ઉત્તરાખંડમાં ગુજરાતના મુસાફરોની બસ ખીણમાં ખાબકી, સાતનાં મોત

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગંગોત્રીની જાત્રા કરીને પરત ફરી રહેલી ગુજરાતી શ્રદ્ધાળુઓ સાથેની ખાનગી બસ રવિવારે બપોરે ચારેક વાગ્યા આસપાસ ગંગનાની પાસે ખીણમાં ખાબકી હતી, જેના કારણે સાત લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 27 અન્ય ઘાયલ થયા છે.

ઉત્તરાખંડ સરકારે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ કામમાં કેન્દ્રીય એજન્સીઓ પણ મદદ કરી રહી છે.

ઘાયલોની તાત્કાલિક સારવાર માટે તથા મૃતદેહોને ગુજરાત લાવવા માટે ગુજરાત સરકારે ત્યાંની ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો છે.

મોટા ભાગના શ્રદ્ધાળુઓ ભાવનગર, પાલિતાણા, તળાજા અને ત્રાપજના હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.

રવિવારે બપોરે ચાર વાગ્યાને પાંચ મિનિટ આસપાસ ગુજરાતી મુસાફરોની બસ (યુકે- 07 પીએ-8585) ગંગોત્રીધામથી પરત ફરી રહી હતી ત્યારે ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગંગનાની ખાતે દુર્ઘટનાગ્રસ્ત થઈને ખીણમાં ખાબકી હતી.

મુસાફરો ભાવનગર અને સુરતના

ઉત્તરકાશીના ડીએમ અભિષેક રુહેલાએ જણાવ્યું હતું કે, "ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે આજે લગભગ સવા ચાર વાગ્યે અમને એક વાહન અકસ્માતની જાણ થઈ હતી."

તેમણે કહ્યું કે, "તે મુસાફરોને લઈ જતી બસ હતી. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી."

ભાવનગરથી બીબીસીના સહયોગી અલ્પેશ ડાભીના જણાવ્યા અનુસાર, મુસાફરોમાં ભાવનગર અને સુરત જિલ્લાના યાત્રીઓ હતા. જેમાં ભાવનગર શહેરના 8, તળાજા કઠવાના 16 અને મહુવામાં 2 મુસાફરો હતા.

મુસાફરો ભાવનગર શહેર તેમજ જિલ્લાના પાલિતાણા, તળાજા, ત્રાપાજ સહિતના હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

ભાવનગરના મુસાફરો ટ્રેન મારફતે દિલ્હી ગયા હતા અને ત્યાંથી હરિદ્વારથી ચારધામ યાત્રાએ જવા નીકળ્યા હતા.

ભાવનગરનાં જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, “અમારી જાણકારી મુજબ મહુવા અને તળાજાનાં સોળ જેટલી વ્યક્તિઓ ચારધામની યાત્રા કરવા માટે દિલ્હીની બસમાં સવાર હતી જેમનો અકસ્માત થયો છે. સોળ પૈકી નવ જેટલા લોકો સલામત હોવાની જાણકારી અમને તેમની સાથે સવાર એક મુસાફરના માધ્યમથી જાણવા મળી રહી છે. જ્યારે ત્રણ જેટલા વ્યક્તિઓનો હાલ સંપર્ક નથી થઈ રહ્યો.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારી ટીમ સતત ઉત્તરાખંડ ના વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છે. કેટલાક લોકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી અમને મળી રહી છે. ત્યારે કુલ કેટલા લોકો ઇજાગ્રસ્ત છે અને કેટલા લોકો સલામત છે તે વિગતો હાલ મેળવવામાં આવી રહી છે. ભાવનગરની શ્રી હૉલિડેઝના માધ્યમથી યાત્રાળુઓ ચારધામની યાત્રામાં ગયા હતા. તેમના તરફથી પણ અમને એક યાત્રિકોનું લિસ્ટ મળ્યું છે જેને અમે ચકાસી રહ્યા છીએ.”

ભાવનગરનાં એસપી હર્ષદ પટેલે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “ઉત્તરાખંડમાં જે દુર્ઘટના ઘટી છે તે બસ દિલ્હીની છે. ભાવનગર શહેર અને જિલ્લાના શ્રદ્ધાળુઓએ સ્થાનિક ઍજન્ટનો સંપર્ક કરી પોતાનું બુકિંગ કરાવ્યું હતું. પ્રાથમિક તબક્કે તળાજાના બાર જેટલા વ્યક્તિઓ બસમાં સવાર હોવાનું સામે આવ્યું છે. જે પૈકી દસેક વ્યક્તિઓનો સંપર્ક થઈ ચૂક્યો છે. તળાજાના બીજા વ્યક્તિઓનો સંપર્ક સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાવનગર શહેર ખાતે આવેલ શ્રી હોલિડેઝ દ્વારા એકવીસ પુરુષો અને નવ જેટલી મહિલાઓની યાત્રાનું બુકિંગ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જે યાત્રાળુઓએ બુકિંગ કરાવ્યું હતું તેમાં ભાવનગર શહેર, તળાજા, કઠવા અને મહુવાના વ્યક્તિઓ સામેલ છે.”

બચાવ કામગીરી ચાલુ

ઉત્તરાખંડથી બીબીસી પ્રતિનિધિ આસિફ અલી વિગતો આપતા જણાવે છે : દુર્ઘટના વિશે માહિતી મળતા એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ), પોલીસ, ફાયર અને મેડિકલની ટુકડીઓ દુર્ઘટનાસ્થળે પહોંચી હતી. એસડીઆરએફની ટુકડી ભટવાડીથી પહોંચી અને બચાવ અભિયાન હાથ ધર્યું હતું.

આ કામમાં જંગલખાતાના કર્મચારીઓ અને સ્થાનિકોએ પણ તંત્રને મદદ કરી હતી. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રૅટ અને સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

"બસમાં 33 શ્રદ્ધાળુ તથા બે સ્ટાફ સહિત 35 મુસાફર સવાર હતા. જેમાંથી 27 ઘાયલ થયા છે, જ્યારે સાતનાં મૃત્યુ થયા છે. જિલ્લા હૉસ્પિટલમાં સજ્જ રહેવાના આદેશ આપી દેવાયા હતા. ઘાયલોને નવ ઍમ્બુલન્સ તથા બસ મારફત હૉસ્પિટલે લાવવામાં આવ્યા હતા. હૅલિકૉપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જો જરૂર પડશે તો વધુ સારવારાર્થે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હૅલિકૉપ્ટર મારફત વધુ સારવાર અર્થે ઋષિકેશ ખસેડવામાં આવશે."

ઉત્તરાખંડની આ દુર્ઘટના પર ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.

તેમણે લખ્યું કે "ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું."

તેમણે લખ્યું કે ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે.

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ અધિક મુખ્ય સચિવ રાધા રતૂડીને ગંગનાની દુર્ઘટનાના ઘાયલોની સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે.