એશિયા કપ : ભારતનું પ્રદર્શન આટલું ખરાબ કેમ અને હવે ફાઇનલમાં પ્રવેશ કેટલો શક્ય?

એશિયા કપની સુપર ફૉરની મૅચમાં શ્રીલંકાએ ભારતને છ વિકેટે પરાજય આપ્યો છે. મંગળવારે દુબઈ ખાતે રમાયેલી મૅચમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારત તરફથી રોહિત શર્માએ 41 બૉલમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે શાનદાર 72 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમારે 34 રન (29 બૉલ) બનાવ્યા હતા.

આ બંને સિવાય કોઈ પણ ખેલાડી 17નો આંકડો પાર નહોતો કરી શક્યો. ઋષભ પંત તથા હાર્દિક પંડ્યાએ 17-17 જ્યારે અશ્વિને સાત બૉલમાં 15 રનની ઇનિંગ રમી હતી.

20 ઓવરના અંતે ભારતે કુલ આઠ વિકેટે 173 રનનો જુમલો ખડક્યો હતો. મૅચનો છેલ્લો બૉલ બાકી હતો ત્યારે શ્રીલંકાએ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

શ્રીલંકાની શાનદાર ઇનિંગ

બીજી બાજુ, શ્રીલંકાના બૅટ્સમૅન પથમ નિસ્સંકા તથા કુસલ મેન્ડિસે 37-37 બૉલ લઈને અનુક્રમે 52 અને 57 રન બનાવ્યા. જ્યારે ભાનુકા રાજપક્ષે (25) તથા દાસુન શાનાકાએ (33) પણ નોંધપાત્ર ઇનિંગ રમી હતી.

શ્રીલંકાના ઑપનર નિસ્સંકા તથા મેન્ડિસે આક્રમક રીતે ઇનિંગની શરૂઆત કરી હતી.

ભારતના પેસ બૉલર ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ તથા હાર્દિક પંડ્યામાંથી કોઈ પણ તેમને નાથવામાં સફળ રહ્યા નહોતા અને બંને ખેલાડીઓએ પોત-પોતાની અર્ધી સદી પૂર્ણ કરી હતી.

અર્શદીપે પહેલી બે ઓવરમાં 24 રન આપી દીધા હતા. આને કારણે શ્રીલંકાએ પાવર પ્લૅની છ ઓવર દરમિયાન 57 રન ફટકારીને મૅચની પર પકડ જમાવી લીધી હતી. ઓપનિંગ જોડીએ 97 રન ફટકાર્યા હતા.

નિસ્સંકાએ ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે 52, જ્યારે મેન્ડિસે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 57 રન બનાવ્યા હતા.

એ પછી એક તબક્કે શ્રીલંકાનો સ્કૉર ચાર વિકેટે 110 રન પર પહોંચી ગયો હતો.

યજુવેન્દ્ર ચહલની બૉલિંગથી એવું લાગતું હતું કે ભારતનું પુનરાગમન થઈ શકે છે. અશ્વિને પણ ગુનાતિલકાની વિકેટ લીધી હતી. એવું લાગતું હતું કે હવે ભારતની ટીમ શ્રીલંકાના ખેલાડીઓ પર દબાણ વધારી શકે છે.

જોકે કૅપ્ટન શનાકા તથા રાજપક્ષેએ મૅચને શ્રીલંકાની તરફેણમાં લાવી દીધી. બાકી રહેલાં સ્કૉરનું દબાણ પોતાની ઉપર લીધું નહોતું.

શ્રીલંકાને છેલ્લી બે ઓવરમાં 21 રનની જરૂર હતી, પરંતુ 19મી ઓવરમાં ટીમના સૌથી અનુભવી બૉલર ભૂવનેશ્વર કુમાર નિષ્ફળ રહ્યા હતા.

ઑફ-સાઇડ પર વાઇડ યૉર્કર નાખવાના પ્રયાસમાં તેમણે ઓવરની પહેલા બે બૉલ વાઇડ નાખ્યા હતા. છ બૉલમાં કુલ 14 રન આપીને ભૂવનેશ્વર કુમારે શ્રીલંકા માટે સરળ સ્થિતિ કરી આપી હતી.

અર્શદીપ સિંહને છેલ્લી ઓવર આપવામાં આવી ત્યારે શ્રીલંકાએ માત્ર સાત રન બનાવવાના હતા. અર્શદીપે પહેલાં ચાર બૉલમાં માત્ર પાંચ રન આપ્યા હતા, જ્યારે પાંચમા દડે તેઓ બૅટ્સમૅનને થાપ આપવામાં સફળ રહ્યા હતા.

એક રન લેવા માટે પ્રયાસ કરી રહેલા બૅટ્સમૅનોને અટકાવવા જતાં પંત અયોગ્ય થ્રૉ કરી બેઠાં જેના કારણે શ્રીલંકાને એકના બદલે બે રન મળી ગયા. આમ ભારતનો છ વિકેટે પરજય થયો.

પેસ બૉલરોનો પેચ

વર્તમાન એશિયા કપ દરમિયાન ભારતના પેસ બૉલરો ખાસ પ્રભાવ ઊભો કરવામાં નિષ્ફળ રહ્યા છે.

જસપ્રિત બુમરાહ ઘાયલ હોવાથી ટીમમાં સામેલ થઈ શક્યા ન હતા, જ્યારે આવેશ ખાનના ઘાયલ થવાથી આંચકો લાગ્યો હતો.

જોકે, પસંદગીકારોએ મોહમ્મદ શમીને કેમ પસંદ ન કર્યા તે મુદ્દો ખૂંચે તેવો છે.

શમીએ આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લિગ) દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું. યુએઈની પીચ પર ફાસ્ટ બૉલરોને મદદ મળે છે, એ સ્પષ્ટ હતું, છતાં શમી સામેલ કરવામાં આવ્યા ન હતા. જો તેમને સામેલ કરવામાં આવ્યા હોત તો કદાચ અલગ સ્થિતિ હોત.

ચાલુ વર્ષે ઑક્ટોબર મહિનામાં ઑસ્ટ્રેલિયા ખાતે યોજાનારી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને જ બધા પ્રયોગ કરવામાં આવી રહ્યા હોય તેમ જણાય છે. અત્રે એ યાદ રાખવું રહ્યું કે ઑસ્ટ્રેલિયામાં 140 કીમી પ્રતિકલાક કરતાં વધુ ઝડપથી બૉલિંગ કરી શકે તેવા ખેલાડીઓની જરૂર પડશે.

ફાઇનલની રેસમાં ભારત

એશિયા કપની સુપર ફૉરમાં ભારતની આ સળંગ બીજી હાર છે. આ પહેલાં 4 સપ્ટેમ્બરે પાકિસ્તાન સાથેની મૅચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો.

પાકિસ્તાન બાદ શ્રીલંકા સામે પણ ભારતના પેસ બૉલર નિષ્ફળ રહ્યા, જેના કારણે તે ફાઇનલમાંથી લગભગ બાકાત જ થઈ ગયું છે.

હવે ભારતે ફાઇનલમાં પહોંચવા માટે પોતાના પ્રદર્શન કરતાં અન્ય ટીમોનાં પ્રદર્શન ઉપર આધાર રાખવો પડશે.

જો પાકિસ્તાનનો શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે પરાજય થાય તથા ભારત પોતે અફઘાનિસ્તાનને હરાવે તો તેના માટે આશાસ્પદ સમીકરણો બને એમ છે.

7 સપ્ટેમ્બરે યોજાઈ રહેલી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં જો પાકિસ્તાન જીતે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો