ભારતનો એ પડોશી દેશ જ્યાં પેટ્રોલપમ્પ પર દિવસો સુધી લાઇનોમાં ઊભા રહેવું પડે છે

    • લેેખક, રજની વૈદ્યનાથન
    • પદ, બીબીસી દક્ષિણ એશિયા સંવાદદાતા, કોલંબો
  • શ્રીલંકામાં ઓછાંમાં ઓછાં બે અઠવાડિયાંથી પેટ્રોલનું કોઈ આંતરરાષ્ટ્રીય શિપમૅન્ટ નથી આવ્યું.
  • શ્રીલંકાના અન્ય પ્રદેશોમાં ઉપલબ્ધ અનામત પુરવઠામાંથી રાજધાનીમાં પેટ્રોલનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે.
  • પેટ્રોલ પુરાવવા કોલંબોમાં 2 કિલોમીટર લાંબી સમાંતર ચાર લાઈનો લાગી છે. એક કાર માટે, એક બસ અને ટ્રક માટે, બીજી બે મોટરબાઈક અને ટુક-ટુક (રિક્ષા) માટે.
  • ઇંધણના સ્ત્રોતો શોધવા માટે શ્રીલંકાની સરકાર પર ભારે દબાણને પગલે સરકારે મદદ માટે રશિયાનો સંપર્ક કર્યો છે.

લાઈનમાં પ્રથમ હોવું સામાન્ય રીતે તરત છુટકારાની નિશાની છે, પરંતુ અજીવાન સદાશિવમને ખબર નથી કે હજુ કેટલો સમય તેમને રાહ જોવી પડશે.

તેઓ કહે છે, "હું બે દિવસથી લાઈનમાં જ છું." અજીવાન હજુ પણ રાજધાની કોલંબોમાં પેટ્રોલપમ્પની બહાર ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

એક ટૅક્સી ડ્રાઇવર તરીકે પેટ્રોલ તેમનું જીવન છે પરંતુ શ્રીલંકામાં પેટ્રોલનો નવો પુરવઠો આવતો નથી.

અજીવાન સદાશિવમ અમને તેમના ડૅશબૉર્ડ પર પેટ્રોલ ગેજ બતાવે છે, તીર ખાલી તરફ ફરેલું છે.

"હું આ કારમાં જ સૂઈ રહું છું. ક્યારેક હું બહાર ખાવાનું લેવા નીકળું છું, પછી પાછો આવી જઉ છું અને મારા વારાની રાહ જોઉં છું... હું ઘણા દિવસોથી નાહ્યો નથી."

અજીવાન પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેઓ કહે છે, "મારે મારા પરિવાર, મારી પત્ની અને બે બાળકોની સંભાળ રાખવાની છે… જો પેટ્રોલ હોય તો જ હું મારી કૅબ ચલાવી શકું અને આજીવિકા મેળવી શકું."

2 કિલોમીટર લાંબી લાઈન

ઓછાંમાં ઓછાં બે અઠવાડિયાંથી પેટ્રોલનું કોઈ આંતરરાષ્ટ્રીય શિપમૅન્ટ નહીં આવ્યું હોવાથી શ્રીલંકાના અન્ય પ્રદેશોમાં ઉપલબ્ધ અનામત પુરવઠામાંથી રાજધાનીમાં પેટ્રોલનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે.

પરંતુ શ્રીલંકામાં પેટ્રોલની ભારે અછત વર્તાઈ રહી છે.

અજીવાન સદાશિવમને આશા છે કે ટૂંક સમયમાં ટેન્કર આવશે. એ આશાએ જ તે પેટ્રોલપમ્પ સામે તાકી રહ્યા છે. શ્રીલંકન આર્મીના જવાનો ખાલી પંપની રક્ષા કરવા ઉપર-નીચે લટાર મારી રહ્યા છે.

અજીવાન આશાવાદના સંકેત સાથે કહે છે, "તેઓએ મને કહ્યું છે કે આજે રાત્રે પેટ્રોલ ભરેલું વાહન પહોંચી જશે."

"મારે રાહ જોવી પડશે, પછી ભલે અઠવાડિયું લાગે. ફરી મારે લાઈનમાં ઊભું રહેવું નથી. તે વ્યવહારુ નથી."

પેટ્રોલની રાહ જોઈ રહેલા અજીવાન સદાશિવમ એકલા નથી. મુખ્ય માર્ગ પર સર્પાકારે લગભગ 2 કિલોમીટરની લાંબી લાઇન શેરીઓમાંથી નીકળીને દરિયાકાંઠે લંબાયેલી છે.

વળી આવી એક નહીં, સમાંતર ચાર લાઈનો લાગી છે. એક કાર માટે, એક બસ અને ટ્રક માટે, બીજી બે મોટરબાઈક અને ટુક-ટુક માટે.

ટોકન પ્રમાણે વારો

કેટલી રાહ જોવી પડશે તે નિશ્ચિત નથી. પેટ્રોલનો પુરવઠો આવે અને પેટ્રોલ મળે એ પહેલા ટોકન જારી કરવામાં આવે છે.

પ્રતિક્ષારત લોકોએ અમને કહ્યું કે મોટા ભાગના પેટ્રોલપમ્પ પર એક સમયે લગભગ 150 ટોકન ઇશ્યૂ કરવામાં આવે છે.

