયાં પછી 62 વર્ષીય દર્દીને બુધવારે ઘરે મોકલવામાં આવ્યા હતા.
ભૂતકાળમાં ડુક્કરમાંથી જિનેટિકલી મોડિફાઇડ અંગોનું મનુષ્યોમાં પ્રત્યારોપણ નિષ્ફળ ગયું છે.
પરંતુ આ પ્રક્રિયાની અત્યાર સુધીની સફળતાને વૈજ્ઞાનિકોએ અંગ પ્રત્યારોપણના ક્ષેત્રમાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી છે.
એમજીએચ હૉસ્પિટલ દ્વારા આ સમાચાર બુધવારે એક પ્રેસ રિલીઝમાં શૅર કરવામાં આવ્યા હતા, જે અમેરિકાના બૉસ્ટન શહેરમાં આવેલી હાર્વર્ડ મેડિકલ સ્કૂલની સૌથી મોટી શિક્ષણ હૉસ્પિટલ છે.
હૉસ્પિટલે આ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે મૅસૅચ્યુસેટ્સના વીમાઉથમાં રહેતા રિચર્ડ “રીક” સ્લૅયમૅન અંતિમ સ્ટેજના કિડની રોગથી પીડાતા હતા અને તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી.
16 માર્ચના રોજ ડૉક્ટરોએ ચાર કલાક લાંબી સર્જરી પછી જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરની કિડનીનું રિચર્ડના શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.
ડૉક્ટરોએ કહ્યું હવે રિચર્ડ સ્લેયમૅનની કિડની હવે સારી રીતે કામ કરી રહી છે અને હવે તેમને ડાયાલિસિસની જરૂર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિચર્ડ સ્લૅયમૅને પોતાના નિવેદનમાં જણાવ્યું, “હૉસ્પિટલ છોડીને ઘર જવું તે મારી જિંદગીની સૌથી આનંદદાયક ક્ષણોમાંથી એક છે.”
“હું ફરીથી મારા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવા માટે ઉત્સાહિત છું. કારણ કે આ ડાયાલિસિસને કારણે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.”
વર્ષ 2018માં તેમણે એક મૃત દાતા પાસેથી મળેલી માનવ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. જોકે, તે કિડની પણ ગયા વર્ષે ખરાબ થવા લાગી ત્યારે ડૉક્ટરોએ તેમને ડુક્કરની કિડનીનાં ટ્રાન્સપ્લાન્ટ પર વિચાર કરવાનું જણાવ્યું.
સ્લેયમૅને કહ્યું,“ આ વાતને હું માત્ર મારી મદદનાં રૂપે નહોતો જોઈ રહ્યો. પરંતુ હું આ વાતને એ રીતે જોવ છું કે આ ટ્રાન્સપ્લાન્ટ એવા હજારો લોકો માટે આશાનું કિરણ બનશે જેને જીવવા માટે ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે.”
હૉસ્પિટલે જણાવ્યું હતું કે સૌથી પહેલી વખત 1954માં સફળતાપૂર્વક મનુષ્યમાં અંગ (કિડની) પ્રત્યારોપણ પણ અહીં જ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હૉસ્પિટલે છેલ્લાં પાંચ વર્ષમાં ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે આંતરપ્રજાતિઓમાં (મનુષ્યમાં અન્ય કોઈ પ્રાણીનાં) અંગોનું પ્રત્યારોપણ કરવા માટે કૅમ્બ્રિજ સ્થિત કંપની ઈજીનેસિસ સાથે સંશોધન કર્યું હતું.
આ સર્જરીને અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એક્સ્પાન્ડેડ ઍસેસ પ્રોટોકોલ તરીકે ઓળખાતી આ મંજૂરીમાં જીવલેણ બીમારીઓથી પીડાતા દર્દીઓને જ આ પ્રકારની હજી પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ હોય તેવી સારવાર આપવામાં આવે છે.
આ ટ્રાન્સપ્લાન્ટ માટે કામ કરનારી ટીમે આ સફળતાને વિશ્વમાં જોવા મળી રહેલી અંગોની અછતને દૂર કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ગણાવી છે. ખાસ કરીને એવાં વંશીય લઘુમતિ સમુદાયો જેમની ઓછી વસ્તીને કારણે અંગોની અછત ખૂબ જ અસર છે, તેમના માટે આ દિશામાં મળનારી સફળતાઓ ઉપયોગી સાબિત થશે.
રિચર્ડ સ્લૅયમૅરની સારવાર કરનારા ડૉક્ટર વિન્ફ્રેડ વિલિયમ્સે કહ્યું, “આ ટેકનૉલૉજીમાં થયેલી પ્રગતિને પરિણામે ઉપલબ્ધ બનનારો અંગોનો પૂરતો પુરવઠો છેવટે આરોગ્યમાં સમાનતા લાવવામાં મદદરૂપ બનશે અને કિડની નિષ્ફળ જવાની સમસ્યાનો બેસ્ટ ઉકેલ પૂરો પાડે છે. ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ધરાવતા તમામ દર્દીઓને એક સારી રીતે કામ કરતી કિડની મળી શકશે.”
યુનાઇટેડ નેટવર્ક ફૉર ઑર્ગન શૅરિંગ એ અમેરિકામાં અંગપ્રત્યારોપણ માટે કામ કરતી એક બિનનફાકારક સંસ્થા છે. આ સંસ્થાના ડેટા અનુસાર અમેરિકામાં જ લગભગ એક લાખ કરતાં વધારે લોકોને જીવ બચાવવા માટે અંગપ્રત્યારોપણની જરૂર છે.
જોકે વર્ષ 2023માં અમેરિકામાં જ નોંધાયેલા જીવંત અને મૃત્યુ પામેલા અંગદાતાઓની સંખ્યા 23,500 જેટલી હતી.
એક અંદાજ મુજબ અમેરિકામાં અંગદાન મેળવવાની રાહ જોતાં 17 લોકો દરરોજ મૃત્યુ પામે છે. ટ્રાન્સપ્લાન્ટ માટેની સૌથી વધુ માગ ધરાવતાં અંગોમાં કિડની સૌથી આગળના ક્રમે છે.
જોકે, મનુષ્યમાં ડુક્કરની કિડનીના પ્રત્યારોપણનો આ પ્રથમ કેસ છે, પરંતુ ડુક્કરના કોઈ અંગનો પ્રત્યારોપણ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું પહેલીવાર નથી બન્યું.
આ અગાઉ બે દર્દીઓમાં ડુક્કરના હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ એ ઑપરેશનો નિષ્ફળ રહ્યાં હતાં કારણ કે એ દર્દીઓ સર્જરીનાં થોડાં સપ્તાહ બાદ મૃત્યુ પામ્યા હતા.
એક કેસમાં દર્દીના શરીરનાં રોગપ્રતિકારકતંત્રે પ્રત્યારોપિત કરવામાં આવેલા હૃદયને સ્વીકાર્યું નહોતું, જે ટ્રાન્સપ્લાન્ટમાં રહેલું સૌથી સામાન્ય જોખમ છે.