પોસ્ટપાર્ટમ ડિપ્રેશન : પ્રસૂતિ દરમિયાન મહિલાના સ્વભાવમાં પરિવર્તન કેમ આવતું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
કોઈ મહિલા પ્રેગ્નન્સી ચેક-અપ માટે ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર તેમને તેમનાં ભાવિ સંતાન વિશે, તેમના વજન વિશે અને કેટલી ઊલટી થાય છે એ સિવાય "તમે ઘટનાઓની રમૂજી બાજુને જોઈ શકો છો? કશુંક ખોટું થાય ત્યારે ખુદને કારણ વિના એ માટે જવાબદાર ઠરાવો છો?" એવો સવાલ પૂછે ત્યારે મહિલા થોડી વાર માટે આશ્ચર્યચકિત જરૂર થઈ જાય.
ખાસ કરીને તેઓ પહેલી વાર માતા બનવાનાં હોય ત્યારે. પહેલી વાર માતા બનવાની બધી અનુભૂતિ નવી હોય છે ત્યારે આ પ્રકારના સવાલથી મહિલાના મનમાં અનેક આશંકા સર્જાઈ શકે છે.
ઑસ્ટ્રેલિયામાં રહેતાં કાદંબરી સાથે આવું જ કશુંક થયું હતું. કાદંબરી તેમના બીજા સંતાનને ઑસ્ટ્રેલિયામાં જન્મ આપવાનાં હતાં. તેમના પહેલા સંતાન-દીકરીનો જન્મ ભારતમાં થયો હતો.
કાદંબરી ઑસ્ટ્રેલિયામાં ડૉક્ટરને મળવા ગયાં ત્યારે ડૉક્ટરે તેમને પૂછ્યું હતું કે "તમે દુઃખી રહો છો? કારણ વિના રડવાની ઈચ્છા થાય છે? જાતને નુકસાન કરવાના વિચાર આવે છે?"
આ સાંભળીને કાંદબરીને સમજાયું ન હતું કે તેમને જે સવાલ પૂછવામાં આવ્યા છે તેનો સંબંધ કઈ બીમારી સાથે છે. પહેલીવાર તો તેમણે કશું જાણ્યા વિના તમામ સવાલના જવાબ આપ્યા હતા.
બીજી વખત આવા સવાલ પૂછવામાં આવ્યા ત્યારે કાદંબરી ખુદને રોકી શક્યાં ન હતાં. તેમણે વળતો સવાલ કર્યો હતો કે "આ સવાલને મારી પ્રેગ્નન્સી સાથે શો સંબંધ છે?"
કાદંબરીનો આ સવાલ થોડા અંશે યોગ્ય પણ હતો. તેમની પહેલી પ્રસૂતિ થઈ ત્યારે તેઓ ભારતમાં હતાં. એ વખતે ડૉક્ટરે તેમને આવો કોઈ સવાલ કર્યો ન હતો.
ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરે કાદંબરીને જવાબ આપ્યો હતો કે "તમે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો સામનો કરી રહ્યાં છો કે નહીં એ જાણવા માટે આ સવાલ પૂછવામાં આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાદંબરીને એ વખતે પહેલીવાર પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વિશે જાણવા મળ્યું હતું. ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે પ્રસૂતિ પછી મહિલાઓની સ્વભાવમાં ઉદાસી, તણાવ, ચીડિયાપણું અને ક્રોધ જેવું પરિવર્તન આવે છે. એ પરિસ્થિતિમાં પારિવારિક સહયોગ અને ઈલાજ જરૂરી હોય છે.
કાદંબરીએ કહ્યું હતું કે "મારા માટે તે પહેલો અને બહુ સુખદ અનુભવ હતો. અત્યાર સુધી માત્ર શારીરિક તકલીફોની વાત થતી હતી, પરંતુ હવે કોઈ મારી માનસિક સ્થિતિ વિશે વાત કરી રહ્યું હતું. માનસિક પરિસ્થિતિને સમજાવવાનું સામાન્ય રીતે બહુ મુશ્કેલ હોય છે."
"ડૉક્ટરે મને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વિશે જણાવ્યું ત્યારે મને સમજાયું હતું કે પ્રસૂતિ પછી પણ હું મારા વર્તનમાં કેવા ફેરફાર અનુભવતી હતી. પહેલી પ્રસૂતિ વખતે મને કોઈ ડૉક્ટરે આવા ફેરફાર બાબતે સમજાવ્યું ન હતું. મને પરિવારજનો તરફથી મોટો સધિયારો મળ્યો હતો. તેથી મારી મુશ્કેલી આપોઆપ ખતમ થઈ ગઈ હતી."

શું છે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન?

ઇમેજ સ્રોત, KADAMBARI
કાદંબરીએ કહ્યું હતું કે "પહેલું સંતાન થયું ત્યારે મને ખબર ન હતી કે બાળકની દેખભાળ કેવી રીતે કરવી જોઈએ. હું મારા શરીર બાબતે થોડી ચિંતિત હતી. એ કારણે મારો સ્વભાવ થોડો ચીડિયો થઈ ગયો હતો. હું મારી જાતને સંભાળી શકતી ન હતી. બહુ ગુસ્સો પણ આવતો હતો. ઑફિસમાં હોઉં તો ઘરનો અને ઘરમાં હોઉં તો ઑફિસનો તણાવ અનુભવતી હતી."
મનોચિકિત્સક ડૉ. પ્રવીણ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ તકલીફ 20થી 70 ટકા મહિલાઓમાં જોવા મળે છે. પ્રારંભમાં તેને પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ કહેવામાં આવે છે. તેનાં લક્ષણ બહુ સામાન્ય હોય છે. તેમાં મૂડ સ્વિંગ, ઉદાસી, ચીડિયાપણું, રડવાની ઇચ્છા થવી અને બાળકને ઉછેરી શકાશે કે નહીં તેની ચિંતાનો સમાવેશ થાય છે.
સ્વભાવમાં આવતું આ પરિવર્તન થોડા સમય પછી આપોઆપ ઠીક થઈ જાય છે. તેથી એ માટે દવાની જરૂર પડતી નથી, પરંતુ આ લક્ષણમાં વધારો થાય તો ઈલાજ જરૂરી બની જાય છે.
આવી તકલીફ વધે ત્યારે ઊંઘ આવતી નથી, ભૂખ લાગતી નથી. દર્દી પોતાનામાં જ ગૂમ રહે છે અને તેને આત્મહત્યાના વિચાર આવે છે. આ બીમારીનું અલગ સ્તર છે અને તેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવામાં આવે છે.
તેમાં ઘણીવાર માતા બાળકની સારસંભાળ લેવાનું છોડી દે છે. તે બાળક માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. જોકે, બહુ જૂજ કિસ્સામાં આવું થાય છે.
દિલ્હીની જીબી પંત હૉસ્પિટલમાં કાર્યરત સ્ત્રીરોગ નિષ્ણાત ભાનુપ્રિયાએ જણાવ્યું હતું કે પ્રસૂતિ પછીની માનસિક સમસ્યાઓ કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. જેમ કે પોસ્ટપાર્ટમ એંગ્ઝાયટી. આ સ્થિતિમાં માતા તેના સંતાન માટે બહ ડરી જતી હોય છે. તે દરેક ચીજમાં જોખમ અનુભવે છે. ઘણીવાર માતા તેના નવજાત બાળકને હાથ પણ લગાવવા દેતી નથી.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનાં કારણ

ઇમેજ સ્રોત, KADAMBARI
ડૉ. પ્રવીણ ત્રિપાઠીના જણાવ્યા મુજબ, માતાના સ્વભાવમાં બદલાવના ઘણાં કારણ હોઈ શકે છે. એ પૈકીનાં કેટલાંક આ મુજબ છેઃ
- પ્રથમ વાત તો એ કે પ્રસૂતિ પછી મહિલાના હોર્મોન્સમાં પરિવર્તન થાય છે. એસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન અને ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સમાં ફેરફારની અસર તેમના વ્યવહાર પર થાય છે
- એ સિવાય સામાજિક કારણ પણ હોઈ શકે છે. જેમ કે દીકરાની અપેક્ષા હોય અને દીકરીનો જન્મ થાય તો માતાએ બહુ તણાવ અને દબાણનો સામનો કરવો પડે છે
- એ ઉપરાંત મહિલાઓ પર બીજું દબાણ પણ હોય છે. બાળક તથા ઘરની વધારે જવાબદારી તેમના પર હોય છે અને તેઓ શારીરિક રીતે કમજોર પણ હોય છે
- આ બધાની વચ્ચે મહિલા નોકરી કરતી હોય તો ઑફિસના કામમાં સારું પ્રદર્શન નહીં કરી શકવાનો ડર હોય છે. ઑફિસે પહોંચવામાં વિલંબ કે બાળકને લીધે વારંવાર રજા લેવી પડે તો મહિલાને લાગે છે કે તે પાછી પડી રહી છે. કારકિર્દીને કારણે પણ બેચેની થઈ શકે છે
- કોઈ મહિલા કઈ રીતે વિચારે છે તેનું પણ મહત્ત્વ છે. તેઓ તેમનું શરીર બેડોળ થઈ જવાથી પરેશાન થઈ શકે છે

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો ઈલાજ

ઇમેજ સ્રોત, Getty Images
લક્ષણ પ્રારંભિક હોય તો તે માટે દવાની જરૂર પડતી નથી, પરંતુ તકલીફ વધી જાય તો મનોચિકિત્સકને દેખાડવું જરૂરી છે.
ડૉ. પ્રવીણ ત્રિપાઠીના જણાવ્યા મુજબ, પ્રસૂતિ બાદ મહિલા માટે તેના પરિવારનો સહયોગ બહુ જરૂરી હોય છે. તેઓ અનેક શારીરિક તથા માનસિક પરિવર્તનમાંથી પસાર થતી હોય છે. તેથી તેમના પર સારી માતા બનવાનું દબાણ ન કરવું જોઈએ. બાળકની સારસંભાળમાં પરિવારજનોએ મદદ કરવી જોઈએ. તેમને ભાવનાત્મક સહયોગ આપવો જોઈએ અને ધીરજ રાખવી જોઈએ.
એ સિવાય મેડિકેશન થૅરપી આપવામાં આવે છે અને દવાઓની સાથે કાઉન્સેલિંગ વડે પણ ઈલાજ કરવામાં આવે છે.
તેમાં કાદંબરીના કિસ્સામાં થયું તેમ, હૉસ્પિટલ તરફથી સાચી માહિતી આપવામાં આવે તે બહુ જરૂરી છે. કાદંબરીની ગર્ભધારણ અવસ્થા દરમિયાન તેમની મનોદશા વિશે જાણકારી લેવામાં આવી હતી એટલું જ નહીં, પ્રસૂતિ પછી તેમના ઘરે આવતી પરિચારિકા પણ કાદંબરીના વર્તન વિશે પરિવારજનો પાસેથી માહિતી મેળવતી હતી.
કાદંબરીના પતિને પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓ તણાવ કે કોઈ પરેશાની અનુભવે છે કે કેમ. આ પરિસ્થિતિમાં હૉસ્પિટલ તરફથી યોગ્ય માહિતી મળે તો દર્દીના ઈલાજમાં ઘણી મદદ મળી શકે છે.

તંત્ર-મંત્રનો સહારો
પોસ્ટપાર્ટમ ડિપ્રેશન બાબતે ભારતમાં બહુ ઓછી જાગૃતિ છે.
ડૉ. ભાનુપ્રિયાએ કહ્યું હતું કે "માતાના વર્તનમાં આવેલા પરિવર્તનને લોકો મોટા ભાગે અન્ય કારણો સાથે જોડી દેતા હોય છે. કોઈ તેને શારીરિક નબળાઈ માની લે છે તો કોઈ તેને ભૂતપ્રેતનો ઓછાયો ગણે છે. એ પરિસ્થિતિમાં લોકો જાણી જોઈને ડૉક્ટર પાસે જતા નથી અને તંત્ર-મંત્રનો સહારો લે છે."
આ બીમારીનો સર્વશ્રેષ્ઠ ઈલાજ લોકોને આ બાબતે જાગૃત કરવાનો છે. મહિલાઓ તથા તેમના પરિવારજનોને ગર્ભધારણના સમયે જ તેની જાણકારી આપવાનો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