લાઈનમાં પાછળ રાહ જોઈ રહેલા જયંથા અથુકોરાલા અમને મળે છે. તેઓ કોલંબોની બહારના એક ગામમાંથી 12 લિટર પેટ્રોલ બાળીને અહીં પેટ્રોલ ભરાવવા આવ્યા છે.

અજીવાન સદાશિવમ પાસે ટોકન તો છે પરંતુ જયંથા અથુકોરાલા પાસે ટોકન પણ નથી. તેમના અનુમાન પ્રમાણે તેઓ લાઈનમાં 300મા નંબરે છે.

તેઓ નિરાશાથી કહે છે, "મને ખાતરી નથી કે આજે મને ટોકન મળશે કે કેમ. અમે પેટ્રોલ વિના જીવી શકતા નથી. અમે બહુ મુશ્કેલીમાં સપડાયા છીએ."

એક કારનું વેચાણ કરતા વેપારીને પોતાની કારમાં જ સૂઈ જવાની ફરજ પડી છે, કારણ કે તેઓ પેટ્રોલની રાહ જોઈ રહ્યા છે.

કેટલાક પેટ્રોલપમ્પ હેલ્થ કેર, ખાદ્યવિતરણ અને જાહેર પરિવહન જેવી વસ્તુઓનો પુરવઠો વેચી રહ્યા છે, જ્યારે કેટલાક પેટ્રોલપમ્પ લોકોને કડક રેશનિંગ યોજના હેઠળ પેટ્રોલનું વિતરણ કરી રહ્યા છે.

જયંથા અથુકોરાલા કહે છે કે કાર માટે ફાળવેલ પુરવઠા (10,000 શ્રીલંકાના રૂપિયા)માં તો માંડ અડધી ટાંકી ભરશે.

ઇંધણના સ્ત્રોતો શોધવા માટે શ્રીલંકાની સરકાર પર ભારે દબાણને પગલે સરકારે મદદ માટે રશિયાનો સંપર્ક કર્યો છે. સસ્તા તેલની ખરીદી અંગે ચર્ચા કરવા માટે એક પ્રતિનિધિમંડળ સપ્તાહના અંતે મોસ્કો જવાનું છે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ આ મુદ્દે ચર્ચા કરવા વ્લાદિમીર પુતિનને પત્ર લખ્યો છે.

નવી સાઇકલ વસાવી

પેટ્રોલપમ્પ પાસેથી પસાર થતાં અમને જગન્નાથન મળ્યા, જેમણે આસપાસ ફરવા માટે ઇંધણ વગરના માધ્યમ, સાઇકલનો સહારો લીધો છે.

ચહેરા પર એક મોટા સ્મિત સાથે તેઓ અમને તેમની નવી ખરીદેલી સાઇકલ બતાવે છે, જેના પર હજુ પણ પ્લાસ્ટિક વિંટળાયેલું છે.

તેઓ પેડલ સાથે રમત કરતા કહે છે, "હું હજુ શીખી રહ્યો છું."

જગન્નાથન ડ્રાઇવર તરીકે પણ કામ કરતા હતા - પરંતુ પેટ્રોલ કે ડીઝલ ન હોવાથી તેમણે કામ કરવાનું બંધ કરી દીધું છે, અને તેમની બચતમાંથી થોડી રકમ ખર્ચીને સાઇકલ વસાવી છે.

તેણે કહ્યું કે તેણે સાઇકલની સામાન્ય કિંમત કરતાં ત્રણ ગણી વધુ કિંમત રૂપિયા 70,000 (194 ડૉલર) ચૂકવી છે.

જગન્નાથન તેમની નવી ખરીદેલી સાઇકલ પર સવાર થઈને પેડલ મારતા નીકળી ગયા પછી અમને બીજી રીતે પોતાનું નસીબ અજમાવતા લોકોનું ટોળું મળ્યું.

સ્થિર ટુક-ટુકની લાઈનના પાછળના ભાગે અડધા ડઝન લોકોની નાનકડી લાઈન છે. આ લોકોનું જૂથ લોટરીની ટિકિટ ખરીદવા માટે પોતાના વારાની રાહ જોઈ રહ્યું છે.

જોતજોતામાં લાઈન પુરી થઈ, લોટરીની ટિકિટ ખરીદવાની લાઈનમાં છેલ્લે રહેલા અને જેમતેમ મજૂરી કરીની ગુજરાન ચલાવતા સિરીએ છેલ્લે વધેલી બધી 26 ટિકિટ ખરીદી લીધી.

સિરી કહે છે કે તેણે તેના પરિવાર માટે ટિકિટો ખરીદી છે. "મારી પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી, મુશ્કેલ સમય છે પરંતુ આપણે ધીરજ રાખવી પડશે."

જ્યારે પેટ્રોલની કતારમાં કેટલાક લોકો તેમના ટુક-ટુકમાં સૂઈ જાય છે અને અન્ય સમય પસાર કરવા માટે ટોળે વળીને વાતો કરે છે, ત્યારે સિરી તેના હાથમાં રહેલા ટિકિટોના ઢગલાને આશાભરી નજરે જુએ છે.

અહીંના લોકો કરતાં ઘણી વધુ આશા સાથે તેઓ કહે છે, "કોક દિવસ તો હું લોટરી જીતીશ."

(વિસ્તૃત માહિતી:ન્ડ્રુ ક્લેરેન્સ)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો