મોદી વારાણસી બેઠક પરથી જ લડશે, 26 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે : અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી જ લડશે.

તેમણે એમ પણ કહ્યુ કે નરેન્દ્ર મોદી 26 એપ્રિલના રોજ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરશે. આ અગાઉ તેઓ 25 એપ્રિલે વારાણસીમાં રોડ શોમાં પણ હાજરી આપશે.

વારાણસીમાં નરેન્દ્ર મોદીની ઉમેદવારી વખતે સુખબીર સિંહ બાદલ, નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે અને એનડીએના ઉમેદવારો હાજર રહેશે એમ પણ અમિત શાહે જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ગુનાહિત અવમાનનાની નોટિસ ફટકારી

રફાલ મામલે સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને અપરાધિક અવમાનનાની નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 30 એપ્રિલે હાથ ધરાશે.

રાહુલ ગાંધી તરફથી સંતોષજનક જવાબ ન મળતા સુપ્રીમ કોર્ટે સંબંધિત નોટિસ ફટકારી છે. રફાલ મામલે કૉંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ ભાજપનાં સાંસદ મીનાક્ષી દ્વારા દાખલ કરાયેલી અવમાનનાની અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

રાહુલ ગાંધી તરફથી અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે 18 મહિનાથી અભિયાન ચાલી રહ્યું છે અને 'કૉંગ્રેસ આ વાત પર હજુ પણ કાયમ છે કે ચોકીદાર ચોર છે.'

સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશે મીનાક્ષી લેખીના વકીલને કહ્યું કે રાહુલ ગાંધીના સોગંદનામા પર તેઓ પોતાનો જવાબ દાખલ કરે. મીનાક્ષી લેખી તરફથી મુકુલ રોહતગીએ કહ્યું કે રાહુલ ગાંધીએ સ્વીકારી લીધું છે કે તેમણે ખોટું નિવેદન આપ્યું હતું અને ચોકીદાર ચોર છે, એવું કોર્ટે નથી કહ્યું.

આ પહેલાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણીના મામલે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી.

'ચોકીદાર ચોર હૈ' અંગેના પોતાના નિવેદન પર રાહુલ ગાંધીએ ખેદ વ્યક્ત કર્યો હતો અને સ્વીકાર્યું હતું કે સુપ્રીમ કોર્ટે નહોતું કહ્યું કે ચોકીદાર ચોર છે.

ચૂંટણીપ્રચાર દરમિયાન આવેશમાં તેમના મોંમાંથી આવું નીકળી ગયું હોવાની સ્પષ્ટતા પણ રાહુલ કરી હતી.

ભારત સહિત ઈરાન સાથે વેપાર કરતાં દેશો પર અમેરિકાના પ્રતિબંધ લાગુ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી તેલ ખરીદી રહેલા દેશોને આપવામાં આવતી છૂટછાટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

વ્હાઇટ હાઉસનું કહેવું છે કે ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને તુર્કીને મળતી છૂટ મે મહિનાના અંત સુધીમાં ખતમ કરવામાં આવશે.

આ પગલા બાદ ઉપરનાં તમામ દેશ પર અમેરિકાના પ્રતિબંધો લાગુ થશે.

ઈરાનની તેલ નિકાસ ખતમ કરવા માટે અમેરિકાએ આ નિર્ણય લીધો છે, એટલું જ નહીં અમેરિકા ઇચ્છે છે કે ઈરાનની સરકારની આવકના મુખ્ય સ્રોત પર અસર થાય.

બીજી તરફ ઈરાને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમેરિકાના પ્રતિબંધો ગેરકાયદેસર છે.

13 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશની 117 બેઠકો પર મતદાન

આજે ગુજરાત સહિત દેશનાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની 117 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાતની જનતા તમામ 26 બેઠકો માટે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ ભજવશે.

મતદાતાઓ સવારના સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકશે.

બીજા તબક્કામાં ગુજરાત (26), કેરળ (20), કર્ણાટક (15), મહારાષ્ટ્ર (14), ગોવા (2), આસામ (4), બિહાર (5), ઓડિશા (6), ઉત્તર પ્રદેશ (10), છત્તીસગઢ (7), પશ્ચિમ બંગાળ (5), દીવ અને દમણ (1), દાદરા નગર હવેલી (1), જમ્મુ-કાશ્મીર (1) બેઠકો પર મતદાન થશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં 11 તારીખના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું, જેમાં 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન થયું હતું.

બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના રોજ યોજાયું હતું, જેમાં 13 રાજ્યોની 95 બેઠકો પર મતદાન થયું હતું.

લોકશાહીના પર્વ તરીકે ઓળખાતી આ ચૂંટણીપ્રક્રિયા 19 મે સુધી ચાલશે, જ્યારે તારીખ 23 મેના રોજ પરિણામ જાહેર થશે.

તમે આ વાંચ્યું કે નહીં?

નવજોત સિં સિદ્ધુ પર 72 કલાક સુધી ચૂંટણીપ્રચાર કરવા પર પ્રતિબંધ

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર કૉંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ પર 72 કલાક સુધી ચૂંટણીપ્રચાર કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

આચારસંહિતાના ભંગ બદલ ભારતીય ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે.

નવજોત સિંહ સિદ્ધુએ બિહારના કાઠિરામાં રેલી સંબોધતા મુસ્લિમ મતદારાને કહ્યું હતું કે તેઓ સંગઠિત થઈને મત કરે અને નરેન્દ્ર મોદીને હરાવે.

તેમણે કહ્યું, "મુસ્લિમ ભાઈઓ હું તમને ચેતવવા માગુ છું કે તેઓ ઓવૈસી જેવી વ્યક્તિઓને લાવીને તમને અલગ કરવા માગે છે. તેઓ અહીં નવો પક્ષ બનાવી રહ્યા છે અને તમને અલગ કરીને જીતવા માગે છે."

ચૂંટણીપંચે સિદ્ધુના આ નિવેદનની નોંધ લેતા તેમના પર 72 કલાક માટે ચૂંટણીસભા સંબોધવા, રેલી કરવા કે ચૂંટણીપ્રચાર કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

દિલ્હી કૅપિટલે રાજસ્થાન રૉયલ્સને છ વિકેટે હરાવ્યું

સોમવારના રોજ જયપુરમાં દિલ્હી કૅપિટલ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાયેલા આઈપીએલમાં રાજસ્થાનનો પરાજય થયો છે.

પ્રથમ બૅટિંગ લઈ રાજસ્થાને 192 રન કર્યા હતા. દિલ્હીના ઑપનિંગ બૅટ્સમૅન શિખર ધવને 54 અને પૃથ્વી શૉએ 42 રન કરી ટીમને મજબૂત શરૂઆત આપી હતી.

ત્યારબાદ રિષભ પંતે 36 બૉલમાં 78 રન કરી ટીમને 19.2 ઑવરમાં જીત અપાવી હતી.

રાજસ્થાન રૉયલ્સે પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી, જેમાં ઑપનર બૅટ્સમૅન અજિંક્ય રહાણેએ 105 રન બનાવ્યા હતા, જ્યારે સ્ટીવ સ્મિથે 50 રન કરી ટીમ માટે મજબૂત સ્કૉર ઊભો કર્યો હતો.

પરંતુ દિલ્હીના શિખર ધવન અને પૃથ્વી શૉની શાનદાર બૅટિંગે રહાણેની સદી પર પાણી ફેરવી દીધું.

વારાણસીથી મોદી સામે સપાનાં શાલિની યાદવ મેદાને

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર સમાજવાદી પાર્ટીએ વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદી સામે શાલિની યાદવને ઉતાર્યાં છે.

સપાએ યૂપીની ચંદોલી બેઠક પરથી સંજય ચૌહાણનું નામ જાહેર કર્યું છે.

શાલિની યાદવ કૉંગ્રેસના પૂર્વ સાંસદ ને રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ શ્યામલાલ યાવદનાં પૂત્રવધુ છે.

શાલિની યાદવ એક દિવસ પહેલાં જ કૉંગ્રેસ છોડીને સપામાં જોડાયાં છે.

ઉલ્લેખનીય છે કે વારણસીમાં 19 મેના રોજ અંતિમ તબક્કામાં મતદાન યોજાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો