ક્રિકેટ વર્લ્ડ કપ : એ ક્રિકેટર જેણે એક જ ઇનિંગ્સમાં 17 સિક્સ ફટકારી બનાવ્યો વિશ્વ રેકૉર્ડ

ઇંગ્લૅન્ડે અફઘાનિસ્તાનને હરાવીને સેમીફાઇનલમાં લગભગ સ્થાન નિશ્ચિત કરી લીધું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડે અફઘાનિસ્તાનને હરાવીને સેમીફાઇનલમાં લગભગ સ્થાન નિશ્ચિત કરી લીધું છે

આમ તો કૅપ્ટન ઓઇન મોર્ગને ઝંઝાવાતી સદી ફટકારીને મૅચ એકતરફી બનાવી દીધી હતી જેની ઉપર જોફરા આર્ચર અને આદિલ રશીદે ઉપરા-ઉપરી વિકેટો ખેરવીને વિજયની મહોર મારી દીધી હતી.

મંગળવારે માન્ચેસ્ટરમાં રમાયેલી આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની લીગ મૅચમાં અફઘાનિસ્તાન સામે 150 રનથી વિશાળ વિજય હાંસલ કરીને યજમાન ઇંગ્લૅન્ડે આ ટુર્નામેન્ટમાં પોતાની અવિરત આગેકૂચ જારી રાખી છે.

આ સાથે જ ઇંગ્લૅન્ડે સેમિફાઇનલમાં પોતાનો પ્રવેશ લગભગ નિશ્ચિત કરી દીધો હતો. ઇંગ્લૅન્ડ પૉઇન્ટ ટેબલમાં પણ મોખરે પહોંચી ગયું હતું.

ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે હજી બે દિવસ અગાઉ ભારતીય ટીમે પાકિસ્તાન સામે વિજય હાંસલ કર્યો હતો.

ભારતે પણ જંગી સ્કોર નોંધાવ્યો હતો પરંતુ તેની સ્ટાઇલમાં જે કમી હતી તે મંગળવારે ઇંગ્લૅન્ડે પૂરી કરી હતી.

ભારતને ફોર્મવિહોણું પાકિસ્તાન મળ્યું હતું તો ઇંગ્લૅન્ડને પ્રમાણમાં નબળી એવી અફઘાનિસ્તાનની ટીમ મળી હતી પરંતુ બંનેના વિજયની તીવ્રતા એકસમાન હતી.

ઇંગ્લૅન્ડે ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં 50 ઓવરમાં છ વિકેટે 397 રનનો સ્કોર ખડકી દીધો હતો.

અફઘાનિસ્તાને થોડો પ્રતિકાર કર્યો હતો પરંતુ પહાડસમાન ટાર્ગેટ સામે તેઓ માંડ 247 રન કરી શક્યા હતા.

line

મોર્ગનની 17 સિક્સર

મોર્ગને 71 બોલમાં 17 સિક્સર સાથે 148 રન ફટકાર્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોર્ગને 71 બોલમાં 17 સિક્સર સાથે 148 રન ફટકાર્યા હતા

મૅચનું આકર્ષણ ઇંગ્લૅન્ડનો કેપ્ટન ઓઇન મોર્ગન રહ્યો હતો જેણે વર્લ્ડ કપના ઇતિહાસની ચોથી સૌથી ઝડપી સદી નોંધાવતાં 71 બોલમાં 17 સિક્સર સાથે 148 રન ફટકાર્યા હતા.

398 રનના વિશાળ લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાની ટીમે મક્કમ બૅટિંગ કરી હતી પરંતુ તે એક પણ સમયે વિજય નોંધાવવાની સ્થિતિમાં આવ્યું ન હતું.

હશમતુલ્લાહ શાહિદીએ 100 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી 76 રનની ઇનિંગ્સ રમી હતી.

જ્યારે રહેમત શાહે 46 અને અસગર અફઘાને 44 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત સુકાની ગુલબદિન નાયબે 37 રન નોંધાવ્યા હતા. ઇંગ્લૅન્ડ માટે આદિલ રશિદ અને જોફરા આર્ચરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે માર્ક વૂડને બે વિકેટ મળી હતી.

અગાઉ ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનોએ અફલાતૂન બૅટિંગ કરી હતી અને અફઘાનિસ્તાની બૉલર્સની મન મૂકીને ધોલાઈ કરી હતી.

અફઘાનિસ્તાનું બૉલિંગ પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હતું. તેનો સ્ટાર સ્પિનર રશિદ ખાન સૌથી મોંઘો સાબિત થયો હતો.

line

રશિદ ખાન વર્લ્ડ કપમાં સૌથી વધારે રન આપનાર બૉલર

આઈપીએલમાં સારું પ્રદર્શન કરનારા રાશિદ ખાને સૌથી વધારે રન આપ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈપીએલમાં સારું પ્રદર્શન કરનારા રાશિદ ખાને સૌથી વધારે રન આપ્યા

ઓઇન મોર્ગને તોફાની બૅટિંગ કરીને 57 બૉલમાં 100 રન પૂરા કરીને વર્લ્ડ કપની ચોથી ઝડપી સદી ફટકારી હતી. તેણે જો રૂટ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 189 રનની જંગી ભાગીદારી પણ નોંધાવી હતી.

મોર્ગને 71 બૉલમાં ચાર બાઉન્ડ્રી અને રેકૉર્ડ 17 સિક્સર ફટકારીને 148 રન ફટકાર્યા હતા. મોર્ગન વન-ડેમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનારો બૅટ્સમૅન બની ગયો છે.

મોર્ગન ઉપરાંત બેરસ્ટો અને રૂટે પણ તાબડતોબ બૅટિંગ કરી હતી.

જોકે, બેરસ્ટો 10 રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો. તેણે અને રૂટે મળીને બીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી નોંધાવી હતી.

રૂટ પણ 12 રન માટે સદી ચૂકી ગયો હતો. બેરસ્ટોએ 99 બૉલમાં આક્રમક 90 રન ફટકાર્યા હતા જેમાં આઠ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સામેલ હતી.

જ્યારે રૂટે 82 બૉલમાં પાંચ બાઉન્ડ્રી અને એક સિક્સરની મદદથી 88 રનની ઇનિંગ્સ રમી હતી.

રશિદ ખાને નવ ઓવરમાં 110 રન આપ્યા હતા અને તે વર્લ્ડ કપમાં એક મૅચમાં સૌથી વધુ રન આપનારો બૉલર બન્યો હતો. અફઘાનિસ્તાન માટે દાવલત ઝાદરાન અને ગુલબદિન નાયબે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

સિક્સર
ગ્રાફિક્સ
સિક્સર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો