એ પાઇલટની કહાણી, જેણે પત્નીને મળવા નૅવીનું પ્લેન ચોર્યું

પાઇલટ

બીબીસીનાં ઍમ્મા જેન કિર્બી બે વર્ષ સુધી સાર્જન્ટ પૉલ મેયરની સ્ટોરી પર કામ કરતાં રહ્યાં હતાં. અમેરિકન મિકેનિકલ મેયરે 1969માં ઇંગ્લૅન્ડમાં આવેલા અમેરિકાના ઍરબેઝ પરથી વિમાન ચોરી લીધું હતું. ઘરની યાદથી વ્યાકુળ પૉલ મેયર વર્જિનિયામાં રહેતાં પોતાનાં પત્નીને મળવા માટે વિમાન ઉઠાવીને ઊડી નીકળ્યા હતા.

આ સ્ટોરી વાંચ્યા પછી થિયો વેન ઍઇક (Theo Van Eijck) નામના અમારા વાચકે અમને જણાવ્યું કે તેમણે પણ સેનામાં નોકરી કરતા હતા ત્યારે વિમાન ચોર્યું હતું.

તેઓ સલામત વિમાન લઈને નીકળી ગયા હતા, જેની સમગ્ર કથા તેમણે જણાવી.

થિયો ફન ઍઇકનું સોમસરેટમાં આવેલું નાનકડું મકાન ચોંકાવે તેવું છે. તેમના બેઠકખંડમાં છતમાંથી સાવરણી પર રમકડાંની ડાકણ લટકતી હતી, ઉપરની છાજલી પર સિરામિકમાંથી બનાવાયેલાં પશુઓ તમારી સાથે તાકી રહ્યા હોય તેવું લાગે, અને બાજુની પાટલીએ તમારી સામે ઘૂરકી રહેલાં બે હાડપિંજર જોવા મળે.

ભૂતકાળની વાત કરે છે પાઇલટ

પાઇલટ

પણ સૌથી ચોંકાવે તેવી વસ્તુ તેમના કૉફી-ટેબલ પર પડી છે. તે છે 1964ના ડચ અખબારોના સમાચારોની કાપલીઓ, જેમાં યુવાન ખલાસીએ વિમાન ચોર્યું એવાં મથાળાં મારેલાં હતાં.

માલ્ટામાં આવેલા હવાઈમથકેથી પ્રોપેલર વિમાન લઈને યુવાન સૈનિક નાસ્યો હતો અને લીબિયાના બેનગાઝી ઊડીને પહોંચ્યો હતો.

"એ હું જ છું!" એમ હસતાંહસતાં ઍઇક કહે છે. 76 વર્ષના ઍઇકના વાળ ધોળા થઈ ગયા છે અને તેઓ કહે છે, "એ ફોટામાં હું જ છું અને ત્યારે હું માત્ર 21 વર્ષનો જ હતો!"

તેમનાં પત્નીએ મને કૉફીનો મગ આપ્યો અને "જોયું ને આ મારો વર" એવો ખાલીખાલી બળાપો કાઢીને પતિની વાત અનુવાદ કરીને મને સમજાવવા લાગ્યાં.

"વાયડો માણસ!" એવી મજાક કરીને તેમની સામે આંગળી ચીંધીને મજાકમાં કહ્યું, "સારું હતું કે હું ત્યારે તેને ઓળખતી નહોતી."

થિયો ફન ઍઇક તે વખતે વિમાન ઉડાડવાનું સપનું જોતા એક યુવાન હતા. તેઓ સાત વર્ષના હતા ત્યારથી વિમાન ઉડાવવાની કલ્પના કરતા હતા.

પણ તેઓ બહુ હોશિયાર નહોતા અને તેમને હતું કે ક્યારેય પોતે ઍરફોર્સમાં પાઇલટ બની શકશે નહીં. તે પછી તેમને જાણવા મળ્યું કે ડચ નૅવીમાં યુવાનોની ભરતી થાય છે.

ટ્રેઇની ઇલેક્ટ્રિશિયન તરીકે ભરતી થયા પછી સારું કામ કરનારાને નૅવીના પાઇલટની તાલીમ માટે અરજી કરવાની છૂટ મળે છે એમ પણ તેમને જાણવા મળ્યું હતું.

19 વર્ષના થનગનતા થિયો ફન ઍઇક લાંબું વિચાર્યા વિના નૅવીમાં આઠ વર્ષ માટે જોડાઈ ગયા.

કૉફી ટેબલ પડેલી એક શ્વેત-શ્યામ તસવીર ઉપાડીને મને બતાવી, જેમાં તેઓ પ્લેનનો કોકપીટમાં બેઠેલા હતા.

મોટી હેલ્મેટમાં તેમનો કિશોર જેવો ચહેરો મેં જોયો તે બહુ ખુશખુશાલ લાગતો હતો. ફોટો પડાવવા અને ઊડવા માટે તત્પર એવા યુવાન તેઓ લાગતા હતા.

ફોટામાં કેટલા ખુશ દેખાવ છો એવું મેં કહ્યું તો બોલ્યા, "અરે, શરૂઆત સારી જ થઈ હતી. મને પાઇલટ સ્કીમ માટે પસંદ કરાયો હતો અને મને મજા પડી ગઈ હતી."

line

40 કલાકની ઉડ્ડયનની તાલીમ લીધી

ટ્રૅકર

તેમણે 40 કલાકની ઉડ્ડયનની તાલીમ લીધી તે પછી એક દિવસ 1964માં યુવાન ઍઇક હૉલેન્ડના પોતાના બૅરેકમાં એક પાર્ટીમાં વધારે પડતું પી ગયા.

તેમના કમાન્ડિંગ ઑફિસર પણ તે પાર્ટીમાં હતા અને તેમને પણ કદાચ બરાબરનો ચડ્યો હતો. તેમણે થિયો ફન ઍઇકને કહ્યું કે (બેલ્જિયન ઍરફોર્સ અને ડચ નૅવી દ્વારા સંયુક્ત રીતે ચાલતો) તાલીમ કાર્યક્રમની ગુણવત્તા વિશે આપણે નિખાલસપણે ચર્ચા કરવી જોઈએ.

ઑફિસરે ઍઇકને કહ્યું કે આ ઑફ-ધ-રેકર્ડ વાતચીત છે માટે ચિંતા ના કરશો અને સાચું બોલજો.

21 વર્ષના યુવાન ઍઇકનું ભોળપણ હજી કદાચ ગયું નહોતું અને તેઓ ઉત્સાહમાં આવીને બધું બોલી ગયા. તેમણે કહ્યું કે તે લોકોને યોગ્ય વિમાન ઉડાવવાની તાલીમ આપવી જોઈએ.

તેમને તાલીમી ટ્વીન એન્જિન પર તાલીમ મળતી હતી, તેના બદલે ગ્રમ્મેન ટ્રેકર સબમરીન ડિસ્ટ્રોયર જેવાં અદલ વિમાન પર તાલીમ આપવી જોઈએ એમ તેમણે કહ્યું. તાલીમ વિના સાવ ભંગાર છે એવું તેમણે કહી નાખ્યું.

આ વાતચીત થઈ તેના પહેલાં સુધી થિયો ફન ઍઇકનો ફ્લાઇંગ રેકર્ડ બહુ સારો હતો, પણ પાર્ટી પછી તેમના રિપોર્ટ કાર્ડમાં ઑરેન્જ રંગની વૉર્નિંગ સાઇન આવી ગઈ. તેનો અર્થ હતો તેમને નાપાસ પણ કરી શકાય.

પોતાને થયેલા અન્યાયથી નારાજ થયેલા ઍઇકે રોષમાં આવીને તાલીમ કાર્યક્રમ બહુ ધીમો ચાલી રહ્યો છે તેવી ટીકા, ઇન્સ્ટ્રક્ટર આવે તે પહેલાં બ્લૅકબોર્ડ પર લખી નાખી. આ અશિસ્ત બદલ તેમણે શનિ-રવિમાં બૅરેકમાં જ કેદની સજા કરવામાં આવી.

જોકે તેમની કોટડી બરાબર બંધ નહોતી તે તેમણે જોયું એટલે ખોલીને બહાર નીકળી ગયા હતા. આ રીતે તેઓ છટક્યા હતા તેનો ખ્યાલ આવ્યો એટલે તેમને હવે પાઇલટ તાલીમ કાર્યક્રમમાંથી જ કાઢી મૂકવામાં આવ્યા.

'મેં કોઈનેય વાત કરી નહોતી'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

થિયો ફન ઍઇકના સુપરવાઇઝરને તેમનો મિજાજ ગમતો હતો. તેમણે સલાહ આપી કે આ અન્યાય સામે તારે ઉપર ફરિયાદ કરવી જોઈએ.

તે માટે તેમણે ફોર્મ પણ આપ્યું, પણ ભૂલમાં તેમણે ખોટું ફૉર્મ આપ્યું હતું. ત્રણ મહિના પછી તેમને ફરિયાદનો જવાબ મળ્યો ત્યારે તેમાં જણાવાયું હતું કે તમે યોગ્ય પ્રોસિજરનું પાલન કર્યું નથી.

આ બાબતમાં હવે કશા પગલાં લેવામાં ઘણું મોડું થઈ ગયું છે એમ જણાવાયું. તેમને જણાવી દેવાયું કે તેમણે તાલીમી પાઇલટ તરીકે હવે કામ કરવાનું નથી અને બાકીનાં છ વર્ષ નૌકાદળમાં ઇલેક્ટ્રિશિયન તરીકે જ કાઢવાના રહેશે.

12 ભાઈબહેનોમાં નવમા નંબરના થિયો ફન ઍઇક કહે છે, "મારું કુટુંબ બહુ મોટું હતું. અમારા માટે સાચું એટલે સાચું અને ખોટું એટલે ખોટું. અને આ વાત બરાબર નહોતી."

વિમાન ઉડાવવાનું પોતાનું સપનું તૂટતું જોઈને હતાશ થયેલા ઍઇકે હવે નૅવીમાંથી છુટ્ટા થઈ જવાની અરજી આપી, પણ તેમની અરજીઓ વારંવાર નકારી દેવાઈ. તેથી હવે પોતાને છુટ્ટા કરી દેવામાં આવે તેવો કોઈક રસ્તો તેઓ વિચારવા લાગ્યા.

તેઓ શરમાતાં-શરમાતાં કહે છે, "મેં કોઈ કરતાં કોઈનેય વાત કરી નહોતી. મેં કોઈને કહ્યું હોત તો શક્ય ન બન્યું હોત."

અખબારોની હેડલાઇન બની ઘટના

ડચ ન્યૂઝપેપર
ઇમેજ કૅપ્શન, ડચ ન્યૂઝપેપર

સાર્જન્ટ પૉલ મેયરની જેમ જ થિયો ફન ઍઇકે વિચાર્યું કે મુક્તિ માટેનો એક જ માર્ગ છે કે વિમાન ચોરી લેવું. તેમણે ગ્રમ્મેન ટ્રૅકર વિમાનની હૅન્ડબુક શોધી કાઢી.

સાથીઓ પીતા હોય કે સૂઈ ગયા હોય ત્યારે છુપાઈને તેઓ હૅન્ડબુકનો અભ્યાસ કરવા લાગ્યા. અનુભવી પાઇલટ્સ સાથે દોસ્તી કરીને તેમની સાથે ઇન્સ્ટ્રુમેન્ટ, એન્જિન સ્ટાર્ટ, ટૅક ઑફ વિશે વાતો કરતા રહ્યા અને જાણતા રહ્યા.

"તે લોકોને કલ્પના નહોતી કે મને કેમ આટલો રસ પડે છે. જોકે હૉલેન્ડથી રૂટ મુશ્કેલ હતો. રાજકીય મુશ્કેલીઓ વચ્ચે હું ઇસ્ટ જર્મનીમાં પહોંચી જવા માગતો નહોતો."

"એક દિવસ માલ્ટામાં બ્રિટિશ નૅવી સાથે બે મહિનાની એક્સસાઇઝ માટે સ્વંયસેવકોની માગણી થઈ. તેથી મને થયું કે માલ્ટાથી ગમે ત્યાં ઊડીને જતું રહેવાશે!"

માલ્ટામાં થિયો ફન ઍઇક ઍરોડ્રોમના ઍવિએશન મિકેનિક્સ સાથે વાતો કરીને તેમને કામ કરતાં જોતો રહ્યા. તેઓ વહેલી સવારે અને સાંજે હજીય તેઓ હૅન્ડબૂકનો બરાબર અભ્યાસ કરી રહ્યા હતા.

જ્યારે પત્નીનો રેડિયો પર સંપર્ક કર્યો

લૉગ બુકમાં મે 1964ની નોંધ કરી હતી.
ઇમેજ કૅપ્શન, લૉગ બુકમાં મે 1964ની નોંધ કરી હતી.

વતન પરત જવાનું હતું તેના છેલ્લા વીકેન્ડમાં ફેરવેલ પાર્ટી યોજાઈ હતી. મિત્રોએ મફતમાં મળેલો દારૂ ભરપૂર પીધો પણ ઍઇક સોબર રહેવાનું જ નક્કી કર્યું હતું.

"ત્યારપછીથી મારી વાત સાર્જન્ટ પૉલ મેયરને મળતી આવે છે," એમ તેઓ કહે છે. "બીજા દિવસે વહેલી સવારે ઉઠ્યો અને બાઇક માગીને રનવે પર પહોંચી ગયો."

"મેયરે ગાર્ડને કહ્યું હતું કે તેમનું નામ કૅપ્ટન ઍસ્પ્સિટન છે, મેં ગાર્ડને કહેલું કે મારું નામ જૅન્સન (ડચમાં તેનો અર્થ સ્મીથ થાય) છે, તેથી તેમને સમજાયું નહીં કે હું કોણ છું. તેમણે મને હૅન્ગરનો દરવાજો ખોલવામાં મદદ પણ કરી!"

ઍઇકે બરાબર પ્લાનિંગ કર્યું હતું. તેમણે ગાર્ડની પિસ્તોલ અને બાઇક લૉક કરવાની કાળજી લીધી હતી અને તેની ઑફિસમાં ફોનનું માઇક્રૉફોન પણ કાઢી નાખ્યું હતું. ગાર્ડ છુટ્ટો થઈ જાય તોય તરત કોઈનો સંપર્ક સાધી શકે નહીં.

તે દિવસો યાદ કરતાં અત્યારે તેમની આંખમાં ચમક આવી જતી હતી.

"એ રીતે મેં એન્જિન ચાલુ કર્યું, રેડિયો ઑન કર્યો અને કંટ્રોલ ટાવરમાંથી મને સવાલો થવા લાગ્યા કે હું કોણ છું, શું કરું છું. પણ મેં જવાબો આપ્યા નહીં અને આગળ વધતો રહ્યો અને એ રીતે..."

પોતાના બે હાથ ભેગા કરીને વિમાન ઊડતું હોય તેવી નિશાની કરીને, જાણે જાદુ કરતાં હોય તેવા ઉત્સાહમાં મને દેખાડતા રહ્યા અને કહેતા રહ્યા, "ને એ રીતે... હું નાસી છૂટ્યો."

તેઓ ડચ નૅવીનું સબમરીન ડિસ્ટ્રોયર વિમાન, જેમાં બે ટૉરપિડો પણ હતા તેની સાથે ઉત્તર અમેરિકા તરફ નીકળી પડ્યા.

થિયો વેન ઍઇક

ઇમેજ સ્રોત, Alamy

"મને ટૉરપિડોને કારણે થોડી ચિંતા હતી" એવું તેઓ કબૂલે છે. "પણ મેં પરવા ના કરી, કેમ કે હું ગમે તેમ કરીને નાસી જવા માગતો હતો. નૅવી મને પકડી શકે તેમ નહોતી."

ફ્યુઅલ બચાવવા માટે તેઓ મેડિટરેયિન સી ઉપર 5000 ફૂટ પર ઊડતા રહ્યા અને તે વખતે સમગ્ર આકાશમાં થિયો ફન ઍઇક સાવ એકલા હતા.

"હું સમજી શકું છું કે સાર્જન્ટ મેયરને કેવું લાગતું હશે," એમ તેઓ કહે છે. "કેમ કે મને પણ એવો જ અનુભવ થયો હતો. બહુ જોરદાર હતું, કેમ કે તમે એ કરી રહ્યા હતા કે કોઈ માને નહીં કે કરી શકાય."

"તમે એકલા આવડા મોટા મશીનમાં હો અને તમને લાગે કે બીજા બધાથી તમે જોરાવર છો. વિશાળ આકાશ વચ્ચે એકલા..."

તેઓ વાત કરતાં અટકી ગયા અને મેં જોયું કે તેઓ રડવા લાગ્યા હતા.

"કોઈ તમારી પાસેથી તે છીનવી શકે નહીં. તે બહુ જોરદાર હતું, અનોખું. આજેય હું તે અનુભવી શકું છું. મને ખાતરી હતી કે હું કરી બતાવીશ."

મેં તેમને યાદ કરાવ્યું કે સાર્જન્ટ મેયર કૉકપીટ બેસીને વિચારી રહ્યા હતા કે હવે ક્યાં જવું અને શું કરવું, ત્યારે તેમણે શાંત દિમાગ રાખવા પત્નીનો રેડિયો પર સંપર્ક કર્યો હતો. મેં પૂછ્યું કે શું તમે અજાણી ભૂમિ તરફ ઊડી નીકળ્યા ત્યારે પોતાના કુટુંબનો વિચાર આવ્યો હતો?

તેઓ શાંત થઈને કહેવા લાગ્યા, "મારી માતાનો. હા, મારી માતાનો. એક અઠવાડિયા પહેલાં જ તેમને મેં ભેટ મોકલી હતી. સિલ્વર ક્રૉસ મોકલ્યો હતો. મારી માતાને ખ્યાલ આવી ગયો હતો કે હું કશુંક કરી નાખવાનો છું."

તેઓ પોતાનાં આંસુને રોકી શકતાં નહોતાં. તેમણે કહ્યું મને કૉફી પી લેવા દો. બારીમાંથી આવતા પવનના કારણે લટકાવેલા ચાઇમ્સમાંથી રણકાર આવતો રહ્યો, જે અમારા મૌનને ભરતો રહ્યો. ટેબલ પર પડેલાં પીળાં પડી ગયેલાં પાનાં પણ ફફડી રહ્યાં હતાં.

21 વર્ષના ઍઇક સાડા પાંચ કલાક સુધી વિમાન ઉડાવતા રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે ક્યાં ઉતરાણ કરવું સલામત રહેશે. ત્રિપોલીમાં હજીય બ્રિટિશ આર્મીની હાજરી હતી તેથી તે બેનગાઝી તરફ વળ્યા જ્યાં બંને બાજુ થોડી ઝૂંપડીઓ વચ્ચે હવાઈપટ્ટી દેખાતી હતી.

હવાઈપટ્ટી પર ઘેટાં ફરી રહ્યાં હતાં એટલે તેમણે બેએક ચક્કર મારીને તેમને અવાજથી ગભરાવીને ત્યાંથી દૂર કરવા પડ્યા હતા. તેઓ ગૌરવ સાથે યાદ કરતાં કહે છે કે તેઓ બહુ સરસ રીતે લૅન્ડિંગ કરી શક્યા હતા.

"મને થયું કે પેલા નૅવીના લોકોને ખબર પડવી જોઈએ કે હું આટલી સરસ રીતે ઉતરાણ કરી શકું તો હું વિમાન ઉડાવી જ શકું!'"

તેમણે ટેબલ પરથી ફ્લાઇટ લૉગ બુક કાઢીને મને બતાવી, જેમાં તેમણે મોટા અક્ષરોમાં મે 1964ની નોંધ કરી હતી.

અને નોંધ્યું હતું કે, "નોટ ટુ બી ટેબલ્ડ!"
ઇમેજ કૅપ્શન, અને નોંધ્યું હતું કે, "નોટ ટુ બી ટેબલ્ડ!"

તેમણે પોતે અપહરણ કરીને લાવેલા વિમાનમાં નોંધ કરી હતી. તેના સામેના પાને કોઈએ જોકે તે ઍન્ટ્રીને નકારી કાઢી હતી અને નોંધ્યું હતું કે, "નોટ ટુ બી ટેબલ્ડ!"

સૌથી મજાની વાત એ હતી કે વિમાન ઊતર્યું તે પછી ઝૂંપડીમાંથી સૌથી પહેલાં દોડીને બહાર આવનાર એક ડચ ઇમિગ્રન્ટ જ હતો. લશ્કરી વિમાન જોઈને તે ચોંક્યો હતો. ઍઇક થાક્યા હતા, પણ પોતાની સમગ્ર કથા સંભળાવી.

તેમને હતું કે ડચભાઈ સહાનુભૂતિ દાખવશે, પણ તેના બદલે તેણે ચેતવણી આપી કે તમે મોટી મુશ્કેલી વહોરી લીધી છે. તેમણે કહ્યું કે તમે યુરોપ પાછા જશો તો જેલમાં જ જશો.

દેશબંધુની સલાહ પ્રમાણે તેઓ લિબિયાની પોલીસ સમક્ષ હાજર થઈ ગયા. તેમને યાદ છે કે ગડગડાડ કરતી હાર્લે ડૅવિડસન બાઇક લઈને પોલીસ રનવે પર આવી પહોંચી હતી. ડચ હાઇજેકરને પકડીને પોલીસ ખુશ થઈ હતી.

પેલા ડચભાઈની સલાહ પ્રમાણે જ તેમણે કહ્યું કે તેઓ યુરોપમાંથી નાસી ગયા, કેમ કે હોમોસેક્સુઆલિટી અને મહિલાઓ વિશેના મુક્ત વિચારોનો તેઓ વિરોધ કરતા હતા. આ રીતે તેમણે રાજકીય આશ્રય માગી લીધો હતો.

ડચ સેનાના અધિકારીઓ તેમને પાછો લઈ જવા અને ખાસ કરીને વિમાન પરત મેળવવા ત્યાં આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમને મળવાનો ઇન્કાર કરી દેતા હતા.

તે બધી ખેંચતાણ કેવી ચાલી હતી તે યાદ કરીને આજેય તેઓ હસી પડે છે. તેમને કદાચ હજીય એ વાતની ખુશી છે કે પોતાનું સપનું છીનવીને અન્યાય કરનારા સત્તાધીશોને તેમણે બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

ડચ ઍમ્બૅસૅડર સાથે અઠવાડિયા સુધી વાતચીત પછી ઍઇક એક સમાધાન માટે તૈયાર થયા.

તેમણે નૅધરલૅન્ડ પાછા આવવું, સેનામાંથી નાસી જવા બદલ એક વર્ષ કેદમાં રહેવું અને તે પછી તેમને સન્માન સાથે નૌકાદળમાંથી મુક્તિ આપવી.

કેટલાક ન્યૂઝપેપર કટિંગમાં થિયો ફન ઍઇક નૌકાદળના મસ્ત યુનિફોર્મમાં નૅધરલૅન્ડની અદાલતની બહાર ઊભેલા દેખાય છે.

કપાળે નીચે સુધી ખલાસીની કેપ પહેરેલા ઍઇકની તસવીર જોઈને તેઓ સન્માનીય નૌકાસિપાહી લાગે, પણ ધ્યાનપૂર્વક તસવીર જોશો તો તેની આંખમાં તમને ખુમારીની ચમક લાગશે અને હોઠ કટાક્ષ કરતાં હોય તેવા વંકાયેલા.

થિયો ફન ઍઇક

ઇમેજ સ્રોત, ANP

ઇમેજ કૅપ્શન, થિયો વેન ઍઇક સાત વર્ષના હતા ત્યારથી વિમાન ઉડાવવાની કલ્પના કરતા હતા.

તેઓ કહે છે, "આખરે મેં મારું ધાર્યું કર્યું! હું નક્કામા નૌકાદળમાંથી નીકળી જવા માગતો હતો અને મેં તે કરી બતાવ્યું. મને તેનો કોઈ અફસોસ નથી."

ફ્લાઇટ લૉગ બુકનાં બીજાં પાનાંઓ જોશો તો તેમાં તમને વધુ ઉડ્ડયનની નોંધ પણ જોવા મળશે. હૉલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં તેમણે કરેલા ઉડ્ડયનની વિગતો ખીચોખીચ લખેલી છે.

તેઓ ઘણાં વર્ષો દક્ષિણ આફ્રિકામાં પણ રહ્યા હતા. જોકે ત્યાં તેમણે લાઇસન્સ સાથે વિમાનો ઉડાવ્યાં હતાં અને ઉડ્ડયન કાયદેસર હતાં. કેદમાંથી છૂટ્યા પછી તેઓ સત્તાવાર રીતે પાઇલટ બન્યા હતા.

તેઓ ખભા ઉછાળીને કહે છે, "હું એ જ ઇચ્છતો હતો. હું વિમાન ઉડાવવા માગતો હતો."

તેમણે મને હવે સાર્જન્ટ મેયરની સ્ટોરી મેં કરી હતી તેની વાતો કરી. તેમનું વિમાન કઈ રીતે ચેનલમાં તૂટી પડ્યું હતું વગેરે. તેમનું કહેવું હતું કે કદાચ તેમને એટલો અનુભવ નહોતો.

તેમની પાછળ પડેલા બ્રિટિશ, અમેરિકન કે ફ્રેન્ચ ફાઇટરે તેમનું વિમાન તોડી પાડ્યું હોય, તેના બદલે તેમની પોતાની ભૂલથી તૂટી પડ્યું હશે એમ તેમને લાગે છે.

તેઓ કહે છે, "તમે જુઓ કે મારી પાછળ પણ ત્રણ વિમાનો મોકલ્યાં હતાં."

"પણ તેઓ ખોટી દિશામાં ગયા હતા એટલે તેઓ મને શોધી શક્યા નહીં. બાદમાં મેં તેના પાઇલટો સાથે વાત કરી હતી. તેમનું કહેવું હતું કે મારી સાથે વાત કરીને માત્ર મને પાછો લાવવા સમજાવાનો જ હતો. મારું વિમાન તોડી પાડવાનું નહોતું. બીજું મારી પાસે બે ટૉરપિડો પણ હતા જ."

તેમને ડચ પાઇલટ તરીકેની ટ્રેનિંગમાંથી હઠાવી દેવાયા તે પહેલાં લીધેલી, કૉકપીટમાં હેલ્મેટ સાથેની તસવીર તેમણે ઉપાડી અને મને બતાવી.

"મેં શું વિચાર્યું હતું એવું તમે મને હવે પૂછો તો હું જ કહું કે આવું ગાંડા જેવું તે કેમ વિચાર્યું હતું?'"

પોતાના સફેદ વાળમાં હાથ ફેરવતા તેઓ કહે છે, "આજેય ક્યારેક મને વિશ્વાસ બેસતો નથી કે મેં શું કરી નાખ્યું હતું!"

ફરીથી જોરથી પવન આવ્યો અને ચાઇમ્સ વધારે જોરથી રણકી ઊઠી. થિયો ફન ઍઇકે મારી સાથે હસ્તધૂનન કર્યું અને મોટી નચાવતી આંખે મારી સામે જોઈને બોલ્યા,

"પણ હતું બહુ જોરદાર! બાપ રે, બહુ જોરદાર હતું!"

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો