દેશની નીતિઓથી ત્રાસીને જીવના જોખમે પણ અમેરિકા પહોંચવાની લોકોની કશ્મકશ

રેઇનફોરેસ્ટમાં પરિવાર

ઇમેજ સ્રોત, SUN JINCAI

    • લેેખક, મેન્ગ્યુ દોંગ
    • પદ, પાલો અલ્ટો, કેલિફોર્નિયા
બીબીસી ગુજરાતી
  • પોતાના ઘરથી આશરે 15 હજાર કિલોમીટર દૂર મધ્ય અમેરિકાના રેઈન ફોરેસ્ટમાં સતત ત્રણ દિવસ સુધી આગળ ધપતા રહેલા સન પરિવારે તેમનો કૅમ્પિંગનો સામાન, ભાર હળવો કરવા માટે ફેંકી દીધો હતો
  • એ પ્રવાસ દરમિયાન સ્થળાંતર કરતા લોકોએ સશસ્ત્ર લૂંટારા તથા માદક પદાર્થોની ટોળકીઓના હુમલાઓનો સામનો પણ કરવો પડે છે
  • ચીનમાંથી સ્થળાંતર કરતા લોકોનું પ્રમાણ નાનું છે, પરંતુ તેમની હાજરી સતત વધી રહી છે. પનામા સરકારના જણાવ્યા અનુસાર, ચીનમાંથી કમસે કમ 1,300 લોકોએ 2022માં ડારિએન ગૅપ પાર કર્યો છે
  • અમેરિકાની દક્ષિણ સરહદે પહોંચેલા લોકોની સંખ્યામાં વિક્રમસર્જક વધારો થયો છે
  • ડારિએન ગૅપ રૂટને સ્થાનિક ભાષામાં ઝૌ શિયાન અથવા ‘પગપાળા માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે
  • ઝૌ શિયાન વિશે સર્ચ કરવાથી ટ્વિટર, યુટ્યૂબ અને ડુયિન તથા શિયાહોંગ્શુ જેવી ચીની ઍપ્સ પર હજારો પોસ્ટ્સ જોવા મળે છે
  • અમેરિકાએ 2021માં ચીનની કુલ પૈકીની 79 ટકા ટુરિસ્ટ વિઝા અરજીઓનો અસ્વીકાર કર્યો હતો
બીબીસી ગુજરાતી

ચીને તેના કોવિડ-વિરોધી આકરા નિયંત્રણો પૈકીનાં કેટલાંકને હળવા બનાવ્યાં હશે, પરંતુ રોગચાળા સંબંધી તેની નિષ્ઠુર નીતિને લીધે હજારો નાગરિકો પોતાનું જીવન જોખમમાં મૂકીને અન્યત્ર બહેતર ભવિષ્ય શોધી રહ્યા છે.

પોતાના ઘરથી આશરે 15 હજાર કિલોમીટર દૂર મધ્ય અમેરિકાના વર્ષાવનોમાં સતત ત્રણ દિવસ સુધી આગળ ધપતા રહેલા સન પરિવારે તેમનો કૅમ્પિંગનો સામાન, ભાર હળવો કરવા માટે ફેંકી દીધો હતો અને વિચારતા રહ્યા હતા કે રાત પડતાંની સાથે જ તેઓ જંગલની બહાર નીકળી જશે, પરંતુ બહાર નીકળવાને બદલે તેઓ ભારે વરસાદ વચ્ચે જંગલમાં ફસાયેલા રહ્યા હતા.

એ રાતે સન જિંકાઈ, તેમના પત્ની અને છ, નવ તથા 11 વર્ષનાં ત્રણ બાળકો તેમને માર્ગમાંથી મળેલા એક નાનકડા ટેન્ટમાં, ઠંડુ પાણી પાતળા કાપડમાંથી અંદર ટપકતું હોવા છતાં ગોંધાયેલા રહ્યાં હતાં.

સન જિંકાઈએ કહ્યું હતું કે “સદ્ભાગ્યે અમારામાંથી કોઈ બીમાર પડ્યું ન હતું.”

તે ચીનથી અમેરિકા સુધીના તેમના પ્રવાસમાંના ઘણા જોખમી પગલાં પૈકીનું એક પગલું હતું.

34 વર્ષના સન જિંકાઈ, તેમના પત્ની અને તેમનું સૌથી નાનું સંતાન વર્ષનો મોટો હિસ્સો ચીનના તટીય વિસ્તારમાં રહેતા હતા, જ્યાં રોજગાર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હતો.

બીજા બે સંતાન તેમના દાદા-દાદી સાથે લગભગ 400 માઈલ દૂર પૂર્વ ચીનના જિઆંગક્શી પ્રાંતમાં રહેતાં હતાં, કારણ કે વતન બહારની સ્કૂલમાં એ બાળકોને પ્રવેશ અપાવવાનું મુશ્કેલ હતું.

કોવિડ-19 સંબંધી આકરાં નિયંત્રણો વચ્ચે ચીની અર્થતંત્રની ગતિ ધીમી પડી અને દેશ પર સત્તાની પકડ આકરી બનવા લાગી ત્યારે સન જિંકાઈએ પરિવાર સાથે ચીન છોડવાના માર્ગો શોધવાનું શરૂ કર્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સન જિંકાઈએ કહ્યું હતું કે “ચીન હવે પાછળ જઈ રહ્યું છે. હું અને મારાં પત્ની અમારા સંતાનો માટે બહેતર ભવિષ્ય ઇચ્છતા હતા.”

વીચેટ નામના ચીની મૅસેજિંગ પ્લૅટફૉર્મ પર આ વર્ષની શરૂઆતમાં સન જિંકાઈની મુલાકાત એક યુવતી સાથે થઈ એ પહેલાં સુધી અમેરિકા તેમની પહોંચની બહાર જણાતું હતું. એ યુવતીએ જણાવ્યું હતું કે તે મધ્ય અમેરિકાના વર્ષાવનોમાં પ્રવાસ ખેડીને અમેરિકા-મેક્સિકોની સરહદ સુધી પહોંચી હતી. સન જિંકાઈએ વિચાર્યું કે એ પહોંચી શકે તો અમે કેમ ન પહોંચી શકીએ?

તેથી ઑગસ્ટમાં તેઓ પરિવાર સાથે પ્લેન મારફત ઈક્વાડોર પહોંચ્યા હતા અને વિશ્વના સૌથી ખતરનાક માઇગ્રેશન રૂટ્સ પૈકીના એક પર આગળ ધપવા નીકળી પડ્યા હતા. વધુને વધુ ચીની લોકો હવે આ માર્ગ અપનાવી રહ્યા છે.

સન જિંકાઈ અને તેમના પરિવારે કોલંબિયાના ઉત્તર-પશ્ચિમ છેડાને મધ્ય અમેરિકા સાથે જોડતા 60 માઈલના ગાઢ વર્ષાવનના ડારિએન ગૅપ પ્રદેશમાંથી પસાર થવાનું હતું. એ માર્ગ પરની નદીમાંથી કમર સુધીના પાણીમાંથી આગળ વધવાનું હોય છે અને આકરા ઢોળાવ ચડવાના હોય છે.

એ પ્રવાસ દરમિયાન સ્થળાંતર કરતા લોકોએ સશસ્ત્ર લૂંટારા તથા માદક પદાર્થોની ટોળકીઓના હુમલાઓનો સામનો પણ કરવો પડે છે.

ગ્રે લાઇન

ઉત્તરના માર્ગ તરફ પ્રયાણ

ચીન

ઇમેજ સ્રોત, SUN JINCAI

ચીનમાંથી સ્થળાંતર કરતા લોકોનું પ્રમાણ નાનું છે, પરંતુ તેમની હાજરી સતત વધી રહી છે. પનામા સરકારના જણાવ્યા અનુસાર, ચીનમાંથી કમસે કમ 1,300 લોકોએ 2022માં ડારિએન ગૅપ પાર કર્યો છે. આ પ્રમાણ આગલા દાયકાના કુલ પ્રમાણ કરતાં ત્રણ ગણું વધારે છે. તેને લીધે અમેરિકાની દક્ષિણ સરહદે પહોંચેલા લોકોની સંખ્યામાં વિક્રમસર્જક વધારો થયો છે.

આ રૂટ ઘણા લોકો માટે જાણીતો હતો, પણ આ ટ્રેકનું વર્ણન કરતી કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયા પર ગયા વર્ષે પ્રકાશિત થવા લાગી ત્યારથી ચીની લોકોમાં પણ તે જાણીતો થયો હતો.

એ પછી આ વર્ષે એપ્રિલમાં શાંઘાઈ લૉકડાઉન શરૂ થયું ત્યારે ચીનમાં ઈન્ટરનેટ પર સ્થળાંતરના વિષયક સર્ચના પ્રમાણમાં જંગી વધારો થયો હતો. રોગચાળા સંબંધી ચીનની ભયંકર નીતિ ઘણા લોકો માટે દેશ છોડવાનું પ્રેરક બળ બની હતી.

મોટા ભાગની ઓનલાઈન ચર્ચા શિક્ષણ તથા રોકાણ મારફત ફોરેન રેસિડન્સી મેળવવા બાબતે થતી હતી, પરંતુ સન જિંકાઈન પરિવાર જેવા કુટુંબો પાસે કાયદેસર સ્થળાંતરના નાણાં નથી હોતા, એટલે તેમણે ફરજિયાત જોખમી પ્રવાસ કરવો પડે છે.

તેઓ ડારિએન ગૅપ રૂટ પર આગળ વધ્યા હતા, જેને સ્થાનિક ભાષામાં ઝૌ શિયાન અથવા ‘ચાલતા જવાના માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.

ઝૌ શિયાન વિશે સર્ચ કરવાથી ટ્વિટર, યુટ્યૂબ અને ડુયિન તથા શિયાહોંગ્શુ જેવી ચીની ઍપ્સ પર હજારો પોસ્ટ્સ જોવા મળે છે.

વીચેટ પરના સેન્સરશીપથી બચવા માટે કેટલાક ચીની સ્થળાંતરીત લોકોએ ટેલિગ્રામ પર ચેટ ગ્રુપ્સ બનાવ્યાં છે.

ચીનથી અમેરિકા સુધીનો પ્રવાસ પૂર્ણ કરી ચૂકેલા લોકો એ વિશેની ઝીણીમાં ઝીણી વિગત શેર કરે છે. તેમાં પૈસા ક્યાં ઍક્સ્ચેન્જ કરવા, ઈમિગ્રેશન વ્યવસ્થામાંથી કઈ રીતે છટકવું અને વર્ષાવનમાં આસાનીથી પંથ કઈ રીતે કાપવો તેના વિશેની વિગતોનો સમાવેશ હોય છે.

એક પ્રવાસી એવી સલાહ આપે છે કે “તમારા હોટેલ બુકિંગ અને રિટર્ન ફ્લાઈટ્સનું આયોજન હંમેશાં સાવચેતીપૂર્વક કરો.”

એક અન્ય પોસ્ટ જણાવે છે કે “આખા ઘરનો સામાન સાથે લઈ જવાની જરૂર નથી. સામાન ઓછો હશે તો તમે ટકી શકશો.”

ચીની લોકોના ઉત્તર અમેરિકા તરફના પલાયન બાબતે લખતા સ્વતંત્ર સંશોધક એલેક્સિસ ઝોઉએ જણાવ્યું હતું કે ઝૌ શિયાનની તાજેતરમાં વધેલી લોકપ્રિયતા, ચીનમાંથી સ્થળાંતર માટે તલપાપડ કેટલાક લોકોની વધતી હતાશાને આભારી છે. રોગચાળાએ ભરડો લીધો ત્યારથી સરેરાશ ચીની નાગરિક માટે મૅક્સિકો કે મધ્ય અમેરિકન દેશોના વિઝા મેળવવાનું બહુ મુશ્કેલ બન્યું છે.

એલેક્સિસે કહ્યું હતું કે “તેમના માટે અમેરિકા પહોંચવાનો કદાચ એકમાત્ર માર્ગ ઝૌ શિયાન છે.”

ગ્રે લાઇન

મુશ્કેલ માર્ગ પર પ્રવાસ

યુ.એસ.માં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા વિશ્વભરના સ્થળાંતર કરનારાઓ માટે ડારિએન ગૅપ એક લોકપ્રિય માર્ગ બની ગયો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુ.એસ.માં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા વિશ્વભરના સ્થળાંતર કરનારાઓ માટે ડારિએન ગૅપ એક લોકપ્રિય માર્ગ બની ગયો છે

સન જિંકાઈ દુનિયાના પ્રવાસે નીકળ્યા ત્યારે તેમણે, સોશિયલ મીડિયા પર મળેલા અન્ય દેશબંધુઓની માફક તેમના પરિવારનો ફોટો તથા બોર્ડિંગ પાસ ટ્વિટર પર શેર કરીને પ્રવાસનું દસ્તાવેજીકરણ શરૂ કર્યું હતું.

તેમણે ચીના ભાષામાં લખ્યું હતું કે “આખરે મારો પરિવાર બહાર નીકળી શક્યો છે. અમને શુભેચ્છા આપો.”

માર્ગમાં સપ્તાહો સુધી આગળ વધવા દરમિયાન તેઓ અપડેટ્સ પોસ્ટ કરતા રહ્યા હતા. મકાઉ ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી આગળ વધીને થાઈલેન્ડ અને ત્યાંથી તુર્કી જતા પહેલાં સન જિંકાઈના પરિવારે તાઈપેઈમાં ટૂંકું રોકાણ કર્યું હતું. સન જિંકાઈએ સૂર્યાસ્તની ગુલાબી ચમકમાં લપેટાયેલા બંદરને કેમેરામાં કંડારી લીધું હતું.

આખરે તેઓ ઈક્વાડોરના ક્વિટો પહોંચ્યા હતા. અમેરિકા ખંડમાંનો આ એકમાત્ર એવો દેશ છે, જ્યાં ચીની મુલાકાતીઓ માટે વિઝા અનિવાર્ય નથી. સફરના સૌથી ખતરનાક હિસ્સા તરફ આગળ વધતા પહેલાં તેમણે અહીંના કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી.

દુનિયાભરના અન્ય માઇગ્રન્ટ લોકો સાથે ડારિએન ગૅપ સુધી પહોંચવા માટે તેઓ ખચ્ચર વડે ચાલતી વેગનમાં બેસે છે ત્યારથી પ્રવાસ વધારે ગંભીર બને છે. ત્યાંથી તેઓ માર્ગ-વિહોણા વર્ષાવનમાં પ્રવેશે છે.

એક તબક્કે તેમનું જૂથ જંગલમાં કાદવવાળી પગદંડીમાંથી પસાર થતું હોય છે, ત્યારે તેમના સાથી પ્રવાસી સન જિંકાઈના છ વર્ષના પુત્રનો હાથ પકડેલા જોવા મળે છે. મૅક્સિકોના સત્તાવાળાઓએ બધાને અટકાયતમાં લીધા પછી પોતાના બાળકોને સાંત્વન આપતા સન જિંકાઈ બીજા વીડિયોમાં જોવા મળે છે.

જોકે, સૌથી એ માર્ગના સૌથી ખતરનાક હિસ્સાને તેઓ કેમેરામાં કેદ કરી શક્યા ન હતા. જંગલમાં ઊંડી નદીમાંથી પસાર થતી વખતે સન જિંકાઈના પત્ની પાણીના ઝડપી પ્રવાહમાં તણાઈ ગયાં હતાં.

સન જિંકાઈએ જણાવ્યું હતું કે ત્રણ દક્ષિણ અમેરિકન માઇગ્રન્ટ્સે દોડીને મારાં પત્નીને બચાવ્યાં ન હોત તો તેમણે નિશ્ચિત રીતે જીવ ગુમાવ્યો હોત.

ભાષાના અવરોધને કારણે ચીની તથા દક્ષિણ અમેરિકન લોકો એકમેકની સાથે વધુ વાત કરી શકતા ન હતા, પરંતુ “સમગ્ર પ્રવાસમાં અમે બધા સાથે હતા,” એમ સન જિંકાઈએ કહ્યું હતું.

સન જિંકાઈનો પરિવાર આખરે કેલિફોર્નિયા પહોંચ્યો હતો અને તેમને ત્યાંના એક વેરહાઉસમાં ચીની વસાહતીઓના એક નેટવર્ક મારફત નોકરી મળી ગઈ. ચીનથી અમેરિકા પહોંચવા માટે અમે ત્રણ મહિના પ્રવાસ કર્યો હતો, એમ સન જિંકાઈએ જણાવ્યું હતું.

બીબીસી ગુજરાતી

‘ચીનમાં હવે કોઈ આશા નથી’

બીજિંગમાં પ્રદર્શનકર્તાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજિંગમાં પ્રદર્શનકર્તાઓ

પૂર્વ ચીનમાંથી જીવન સમેટવામાં 30 વર્ષના વેન્તાઓને ત્રણ સપ્તાહ થયાં હતાં. પૂર્વ ચીનમાં તેઓ માર્શલ આર્ટ્સ શીખવવા અને કોમ્પ્યુટર રિપૅરિંગ જેવું છૂટક કામ કરતા હતા.

સન જિંકાઈની માફક વેન્તાઓને પણ, ચીનની ઝીરો કોવિડ નીતિ તથા આકરા રાજકીય અંકુશો વચ્ચે ભવિષ્ય ધૂંધળું જણાવા લાગ્યું હતું. ચીનમાં રહેતા પોતાના પરિવારની સલામતી માટે તેમણે પોતાનું અરધું નામ જ આ સ્ટોરી માટે જણાવ્યું હતું.

વેન્તાઓએ જણાવ્યું હતું કે ચીને રાષ્ટ્રપ્રમુખના માટેના કાર્યકાળની મહત્તમ મર્યાદા નાબૂદ કરી અને શી જિનપિંગ માટે અનિશ્ચિત મુદ્દત સુધી દેશ પર રાજ કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો પછી તેમણે ચીન છોડવાનો નિર્ણય કર્યો હતો. ઑક્ટોબરમાં શી જિનપિંગ ત્રીજી ટર્મ માટે ચીનના વડા બન્યા હતા.

શી જિનપિંગના શાસન કાળમાં અર્થતંત્ર પરના નિયંત્રણો વધુ આકરા બનાવવામાં આવ્યાં છે. ખાનગી ક્ષેત્ર માટે પણ સખત નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. તેમણે અત્યંત આકરી કોવિડ નીતિ અમલી બનાવી છે. તે એટલી સખત છે કે લોકો તેમના પાડોશમાં સુદ્ધાં જઈ શકતા નથી કે ઍપાર્ટમૅન્ટ બિલ્ડિંગની બહાર નીકળી શકતા નથી.

નવેમ્બરમાં ચીનના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું હતું. કેટલાક લોકોએ શી જિનપિંગને રાષ્ટ્રપ્રમુખ પદેથી હટાવવાની માગણી પણ કરી હતી. તેના પ્રતિભાવમાં બીજિંગે કેટલાક અપ્રિય નિયંત્રણો હળવા બનાવ્યાં હતાં.

તેમ છતાં વેન્તાઓ જેવા અનેક લોકોને એ ચિંતા છે કે સરમુખત્યારશાહી વલણ ચાલુ રહેશે તો જે આર્થિક વૃદ્ધિએ દેશને આગળ ધપાવ્યો છે તે ટકાવી શકાશે નહીં.

વેન્તાઓ અમેરિકામાં નવું જીવન શરૂ કરવા ઇચ્છતા હતા, પરંતુ મહામારી તથા વણસતી જતી રાજકીય પરિસ્થિતિને લીધે ચીની નાગરિકોને બહુ ઓછા વિઝા આપવામાં આવતા હોવાથી કાયદેસર રીતે અમેરિકા જવું શક્ય ન હતું.

અમેરિકાએ 2021માં ચીનની કુલ પૈકીની 79 ટકા ટુરિસ્ટ વિઝા અરજીઓનો અસ્વીકાર કર્યો હતો.

તેથી વેન્તાઓ ક્વિટો, ઇક્વાડોર માટેની ફ્લાઈટ પકડતા પહેલાં શાંઘાઈથી ભાગીને યુરોપ પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે બસમાં 1,000 માઈલનો પ્રવાસ કર્યો હતો અને બોટમાં બેસીને પનામાની સરહદ નજીક આવેલા કોલમ્બિયાના અકાન્ડી ગામે પહોંચ્યા હતા. ત્યાંથી ત્રણ અન્ય ચીની લોકો સાથે ડારિએન જંગલમાંથી ચાલીને, વિશ્વના હજારો માઇગ્રન્ટ લોકો સાથેની એક નિરાશ્રિત છાવણીમાં પહોંચ્યા હતા.

વેન્તાઓને એ છાવણી પછી આખરે કેલિફોર્નિયા પહોંચ્યા. તેમને ત્યાં સુધી પહોંચવા માટે લગભગ 8 હજાર અમેરિકન ડૉલર (અંદાજે 6.62 લાખ રૂપિયા)નો ખર્ચ થયો હતો. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ગ્રુપોમાં અહીં સુધી પહોંચવા માટે દર્શાવેલા ખર્ચામાં ટ્રાન્સપૉર્ટ, તસ્કરો, ખોરાક, તથા ભ્રષ્ટ પોલીસ અને ગૅંગ્સ્ટરોને આપવાના નાણાંનો સમાવેશ થાય છે. આ બધા માટે અંદાજે 5 હજારથી 10 હજાર અમેરિકન ડૉલર જેટલો સરેરાશ ખર્ચો થાય છે. ચીની માઇગ્રન્ટ્સ દાવો કરે છે કે તેઓ આસાન નિશાન હોવાથી તેમણે અન્યો કરતાં વધારે પૈસા ચૂકવવા પડે છે.

બીબીસી ગુજરાતી

નવજીવનનો લાંબો માર્ગ

ચીનમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચીનમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ

બીબીસીએ આ સ્ટોરી માટે સંખ્યાબંધ માઇગ્રન્ટ લોકો સાથે વાત કરી હતી. એ પૈકીના ઘણાએ જણાવ્યું હતું કે રોગચાળા દરમિયાન ચીનમાંથી બહાર નીકળવું એ ખતરનાક ટ્રૅક કરતાં ઓછું મુશ્કેલ નથી.

ચીને કોવિડ સામે લડવા માટે આકરા સરહદી નિયંત્રણો લાગુ કર્યાં છે. સરકારી આંકડા અનુસાર, ચીને 2019ની સરખામણીએ 2021માં ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સના પ્રમાણમાં 97 ટકા ઘટાડો કર્યો છે. બીજિંગે “બિનજરૂરી કારણોસર” પાસપોર્ટ ઈસ્યુ કરવાનું બંધ કરી દીધું છે. નવી નીતિ હેઠળ “અનિવાર્ય કારણ સિવાય” લોકોને ચીન બહાર જવાની છૂટ નથી.

સ્થળાંતર કરવા ઇચ્છતા કેટલાક લોકો દેશમાંથી બહાર જવા માટે બનાવટી જોબ ઑફર્સ કે સ્કૂલ ઍડમિશન લેટર્સ શંકાસ્પદ એજન્સીઓ પાસે તૈયાર કરાવે છે.

જોકે, ચીને તાજેતરના સપ્તાહોમાં કોવિડ સંબંધી નિયંત્રણો હળવા કરવાના પગલાં લીધા છે, પરંતુ વેન્તાઓ માને છે કે તેનાથી દેશ છોડવાનો નિર્ણય બદલાશે નહીં.

તેમણે કહ્યું હતું કે “ઝીરો-કોવિડ નીતિ રહે કે ન રહે, મૂળ સમસ્યા યથાવત્ છે. મને ચીનમાં કોઈ આશા દેખાતી નથી.”

ચીની સરકારે આ સંબંધે ટિપ્પણી કરવાની બીબીસીની વિનંતીનો જવાબ આપ્યો ન હતો, પરંતુ ઝૌ શિયાનની લોકપ્રિયતા બાબતે અગાઉ સવાલ કરવામાં આવ્યા ત્યારે દેશની નીતિઓનો બચાવ કર્યો હતો.

બીબીસીએ માઈગ્રન્ટ અને અન્ય લોકો સાથે વાત કરી હતી. તેમાં પણ વેન્તાઓની ચિંતાનો પડઘો સાંભળવા મળ્યો હતો.

એ પૈકીના મોટાભાગના લોકો અમેરિકામાં આવ્યા પછી ઘણીવાર રાજકીય કે ધાર્મિક કારણોસર રાજ્યાશ્રયની માગણી કરે છે. ઇમિગ્રેશન વ્યવસ્થા પરના જંગી ભારણને કારણે એવી અરજીઓ વિશેની પ્રક્રિયામાં વર્ષો લાગે છે.

એ દરમિયાન તેઓ રાહ જુએ છે અને પોતાનું ગુજરાન ચલાવી શકાય તેવું કામ શોધે છે. મોટા ભાગના લોકો કેલિફોર્નિયા અથવા ન્યૂ યોર્કમાં સ્થાયી થાય છે. નોકરી તથા વધુ સારું કાયદાકીય પ્રતિનિધિત્વ મળે તે માટે ચીની ભાષા બોલતા મોટા સમુદાયમાં જોડાય છે.

વેન્તાઓએ પોતાના ચર્ચની નજીક રહી શકાય એટલા માટે કેલિફોર્નિયામાં ફ્રેમોન્ટની પસંદગી કરી છે. તેમણે જૂની કેમરી કાર 1,900 ડૉલરમાં ખરીદી છે અને તેઓ અન્ય માઇગ્રન્ટ લોકો સાથે એક ઘરમાં રહે છે. સોમવારથી શનિવાર સુધી તેઓ રોજ સવારે સાત વાગ્યે જાગી જાય છે અને ચીની કન્સ્ટ્રક્શન ટીમ સાથે કામ કરવા તેમની કેમ્રી કારમાં સાન જોસ જાય છે. તેમને દૈનિક વેતન પેટે 160 ડૉલર મળે છે. રવિવારે સવારે તેઓ ચર્ચ જાય છે.

વેસ્ટર્ન ટીવી સીરિઝ યલોસ્ટોનના જબરા ચાહક વેન્તાઓનું સપનું એક દિવસ નેશન પાર્કની મુલાકાત લેવાનું છે, “પણ એ પહેલાં હું બચત કરીને મને ત્યાં સુધી લઈ જઈ શકે તેવી નવી કાર ખરીદવાનો છું,” એમ તેમણે કહ્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન