ગાયનેકોમેસ્ટિયા : કેટલાક પુરુષોને મહિલાઓની માફક સ્તન કેમ હોય છે?

    • લેેખક, મુરુગેશ મડકાનુ
    • પદ, બીબીસી સંવાદદાતા

મૅથ્યુએ કહ્યું, “અગાઉ હું બધાની સાથે હરતો-ફરતો હતો, પરંતુ આ ખબર પડી પછી બધું બદલાઈ ગયું હતું. મેં બહાર જવાનું બંધ કરી દીધું હતું. મારો સ્વભાવ બદલાઈ ગયો હતો.”

મૅથ્યુ નવમા ધોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમની છાતીનું કદ સામાન્ય કરતાં બહુ જ મોટું હતું.

દસમા ધોરણમાં આવ્યા પછી તેઓ જીમમાં જઈને પાતળા થવા ઇચ્છતા હતા, પરંતુ સારી પેઠે વ્યાયામ કરવા છતાં મૅથ્યુની છાતીના કદમાં જરાય ઘટાડો થયો ન હતો.

સર્વણન (નામ બદલ્યું છે) 14 વર્ષના હતા, ત્યારે તેમને સબરીમાલા અયપ્પા મંદિરમાં પ્રવેશતાં અટકાવવામાં આવ્યા હતા.

તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમની છાતીનો આકાર મહિલાઓ જેવો છે. તપાસ કર્યા પછી સર્વણનને મંદિરમાં જવાની છૂટ મળી હતી.

પોતાની છાતી આટલી મોટી કેમ છે એ વિશે સર્વણન ત્યારે ખાસ કશું જાણતા ન હતા. તેથી મંદિરમાં પ્રવેશની મનાઈથી તેમને ખાસ ફરક પડ્યો ન હતો, પરંતુ વય વધવાની સાથે તેમની છાતીનો આકાર પણ સ્ત્રીની છાતી જેવો થવા લાગ્યો ત્યારે તેમની ચિંતા વધી હતી.

પુરુષોનાં સ્તન આ રીતે શા માટે વિકસે છે?

‘ચેન્નઈ પ્લાસ્ટિક સર્જરી’ ખાતે પ્રિન્સિપલ કોસ્મેટિક સર્જન તરીકે કાર્યરત્ ડૉ. કાર્તિક રામે જણાવ્યું હતું કે ગાયનેકોમેસ્ટિયા રોગ નથી, પરંતુ શરીરમાં થતું પરિવર્તન છે.

ગાયનેકોમેસ્ટિયામાં પુરુષોની છાતીનો આકાર સ્ત્રીનાં સ્તન જેવો થઈ જાય છે. તે હૉર્મોન્સમાં અસંતુલનને કારણે થાય છે.

તેના ચાર તબક્કા હોય છે. પહેલા તબક્કામાં નિપ્પલ વિકસે છે. બીજા તબક્કામાં નિપ્પલની અંદરનો વિકાસ પણ વિસ્તરે છે. ત્રીજા તબક્કામાં તેનો આકાર મોટો થઈને સ્ત્રીના સ્તન જેવો થઈ જાય છે. ચોથા તબક્કામાં તેના સમગ્ર કદમાં મોટો વધારો થાય છે.

જન્મ સમયે, 10થી 13 વર્ષના સમયગાળામાં અને વૃદ્ધાવસ્થામાં એમ ત્રણ તબક્કામાં આવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં લોકો આ બાબતની ચિંતા કરતા નથી. ડૉ. કાર્તિક રામ આ બાબતને સમસ્યા ગણતા નથી.

કિશોર અને યુવા અવસ્થામાં આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકો ચિંતિત થઈ જાય છે.

ડૉ. કાર્તિક રામના જણાવ્યા મુજબ, આ ભોજન સંબંધી સમસ્યા નથી. અલબત, ફાસ્ટ ફૂડથી દૂર રહેવાની સલાહ તેઓ જરૂર આપે છે.

મૅથ્યુના જણાવ્યા મુજબ, આ સમસ્યાને કારણે તેની લોકો સાથે વાત કરવાની રીત બદલાઈ ગઈ હતી.

મૅથ્યુએ કહ્યું હતું કે, “મને વાતો કરવી ગમે છે, પરંતુ આ પરિસ્થિતિને કારણે હું લોકો સાથે દૂરથી જ વાત કરતો હતો. લોકો મારી છાતીના આકારને કારણે મારી મજાક કરે તે મને ગમતું ન હતું.”

“હું સ્વિમિંગ કરવા જાઉં ત્યારે મારા દોસ્તો પહેલાં સ્વિમિંગ પૂલમાં ઝંપલાવી દઉં છું. કોઈ મારા શરીરને સ્પર્શ કરે તે મને ગમતું નથી. મને કોઈ સાથે વાત કરવાનું ગમતું નથી, પણ કોઈ મને કશું પૂછે તો હું જવાબ જરૂર આપું છું. એ મારો સ્વભાવ નથી, પરંતુ શું કરવું તે મને સમજાતું નથી.”

વ્યાયામ કરવાથી તેમાં ઘટાડો થઈ શકે?

સર્વણને બીબીસીને કહ્યું હતું કે, “આ પરિસ્થિતિને કારણે મેં કૉલેજ જવાનું બંધ કરી દીધું છે. બહાર જવાનું ઘટાડી દીધું છે. મારું વજન વધ્યું એટલે મેં જીમમાં જવાનું શરૂ કર્યું હતું. મને એમ કે જીમમાં વ્યાયામ કરવાથી મારા છાતીના કદમાં ઘટાડો થશે, હું તેને અંકુશમાં રાખી શકીશ. મારું વજન ઓછું થયું હતું, પરંતુ છાતીના કદમાં કોઈ ઘટાડો થયો ન હતો.”

મૅથ્યુના કિસ્સામાં પણ આવું જ બન્યું હતું, ત્યારે સવાલ થાય કે વ્યાયામ કરવાથી છાતીના કદમાં ઘટાડો થઈ શકે?

ડૉ. કાર્તિકે કહ્યું હતું કે, “વ્યાયામ કરવાથી ચરબી ઘટી શકે, સ્તનધારી ગ્રંથીઓ નહીં. વ્યાયામ તેનો ઉકેલ નથી. સર્જરી જ કરાવવી જરૂરી છે.”

મૅથ્યુ પોતે પણ ડૉક્ટર છે. તેમનાં માતા-પિતા પૈકીના એક તબીબી ક્ષેત્રે કાર્યરત્ છે. તેથી એ કારણે જ તેઓ પોતાની સમસ્યા વિશે પરિવારજનો સાથે મોકળાશથી વાત કરી શક્યા હતા.

તેમના જણાવ્યા મુજબ, તેઓ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમને આ પરિસ્થિતિની જાણ થઈ હતી, પરંતુ સર્વણન તેમના પરિવારજનો કે નજીકના મિત્રોને પોતાની તકલીફની વાત કરી શક્યા ન હતા.

કોઈ કંઈ ભળતું જ ધારશે તો શું થશે, એવા ભયને લીધે સર્વણને કોઈને કશું જણાવ્યું ન હતું.

ટ્રાન્સજેન્ડર્સ પુરુષ તરીકે જન્મે છે અને બાદમાં મહિલા બને છે. આ પરિસ્થિતિને શું કહેવાય, એ બાબતે ડૉ. કાર્તિકે કહ્યું હતું કે, “છાતી વધવાનો અર્થ પુરુષમાંથી સ્ત્રી બની જવું એવો નથી. આ પ્રકારની તકલીફ હોય તેમણે હૉર્મોન ટેસ્ટિંગ કરાવવાની પણ જરૂર નથી. ગાયનેકોમેસ્ટિયા એક બ્રેસ્ટ ટિસ્યુ છે. તેને પુરુષના સ્ત્રી બનવા સાથે કોઈ સંબંધ નથી.”

‘આ કોઈ રોગ નથી, એક શારીરિક સ્થિતિ છે’

ડૉ. કાર્તિકના કહેવા મુજબ, “મુખ્યત્વે આ કોઈ રોગ નથી. કોઈ પુરુષને આવી છાતી સાથે જીવવામાં સમસ્યા ન હોય તો કોઈ વાંધો નથી. કેટલાક પુરુષોની છાતી સ્ત્રીઓ જેવી જ હોય છે. કેટલાક લોકો તેની પરવા નથી કરતા. કેટલાકને સર્જરી પછી સારું લાગે છે.”

પોતે ડૉક્ટર હોવાને લીધે મૅથ્યુ આ પરિસ્થિતિ વિશે ઘણું જાણે છે. મૅથ્યુના જણાવ્યા મુજબ, સર્જરી પછી બધું નોર્મલ હોય તેવું લાગે છે.

તેમણે કહ્યું હતું કે, “હું નવમા ધોરણમાં હતો, ત્યારે મારી છાતીનું કદ નોર્મલ હતું. સર્જરી કરાવ્યા પછી એ ફરી નોર્મલ થઈ ગયું છે. મારી ઉપસેલી છાતીને છુપાવવા અગાઉ હું પહોળાં વસ્ત્રો પહેરતો હતો, પરંતુ હવે ચુસ્ત કપડાં પહેરું છું.”

સર્વણને જણાવ્યું હતું કે આ સમસ્યાના નિવારણ માટે તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. તેમણે પરિવારજનોને જણાવ્યા વિના સર્જરી કરાવી હતી.

આ રોગ નથી, પરંતુ શારીરિક સ્થિતિ એવું જાણવા છતાં તમે સર્જરી શા માટે કરાવી હતી એવો સવાલ અમે પૂછ્યો ત્યારે સર્વણને કહ્યું હતું કે, “લોકો મારી સ્થિતિની મજાક ઉડાવતા હતા. હું મંદિરે દર્શન કરવા જાઉં ત્યારે મારું ટી-શર્ટ કઢાવીને જોતા હતા. એ વખતે મને બહુ ખરાબ લાગતું હતું. હું ટાઈટ ટી-શર્ટ પહેરી શકતો ન હતો. હું લોકો સાથે આસાનીથી હળીમળી શકતો ન હતો. તેથી મેં સર્જરીનો નિર્ણય કર્યો હતો. હવે મંદિરે જતાં કોઈ ડર લાગતો નથી. હવે હું મને ગમતાં વસ્ત્રો પહેરી શકું છું. હું બહું ખુશ છું.”