નરેન્દ્ર મોદીએ દેશને પુછ્યું, આપણને વંદેમાતરમ્ કહેવાનો અધિકાર છે ખરો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

સ્વામી વિવેકાનંદે શિકાગોમાં કરેલા ભાષણની સવાસોમી વર્ષગાંઠ અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મશતાબ્દી નિમિત્તે સોમવારે યુવાનોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની સલામતીથી માંડીને દલીતો પરના અત્યાચાર સુધીના મુદ્દે આકરી ટિપ્પણી કરી હતી.

મહિલાઓના સંમાન બાબતે પોતાના વિચાર વ્યક્ત કરતા વડાપ્રધાને સવાલ કર્યો હતો કે યુવાનો નારીનો આદર કરે છે ખરા?

રવીન્દ્રનાથ ટાગોરની વાત કરતાં તેમણે કહ્યું, “હું વિદેશ પ્રવાસે જાઉં છું, ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રગીતો પણ લખ્યાં હતાં, એમ જણાવું છું ત્યારે હું ગૌરવ અનુભવું છું.”

સ્ત્રીઓના આદરની વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમાજનાં દૂષણો સામે આપણે નહીં લડીએ? તેને આપણે સ્વીકારી લઇશું? અમેરિકાની ધરતી પર સ્વામી વિવેકાનંદ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કહે, ત્યારે આપણે ખુશખુશાલ થઈ જઇએ. પણ હું યુવાનોને પૂછવા માગુ છું કે, આપણે સ્ત્રીઓનો આદર કરીએ છીએ? આપણે યુવતીઓ પ્રત્યે સંમાનની નજરે જોઇએ છીએ?”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું, “જેઓ આદરભરી નજરે જુએ છે, એમને હું નમન કરું છું. પણ જે લોકો સ્ત્રીની ભીતર માણસને જોઈ શકતા ન હોય, તેમને સમાનતાભરી નજરે નિહાળી શકતા ન હોય, તો સ્વામી વિવેકાનંદ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કહે, ત્યારે તાળીઓ વગાડતાં પહેલાં આપણે પચાસવાર વિચારવું જોઇએ કે, આપણને તાળીઓ વગાડવાનો હક્ક છે કે નહીં?”

આપણને વંદે માતરમ્ કહેવાનો હક્ક છે?

નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે હું અહીં આવ્યો ત્યારે લોકોએ પૂરી તાકાતથી વંદે માતરમ સુત્રોચ્ચાર કર્યો. એ સાંભળીને મારા રૂંવાડા ઊભાં થઇ ગયાં હતાં. હૃદયમાં ભારતભક્તિની ભાવના જાગૃત થઇ જાય છે, પણ હું આખા હિન્દુસ્તાનને પૂછવા ઈચ્છું છું કે આપણને વંદે માતરમ કહેવાનો અધિકાર છે?”

તેમણે કહ્યું, “મારી વાતો ઘણા લોકોને ખૂંચશે એ હું જાણું છું. આપણે રોજ કચરો-ગંદકી કરીને માતા પર ફેંકીએ છીએ અને પછી વંદે માતરમ પણ બોલીએ છીએ. લોકો પાન ખાઈને પીચકારી મારે છે અને પછી વંદે માતરમ બોલે છે. આ દેશમાં સૌથી પહેલાં વંદે માતરમ બોલવાનો અધિકાર સફાઈ કામદારોને છે. આપણા મનમાં ડૉક્ટર કરતાં પણ વધારે આદર સફાઈ કામદાર પરત્વે જાગે ત્યારે આપણે વંદે માતરમ કહેવું જોઈએ.”