બાળકને જન્મ આપ્યાના અડધા કલાકમાં માતાએ હૉસ્પિટલમાં પથારી પર પરીક્ષા આપી

આપણે એવા ઘણા કિસ્સા જોયા છે, જ્યારે લગ્ન મંડપમાં પહોંચતા પહેલાં કન્યા કોઈ પરીક્ષા આપવા કે મત આપવા પહોંચી હોય. પરંતુ આ કિસ્સામાં એવું થયું છે કે એક માતાએ પોતાના બાળકને જન્મ આપ્યાની 30 જ મિનિટમાં હૉસ્પિટલમાં પથારી પર જ પરીક્ષા આપી.

પશ્ચિમ ઇથોપિયાના મેટુનાં 21 વર્ષનાં અલમાઝ દિરીસે એવું વિચાર્યું હતું કે તેમની સેકંડરી સ્કૂલની પરીક્ષા તેમના બાળકના જન્મ પહેલાં જ આવી જશે. પરંતુ રમજાન મહિનાને કારણે તેમની પરીક્ષા પાછળ ગઈ.

તેમની પ્રથમ પરીક્ષાના દિવસે સોમવારે જ તેમણે એક દવાખાનામાં બાળકને જન્મ આપ્યો.

અલમાઝ કહે છે, "તેઓ ગર્ભવતી હતાં, ત્યારે વાંચવામાં કોઈ તકલીફ પડી નથી કારણ કે તેઓ ગ્રૅજ્યુએટ થવામાં વધુ એક વર્ષ રાહ જોવા નહોતા માગતા."

તેમણે સોમવારે દવાખાનામાંથી પોતાની અંગ્રેજી, અમ્હેરિક અને ગણિતની પરિક્ષા આપી.

બાકીનાં વિષયોની પરિક્ષા તેઓ આગામી બે દિવસોમાં આપશે.

પ્રસૂતિની પીડા

અલમાસે બીબીસીને કહ્યું, "હું પરીક્ષા આપવાની ઉતાવળમાં હતી, તેથી મારા માટે પ્રસૂતિની પીડા બહુ મુશ્કેલ નહોતી."

તેમના પતિ ટૅડેસી તુલુએ જણાવ્યું કે તેમને શાળાને મનાવવા થોડા પ્રયત્ન કરવા પડ્યા કે અલમાઝ હૉસ્પિટલમાં પરીક્ષા આપવા દે.

ઇથોપિયામાં છોકરીઓ માધ્યમિક શાળાનો અભ્યાસા છોડી દે અને પછી પાછળથી અભ્યાસ પૂરો કરે તે સામાન્ય બાબત છે.

અલમાઝને હવે બે વર્ષનો અભ્યાસક્રમ કરવો છે, જેની મદદથી તેઓ યુનિવર્સિટીનું શિક્ષણ મેળવી શકશે.

તેમણે કહ્યું કે તેમનું બાળક સ્વસ્થ છે અને પરિક્ષા આપી શક્યા તે બાબતથી તેઓ ખુશ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો