કાસિમ સુલેમાની : અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાની કમાન્ડર જનરલનું મૃત્યુ

ઈરાનની કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની બગદાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર હવાઈ હુમલામાં માર્યા ગયા છે.

આ હુમલાની જવાબદારી અમેરિકાએ લીધી છે.

હુમલામાં કતાઇબ હિઝબુલ્લાહના કમાન્ડર અબુ મહદી અલ-મુહાંદિસ પણ માર્યા ગયા છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગ તરફથી કહેવાયું કે "અમેરિકાના રાષ્ટ્રપતિના નિર્દેશ પર વિદેશમાં રહેતા અમેરિકાના સૈન્યકર્મીઓની રક્ષા માટે કાસિમ સુલેમાનીને મારવાનું પગલું ભરવું પડ્યું છે. અમેરિકાએ તેમને આતંકવાદી જાહેર કર્યા હતા."

આ નિવેદનમાં કહેવામાં આવ્યું કે "સુલેમાની ગત 27 ડિસેમ્બર સહિત ઘણા મહિનાઓથી ઇરાકસ્થિત અમેરિકાનાં સૈન્ય ઠેકાણાંઓ પર હુમલાને અંજામ આપવામાં સામેલ હતા. આ સિવાય ગત અઠવાડિયે અમેરિકાના દૂતાવાસ પર થયેલા હુમલામાં તેઓએ તેમની સ્વીકૃતિ આપી હતી."

નિવેદનમાં અંતે કહેવાયું કે "આ હવાઈ હુમલો ભવિષ્યમાં ઈરાની હુમલાની યોજનાઓને રોકવાના હેતુથી કરવામાં આવ્યો હતો. અમેરિકા ગમે ત્યાં હોય, તે પોતાના નાગરિકોની સુરક્ષા માટે જરૂરી તમામ કાર્યવાહી ચાલુ રાખશે."

તેમનું મૃત્યુ મધ્ય-પૂર્વ સાથે જોડાયેલી બાબતોમાં એક મોટી ઘટના માનવામાં આવે છે અને એવી પણ આશંકા છે કે ઈરાન અને તેમની સમર્થિત મિડલ ઇસ્ટ તાકતો હવે ઇઝરાયલ અને અમેરિકા સામે જોરદાર જવાબી કાર્યવાહી કરશે.

ગત રવિવારે જ અમેરિકાએ પૂર્વી સીરિયા અને પશ્ચિમ ઇરાકમાં આવેલા કતાઇબ હિઝબુલ્લાહ સંગઠનનાં ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં હતાં. આ હુમલામાં ઓછામાં ઓછા 25 લડાકુઓ માર્યા ગયા હતા.

બાદમાં સોમવારે ઇરાકી વડા પ્રધાન આદિલ અબ્દુલ મહદીએ કહ્યું હતું કે અમેરિકાનો હવાઈ હુમલો તેમના દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે અને હવે તેઓ અમેરિકા સાથેના પોતાના સંબંધોની સમીક્ષા કરશે.

તો કતાઇબ હિઝબુલ્લાહના કમાન્ડર અબુ મહદી અલ-મુહાંદિસે પણ કહ્યું હતું કે તેઓ ઇરાકમાં સ્થિત અમેરિકનદળોને જડબાતોડ જવાબ આપશે.

આ બાદ મંગળવારે બગદાદસ્થિત અમેરિકન દૂતાવાસ પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું.

સુલેમાનીને પશ્ચિમ એશિયામાં ઈરાની ગતિવિધિઓ ચલાવનારા મુખ્ય રણનીતિકાર માનવામાં આવે છે.

કુદ્સ સેના

કુદ્સ ફોર્સ ઈરાનની રિવૉલ્યુશનરી ગાર્ડ્સની એક શાખા છે, જે દેશની બહાર અભિયાનોને પાર પાડે છે. અને તેના પ્રમુખ તરીકે મેજર જનરલ કાસિમ સુલેમાની સીધી રીતે દેશના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનેઈ પરત્વે જવાબદાર હતા.

2003માં અમેરિકાના નેતૃત્વમાં થયેલા સૈન્ય હુમલાઓમાં ઇરાકમાં સદ્દામ હુસૈનની સત્તા ખતમ થઈ ગઈ. બાદમાં મધ્ય-પૂર્વમાં કુદ્સ સેનાએ પોતાનું અભિયાન તેજ કર્યું હતું.

ઈરાનનું સમર્થન કરનારા અન્ય દેશોનાં સરકારવિરોધી દળોએ કુદ્સને હથિયાર, પૈસા અને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું.

સાથે જ તેઓએ યુદ્ધની બિનપરંપરાગત રીતો અપનાવી જેનું પરિણામ એ આવ્યું કે પારંપરિક હથિયારો પર નિર્ભર તેમના વિરોધીઓ પર ઈરાન હાવી થઈ ગયું.

આ તકનીકોમાં સ્વાર્મ તકનીક (મોટી સૈન્યટુકડી સાથે અલગઅલગ જગ્યાએથી લડવું), ડ્રોનનો ઉપયોગ અને સાયબર હુમલા મહત્ત્વપૂર્ણ છે.

આ વર્ષે એપ્રિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન રિવૉલ્યુશનરી ગાર્ડ્સ સમેત કુદ્સ ફોર્સને "વિદેશી આતંકવાદી સંગઠન" જાહેર કર્યું હતું.

પહેલી વાર અમેરિકાએ કોઈ અન્ય સરકાર સાથે જોડાયેલા એક સંગઠનને ચરમપંથી ગણાવ્યું હતું.

અમેરિકાએ આ નિર્ણય પર ઈરાનને વાતવાતમાં એમ કહેતા પ્રતિક્રિયા આપી હતી કે ખાડી ક્ષેત્રોમાં "અમેરિકન સેના ખુદ આતંકવાદી જૂથથી કમ નથી."

2001થી 2006 વચ્ચે બ્રિટનના વિદેશમંત્રી રહી ચૂકેલા જૈક સ્ટ્રૉએ ઘણી વાર ઈરાનની મુલાકાત લીધી અને તેમનું માનવું હતું કે જનરલ કાસિમ સુલેમાનીની ભૂમિકા એક સૈન્ય કમાન્ડરથી ઘણી વધુ છે.

તેમનું કહેવું હતું કે "સેનાની તાકત સાથે સુલેમાની મિત્રદેશો માટે ઈરાનની વિદેશ નીતિ ચલાવી રહ્યા છે."

કતાઇબ હિઝબુલ્લાહ અમેરિકાના નિશાને કેમ?

અમેરિકાનું કહેવું છે કે હિઝબુલ્લાહ ઇરાકમાં તેમનાં સૈન્ય ઠેકાણાંઓ પર સતત હુમલા કરતું રહે છે.

2009થી જ અમેરિકાએ કતાઇબ હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. તેના કમાન્ડર અબુ મહદી અલ-મુહાંદિસને વૈશ્વિક આતંકવાદી પણ જાહેર કર્યા હતા.

અમેરિકાનું કહેવું છે કે આ સંગઠન ઇરાકની સ્થિરતા અને શાંતિ માટે ખતરો છે.

અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે કતાઇબ હિઝબુલ્લાહનો સંબંધ ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશન ગાર્ડ્સ કોર એટલે કે આઈઆરજીસીના વૈશ્વિક ઑપરેશન આર્મ કુદ્સ ફોર્સ સાથે છે અને તેને ઈરાન તરફથી ઘણી મદદ મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો