ચાર્લ્સ તૃતીયને પ્રાચીન સમારોહમાં રાજા ઘોષિત કરવામાં આવશે

ચાર્લ્સ તૃતીય

ઇમેજ સ્રોત, Getty Images

ચાર્લ્સ તૃતીયને શનિવારે સવારે સેન્ટ જેમ્સ પૅલેસમાં એક પ્રાચીન સમારોહમાં ઔપચારિક રીતે રાજા ઘોષિત કરવામાં આવશે.

રાજ્યારોહણ પરિષદ બાદ દિવંગત મહારાણીના શોકમાં ધ્વજ ફરકાવવામાં આવશે. પ્રથમ વખત રાજ્યારોહણ પરિષદમાં શું થાય છે, તે ટેલિવિઝન પર દેખાડવામાં આવશે.

ત્યાર બાદ બ્રિટનમાં નવી જાહેરાતો રવિવાર સુધી ચાલશે. તે સમયે ધ્વજ ફરી વખત હાફ માસ્ટ પર ફરકાવાશે.

કિંગ ચાર્લ્સ તૃતીયએ શુક્રવારે સાંજે પોતાના પ્રથમ સંબોધનમાં પોતાનાં 'પ્રિય માતા'ના સેવાને સમર્પિત જીવનનું અનુસરણ કરવાનું વચન આપ્યું હતું.

તેમણે પોતાના 'ગહન દુ:ખ' વિશે રાષ્ટ્રને જણાવ્યું અને તેમનાં 'હૂંફભરેલા, વિનોદી અને અચૂક રીતે લોકોમાં શ્રેષ્ઠ જોવાના' સ્વભાવની પ્રશંસા કરી.

જે રીતે મહારાણીએ 70 વર્ષના શાસન દરમિયાન રાષ્ટ્રની સેવા કરી, કિંગ ચાર્લ્સે પણ તેમની જેમ જ 'અડગ સમર્પણ' સાથે રાષ્ટ્રની સેવા કરવાનો વાયદો કર્યો હતો.

ચાર્લ્સ પોતાનાં માતાના મૃત્યુ બાદ રાજા બની ગયા પરંતુ ઉત્તરાધિકારીની ઔપચારિક જાહેરાત કરવા માટે રાજા કે રાણીના મૃત્યુ બાદ જલદીથી જલદી રાજ્યારોહણ પરિષદનું આયોજન કરવામાં આવે છે.

પરિષદ બ્રિટનના સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગે શરૂ થાય છે. જેમાં રાજા રાણીના મૃત્યુની જાહેરાત કરે છે અને ચર્ચ ઑફ સ્કૉટલૅન્ડને સંરક્ષિત કરવાની શપથ લે છે. કારણ કે સ્કૉટલૅન્ડમાં ચર્ચ અને રાજ્ય વચ્ચે શક્તિઓનું વિભાજન છે.

આજે શનિવારે યોજાનારી પરિષદમાં ભાગ લેનારાઓમાં 17 વર્ષથી ચાર્લ્સનાં પત્ની કૅમિલા અને તેમના પુત્ર વિલિયમ હશે. કૅમિલા પાસે ક્વીન કંસૉર્ટની ઉપાધિ છે અને વિલિયમ વેલ્સના નવા પ્રિન્સ હશે.

કિંગના રાજ્યારોહણની જાહેરાત સીટી ઑફ લંડન્સ રૉયલ એક્સચેન્જમાંથી થશે, 70થી વધુ વર્ષ પહેલાં તેમનાં માતાના રાજ્યારોહણની જાહેરાત અહીંથી જ થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિંગના રાજ્યારોહણની જાહેરાત સીટી ઑફ લંડન્સ રૉયલ એક્સચેન્જમાંથી થશે, 70થી વધુ વર્ષ પહેલાં તેમનાં માતાના રાજ્યારોહણની જાહેરાત અહીંથી જ થઈ હતી

પ્રથમ સાર્વજનિક જાહેરાત સવારે 11 વાગ્યે લંડનમાં સેન્ટ જેમ્સ પૅલેસની ફ્રાયર કોર્ટની બાલકનીમાંથી થશે. આ એક ઐતિહાસિક ક્ષણ હોય છે કારણ કે તેમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર, વાદ્યો અને ગીતો સાથે માહોલ ઊભો કરવામાં આવે છે અને બાદમાં હાઇડ પાર્ક અને લંડન ટાવર ખાતે બંદૂકથી સલામી આપવામાં આવે છે.

ત્યાર બાદ "રાણી મૃત્યુ પામ્યાં છે, રાજા લાંબા સમય સુધી જીવિત રહો" શબ્દો ઉમેરવામાં આવે છે. જોકે, આ શબ્દો ઔપચારિક ઉદ્ધોષણાનો ભાગ નથી.

શુક્રવારે ચાર્લ્સ જ્યારે બકિંઘમ પૅલેસ પાસે એકત્ર થયેલી ભીડને મળ્યા ત્યારે તેમનું "ભગવાન રાજાને આબાદ રાખે"ના જયઘોષ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાદમાં તેમણે ટેલિવિઝન પર રાષ્ટ્રવ્યાપી સંદેશ આપ્યો. જેમાં તેમણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી કે પ્રિન્સ વિલિયમ અને તેમનાં પત્ની કૅથરીનને વેલ્સના નવા રાજકુમાર અને રાજકુમારી તરીકે લોકોને પ્રેરિત કરવા અને રાષ્ટ્રીય વાતચીતનું નેતૃત્વ કરશે.

તેમણે "હૅરી અને મેઘન માટે પોતાનો પ્રેમ" વ્યક્ત કર્યો અને ક્વીન કંસોર્ટના કર્તવ્ય પ્રત્યેના દૃઢ સમર્પણની પ્રશંસા કરી હતી.

રાજાએ સ્વીકાર્યું કે હવે તેમનું જીવન બદલાઈ ગયું છે જેથી પહેલાં જે રીતે તેઓ ચૅરિટી અને અન્ય મુદ્દા પાછળ દાયકાઓથી સમય અને ઊર્જા આપી રહ્યા હતા, "તેટલો હવે નહીં આપી શકે".

73 વર્ષીય રાજાએ કહ્યું કે તેમને આશા છે કે મહારાણીના મૃત્યુ પર દુ:ખ સિવાય બ્રિટન અને રાષ્ટ્રમંડળના લોકો તેમને ઉદાહરણ તરીકે યાદ રાખે અને શક્તિ પ્રાપ્ત કરે.

line

રાજ્યારોહણ પરિષદમાં શું થાય છે?

  • ઐતિહાસિક રીતે તેમાં પ્રિવી કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા ભાગ લેવામાં આવે છે. આ કાઉન્સિલ નૉર્મન રાજાઓના સમયથી રાજા કે રાણીના સલાહકારોનું એક સમૂહ હોય છે. આ કાઉન્સિલના સભ્યોની સંખ્યા 700 છે. જેમાં પૂર્વ અને વર્તમાન રાજનેતાઓનો સમાવેશ થાય છે. 700 સભ્યો પૈકી 200 સભ્યોને જ પરિષદમાં આમંત્રિત કરવામાં આવે છે.
  • શરૂઆતમાં તેઓ સેન્ટ જેમ્સ પૅલેસમાં એકઠા થાય છે. વડા પ્રધાન લિઝ ટ્રસ દ્વારા પ્રિવી કાઉન્સિલના લૉર્ડ પ્રેસિડન્ટ નિયુક્ત કરવામાં આવેલા કન્ઝર્વેટિવ સાંસદ પેની મોર્ડૉન્ટ મહારાણીના મૃત્યુની જાહેરાત કરશે.
  • કાઉન્સિલના ક્લાર્ક દ્વારા રાજ્યારોહણ ઉદ્ઘોષણા જોરથી વાંચવામાં આવે છે. આ ઉદ્ઘોષણામાં ચાર્લ્સનું રાજા તરીકેનું શીર્ષક 'ચાર્લ્સ તૃતીય' પણ સામેલ છે.
  • ઉદ્ઘોષણા પર ક્વીન કંસોર્ટ, પ્રિન્સ ઑફ વેલ્સ, કૅંટરબરીના આર્કબિશપ, લૉર્ડ ચાન્સેલર, યૉર્કના આર્કબિશપ અને વડા પ્રધાન સહિત એક સમૂહ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવે છે.
  • બાદમાં લૉર્ડ પ્રેસિડન્ટ દ્વારા મૌન પાળવાનું કહેવાય છે અને હાઇડ પાર્ક અને ટાવર ઑફ લંડનમાં સાર્વજનિક જાહેરાત અને બંદૂકની સલામીના આદેશ આપવામાં આવે છે. બાદમાં પરિષદના પ્રથમ તબક્કાની બાકીની બાબતોને વાંચવામાં આવે છે.
  • રાજ્યારોહણ પરિષદના બીજા તબક્કામાં રાજા પ્રવેશ કરે છે. આ તબક્કામાં માત્ર પ્રિવી કાઉન્સિલના સભ્યો જ ભાગ લે છે. આ તબક્કામાં રાજા ખુદ મહારાણીના અવસાનની જાહેરાત કરે છે.
  • તેઓ ચર્ચ ઑફ સ્કૉટલૅન્ડને સંરક્ષિત કરવાની શપથ લે છે અને તેને રૅકર્ડ પર લેવા માટે બે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરે છે. આ હસ્તાક્ષર માત્ર ક્વીન કંસોર્ટ અને પ્રિન્સ ઑફ વેલ્સ જોઈ શકે છે.
  • પ્રિવી કાઉન્સેલરો તેમના ગયા બાદ ઉદ્ઘોષણા પર હસ્તાક્ષર કરે છે.