You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા સાથે ચાલી રહેલી વ્યાપારની વાતચીત વચ્ચે પીએમ મોદીએ મૂક્યો 'મેડ ઇન ઇન્ડિયા' પર ભાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં જણાવ્યું છે કે આવતીકાલથી દેશમાં જીએસટી બચત ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે અને તેને કારણે સૌ દેશવાસીઓનું મોઢું મીઠું થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પહેલાથી જ નક્કી સમયાનુસાર સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો.
સૌથી પહેલા પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 22 સપ્ટેમ્બરથી લાગુ થનારા જીએસટીના નવા દરોનો ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું, "કાલે એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી દેશમાં આવનારી પેઢીના જીએસટી સુધારા લાગુ થઈ જશે. એક પ્રકારે દેશમાં જીએસટી બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. આ જીએસટી બચત ઉત્સવમાં તમારી બચત વધશે અને તમે તમારી મનપસંદ ચીજોને વધુ સરળતાથી ખરીદી શકશો."
લગભગ 19 મિનિટના સંબોધનમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે "જીએસટી-2 સુધારાને કારણે કારોબાર કરવો સરળ બનશે. આ પહેલાં લોકો ટૅક્સની જંજાળમાં ફસાયેલા હતા. તેથી ટૅક્સમાં સુધારો કરવો જરૂરી હતો. અમે તેના માટે તમામ સંકળાયેલા લોકો સાથે ચર્ચા કરી. જેને કારણે દેશનો સૌથી મોટો સુધારો થઈ શક્યો. આ કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું."
તેમણે કહ્યું કે હવે 'વન નૅશન, વન ટૅક્સ'નું સપનું સાકાર થયું.
પીએમ મોદીએ કહ્યું, "અમારા દેશના ગરીબ, મધ્યમવર્ગીય લોકો, ન્યૂ મિડલ ક્લાસ, યુવા, ખેડૂત, મહિલાઓ, દુકાનદાર, ઉદ્યમી... તમામને આ બચત ઉત્સવથી ઘણો ફાયદો થશે."
તેમણે એ પણ દાવો કર્યો કે આઝાદ ભારતનો આ સૌથી મોટો સુધારો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "આ સુધારાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ સસ્તી થશે. હવે તેના પર 5 ટકા અને 18 ટકા ટૅક્સ જ લાગશે. તે પૈકી 99 ટકા ચીજવસ્તુઓ પર ક્યાં તો શૂન્ય ટકા અથવા તો પાંચ ટકા ટૅક્સ લાગશે."
તેમણે એમ પણ કહ્યું કે નવરાત્રિ પહેલાં જીએસટીના નવા દરો લાગુ કરાશે.
તેમણે એક ઉદાહરણનો ઉલ્લેખ કરતા કહ્યું કે 2014માં જ્યારે તેઓ પીએમ બન્યા હતા, ત્યારે એક વિદેશી અખબારે દિલચસ્પ ઉદાહરણ છાપ્યું હતું.
તેમણે કહ્યું, "એક કંપની મામલે તેમણે લખ્યું હતું કે જો એક કંપનીને બૅંગ્લુરુથી હૈદરાબાદ (500 કિલોમીટર દૂર) પોતાનો સામાન મોકલવો હોય તો પહેલા તેનો સામાન બૅંગ્લુરુથી યુરોપ અને પછી ત્યાંથી હૈદરાબાદ મોકલવો પડતો હતો. જેને કારણે સેંકડો પરેશાની થતી હતી."
સોમવારથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ સિવાય સોમવારથી જીએસટીના (ગૂડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ) નવા દર લાગુ થશે. એવું માનવામાં આવે છે કે જીએસટીના નવા દર લાગુ થવાને કારણે અનેક ઉત્પાદનોના ભાવોમાં ઘટાડો આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે જીએસટી કાઉન્સિલમાં બે દરવાળી નવી વ્યવસ્થા ઉપર સહમતિ સધાઈ ગઈ છે.
નાણા મંત્રીએ કહ્યું હતું કે 12 અને 26 ટકાના બે દરોના સ્લૅબને ખતમ કરી દેવામાં આવ્યા છે અને 5 ટકા તથા 18 ટકાના નવા દર ઉપર સહમતિ સધાઈ છે.
આત્મનિર્ભરતા પર જોર
પીએમ મોદીએ કહ્યું, "આપણી રોજબરોજના જીવનમાં ઘણી વસ્તુઓ જોડાઈ ગઈ છે. આપણને ખબર સુદ્ધા નથી. આપણાં ખિસ્સાંમાં કાંસકી વિદેશી છે કે દેશી, તે પણ આપણને ખબર નથી. આપણે તેનાથી મુક્તિ મેળવવી પડશે."
ભારત અમેરિકાના 50 ટકા ટેરિફનો સામનો કરી રહ્યું છે ને પીએમ મોદી સતત સ્વદેશી તથા આત્મનિર્ભર ભારતની અપીલ કરી રહ્યા છે.
તેમણે કહ્યું, "આપણે તે જ સામાન ખરીદીએ જે ભારતમાં બનેલો હોય. જેમાં આપણા દેશના નવયુવાનોની મહેનત હોય. આપણા દેશના દીકરા-દીકરીનો પરસેવો હોય. આપણે ઘરે-ઘરે જઈને સ્વદેશીને પ્રતીક બનાવવાનું છે. તમામ દુકાનો સ્વદેશી સામાનથી સજાવવાની છે. ગર્વથી કહો કે આ સ્વદેશી છે. ગર્વથી કહો કે હું સ્વદેશી વસ્તુ ખરીદું છું. હું સ્વદેશી સામાન વેચું છું. આ તમામ ભારતીયનો મિજાજ બનવો જોઈએ. જ્યારે આમ થશે ત્યારે ભારત વિકસિત થશે."
રાજ્યોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, "મારો આજે તમામ રાજ્ય સરકારોને આગ્રહ છે. આત્મનિર્ભર ભારતના આ અભિયાન સાથે, સ્વદેશીના આ અભિયાન સાથે તમે પોતાનાં રાજ્યોમાં ઉત્પાદકતાને ગતિ આપો. રોકાણ માટે વાતાવરણ ઊભું કરો."
પોતાના સંબોધનના અંતે તેમણે નવરાત્રિ તથા જીએસટીના નવા દરો લાગુ થવા બદલ દેશવાસીઓને શુભકામના પણ આપી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન