દૃષ્ટિકોણઃ ‘ગુજરાતની ચૂંટણી રાહુલ માટે મોટી તક’

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રશિદ કિડવાઈ
- પદ, બીબીસી માટે
હાલ રાહુલ ગાંધી ગુજરાતમાં છે. તેમણે પ્રખ્યાત દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને ગુજરાતના પ્રવાસનો આરંભ કર્યો છે.
ગુજરાતમાં આજે રાહુલ ગાંધીનો ત્રીજો દિવસ છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી ગામ લોકોને મળ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલના વિજય બાદ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે.
ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રણનીતિને અંગે બીબીસી સંવાદદાતા માનસી દાસે વરિષ્ઠ પત્રકાર રશીદ કિડવાઈ સાથે વાત કરી હતી. વાંચો તેમનું વિશ્લેષણ.

ગુજરાત કોંગ્રેસ માટે હારેલી બાજી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ દૃષ્ટિએ ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે એક હારી ગયેલા દાવ સમાન છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખૂબ ખરાબ છે. હાલમાં જે સર્વે કરવામાં આવ્યા છે તેમાં ભાજપને ખૂબ આગળ બતાવવામાં આવી છે.
રાહુલ ગાંધી ગુજરાતમાં કંઈક પ્રયોગ કરવા માગે છે. તે ગુજરાતમાં કોંગ્રેસ જૂથબંધીથી ઘેરાયેલી છે. શંકરસિંહ વાઘેલાના અલગ થયા બાદ કોંગ્રેસનું કદ ઘટ્યું છે. પરંતુ તેમાં એક નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે.
પહેલા જે લોકોના જીતવાની સંભાવના જોવા મળતી, તેમને ટિકિટ આપવામાં આવતી હતી. પરંતુ કોંગ્રેસ હવે એવું નથી કરવા માગતી.
રાહુલ ગાંધી ઈચ્છે છે કે કોંગ્રેસ પોતાની રીતે જ ચૂંટણી લડે. રાહુલ ગાંધી એ આધાર પર ટિકિટ નથી આપવા માગતા, કે કોની પાસે વધારે તાકાત છે કે પછી જાતિગત સમીકરણના આધારે વધુ સમર્થન કોની પાસે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અમિત શાહ V/S અહેમદ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images
હાલ જ રાજ્યસભાની એક સીટ માટે જે ચૂંટણી યોજાઈ હતી, તેમાં અહેમદ પટેલની જીત થઈ હતી. ત્યાં જીત કોંગ્રેસની નક્કી જ હતી પણ ભાજપ તેમજ અમિત શાહે બનતા પ્રયત્નો કર્યા કે અહેમદ પટેલ રાજ્યસભામાં ન આવી શકે.
પરંતુ કોંગ્રેસની જીત સાથે 2-3 વાતો નક્કી થઈ ગઈ.
એક તો એ કે કોંગ્રેસના દરેક નેતાને ખરીદી નથી શકાતા. બીજી વાત એ કે અહેમદ પટેલ ખરાબ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસનો એક મોટો ચહેરો છે.
અહેમદ પટેલ કોંગ્રેસ સાથે સંજય ગાંધીના જમાનાથી જોડાયેલા છે અને તેમણે રાજીવ ગાંધી સાથે પણ કામ કર્યું છે. છેલ્લા ઘણા દાયકાથી કોંગ્રેસના દરેક કાર્ય દરમિયાન અહેમદ પટેલે પડદા પાછળની ભૂમિકા ભજવી છે.
સાથે જ એ વાતની સાબિતી આપી છે કે તેઓ જાણે છે કે કેવી રીતે કામ કરવું.
ગુજરાતમાં જ્યાં એક તરફ અમિત શાહ છે, અને બીજી તરફ અહેમદ પટેલ જેઓ એક રાજનૈતિક સન્માન ધરાવે છે. તેમની પૃષ્ઠભૂમિ પર આ ચૂંટણી રસપ્રદ બનશે.

મોદી-અમિત શાહના નેતૃત્વ પર સવાલ ઊભા થઈ શકે છે

ઇમેજ સ્રોત, EPA
એવું પહેલી વખત બની રહ્યું છે કે કોંગ્રેસ ગુજરાતની ચૂંટણીઓ લડી રહી છે. પ્રધાનમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના જ છે. કોંગ્રેસ ભાજપને તેના જ ગઢમાં ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.
ગુજરાત પાટીદાર આંદોલન ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાતનો પટેલ સમાજ ભાજપથી નારાજ છે. તો બીજા કેટલાક વર્ગના લોકોએ પણ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે.
અહેમદ પટેલ પોતે મુખ્યમંત્રી પદના દાવેદાર નથી. ના તો ખુદને એ ભૂમિકા માટે જુએ છે. તેઓ માત્ર પડદા પાછળ રહીને બધી ભાજપ વિરોધી જૂથોને એકત્ર કરવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે.
જો કોંગ્રેસ તેમાં થોડી પણ સફળ થાય તો ભાજપની બેઠકોમાં ઘટાડો થશે. ભાજપને બહુમત ના મળે તો કોંગ્રેસ માટે તે મોટી ઉપલબ્ધિ હશે. તેનાથી દેશના રાજકારણમાં પણ ભૂકંપ સર્જાઈ શકે છે.
મોદી તેમજ અમિત શાહના નેતૃત્વ પર સવાલ ઊભા થશે.
જો કે હાલમાં કોંગ્રેસ માટે આ બધું સપના સમાન છે. સમય જ જણાવશે કે કોંગ્રેસ તેમાં કેટલી સફળ રહેશે.

દલિત મત પાર્ટીઓ માટે પડકાર

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN/AFP/GETTY IMAGES
ભાજપ ગુજરાતમાં પોતાના કાર્યકરોને કહે છે કે જો તેમને ઉત્તર પ્રદેશમાં વધુ સીટ મળી શકે છે તો વડાપ્રધાનને ગૃહ રાજ્યમાં વધુ સીટ મળવી જોઈએ. ભાજપે પોતાના માટે મોટો ટાર્ગેટ પણ રાખ્યો છે.
રાહુલ ગાંધીએ જે કહ્યું છે તેને જોઈએ તો એ કહેવું સહેલું છે, પરંતુ કરવું મુશ્કેલ છે. કેમ કે ગુજરાત કોંગ્રેસમાં વૈચારિક રૂપે કોઈ પણ વ્યક્તિ દૂધે ધોવાયેલો નથી.
આગામી ચૂંટણીમાં દલિત મુદ્દો પણ સંવેદનશીલ બનશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રામનાથ કોવિંદની પસંદગી કરીને ભાજપે તેની કેટલીક હદે તૈયારી પણ કરી લીધી છે.
પરંતુ દલિત સમાજમાં જે બેચેની છે, તે આવી વાતોથી દૂર થશે તેવું નથી લાગતું.

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN/AFP/GETTY IMAGES
જો કોંગ્રેસ સારી રીતે ચૂંટણી લડે તો ભાજપથી નારાજ અનેક જૂથ એક થઈ શકે છે.
જો પાટીદાર, લઘુમતી સમુદાય અને દલિત જેવા જૂથો કોંગ્રેસના પક્ષે આવે તો ચૂંટણી ખૂબ રસપ્રદ બની શકે છે.
કોંગ્રેસ ગુજરાતમાં એ જ દાવ રમી રહી છે. તે નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેમના ગૃહરાજ્યમાં ઘેરવા પ્રયાસ કરી રહી છે. આ કામ થોડું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. આ ચૂંટણીમાં શાખની લડાઈમાં મોદી-શાહ એક તરફ છે, તો રાહુલ-અહેમદ પટેલ બીજી તરફ છે.
આગામી વર્ષે 22 જાન્યુઆરીના રોજ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને ગુજરાતમાં આ વર્ષના અંત સુધી ચૂંટણી યોજાઈ શકે છે.
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)












