રશિયા-યુક્રેન યુદ્ધના લીધે યમનની લડાઈ ભુલાઈ ગઈ? જેમાં ત્રણ લાખથી વધુ લોકોના જીવ ગયા હતા

    • લેેખક, કૅગિલ કાસાપોગ્લૂ
    • પદ, બીબીસી ન્યૂઝ

અત્યારે આખી દુનિયાનું ધ્યાન યુક્રેન પર છે, પરંતુ બીજી તરફ મધ્ય-પૂર્વના દેશ યમનની હાલત સતત બગડતી જાય છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે યમનમાં મોંઘવારી ખૂબ વધી ગઈ છે. સાથે જ યમન માટે નાણાં એકઠાં કરવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો પણ સફળ થયા નથી.

અત્યારે આખી દુનિયાનું ધ્યાન યુક્રેન પર છે, પરંતુ બીજી તરફ મધ્યપૂર્વના દેશ યમનની હાલત સતત બગડતી જાય છે

ઇમેજ સ્રોત, MUSLIM HANDS

થોડા સમય પહેલાં સંયુક્ત રાષ્ટ્રે યમનની સ્થિતિને 'દુનિયાનું સૌથી ખરાબ માનવીય સંકટ' ગણાવી હતી અને એ સંકટ ફરીથી ગંભીર બની રહ્યું છે.

યમન માટે ફંડ એકઠું કરવાની સંયુક્ત રાષ્ટ્રની કોશિશ સફળ ના થઈ. સંયુક્ત રાષ્ટ્ર નાણાં એકઠાં કરવાના એના સૌથી તાજેતરના પ્રયાસમાં એટલે કે 16 માર્ચે ચાર અબજ ડૉલર કરતાં વધારે ધનરાશિ એકત્ર કરવાની આશા રાખતું હતું, પરંતુ હજુ સુધી એના એક તૃતીયાંશ જેટલી રકમ પણ જમા નથી થઈ શકી.

દેશમાં પાંચ બ્રેડ ફેકટરીઓનું સંચાલન કરતા બિનસરકારી સંગઠન મુસ્લિમ હૅન્ડ્સનાં પ્રોજેક્ટ અધિકારી સારા શાવકીએ જણાવ્યું કે, "યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછીથી યમનમાં ભાવ બે ગણો વધી ગયો છે, ખાસ કરીને લોટની કિંમત ખૂબ વધી ગઈ છે. પહેલાં એક બોરીની કિંમત 21-25 ડૉલર હતી, જે હવે 50 ડૉલર થઈ ગઈ છે. અમારે બ્રેડ પૂરી પાડવા માટે બીજી વસ્તુઓમાં કાપ મૂકવો પડે છે."

શાવકીએ જણાવ્યું કે, દાન પર નિર્ભર લગભગ 25 હજાર લાભાર્થીઓમાંથી ઘણા પરિવારોને દરરોજ માત્ર આ બ્રેડ જ ખાવા મળે છે. અમે અસહાય લોકો, અનાથો, વિકલાંગો અને મહિલાઓની મદદ કરી રહ્યા છીએ.

વીડિયો કૅપ્શન, બીબીસીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ

અરબ દ્વીપકલ્પના સૌથી ગરીબ દેશ યમન અનાજની કુલ વપરાશના લગભગ 90 ટકા આયાત કરે છે. નોંધ લેવા જેવી બાબત એ છે કે વિશ્વ બૅન્ક અનુસાર યમનમાં 40 ટકા ઘઉં યુક્રેન અને રશિયામાંથી આવે છે.

યમનના શહેર અદનમાંથી બીબીસી સાથે વાત કરતાં મુસ્લિમ હૅન્ડ્સના એક સ્થાનિક વર્કરે કહ્યું કે એ બાબતે તેઓ ઘણા ચિંતિત છે, કેમ કે વધતો જતો ખર્ચ માનવીય મદદની એમની પરિયોજનામાં અવરોધ બની શકે છે.

અદનમાં રહેતાં પાંચ બાળકોનાં માતા અને વિધવા રાયદા મોથના અલી એવી વ્યક્તિ છે જે દાનમાં મળેલા અનાજ પર જ નિર્ભર છે.

સારા શાવકીએ રાયદાએ કહેલી વાતોનો અનુવાદ કરીને અમને જણાવ્યું કે, "તેઓ કહે છે કે, હું બુનિયાદી જરૂરિયાતોની ઘટ સહન કરું છું. મારી કશી આવક નથી. મને અને મારાં બાળકોને દિવસભરમાં બ્રેડના બે ટુકડા મળે છે અને અમે માત્ર એટલું જ ખાઈએ છીએ. મને ખબર નથી કે જો તેઓ અમને બ્રેડ આપવાનું બંધ કરી દે તો હું શું કરીશ."

બ્રેડ ફેકટરીમાં કામ કરતા સાલાહ અહવાસે અમને જણાવ્યું કે એમણે "તાઈઝ શહેરમાં લોકોને રાત્રે ખાવાનું શોધવા માટે કચરાપેટી ફંફોળતા જોયા છે. એમને કોઈ ઓળખી ન જાય તે માટે તેઓ પોતાનો ચહેરો ઢાંકેલો રાખે છે."

એક આકલન અનુસાર, યમનના લગભગ 50 હજાર લોકો અગાઉથી જ ભૂખમરા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તો, 50 લાખ લોકો ભૂખમરાની સ્થિતિની નજીક છે.

નિરીક્ષકોનું કહેવું છે કે રાજકીય અને આર્થિક સમાધાન વગર સ્થિતિ વધારે બગડવાની આશંકા છે.

line

યમનની હાલત આટલી ખરાબ કઈ રીતે થઈ?

મુસ્લિમ હૅન્ડ્સ નામની સંસ્થાનું કહેવું છે કે તેઓ લગભગ 25 હજાર લોકોને બ્રેડ વહેંચે છે

ઇમેજ સ્રોત, MUSLIM HANDS

ઇમેજ કૅપ્શન, મુસ્લિમ હૅન્ડ્સ નામની સંસ્થાનું કહેવું છે કે તેઓ લગભગ 25 હજાર લોકોને બ્રેડ વહેંચે છે

2014ના અંતમાં યમનમાં યુદ્ધ શરૂ થયું હતું. એ વખતે હૂતી વિદ્રોહીઓએ દેશના સૌથી મોટા શહેર અને પાટનગર સના પર કબજો કરી લીધો હતો.

હૂતી સામાન્ય રીતે શિયા મુસલમાનોના જાયદી સંપ્રદાયમાંથી આવે છે અને એવું માનવામાં આવે છે કે એમને ઈરાનનું સમર્થન છે.

એમણે જે સુન્ની સરકાર વિરુદ્ધ વિદ્રોહ કર્યો એનું નેતૃત્વ રાષ્ટ્રપતિ અબ્દરબ્બૂ મંસૂર હાદી કરતા હતા. હાદીએ અરબ સ્પ્રિંગ ક્રાંતિ પછી લાંબા અરસાથી સત્તા પર રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહ પાસેથી ફેબ્રુઆરી 2012માં સત્તા પડાવી લીધી હતી.

દેશ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો અને હાદી સ્થિરતા સ્થાપવા માટે ઝઝૂમી રહ્યા હતા. એવા વખતે જ સેનામાં બે ભાગ પડી ગયા અને અલગાવવાદી દક્ષિણમાં સક્રિય થઈ ગયા.

હૂતીઓએ આ ઊથલપાથલનો ફાયદો લીધો અને વધારે વિસ્તારો પર કબજો કરી લીધો. હાદીના એક સંઘીય બંધારણ સાથે સત્તામાં ભાગીદારીની સમજૂતીના પ્રસ્તાવને નકારીને એમણે વધારે મોટી માગણીઓ કરી.

દક્ષિણમાં આઝાદીની માગણી કરનારા અલગાવવાદી દક્ષિણની સત્તાપરિવર્તન પરિષદ (એસટીસી)એ પણ એવું જ કર્યું. હૂતીઓએ હાદીને સાઉદી અરબ ભાગી જવા મજબૂર કરી દીધા, જ્યાં અત્યારે તેઓ રહે છે. તેઓ અત્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત સરકારના પ્રમુખ છે.

સંઘર્ષ દેશના આંતરિક વિદ્રોહથી આગળ વધી ગયો હતો અને હવે 'છદ્મયુદ્ધ'માં બદલાઈ ગયો હતો, જેમાં બહારનાં તત્ત્વો પણ સામેલ હતાં.

માર્ચ 2015માં સાઉદી અરબની આગેવાનીમાં ખાડીના મોટા ભાગના સુન્ની મુસ્લિમ દેશોના પશ્ચિમ સમર્થિત ગઠબંધને દેશ પર ઈરાની અસરને ખતમ કરવાના હેતુથી હૂતીઓ સામે હવાઈ હુમલા શરૂ કરી દીધા.

આ ગઠબંધનને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પાસેથી સૈન્ય અને ગુપ્ત મદદ મળી. એ અલગ વાત છે કે ગયા વરસથી અમેરિકાએ સાઉદી અરેબિયાને શસ્ત્રો વેચવાનું બંધ કરી દીધું છે. દેશના ઘણા ભાગમાં લડાઈ અને હવાઈ હુમલા અત્યારે પણ ચાલુ છે.

line

ભય પમાડે તેવા યમન સંકટના આંકડા

યમનના ત્રણ કરોડ લોકોમાંથી લગભગ 50 લાખ લોકો ભૂખમરાની સ્થિતિની નજીક છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, યમનના ત્રણ કરોડ લોકોમાંથી લગભગ 50 લાખ લોકો ભૂખમરાની સ્થિતિની નજીક છે

યમનમાં છેલ્લાં સાત વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલતા યુદ્ધના સત્તાવાર આંકડા આ મામલાની ગંભીરતાને દર્શાવે છે.

દેશમાં યુદ્ધ કરતાં વધારે તો ભૂખને લીધે મૃત્યુ થઈ રહ્યાં છે. યમનની ત્રણ કરોડની જનસંખ્યાના લગભગ 80 ટકા લોકો જીવન જીવવા માટે કોઈ ને કોઈ મદદ પર આધારિત છે.

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત (યુએનએચસીઆર), માનવીય બાબતોના સમન્વય માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય (યુએનઓસીએચએ), સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (ડબ્લ્યુએફપી) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મેળવેલા આંકડા યમનની ભયાનક સ્થિતિને ઉજાગર કરે છે.

આ આંકડા અનુસાર, 2021ના અંત સુધીમાં દેશમાં ઓછામાં ઓછા 3,77,000 લોકો મૃત્યુ પામ્યાં છે.

છેલ્લાં સાત વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 10,000 કરતાં વધારે બાળકો મૃત્યુ પામ્યાં છે અથવા જખમી થયાં છે. આ યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં ત્યાંથી 40 લાખ કરતાં પણ વધારે લોકો વિસ્થાપિત થઈ ગયા છે.

બીજી તરફ, દેશના ત્રણ કરોડ લોકોમાંથી 1.47 કરોડ લોકોને અત્યારે પેટ ભરવા માટે મદદની જરૂર છે. અનુમાન છે કે આ વર્ષના અંત સુધીમાં આ ગણતરી વધીને 1.9 કરોડને આંબી જશે.

યમનના 50 લાખ લોકો ભૂખમરાની સ્થિતિની નજીક છે, જ્યારે લગભગ 50 હજાર લોકો પહેલાંથી જ ભૂખમરાની હાલતનો સામનો કરે છે.

line

શું આ સંકટનો કોઈ ઉકેલ છે?

હૂતી વિદ્રોહીઓએ યમનના મોટા ભાગના વિસ્તારો પર કબજો કરી લીધો છે અને ત્યાં સાત વર્ષ કરતાં વધારે સમયથી હિંસક લડાઈ ચાલે છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, હૂતી વિદ્રોહીઓએ યમનના મોટા ભાગના વિસ્તારો પર કબજો કરી લીધો છે અને ત્યાં સાત વર્ષ કરતાં વધારે સમયથી હિંસક લડાઈ ચાલે છે

યમનમાં શાંતિ સ્થાપિત કરવાના અત્યાર સુધીના બધા પ્રયત્નો નિષ્ફળ થયા છે પરંતુ સમાધાન શોધવા માટે રાજદ્વારી પ્રયાસો હજુ પણ ચાલુ છે.

અધિકારીઓ અનુસાર, સાઉદી અરેબિયામાંથી કામ કરી રહેલી ખાડી સહયોગ પરિષદ (જીસીસી)નું ચાલુ મહિને હૂતી આંદોલનના નેતાઓ અને યમનનાં અન્ય દળોની એકબીજા સાથે વાટાઘાટ માટે રિયાદમાં બેઠકનું આયોજન કરાયું છે.

આ પ્રકારની નવી પહેલનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વવાળા શાંતિપ્રયાસોને આગળ વધારવાનો છે. આ સંમેલન 29 માર્ચથી 7 એપ્રિલ વચ્ચે થશે.

હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે તેઓ સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધનની સાથે વાટાઘાટનું સ્વાગત કરશે, શરત એટલી કે એનું સ્થળ કોઈ તટસ્થ દેશ હોય. એમની પ્રાથમિકતા યમનનાં બંદરો અને સના વિમાનમથક પર લાદેલા 'મનમાન્યા' પ્રતિબંધો હઠાવવાની છે.

પરંતુ વૉશિંગ્ટનના મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં યમન સંઘર્ષનાં એક વિશ્લેષક નદવા અલ દવસારીને આ વાટાઘાટ સફળ થાય એમ નથી લાગતું. તેમણે જણાવ્યું કે, "મને આશા છે કે એક શાંતિપૂર્ણ ઉકેલ મળશે, પરંતુ મને લાગે છે કે એ ખૂબ ઝડપથી નહીં થાય."

તેમણે કહ્યું કે, "શાંતિ માટે કશી તૈયારી નથી. પક્ષકાર સમાધાન માટે તૈયાર નથી. હૂતી એ વિચારને નહીં છોડે કે એમની પાસે શાસન કરવાનો 'ખુદાઈ હક' છે. અને હાદી આઠ વર્ષથી વિદેશમાં છે. સંઘર્ષને સમાપ્ત કરવામાં એમને રસ નથી. હૂતીઓની જેમ તેઓ પણ નોટો છાપી રહ્યા છે."

દવસારીએ જણાવ્યા અનુસાર, "એવી સ્થિતિમાં તમે શાંતિ સમાધાન કઈ રીતે કરી શકો, જ્યારે બંને પક્ષને કોઈ પણ વસ્તુ કરતાં યુદ્ધથી ફાયદો થતો હોય?"

સાઉદી અરેબિયાએ ગયા વર્ષે માર્ચમાં પણ એક શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં સંયુક્ત રાષ્ટ્રની ઉપસ્થિતિમાં હૂતી અને સરકાર વચ્ચે યુદ્ધવિરામનું સૂચન કરાયું હતું. એ પણ સફળ ના થયું.

2021માં બાઇડન વહીવટીતંત્ર તરફથી યમન માટેની અમેરિકન નીતિ બદલી દેવાયા પછી વૉશિંગ્ટનમાંથી પણ એક પગલું ભરાયું હતું.

એણે ટ્રમ્પ શાસને હૂતીને આપેલું આતંકવાદી જૂથનું લેબલ હઠાવી દીધું અને સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા ચાલી રહેલા "આક્રમક અભિયાન"ને આપેલું પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું.

line

શું બીજા કોઈ ઉપાયની શક્યતા છે?

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે યમનમાં ઘઉંની આયાત પર અસર પડવાની સાથે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે યમનમાં ઘઉંની આયાત પર અસર પડવાની સાથે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે

યમનના લોકો જીવન જીવવા માટે મોટા ભાગે માનવીય મદદ પર નિર્ભર છે. સહાયતા એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રયાસો દાતાઓના બજેટ પર નિર્ભર રહે છે.

પરંતુ દુનિયાભરમાં તેલ અને ખાદ્ય કિંમતોમાં વધારા સાથે મોટા ભાગની એજન્સીઓ પોતાની યોજનાઓ માટે પૂરતાં નાણાં ન મળવાને લીધે ચિંતિત છે.

સંયુક્ત રાષ્ટ્રને વર્ષ 2020માં 3.4 અબજ ડૉલરની જરૂરિયાતની સામે અડધી રકમ જ મળી. ગયા વર્ષે દાતાઓ તરફથી એને 2.3 અબજ ડૉલર મળ્યા હતા. વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (ડબ્લ્યુએફપી)એ પણ યમનને ખાદ્ય સહાય ઓછી કરવા માટે મજબૂર થવું પડ્યું, કેમ કે એને નાણાંની ઘટ પડી હતી.

સંયુક્ત રાષ્ટ્રે 16 માર્ચે યમન તરફ દાતાઓનું ધ્યાન દોરવા માટે વધુ એક પ્રયાસ કર્યો પરંતુ એની આ વિશેષ અપીલ સામે દાતાઓ પાસેથી સંગઠન 1.73 કરોડ લોકોની મદદ માટે માત્ર 1.3 અબજ ડૉલર જ એકત્ર કરી શક્યું. એ સંયુક્ત રાષ્ટ્રના અનુમાનના એક તૃતીયાંશ જેટલી રકમ છે.

વીડિયો કૅપ્શન, શ્રીલંકામાં સામાન્ય લોકો વીજ કાપ અને મોંઘવારીથી પરેશાન

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનો ગુટેરેસે ચેતવ્યા છે કે યુક્રેન સંકટમાં યમનને ભૂલી ન જવું જોઈએ.

બ્રિટન સરકારે ગયા વર્ષે યમનને અપાતી મદદમાં મોટા કાપનું એલાન કર્યું હતું. યમનને કહ્યું કે આ વર્ષે તેઓ 'ઓછામાં ઓછી' 8.7 કરોડ પાઉન્ડ (11.5 કરોડ ડૉલર)ની મદદ કરશે, જે એક વર્ષ પહેલાંની 21.5 કરોડ ડૉલર કરતાં ઘણી ઓછી છે.

ડબ્લ્યુએફપીના કાર્યકારી નિર્દેશક ડેવિડ બેસ્લીએ 16 માર્ચે સંયુક્ત રાષ્ટ્ર સમ્મેલનમાં કહ્યું કે, "સ્થિતિ વિનાશક છે અને હવે અમારી પાસે ધન નથી. અમને યુક્રેનનાં બાળકો પાસેથી ભોજન પડાવીને યમનનાં બાળકોને આપવાનો નિર્ણય કરવા માટે મજબૂર ન કરો."

જરૂરિયાતના સમયે જ નાણાંની અછત હોવી એ આ ચિંતાનું સૌથી મોટું કારણ છે.

ચૅરિટી સંગઠન મુસ્લિમ હૅન્ડ્સના યમનના નિર્દેશક અબ્દુલ રહમાન હુસૈનનું કહેવું છે કે, "યુક્રેન યુદ્ધ નિશ્ચિત રીતે અમારી પરિયોજનાઓ પર અસર કરશે. કદાચ અમારે એમાં કાપ મૂકવો પડે."

તેમણે ચેતવ્યા કે, "અમે યમનમાં દરરોજ 50,000 બ્રેડ વહેંચીએ છીએ. પરંતુ ભાવ બમણો થઈ ગયા પછી આ પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે અમને વધારે નાણાંની જરૂર પડશે, નહીંતર કેટલાંક બ્રેડ કારખાનાં બંધ કરવાં પડશે. યુક્રેનમાં અત્યારે આફત આવી છે, તો દુનિયા યમન જેવા ત્રીજી દુનિયાના દેશો કરતાં યુક્રેન પર વધારે ધ્યાન આપે છે. પરંતુ યમનને તો છેલ્લાં આઠ વર્ષોથી નજરઅંદાજ કરાયો છે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો