વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીના ભવ્ય પ્રદર્શન અંગે પત્ની હસીન જહાં શું બોલ્યાં?

ઇમેજ સ્રોત, Twitter
- લેેખક, અભિમન્યુ કુમાર સાહા
- પદ, બીબીસી સંવાદદાતા
વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતે સુંદર પ્રદર્શન કર્યું છે. દરેક મૅચ બાદ વિરાટ કોહલી સમગ્ર ટીમને શ્રેય આપે છે, પરંતુ ગત બે મૅચ દરમિયાન એક ખેલાડીના પ્રદર્શને દર્શકોનાં દિલ જીતી લીધાં છે, આ ખેલાડી એટલે મોહમ્મદ શમી.
અફઘાનિસ્તાન સામેની મૅચ છેક છેલ્લી ઓવર સુધી લંબાઈ ગઈ હતી, પરંતુ મોહમ્મદ શમી તારણહાર બનીને આવ્યા અને અંતિમ ઓવરમાં હેટ-ટ્રિક લઈને ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો.
આ સિવાય વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ચાર વિકેટ ખેરવી હતી. આમ છતાંય બંને વખતે તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ મળ્યો ન હતો.
વર્લ્ડ કપમાં ભારત છ મૅચ રમ્યું, તેમાંથી ચાર મૅચમાં શમીનો ટીમમાં સમાવેશ થયો ન હતો. ભુવનેશ્વરને ઈજા થતા શમીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું.
શમીએ આ તકને ઝડપી લીધી. તેમની ઍવરેજ વર્લ્ડ કપ રમી રહેલા બૉલર્સની સરેરાશ કરતાં સારી છે.

પત્ની હસીન જહાંની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
બે મૅચ બાદ શમી સોશિયલ મીડિયા ઉપર 'હીરો' બની ગયેલા શમીનાં પત્ની હસીન જહાંના કહેવા પ્રમાણે, ખેલાડી તરીકે શમી ઉપર તેમને 'ગર્વ' છે.
હસીન જહાંએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું: "વ્યક્તિ તરીકે શમી પ્રત્યે મને કોઈ ગર્વ નથી, પરંતુ જો તેઓ ભારતીય તરીકે દેશનું નામ રોશન કરી રહ્યા હોય તો એક ભારતીય હોવાને કારણે મને તેમના પ્રત્યે ગર્વ છે."
હસીન જહાંએ મોહમ્મદ શમી ઉપર અનેક આરોપ મૂક્યા છે અને આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, જેના કારણે તેમના લગ્નસંબંધ પણ વિવાદમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હસીન માને છે કે વિન્ડીઝ સામેની મૅચમાં શમીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો પુરસ્કાર મળવો જોઈતો હતો.
હસીન જહાંના કહેવા પ્રમાણે, "શમી ટીમના પ્લેયર છે અને સારું રમી રહ્યા છે, તે સારી બાબત છે."
"ચાર વિકેટ લીધી છતાંય તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ કેમ ન અપાયો?"
હસીન જહાં શમીની પર્સનલ તથા પ્રોફેશનલ કૅરિયરને અલગ-અલગ રીતે જુએ છે.
હસીન જહાં કહે છે, "તેમની કૅરિયર અલગ બાબત છે અને મારી લડાઈ અલગ મુદ્દો છે."
"તેમણે મારો ઘરસંસાર તોડ્યો છે. તેઓ કૅરિયરમાં જે કંઈ કરે તેની સાથે મારે કોઈ લેવા-દેવા નથી."

વિવાદોમાં વિવાદ

ઇમેજ સ્રોત, Twitter/Getty Images
વર્ષ 2018 પહેલાં ક્રિકેટક્ષેત્રે શમીની સફળતામાં તેમની ઈજા સૌથી મોટી અડચણ હતી. શમી માંડ-માંડ ફૉર્મ પરત મેળવી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમની પર્સનલ જિંદગીમાં હલચલ થઈ.
માર્ચ, 2018માં મોહમ્મદ શમીનાં પત્ની હસીન જહાંએ તેમના પતિ વિરુદ્ધ કોલકત્તા પોલીસ સમક્ષ ઘરેલું હિંસા, બળાત્કાર તથા હત્યાનો પ્રયાસના આરોપ મૂક્યા અને એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવી.
શમીએ એક ટ્વીટ કરીને આ આરોપોને નકારી કાઢ્યા હતા, તેમણે લખ્યું, "મારા વિશે જે કોઈ સમાચાર આવી રહ્યાં છે, તે તમામ ખોટાં છે."
"આ એક કાવતરું છે, જેથી કરીને મને બદનામ કરી શકાય તથા મારી ગૅમ ખોરવી શકાય."

પત્ની દ્વારા મૅચ ફિક્સિંગના આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
મોહમ્મદ શમીનાં પત્ની હસીને તેમની ઉપર મૅચ ફિક્સિંગના આરોપ મૂક્યા હતા, જેના પગલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમની સાથે કરાર ન કર્યા અને તેમની સામે તપાસ શરૂ થઈ.
BCCIની ઍન્ટિ-કરપ્શન યુનિટને શમી સામે કોઈ પુરાવા ન મળતા તેની સાથે કરાર કર્યા હતા.
હસીન કહે છે કે દુનિયા માટે શમી 'હીરો' હશે, પરંતુ તેમના માટે 'ખોટા' છે.
ભારે નારાજગી સાથે હસીન જહાં કહે છે, "જ્યાર સુધી જીવિત છું (શમી વિરુદ્ધ) લડતી રહીશ, એવા પ્રયાસ કરીશ કે તેમને સુધારીને ફરી તેમની સાથે ઘર વસાવું."

એક સમય હતો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વિવાદ પહેલાં શમી, હસીન જહાં તથા તેમની પુત્રી એક સુંદર પરિવાર તરીકે નજરે પડતાં હતાં.
શમી તેમનાં પત્ની અને પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ શૅર કરતાં હતાં.
એક વખત હસીન જહાંના વસ્ત્રો મુદ્દે સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થયા ત્યારે મોહમ્મદ શમીએ તેમનો બચાવ કર્યો હતો.
શમી દાંપત્ય જીવનમાં વિવાદ મુદ્દે હંમેશાં ખુદને નિર્દોષ જણાવતા રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












