You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બકરી ઈદ પર મુસ્લિમ પરિવારની આપવીતી – “પોલીસે અમારા ફ્રીઝમાંથી માંસ કાઢ્યું”
- લેેખક, સના આસિફ અને ઉમૈર સલીમી
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા
“મારા પિતરાઈ ભાઈથી ભૂલ એ થઈ કે તેઓ માંસ વહેંચવા માટે બહાર ગયા હતા. કોઈએ તેમનો વીડિયો બનાવી લીધો અને મૌલવીને મોકલી દીધો.”
“મૌલવી સાહેબ અમારા ઘરે પોલીસ લઈને આવ્યા એ અમારા માટે મોટી સમસ્યા બની ગઈ”
આ કહેવું છે પાકિસ્તાનના અહમદિયા સમુદાયનાં શમાયલાનું (નામ બદલવામાં આવ્યું છે.)
પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયને ધાર્મિક રીતે લઘુમતીનો દરજ્જો મળેલો છે. આ સમુદાયના લોકો બકરી ઈદના દિવસે પ્રાણીઓની કુરબાની આપતા આવ્યા છે. પણ પાકિસ્તાનમાં અનેક ધાર્મિક સમૂહો અહમદિયા સમુદાયને કુરબાની આપવાથી રોકવાના પ્રયત્નમાં રહે છે.
કુરબાની પછી શું થયું?
શમાયલા કહે છે કે પોલીસે તેમના પરિવાર સાથે કડકાઈભર્યું વર્તન કર્યું.
તેઓ કહે છે “પોલીસે અમારા ફ્રીઝમાંથી કુરબાનીનું માંસ કાઢ્યું. જ્યારે મારા પિતા છુપાઈ ગયા તો પોલીસે તેમનું બાઇક કબજે કરી લીધું. ”
તેમણે વધુમાં કહ્યું “પોલીસે મારા પિતરાઈ ભાઈની અટકાયત કરી. તેની ઉંમર અંદાજે 13 કે 14 વર્ષ છે. બાદમાં તેને છોડી મૂકાયો. “
તે કહે છે કે તે સમયે ઘરમાં માત્ર મહિલાઓ જ હતી. પોલીસ અને તમામ ધાર્મિક લોકોની ભીડ ઘરની બહાર એકઠી થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શમાયલા કહે છે કે સમગ્ર મુદ્દાએ તેમના પરિવારને જોખમમાં મૂકી દીધો. તેઓ કહે છે કે “અમે ખૂબ ડરેલાં હતાં. હવે અમારો આખો પરિવાર એક બીજા શહેરની હોટલમાં છુપાયેલો છે. અમારી જાનને ખતરો છે.”
શમાયલા દાવો કરે છે કે “તેમના પરિવારે પોલીસ પાસે મદદ માંગી પણ તેમની અરજી સાંભળવામાં ન આવી.” તેઓ આરોપ લગાવે છે કે “પોલીસકર્મીઓએ તેમના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરી.”
અહમદિયા સમુદાયનો આરોપ
પાકિસ્તાનમાં રહેતા અહમદિયા સમુદાયનો આરોપ છે કે ‘બકરી ઈદના દિવસે તેમને ભેદભાવ અને પજવણીનો સામનો કરવો પડે છે.’
તેઓ આરોપ લગાવે છે કે ‘પોલીસ ‘ચરમપંથી તત્ત્વો’ને ખુશ કરવા માટે તેમને કુરબાની કરવાથી રોકવા માટે અનેક પગલાં લે છે.’
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગૃહ વિભાગે 23 જૂને બધા જ જિલ્લાઓમાં એક આદેશ મોકલ્યો હતો. જેમાં કહેવાયું હતું કે ‘માત્ર મુસલમાનોને જ પ્રાણીઓની કુરબાની આપવાની પરવાનગી છે.’
ગૃહ વિભાગે પોતાના પત્રમાં જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે ‘કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા જરૂરી પગલાં ઉઠાવાય.’
પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં હફિઝાબાદ જિલ્લામાં પોલીસે એક રિપોર્ટ જાહેર કર્યો. જેમાં કહેવાયું હતું કે “અહમદિયા સમુદાયના લોકો કુરબાની આપવાનો પ્રયત્ન કરે છે. અન્ય મુસલમાનો તેની સામે વાંધો ઉઠાવે છે. અને તેના કારણે ધાર્મિક દૃષ્ટીએ સમસ્યા સર્જાઈ શકે છે. ઝાંગ, ફૈસલાબાદ, હફિઝાબાદ, અને કોટલી જેવા જિલ્લામાં લોકોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને અહમદિયા સમુદાયને કુરબાની આપવાથી રોકવાની અપીલ કરી હતી.”
પોલીસે શું કહ્યું?
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો સામે આવ્યા છે, જેમાં દાવો કરાયો છે કે ‘અહમદિયા સમુદાયના લોકોનાં ઘરોમાં તપાસ કરવામાં આવી, લોકોની તેમનાં પ્રાણીઓ સહિત અટકાયત કરાઈ.’ તેમના ઘરોને નિશાન બનાવીને તેમની ઓળખ કરાઈ.
સરકારી કક્ષાએ આવી ઘટનાઓની પુષ્ટિ અથવા તેને રોકવાની વાત ન કરાઈ.
બીબીસી ઉર્દૂએ સમગ્ર મુદ્દે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના આઈજી પોલીસ ડૉક્ટર ઉસ્માન અનવર સાથે વાત કરી. અને ડૉક્ટર અનવરને પૂછ્યું કે ‘રાજ્યના અનેક જિલ્લાઓમાંથી અહમદિયા સમુદાયના લોકોનાં ઘરોની તપાસ કરવાની અને તેમને હેરાન કરવાના સમાચાર મળી રહ્યાં છે.’
જેના પર તેમણે કહ્યું – “આ મુદ્દો સમાજમાં ધાર્મિક સદ્ભાવનાને નુકસાન પહોંચાડવા માટે ઉઠાવાઈ રહ્યો છે.”
તેમણે કહ્યું કે “પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા અને લોકોના જાનમાલની સુરક્ષા માટે પગલાં ઉઠાવી રહી છે.”
ડૉક્ટર અનવરે કહ્યું કે “આવા કેસમાં દર વખતે નજર રાખવાની જરૂર હોય છે. આ મુદ્દાને કાયદાની સાથે ધાર્મિક સદ્ભાવના રાખવાની દૃષ્ટીએ જોવાય છે.”
બકરીઓ અને બળદ જપ્ત
એવા સમાચારો પણ મળ્યા કે ‘કેટલાંક સ્થળોએ ‘કટ્ટર વિચારધારાથી પ્રેરિત લોકો’ અહમદિયા સમુદાયના લોકોનાં ઘરમાં ઝાંખતા રહ્યાં.’
રિપૉર્ટ મુજબ ‘પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના કોટલીના તત્તા પાની વિસ્તારમાં એક યુવક દૂરબીનથી અહમદિયા સમુદાયનાં ઘરોમાં જોતો હતો. જેના કારણે અહમદિયા સમુદાયના લોકો અને તે યુવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.’
કોટલીના એસએસપી રિયાઝ મુગલે બીબીસીને કહ્યું કે આ મુદ્દે ફરિયાદ એ હતી કે “દૂરબીનથી ‘ઘરની મહિલાઓને જોવાનો પ્રયત્ન’ થઈ રહ્યો છે. પણ વાસ્તવમાં એ કુરબાની પર નજર રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.”
પોલીસ અનુસાર ‘બાદમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દેવામાં આવ્યું.’
અહમદિયા સમુદાયનો દાવો છે કે ‘નનકાનામાં સમુદાયના ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ અપાયો છે. અને પોલીસ તેમની ધરપકડ કરવા માટે છાપેમારી કરી રહી છે. જ્યારે કે સિયાલકોટમાં ત્રણ લોકોની અટકાયત કરાઈ છે. પણ કોઈ કેસ નથી નોંધાયો.‘
અહમદિયા સમુદાય અનુસાર ‘પોલીસે ફૈસલાબાદમાં અનેક અહમદિયા લોકોના ઘરમાંથી બકરીઓ અને બળદ જપ્ત કર્યા અને કહ્યું કે તેઓ તેમને ઈદ બાદ લઈ જઈ શકે છે.’
મહત્ત્વનું છે કે ઈસ્લામાબાદ ઍસોસિયેશન સહિત દેશમાં વકીલો અને અનેક ધાર્મિક સંગઠનોએ ઈદ દરમિયાન પોલીસને કહ્યું હતું કે ‘અહમદિયા સમુદાયને પ્રાણીની કુરબાની આપવાથી રોકવા એ તેમની બંધારણીય જવાબદારી છે.’
પ્રવક્તાએ યાદ અપાવ્યો સુપ્રીમ કોર્ટનો આદેશ
પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયના પ્રવક્તા અમીર મહમૂદે કહ્યું કે “ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અહમદિયા સમુદાયને ચાર દિવાલોની અંદર પોતાના ઘર્મનું પાલન કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે.”
તેમના મુજબ કોર્ટના નિર્ણયમાં કહેવાયું છે કે ‘બિન-મુસ્લિમ લઘુમતીઓને પોતાની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાની છૂટ છે. અને ઘરની અંદર તેનું પાલન કરવાથી રોકવા એ સંવિધાનથી વિરુદ્ધ છે.’
અમીર મહમૂદનું કહેવું છે કે “છેલ્લાં કેટલાંક વર્ષોથી અહમદિયાને ઈદના પર્વ પર કુરબાની આપવાથી રોકાઈ રહ્યાં છે.”
અમીર મહમૂદે કહ્યું કે “અહમદિયા સમુદાયે પ્રશાસનના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી. અને તેમને પરિસ્થિતિથી વાકેફ કરાયા હતા. સમુદાયે માંગ કરી હતી કે ઈદના તહેવાર પર તેમને સુરક્ષા આપવામાં આવે. અને બંધ બારણે પોતાના ધર્મનું પાલન કરવાની પરવાનગી અપાય”