ICC World Cup : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રનઆઉટનો રોમાંચક ઇતિહાસ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે વર્લ્ડ કપની મૅચ રમાશે અને એ સાથે જ ટીમ કોહલીના વિશ્વ કપ અભિયાનનો પ્રારંભ થશે.

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં તમામ દેશ સામે જીતી હતી પરંતુ 2015ના વર્લ્ડ કપ સુધી તે સાઉથ આફ્રિકા સામે ક્યારેય જીતી શકી ન હતી.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 1992થી 2015 સુધીમાં ત્રણ મૅચ રમાઈ હતી અને એ તમામમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો હતો.

જોકે, 2015માં ભારતે સાટું વાળી દીધું. મજાની વાત તો એ રહી કે અગાઉ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે જેટલા પણ રન કરે તેઓ રન ચેઝ કરી લેતા હતા.

ભારતે 180 રન કર્યા તો સાઉથ આફ્રિકાએ ચાર વિકેટે વટાવી દીધા, 2011માં ભારતે નાગપુરમાં 296 રનનો ટાર્ગેટ આપ્યો તો પણ સાઉથ આફ્રિકાએ વટાવી દીધો હતો.

પરંતુ મેલબૉર્નમાં 2015ની 22મી ફેબ્રુઆરીએ ભારતે 307 રન ફટકાર્યા હતા અને આ વખતે રવિચંદ્રન અશ્વિનની વેધક બોલિંગ સામે તેઓ 130 રનથી હારી ગયા.

જોકે વાત કાંઇક અલગ જ કરવાની છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વર્લ્ડ કપની ત્રણ મૅચ એવી છે જેમાં સર્વોચ્ચ સ્કોર નોંધાવનારો બૅટ્સમૅન રનઆઉટ થયો છે તો એક મૅચમાં તો બે ખેલાડી 90નો આંક વટાવી ગયા અને અંતે રનઆઉટ થયા.

આમ આ વખતે મોખરાના બૅટ્સમૅને સાવચેતી એ રાખવાની છે કે તે સ્કોર ગમે તે કરે પણ સિંગલ લેવામાં ધ્યાન રાખે નહીં તો બંને દેશનો ઇતિહાસ એમ કહે છે કે રનઆઉટ થવાની તક વધારે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇતિહાસ શું કહે છે?

1999ની 15મી મેએ ઇંગ્લૅન્ડના હોવ ખાતે ઓપનર સૌરવ ગાંગુલીએ 97 રન ફટકાર્યા હતા અને તે સદીની નજીક હતો ત્યારે જોન્ટી રોડ્ઝ અને જેક્સ કાલિસે મળીને તેને રનઆઉટ કર્યો હતો.

આમ ગાંગુલી સદી ચૂકી ગયા હતા. હવે વારો હતો સાઉથ આફ્રિકાનો.

કાલિસે ફિલ્ડિંગ કરીને ગાંગુલીને રનઆઉટ કરાવ્યા ત્યાર બાદ તેઓ બૅટિંગમાં આવ્યા અને 96 રનના સ્કોરે રમી રહ્યા હતા ત્યારે ભારતના બે શ્રેષ્ઠ બૉલર વેંકટેશ પ્રસાદ અને જવાગલ શ્રીનાથે મળીને કાલિસને રનઆઉટ કરાવ્યો હતો.

યોગાનુયોગ તો એ હતો કે ગાંગુલીને રનઆઉટ કરાવવામાં જોન્ટી રોડ્ઝની મદદ લેનારા કાલિસ આ વખતે જોન્ટીની ભૂલને કારણે રનઆઉટ થયા હતા.

જેક્સ કાલિસની કમનસીબીનો અહીં અંત આવ્યો ન હતો કેમ કે ત્યાર પછી 2011ના વર્લ્ડ કપમાં નાગપુર ખાતે તે સાઉથ આફ્રિકા વિજયની નજીક પહોંચી રહ્યું હતું ત્યારે કાલિસ સર્વોચ્ચ સ્કોર નોંધાવનારા બૅટ્સમૅન બન્યા હતા.

તેમણે ટીમના 300 રનના સ્કોરમાં 69 રન ફટકાર્યા હતા પરંતુ આ તબક્કે હરભજનની બૉલિંગમાં ધોનીએ તેમને રનઆઉટ કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો